Saturday, 21 December, 2024

ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ

369 Views
Share :
ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ

ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ

369 Views

સૂર્ય ઉત્તરાયણના થતાં ભીષ્મ પિતામહે સાવધાન બનીને મનને આત્મામાં સ્થિર કર્યું. તે વખતે એ પરમપ્રકાશિત પ્રભાકરની પેઠે પ્રકાશમય દેખાયા.

એમની પાસે અનેક પ્રાતઃસ્મરણીય પરમાત્માના પરમ કૃપાપાત્ર ઋષિઓ આવી પહોંચ્યા.

એ સૌની સમુપસ્થિતિમાં એમણે શરશય્યા પર સૂતાંસૂતાં બે હાથ જોડીને વિશુદ્ધ અંતઃકરણથી ભગવાન કૃષ્ણનું ધ્યાન કર્યું અને એમની સ્તુતિ કરવા માંડી.

ભીષ્મ પિતામહની ભક્તિભાવનાને યોગબળ દ્વારા જાણી લઇને ભગવાન કૃષ્ણે એમની પાસે પહોંચીને એમને અલૌકિક આત્મજ્ઞાન પ્રદાન કર્યું.

પોતાની અસાધારણ આત્મશક્તિથી અનુગ્રહની એવી સૂક્ષ્મ વર્ષા વરસાવ્યા પછી શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરાદિ સત્પુરુષો સાથે સ્થૂળરૂપે એમની સમક્ષ ઉપસ્થિત થયા.

ભીષ્મ પિતામહે શરશય્યા પરથી ધ્યાનમગ્ન બનીને કરેલી શ્રીકૃષ્ણના સ્તુતિ અતિશય આહલાદક અને રોચક છે. એ સ્તુતિ પુરવાર કરે છે કે ભીષ્મ પિતામહ શ્રીકૃષ્ણને કેવળ માનવ નહોતા માનતા પરંતુ પરમાત્મા સમજતા હતા. એમની પ્રેમપ્રશસ્તિમાં એમની એ ભાવનાના પ્રતિધ્વનિ પડેલા છે.

એ સ્તુતિ અથવા પ્રેમપ્રશસ્તિનો આંશિક પરિચય પ્રાપ્ત કરીએ તો એ અસ્થાને નહિ લેખાય.

એ આંશિક પરિચય આ રહ્યોઃ

आरिराधयिषुः कृष्णं वाचं जिगदिषामि याम् ।
तया व्याससमासिन्या प्रीयतां पुरुषोत्तमः ॥

शुचिं शुचिपदं हंसं तत्पदं परमेष्ठिनम् ।
मुकत्वा सर्वात्मनात्मनं तं प्रपद्य प्रजापतिम् ॥

अनाद्यत् परं ब्रह्म न देवा नर्षयो विदुः ।
एकोङयं वेद भगवान् धाता नारायणो हरिः ॥ (અધ્યાય ૪૭, શ્લોક ૧૬ થી ૧૮)

य़स्मिन् विश्वानि भूतानि तिष्ठंतिच विशंतिच ।
गुणभूतानि भूतेशे सूत्रे मणिगणा इव ॥ (શ્લોક ર૧)

अतिवाप्निन्द्रकर्माणमणिसूर्यातितेजसम् ।
अतिबुद्धीन्द्रियात्मानं तं प्रपद्ये प्रजापतिम् ॥

पुराणे पुरुषं प्रोक्तं ब्रह्म प्रोक्तं युगादिषि ।
क्षये संकर्षणं प्रोक्तं तमुपास्यमुपास्मोह ॥ (શ્લોક 3૧-3ર)

ऋतमेकाक्षरं ब्रह्म यत्तत् सदसतोः परम् ।
अनादिमध्यपर्यन्तं न देवा नर्षयो विदु ॥

यं सुरासुरगंधर्वाः सिद्धा ऋषिमहोरगाः ।
प्रयता नित्यमर्चन्ति परमं दुखभेषजम् ॥

अनादिनिधनं देवमात्मयोनिं सनातनम् ॥ (શ્લોક 3પ-3૬)

यः शेते योगमास्याय पर्यके नागभूषिते ।
फणासहस्त्ररचिते तस्मै निद्रात्मने नमः ॥ (શ્લોક ૪૮)

अपुण्यपुण्योपरमे यं पुनर्भवनिर्भया ।
शांताः संन्यासिनेः यान्ति तस्मै मोक्षात्मने नमः ॥ (શ્લોક પપ)

यं न देवा न गंधर्वा न दैत्या न च दानवाः ।
तत्वतो हि विजानंति तस्मै मोक्षात्मने नमः ॥ (શ્લોક ૭૪)

यस्मिन्सर्वं यतः सर्व यः सर्वं सर्वतश्च यः ।
यश्च सर्वमयो नित्यं तस्मै सर्वात्मने नमः ॥

विश्वकर्मन् नमस्तेङस्तु विश्वात्मन् विश्वसंभव ।
अपवर्गस्थ भूतानां पंचानां परतः स्थित ॥ (શ્લોક ૮૩ – ૮૪)

नमो ब्रह्मण्देवाय गोब्राह्मणहिताय च ।
जगद्विताय कृष्णाय गोविंदाय नमोनमः ॥ (શ્લોક ૯૪)

त्वां प्रपन्नाय भक्ताय गतिमिष्टां जिगीषवे ।
य च्छ्रेयः पुंडरीकाक्षः तदधयायस्व सुरोत्तम ॥

इति विद्यातपोयोनिरयोनिर्विष्णुरीडितः ।
वाग्यज्ञेनर्चितो देवः प्रीयतां मे जनार्दनः ॥

नारायणः परं ब्रह्म नारायणः परं तपः ।
नारायणः परा देवः सर्वं नारायणः सदा ॥ (શ્લોક ૯૭ થી ૯૯)

એ શ્લોકોનો ભાવાર્થ આ પ્રમાણેઃ

શ્રીકૃષ્ણની આરાધના કરવાની ઇચ્છાથી હું જે વાણીનો ઉચ્ચાર કરું છું તે વિસ્તૃત અથવા સંક્ષિપ્ત વાણીથી પુરુષોત્તમ શ્રીકૃષ્ણ મારા પર પ્રસન્ન થાવ.

સ્વ-પર દોષથી રહિત, દોષશૂન્ય માર્ગ દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય, સર્વના કરતાં અધિક શક્તિમાન, તત્વમસિ એ મહાવાક્યના તત્ પદના અર્થભૂત-ઇશ્વર, સર્વના આત્મારૂપ તથા હિરણ્યગર્ભ સ્વરૂપ શ્રીકૃષ્ણને સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીરના અહંભાવનો ત્યાગ કરીને હું શરણે જઉં છું.

આદિ તથા અંતરહિત જે પરબ્રહ્મને દેવો કે ઋષિઓ જાણતા નથી તે પરબ્રહ્મને સર્વના ઉત્પાદક તથા સંહારક ભગવાન નારાયણ જાણે છે.

સર્વ ભૂતોના નિયંતા એવા જે પરમાત્મામાં માળાના મણકાઓ જેમ સૂત્રમાં ગૂંથાઇને રહે છે તેમ સત્વાદિ ગુણવાળા આ સર્વ સ્થાવર જંગમ ભૂતસમુદાયો રહેલા છે, તથા અંતે-સૃષ્ટિના પ્રલય સમયે, તે પરમાત્મામાં લીન થઇ જાય છે.

વાયુ તથા ઇન્દ્રના કરતાં પણ અધિક પરાક્રમી, સૂર્યના કરતાં પણ અધિક તેજસ્વી અને બુદ્ધિ, ઇન્દ્રિય તથા મનથી અગોચર એવા પ્રજાપતિ શ્રીકૃષ્ણને હું શરણે જાઉં છું.

જેને સૃષ્ટિના આરંભમાં ‘પુરુષ’ નામથી તથા બ્રહ્મ નામથી કહ્યા છે, તથા સૃષ્ટિના પ્રલય સમયે સંકર્ષણ નામથી વર્ણવ્યા છે તે ઉપાસના કરવા યોગ્ય શ્રીકૃષ્ણ ભગવાનની અમે ઉપાસના કરીએ છીએ.

સત્યસ્વરૂપ, કાર્યકારણથી પર, આદિ, મધ્ય અને અંતથી રહિત તથા એકાક્ષર બ્રહ્મ સ્વરૂપ જે ભગવાનને દેવો તથા ઋષિઓ પણ જાણી શકતા નથી તેને શરણે જાઉં છું.

દુઃખના પરમ ઔષધરૂપ, આદિ અને અંતરહિત, સ્વયંભૂ તથા સનાતન એવા જે દેવની દેવો અસુરો, ગંધર્વો, સિદ્ધો ઋષિઓ અને નાગરાજાઓ પ્રયત્નશીલ થઇને નિત્ય પૂજા કર્યા કરે છે, તે દેવને હું શરણે જઉં છું.

જે યોગની ધારણા કરીને હજારો ફણાઓથી યુક્ત શેષનાગરૂપી ભવ્ય પલંગ પર શયન કરે છે તે નિદ્રાત્મા ભગવાનને હું નમસ્કાર કરું છું.

પુણ્યપાપની નિવૃત્તિ થઇ ગયા પછી પુનર્જન્મના ભયથી મુક્ત થયેલા શાંત સંન્યાસીઓ જેને પામે છે તે મોક્ષરૂપ પરમાત્માને હું નમસ્કાર કરું છું.

દેવો, ગંધર્વો, દૈત્યો કે દાનવો જેને યથાર્થ રીતે જાણી શક્તા નથી તે સૂક્ષ્મમૂર્તિ પરમાત્માને હું નમન કરું છું.

જેનામાં આ સર્વ જગત નિવાસ કરી રહ્યું છે, જેનાથી સર્વ જગતની ઉત્પત્તિ થાય છે, જે સર્વસ્વરૂપ છે, જે સર્વત્ર વ્યાપક છે, જે નિત્ય સર્વમય છે, તે સર્વસ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરું છું.

હે વિશ્વસૃષ્ટા ! હું તમને નમસ્કાર કરું છું. હે વિશ્વાત્મન્ ! હે વિશ્વોત્પાદક ! હે મોક્ષસ્વરૂપ ! હે પાંચેય ભૂતોથી પર રહેલા ! તમને હું નમસ્કાર કરું છું.

હે કમળ સમાન નેત્રવાળા ઉત્તમદેવ ! હું આપનો ભક્ત છું. ઇષ્ટગતિ મેળવવા ઇચ્છું છું અને આપને શરણે આવેલો છું. માટે મારા શ્રેયસ્કર માર્ગનું તમે ચિંતન કરો.

આ રીતે વિદ્યા અને તપના કારણભૂત શ્રી વિષ્ણુનું મેં સ્તવન કર્યું છે, તથા વાણીરૂપી યજ્ઞ દ્વારા પૂજન કર્યું છે. તેથી જનાર્દન શ્રી વિષ્ણુદેવ મારા પર પ્રસન્ન બનો.

નારાયણ પરબ્રહ્મસ્વરૂપ છે. નારાયણ જ પરમદેવ છે, તથા સર્વદા સર્વવસ્તુ નારાયણસ્વરૂપ જ છે.

ગાયો, બ્રાહ્મણો તથા સર્વજગતનું હિત કરનાર, વેદવાણીનું રક્ષણ કરનાર તથા બ્રહ્મનિષ્ઠ જ્ઞાની પુરુષોના પરમ ઇષ્ટદેવ શ્રીકૃષ્ણને મારા અનેકવાર નમસ્કાર હો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *