Sunday, 22 December, 2024

ભગવાન કૃષ્ણનું પ્રાકટ્ય – 2

332 Views
Share :
ભગવાન કૃષ્ણનું પ્રાકટ્ય – 2

ભગવાન કૃષ્ણનું પ્રાકટ્ય – 2

332 Views

કોઇ પણ કાર્યની પાછળ કારણ તો હોય છે જ. એ કારણ જ્ઞાત હોય અથવા અજ્ઞાત અને સામાન્ય હોય અથવા અસામાન્ય તો પણ હોય છે તો ખરું જ. ભગવાને દેવકી ને વસુદેવને પોતાનાં પૂજ્ય માતા-પિતા તરીકે પસંદ કર્યા તેની પાછળ પણ કારણ હતું. એમ કહો કે કર્મોનો અફર નિશ્ચિત નિયમ કામ કરી રહેલો. એની પાછળ જન્માંતર સંસ્કારોનો સુંદર સમુચ્ચય હતો.

ભગવાને કરેલા એના અદ્દભુત રહસ્યોદ્દઘાટન પ્રમાણે સ્વાયંભુવ મન્વંતરમાં દેવકીનું નામ પૃશ્નિ અને વસુદેવનું નામ પ્રજાપતિ સુતપા હતું. એ જન્મમાં એ બંનેનાં હૃદય અત્યંત વિશુદ્ધ હતાં. એ વખતે બ્રહ્માએ એમને સંતાનપ્રાપ્તિને માટે આદેશ આપ્યો એટલે એ આદેશને અનુસરીને એમણે તન, મન તેમ જ ઇન્દ્રિયોનો નિગ્રહ કરતાં તીવ્ર તપશ્ચર્યા કરી. શીતોષ્ણને સમાન માનીને પ્રાણાયામની સાધનાથી મનને નિર્મળ બનાવ્યું. તપશ્ચર્યાના કઠોર કાળ દરમિયાન કોઇવાર પાંદડાં ખાઇને તો કોઇવાર પવન પ્રાશન કરીને એ રહેવા માંડ્યાં. એ તપથી પ્રસન્ન થઇને ભગવાન એમની આગળ ચતુર્ભુજ સ્વરૂપે પ્રકટ થયાં ને ઇચ્છાનુસાર વરદાન માગવા માટે કહેવા લાગ્યા. વસુદેવે ને દેવકીએ એમના દેવદુર્લભ દર્શનથી આનંદ પામીને એમના જેવા પુત્રની માગણી કરી. ભગવાન એમની માગણીને માન્ય રાખીને એમની આગળથી અદૃશ્ય થયા. મનોકામનાની સિદ્ધિ થવાથી દેવકી અને વસુદેવના તપનો અંત આવ્યો.

ભગવાને દેવકી તથા વસુદેવને વરદાન તો આપ્યું પરંતુ એમના જેવો પુત્ર સંસારમાં બીજો કોણ મળે ? એ પોતે તો અનુપમ અને અનન્ય છે. એટલે પોતાના એ વરદાનના અનુસંધાનમાં એ એમના પુત્ર રૂપે અવતર્યા ને પૃશ્નિગર્ભના નામથી ઓળખાયા.

બીજા જન્મમાં દેવકી અદિતિ બની ને વસુદેવ કશ્યપ થયા. એ જન્મમાં ભગવાને પોતાના વરદાનને અનુલક્ષીને એમને ત્યાં ફરીવાર જન્મ લીધો. એ વખતે એમનું નામ ઉપેન્દ્ર પડ્યું. એમનું શરીર નાનું હોવાથી એ વામન તરીકે પણ ઓળખાયા.

એ પછીનો આ એમનો ત્રીજો જન્મ હતો. એમણે એમને એમના ચતુર્ભુજ દિવ્ય સ્વરૂપનું દર્શન આપ્યું તે એમના મૂળભૂત સ્વરૂપનું અને અગાઉના અવતારોનું સ્મરણ કરાવવા માટે. પરંતુ એ સ્વરૂપમાં કાંઇ આ પૃથ્વીપટ પર કાયમને માટે રહી શકાય ? જે જાતની વિશિષ્ટ જીવનલીલા કરવાની એમની ઇચ્છા હતી એ જીવનલીલા એવા અદ્દભુત અલૌકિક રૂપમાં રહીને ભાગ્યે જ થાય. એવા દૈવી રૂપમાં રહેવાથી બીજી ભાતભાતની સમસ્યાઓ ઊભી થાય. પૃથ્વી પર પ્રત્યક્ષ થવાનું હોય ત્યારે તો પૃથ્વીના અન્ય પુરુષોની પેઠે જ પ્રત્યક્ષ થવાનું ઉચિત લેખાય. બીજા પુરુષો કરતાં શારીરિક, માનસિક અને આત્મિક રીતે કેટલીક વિલક્ષણતાઓ હોય એ બરાબર છે પરંતુ બાહ્ય આકૃતિ તો સામાન્ય રીતે જેવી જોવા મળે છે અથવા સર્વસાધારણ લાગે છે તેવી જ હોવી જોઇએ. ભગવાનને એની માહિતી હોવાથી જ એમણે એમના એ અલૌકિક સ્વરૂપને સંકેલી લીધું ને સામાન્ય શિશુનું સ્વરૂપ ધારણ કર્યું. એમને પોતાની સમગ્ર જીવનલીલા બહારથી એક સાધારણ માનવ તરીકે રહીને અજ્ઞાત અથવા ગુપ્ત રીતે કરવાની હોવાથી એવો અભિનય આવશ્યક હતો. સામાન્ય શિશુના સ્વરૂપે પ્રકટવાને બદલે એ ચતુર્ભુજ રૂપે રહેવાનું પસંદ કરત તો કંસ તથા બીજા બધા એમને તરત જ જાણી લેત, અને એક માનવ તરીકે માનવીય અભિનયનો આધાર લેવાનું એમને માટે એકદમ અશક્ય બનત.

વસુદેવ તથા દેવકીને કંસનો ભય તો હતો જ પરંતુ ભગવાને આપેલા અકલ્પ્ય, અવર્ણનીય અનુભવથી એ ભય મોટે ભાગે હળવો બન્યો. એ પછીથી જે કાંઇ બન્યું તેમાં વસુદેવ કેવળ નિમિત્ત બની રહ્યા. એમની સમગ્ર બુદ્ધિ તથા શક્તિને, એમના તનમન અને અંતરને, સમસ્ત ઘટનાચક્રને ભગવાન જ પ્રેરી રહ્યા. ભગવાનની અચિંત્ય મહિમામયી વિશ્વવ્યાપિકા સર્વાન્તર્યામીની હૃદયનિવાસિની શક્તિએ જાણે કે એમનામાં પ્રવેશી, પ્રકટીને એમનો પૂરેપૂરો કબજો લીધો. એ કેવળ હથિયાર અથવા માધ્યમ બની રહ્યા. સમસ્ત વાયુમંડળ એમના પ્રભાવથી ભરાઇ ગયું.

વસુદેવની બેડી નીકળી ગઇ. એ નવજાત બાળકને લઇને બહાર નીકળવા તૈયાર થયા.

એ જ વખતે, લગભગ મધ્યરાત્રીના શાંત સમયે યશોદાના ઉદરથી યોગમાયાનો જન્મ થયો.

વસુદેવ તથા દેવકીના પુત્ર તરીકે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો એ શું બતાવે છે ? વસુદેવ એટલે સમસ્ત પ્રકારની સંપત્તિના સ્વામી. જીવ વસુદેવ છે, પરંતુ પોતાની સ્વાભાવિક સંપત્તિને-પોતાના મૂળભૂત સચ્ચિદાનંદ સ્વરૂપને ભૂલ્યો છે. એટલા માટે સંસારના ક્લેશકારક કઠોર કારાવાસમાં કેદ છે. એની સ્વતંત્રતા, સુખ તેમ જ શાંતિનો નાશ થયો છે. દેવકીની પણ એવી જ દયનીય દશા અથવા દુર્દશા છે. દેવકી બુદ્ધિ અથવા ચિત્તની વૃત્તિ છે. એ વિષયવતી છે. એને લીધે દુઃખ ને દૈન્યનો અનુભવ કરે છે. વસુદેવ અથવા જીવ પોતાના અસલ સ્વરૂપને ઓળખવા તૈયાર થાય, સમસ્ત પ્રકારની દૈવી સંપત્તિનો, સદ્દગુણોનો ને સાત્વિકતાનો સ્વામી બને, તથા બુદ્ધિ અથવા ચિત્તની ચંચલ વૃત્તિ પણ વિષયવતીને બદલે પરમાત્મમયી, દૈવી અથવા દેવોના દેવ પરમાત્માની બનવા તૈયાર થાય તો જીવનમાં ભગવાનના અલૌકિક અનુગ્રહનો અને એની સાથે સાથે ભગવાનનો અવતાર થતાં વાર ના લાગે. એ જીવનમાં ભગવાનનું પ્રાકટ્ય જરૂર થાય. સમસ્ત સંસારને પોતાની તરફ આકર્ષનારા, સૌને જીવન દેનારા ભગવાન કૃષ્ણ એને જરૂર કૃતાર્થ કરે. એ જીવન સફળ મનોરથ, શાંત, પ્રસન્ન ને ધન્ય બને. સંસારના કઠોર ક્લેશકારક કારાવાસનો એ પછી અંત આવે. જીવની ને બુદ્ધિની બધી જ બંધનબેડીઓ તૂટી જાય ને જીવ પૂર્ણ તથા મુક્ત થાય. વસુદેવ તથા દેવકીના નામમાંથી એ સુંદર, સારગર્ભિત, શાશ્વત ધ્વનિ ઊઠે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *