Sunday, 22 December, 2024

ભગવાનનું પ્રાકટ્ય

342 Views
Share :
ભગવાનનું પ્રાકટ્ય

ભગવાનનું પ્રાકટ્ય

342 Views

 અને ખરેખર થયું પણ એવું જ. કશ્યપ મુનિની અનુભવપૂર્ણ વિશ્વસનીય વાણી સાચી ઠરી. એમના પથપ્રદર્શન પ્રમાણે અદિતિએ શ્રદ્ધા, ભક્તિ તથા સંયમશુદ્ધિથી સંપન્ન બનીને એ વ્રતનો આધાર લીધો. એણે પોતાની મનોવૃત્તિને ભગવાનના સ્વરૂપમાં ભારે ભક્તિપૂર્વક લગાડી દીધી. એના પરિણામે વ્રતની પરિસમાપ્તિ થતાં ભગવાન એની આગળ એમના અલૌકિક સુધામય સ્વરૂપ સાથે પ્રકટ થયા. પીતાંબર ધારેલા શંખ, ચક્ર, ગદા તથા પદ્મવાળા વિષ્ણુ ભગવાનના ચારુ ચતુર્ભુજ રૂપને નિહાળીને અદિતિ અતિશય આનંદ પામી. એનું શરીર પુલકિત બન્યું અને એની આંખ અશ્રુથી છલકાઇ ઊઠી. એણે એમની સ્તુતિ કરવાનો અથવા એમનો આભાર માનવાનો પ્રયાસ કરી જોયો પણ તે નિરર્થક નીવડ્યો. એનાથી સ્તુતિ થઇ જ ના શકી. કંઠ ગદ્દગદ્દ બની ગયો અને અંતર અત્યંત ભાવવિભોર થઇ રહ્યું.

થોડાક વખત સુધી એવી મંત્રમુગ્ધ દશામાં રહ્યા પછી છેવટે એની બાહ્ય ચેતના કામે લાગી અને એણે સ્તુતિ કરી. દર્શનનો અનુભવ સાધક સાધિકાના જીવનનો પરમધન્ય અલૌકિક અનુભવ હોય છે. એની ધન્યતા કે અલૌકિકતાને સામાન્ય વાણી કેવી રીતે વર્ણવી શકે ? જેને એ અદ્દભુત આનંદદાયક અનુભવનો આસ્વાદ મળે છે એ જ એને ઓછાવત્તા પ્રમાણમાં માણી શકે છે ને કૃતકૃત્ય બને છે. બીજાએ તો એવી કૃતકૃત્યતા માટે પ્રેમપૂર્વક પ્રાર્થના કરવાની જ રહે છે કે હે પ્રભુ, અમારા જીવનને પણ તમારી કૃપાથી કૃતાર્થ બનાવો. તમારા દૈવી દર્શનનો અમૂલખ લાભ અમને ક્યારે મળશે ? તમારા દૈવી દર્શનાનંદથી આંખ અને અંતર આનંદમગ્ન ક્યારે બનશે ? શ્રવણ તમારા સ્વર્ગીય સંગીતશ્રવણથી અને શરીર દિવ્ય સંસ્પર્શથી ક્યારે પુલકિત થશે ? મારામાં વ્રત કે તપની તાકાત નથી. તમારી અહેતુકી કૃપાનો જ મારે આધાર છે. તો એ કૃપા વહેલી તકે કરી દો. હવે વાર ના લગાડો.

અદિતિની પ્રાર્થનાથી ભગવાને પ્રસન્ન થઇને એને આશ્વાસન આપતાં જણાવ્યું કે તારા પયોવ્રતથી હું પ્રસન્ન બનીને તારી આગળ પ્રકટ થયો છું. તારી મનોકામનાને હું જાણી ચૂક્યો છું. તારા પુત્રો મિથ્યાભિમાની મદોન્મત અસુરોને સંગ્રામમાં હરાવીને રાજ્યશ્રીની પ્રાપ્તિ કરે એવી તારી આકાંક્ષા છે. એમના સ્વર્ગાધિકારને, ઐશ્વર્યને, સુખને અને ઉજ્જવળ યશને જોવાની કામનાથી પ્રેરાઇને જ તે વ્રત કર્યું છે. પરંતુ તારે ને તારા પુત્રોએ હજુ થોડી પ્રતીક્ષા કરવી પડશે. એ પછી જ તારી મનોકામના પૂરી થશે. હું સુયોગ્ય સમય પર તારા પુત્રરૂપે પ્રકટ થઇને તારી સઘળી ઇચ્છા પૂરી કરીશ.

એટલું કહીને ભગવાન અદૃશ્ય થઇ ગયા. અદિતિ એ અલૌકિક અનુગ્રહપ્રધાન અનુભવથી ધન્ય બની. ભગવાનના સૂચવ્યા પ્રમાણે એ કશ્યપની સંપૂર્ણ નિષ્ઠા તથા શ્રદ્ધાપૂર્વક સેવા કરવા લાગી.

સુયોગ્ય સમય આવી પહોંચતાં ભગવાન અદિતિની આગળ ચતુર્ભુજ સ્વરૂપે પ્રકટ થયા. એમણે શંખ, ચક્ર, ગદા તથા પદ્મને ધારણ કરેલાં તેમ જ પીતાંબર પહેરેલું. એમના કંઠમાં કૌસ્તુભમણિ અને વરમાળા શોભી રહેલી. એમની આજુબાજુ બધે જ પ્રસરી રહેલી શરીર કાંતિથી કશ્યપના આવાસનો અંધકાર દૂર થઇ ગયો. ચારેકોર પ્રકાશ પથરાઇ રહ્યો. એ વખતે ભાદ્રપદ શુકલ દ્વાદશીનો પવિત્ર દિવસ હતો. અભિજિત મુહૂર્ત હતું, અને શ્રવણ નક્ષત્ર. જન્મ સમયે સૂર્ય આકાશના મધ્યભાગમાં હતો.

ભગવાનના એ અલૌકિક સ્વરૂપને નિહાળીને અદિતિ અને કશ્યપ બંને આશ્ચર્યચકિત અને આનંદમગ્ન બની ગયાં. ભગવાને એ બંનેના દેખતાં દેખતાં જ પોતાની વિરાટ યોગશક્તિના પ્રભાવથી સ્વલ્પ સમયમાં જ વામનરૂપ ધારણ કરી લીધું. એમને જીવન દરમિયાન લોકોત્તર લીલા કરવાની હતી એ લીલા દિવ્ય ચતુર્ભુજ સ્વરૂપથી થાય તેમ ના હોવાથી વામનરૂપને ધારણ કર્યા સિવાય છુટકો જ નહોતો. પોતાની ઇચ્છાનુસાર શરીર ધારવાની શક્તિ તો એમનામાં હતી જ. એ તો સર્વસમર્થ અને સત્ય સંકલ્પ હતા. એક પ્રકૃતિનો અધીશ્વર સિધ્ધ યોગી પણ પોતાની સ્વતંત્ર ઇચ્છા પ્રમાણે શરીરને ધારે છે તેમજ ત્યાગે છે તો એ તો યોગીઓના યોગી સાક્ષાત્ ભગવાન હતા. એમને માટે શું મુશ્કેલ હોય ? કશું જ નહિ.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *