Sunday, 22 December, 2024

ભીમનો બચાવ

401 Views
Share :
ભીમનો બચાવ

ભીમનો બચાવ

401 Views

Duryodhana prepared a special place where he invited Pandavas. Duryodhana also orderded to prepare special food for Bhima, in which he mixed poison. After play when everybody got together, Duryodhana fed Bhima with the poisionus food. Bhima became unconscious. Duryodhana with the help of his brothers, tied Bhima and threw him in deep water.

For hungry snakes in the water, it was a feast. But due to their bites Bhima’s poison got nullified. He then caught and defeated all the snakes. The chief of snakes, then blessed him with nectar, drinking which Bhima got power equivalent to ten thousand elephants. Bhima safely returned to Hastinapur. With the passage of time, sibling rivalry grew.

 
ઉદ્યાનવન પાસે પહોંચીને તેમણે મહાજનોને વિદાય કર્યા. પછી સિંહો જેમ પર્વતની ગુફામાં પ્રવેશે તેમ તે વીરોએ તે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. ફુવારાઓ તેમ જ સંચારમાર્ગોથી શોભતા, રાજસેવકોએ સાફ કરેલા, ચિત્રિત બનાવેલા ઉદ્યાનને સૌ જોવા લાગ્યા. છલોછલ ભરેલાં જલાશયો અને કમળોથી ઢંકાયેલું તેનું પાણી શોભી રહ્યું હતું. ઋતુઋતુનાં પુષ્પોથી ધરતી છવાઇ ગઇ હતી. સૌ એની અંદર ગયા, અને ત્યાંના વિવિધ પદાર્થોને ભોગવવા લાગ્યાં. તેઓ એકબીજાનાં મોંમાં ખાવાના પદાર્થ મૂકવા લાગ્યા.

તે વખતે ભીમસેનને મારી નાખવાની ઇચ્છાથી દુર્યોધને ખાવાના પદાર્થમાં કાલકૂટ વિષને ભેળવ્યુ. અંતરમાં અસ્ત્રા જેવો ને વાણીમાં અમૃત જેવો દુર્યોધન જાતે ઊઠયો ને ભીમસેનને ભાઇ તથા મિત્રની જેમ ઘણો આગ્રહ કરીને ઝેર ભેળવેલા પદાર્થોને ખવડાવવા લાગ્યો. તેમાં રહેલા દોષને ના જાણવાથી ભીમ તે ખોરાકને પ્રસન્નતાથી ખાઇ ગયો. દુર્યોધન મનમાં હસીને પોતાને સફળ મનોરથ માનવા લાગ્યો.

તે પછી પાંડવો અને કૌરવો પ્રસન્ન મને જલક્રીડા કરવા લાગ્યા. જલક્રીડા પૂરી થતાં તેમણે વસ્ત્રો અને અલંકારોને ધારણ કર્યા. વિહાર કરીને વીરો થાકી ગયા એટલે સૂર્યાસ્ત થતાં તેમણે તે વિહારગૃહોમાં જ રહેવાનું પસંદ કર્યું. તે વખતે વ્યાયામથી અધિક થાકેલો ભીમ જલક્રીડા માટે આવેલા કુમારોને બહાર મૂકી ગયો અને પોતે તે જ સ્થળમાં આવીને સૂઇ ગયો. થાકી ગયેલો, મદોન્મત્ત બનેલો અને સર્વાંગે વિષ વ્યાપેલો ભીમ ઠંડો પવન લાગતાં જડ જેવો થઇ ગયો. પછી દુર્યોધને પોતે તે મરેલા જેવા ભીમને લતાઓની રસીઓથી બાંધ્યો અને તે જ જગ્યાએથી પાણીમાં ગબડાવી મૂક્યો.”

“બેભાન થયેલો ભીમ જલને તળિયે પહોંચ્યો ત્યાં નાગભવનમાં તેણે નાગકુમારોને છૂંદી નાંખ્યા એટલે ભયંકર વિષવાળા, મોટી દાઢવાળા અને બળતા ઝેરવાળા અનેક નાગોએ ટોળે વળીને ભીમને ડંખ દીધા એટલે સ્થિર થયેલું કાલકૂટ વિષ સર્પના વહેતા વિષથી ઊતરી ગયું. તે દાઢવાળા સર્પોના દાંતો તેના મર્મભાગ ઉપર પડયા હતા તોપણ તેની વિશાલ છાતીની દૃઢતાને લીધે તેની ચામડીને પણ ભેદી શક્યા નહોતા. ઝેર ઊતરવાથી ભીમ જાગી ગયો. તેણે સર્વ બંધનોને છેદી નાંખ્યા. અને તે સર્વ સર્પોને પકડીને પછાડવા લાગ્યો.

કેટલાક સર્પો ભયભીત થઇને ભાગી છૂટયા. બાકીના સૌ વાસુકિ નાગ પાસે દોડી ગયા. તેઓ સર્પરાજ વાસુકિને કહેવા લાગ્યા કે કોઇએ આ માણસને બાંધીને પાણીમાં ધકેલી દીધો હતો. અમને લાગે છે કે તે વિષ પી ગયો છે. અમે એને નિશ્ચેષ્ટ અવસ્થામાં જોયો હતો. અમે એને ડસ્યા એટલે એ જાગી ઊઠયો અને ભાનમાં આવી ગયો. પછી નાગોની સાથે વાસુકિ ત્યાં આવ્યો. પ્રખર પરાક્રમવાળા મહાબાહુ ભીમને જોવા લાગ્યો. કુન્તીના માતામહ આર્યક નામના નાગરાજે પણ તેને જોયો. તેણે તેને ગાઢ આલિંગન કર્યું. વાસુકિ પણ તેના ઉપર પ્રસન્ન થયો. પાંડુપુત્ર ભીમ વાસુકિના આદેશથી કુંડમાના અમૃતને પીવા લાગ્યો. એના પાનથી સહસ્ત્ર હાથીનું બળ મળતું. ભીમ એ રીતે આઠ કુંડાં ગટગટાવી ગયો. પછી નાગોએ આપેલા દિવ્ય શયનમાં સુખપૂર્વક સૂઇ ગયો.”

કૌરવો તથા પાંડવો રથો, હાથીઓ, ઘોડાઓ અને અન્ય અનેક વાહનોમાં બેસીને ભીમ વિના હસ્તિનાપુર જવા નીકળ્યા. કેટલાકે ભીમ આગળ ગયો છે એવું માની લીધું.

હસ્તિનાપુરમાં પહોંચ્યા પછી ભીમને ના જોવાથી તેમના દુઃખનો ને સંશયનો પાર રહ્યો નહીં.

કુંતી પણ દુઃખમાં ડૂબી ગઇ. એણે વિદુરને કહ્યું કે ભીમ સદા દુર્યોધનની આંખમાં ખૂંચી રહ્યો છે. દુર્યોધન દુષ્ટબુદ્ધિ, ક્રુર, ક્ષુદ્ર, રાજ્યલોભી ને નિર્લજ્જ છે. એણે ભીમને મારી નાખ્યો હશે ? મારું મન એના વિચારથી બહાવરું બન્યું છે ને કાળજું બળી રહ્યું છે.

વિદૂરે એને આશ્વાસન આપ્યું.

આઠમા દિવસે ભીમ જાગ્યો ત્યારે અમૃતરસનું પાચન થવાથી અજોડ બળવાળો બની ગયેલો.

સર્પોએ એને આશીર્વાદ આપતાં જણાવ્યું કે તું દસ હજાર હાથીના જેવો બળવાન બનશે ને યુદ્ધમાં અજય રહેશે.

અનેક અલૌકિક અલંકારોથી અલંકૃત થઇને એમની અનુજ્ઞા મેળવીને ભીમ એમની સક્રિય સહાયથી છેવટે હસ્તિનાપુરમાં આવ્યો ત્યારે સૌને શાંતિ થઇ.

ભીમે સૌને પોતાની આપવીતી કહી સંભળાવી. યુધિષ્ઠિરે સૌને શાંત અને સાવધાન રહેવાની સલાહ આપી.

પરંતુ દુર્યોધન તો પાંડવોને પજવવા કૃતનિશ્ચય હતો. એણે થોડા વખત પછી યુધિષ્ઠિરના પ્રિય સારથિનો નાશ કરાવ્યો. વળી ભીમને ભોજનમાં નવું, તીક્ષ્ણ, જલદ કાલકૂટ વિષ અપાવ્યું. પાંડવોને યુયુત્સુ દ્વારા તેની માહિતી મળી.

ભીમ પોતાની અપવાદરૂપ અનંત શક્તિથી તે વિષને કોઇ પણ પ્રકારના નુકસાન કે વિકાર વિના પચાવી ગયો. એ વિષ એનો વાળ પણ વાંકો ના કરી શક્યું.

દુર્યોધન, કર્ણ તથા શકુનિ બીજા કૌરવોની સાથે મળીને પાંડવોને હાનિ પહોંચાડવા અને હણવા પ્રયત્નો કરતા રહેતા પરંતુ સફળ નહોતા થતા. તેમના મનની મુરાદ મનમાં જ રહી જતી. પાંડવોની અજબ રીતે રક્ષા થતી. એ બધું જાણીને પાંડવોને દુઃખની તેમજ ક્રોધની લાગણી થઇ આવતી, પરંતુ વિદુરની સલાહને અનુસરીને તે પોતાના પ્રતિકૂળ મનોભાવોને પ્રગટ કર્યા સિવાય શાંત જ રહેતા.

દુર્યોધનાદિ કૌરવોના કાયમ માટેના દુર્વ્યવહારને લીધે કુટુંબમાં કટુતા, કલેશ અથવા વૈમનસ્યનાં વિનાશબીજ વવાયલાં. તે એમનું આગળનું કાર્ય કર્યે જતાં.

રાજા ધૃતરાષ્ટ્રે તેમના શિક્ષણ માટે કૃપાચાર્યને નિયુક્ત કર્યા.

દુર્યોધનનો દુર્બુદ્ધિયુક્ત દુર્વ્યવહાર દિનપ્રતિદિન વધતો જ ગયો. મહાભારતના મહાગ્રંથની મદદથી એનું ક્રમિક અવલોકન કરી શકાશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *