Sunday, 22 December, 2024

ભીષ્મના મરણનું રહસ્ય

392 Views
Share :
ભીષ્મના મરણનું રહસ્ય

ભીષ્મના મરણનું રહસ્ય

392 Views

{slide=Bhishma’s secret}

Every living creature fights for its survival. Humans are no exception. However, Bhishma was  made of a different mettle. One could never imagine in their wild dream that invincible Bhishma could reveal the secret, which would bring an end to his life, to someone fighting in the enemy camp. Yet, that was what exactly happened.

For Pandavas, Bhishma was a prime hurdle on their way to victory. At the end of the day’s war Yudhisthir, along with Krishna and other Pandavas, approached Bhishma and sought his advise on how Pandavas could possibly defeat them in the battlefield. Bhishma mentioned that until he was leading the Kauravas army, Pandavas had no chance to win, which meant that for Pandavas to win, he must fall. Bhishma revealed that he would never fight with one who is without arms, who is injured, who is running away from the battlefield or who is female in present or even in his past birth. Bhishma further revealed to Yudhisthir that in Pandavas camp, Shikhandi was female in his previous birth. If Shikhandi would come and fight with him, he would not reciprocate and would give up his arms. Pandavas can use that opportunity and kill him. That was the only way for Pandavas victory against Kauravas.

Yudhisthir saluted Bhishma for his invaluable advise and left for their camp.

મહાભારતનાં કેટલાંક પાત્રો અતિશય પ્રાણવાન, પરમપ્રતાપી અને અદભુત વ્યક્તિત્વવાળાં છે.

ભીષ્મપિતામહનું પરમ તેજસ્વી પાત્ર એમાંનું એક છે. એ પાત્ર ખૂબ જ પ્રેરક છે.

સામાન્ય રીતે માનવમાત્રમાં જિજીવિષા રહેલી હોય છે. એને વધારે ને વધારે જીવવાનું ગમે છે. કોઇ એને મારે એ એને પસંદ પડતું નથી, અને પોતાને મારવા માંગનારની આગળ એ પોતાના મૃત્યુનો માર્ગ ભાગ્યે જ મોકળો કરતો દેખાય છે. પોતાના વ્યકતિગત વિનાશ કે મૃત્યુના રહસ્યનું ઉદઘાટન એ બીજાની આગળ ભાગ્યે જ કરતા હોય છે. એથી ઊલટું, મૃત્યુના રહસ્યને કે ઉપાયને જાણતો હોય તોપણ એ બીજાથી ગુપ્ત રાખે છે. એ સંદર્ભમાં ભીષ્મપિતામહનું વ્યક્તિત્વ અતિશય વિલક્ષણ છે. એ પોતાના મૃત્યુના રહસ્યને જાણતા હતા. એમના વિના એની માહિતી કોઇને નહોતી મળી. તોપણ યુધિષ્ઠિરાદિ એમની પાસે પહોંચ્યા ત્યારે એમણે એમની આગળ એનું ઉદઘાટન કર્યું. જેને મરણનો લેશપણ ભય ના હોય તથા જીવનનો રાગ ના હોય, અને જે શરણાગતવત્સલ હોય, તે જ તેવું કરી શકે. ભીષ્મપિતામહની એ કથાથી સુપરિચિત થવા માટે ભીષ્મપર્વના 107મા અધ્યાયનું અવલોકન કરી જઇએ.

ભીષ્મપિતામહના ત્રાસથી ભય પામીને યુધિષ્ઠિરનું સૈન્ય વિહવળ થયું હતું અને હથિયાર છોડીને નાસવા માંડતું હતું. મહારથી ભીષ્મ અત્યંત કોપાયમાન થઇને તે સૈન્યને પીડતા હતા.

એ બધું જોઇ-વિચારીને રાજા યુધિષ્ઠિરે પોતાના સૈન્યને પાછા વાળવાનું પસંદ કર્યું.

સંગ્રામમાં ઘાયલ થયેલા સર્વ મહારથીઓ પોતપોતાનાં સૈન્યોને પાછાં વાળીને વિશ્રાંતિ લેવા લાગ્યા. પરંતુ તે દિવસના યુદ્ધમાં ભીષ્મપિતામહના અદભુત પરાક્રમનો વિચાર કરતા અને તેમનાં બાણોથી પીડિત થયેલા પાંડવયોદ્ધાઓને તે સમયે શાંતિ વળી નહીં.

તે સર્વ વીરો તે પ્રસંગે પોતાને માટે શું શ્રેયસ્કર થઇ પડશે તેનો વિચાર કરવા લાગ્યા. યુધિષ્ઠિરે ખૂબ જ વિચાર કરીને કૃષ્ણને ઉદ્દેશીને કહ્યું કે ભયંકર પરાક્રમને કરવાવાળા શૂરવીરશ્રેષ્ઠ ભીષ્મને તો જુઓ. હાથી જેમ ઘાસના વનને કચરી નાંખે છે તેમ એ મારા સૈન્યને કચરી નાખે છે. ક્રોધાયમાન થયેલા યમને, વજ્રધારી ઇન્દ્રને, પાશધારી વરૂણને, ગદાધારી કુબેરને યુદ્ધમાં જીતી શકાય, પણ હાથમાં ધનુષ્ય લઇને અત્યંત ક્રોધપૂર્વક તીવ્ર બાણોને છોડતા ભીષ્મને જીતવા શક્ય નથી.

ભીષ્મપિતામહે મને વચન આપ્યું છે કે હું તને યોગ્ય સલાહ આપીને સહાય કરીશ પણ તારે માટે યુદ્ધ નહીં કરું. તેમનું એ વચન હોવાથી તે મને સારી સલાહ આપશે. આપણે બધા એકત્ર થઇને તેમની પાસે જઇએ અને એમનો પોતાનો વધ શી રીતે થાય એ વિશે તેમને જ પૂછીએ. અમારા પિતા જ્યારે મરણ પામ્યા અને અમે બાળક હતા ત્યારથી જ તેમણે એમને ઉછેરીને મોટા કર્યા છે.

શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરના વિચારને માન્ય રાખ્યો એટલે પાંડવો શ્રીકૃષ્ણ સાથે મળીને ભીષ્મપિતામહ પાસે પહોંચ્યા. ભીષ્મના તંબૂ પાસે આવીને તેમણે પોતાનાં શસ્ત્રોને છોડી દીધાં અને અંદર દાખલ થઇને મસ્તક નમાવીને પ્રણામ કર્યા.

ભીષ્મે તેમને સત્કારીને કહ્યું કે બોલો મારે તમારી પ્રીતિને વધારનારું કયું કાર્ય કરવાનું છે ? તમારું અતિ દુષ્કર કાર્ય હશે તોપણ હું સંકોચ સિવાય કરી શકીશ.

યુધિષ્ઠિરે દીન થઇને પૂછયું કે હે સર્વજ્ઞ ! અમારો જય કેવી રીતે થાય ? અમને શું કરવાથી રાજ્ય મળે ? વળી તમે પોતે જ તમારા નાશનો ઉપાય કહી બતાવો. તમે બાણોનો વરસાદ વરસાવીને યુદ્ધમાં કેર વર્તાવી દીધો છે, અને મારી મોટી સેનાનો નાશ કરી નાખ્યો છે. માટે શું કરવાથી યુદ્ધમાં અમે તમને જીતી શકીએ, રાજ્યને પુનઃ પ્રાપ્ત કરી શકીએ, અને મારા સૈન્યનું કલ્યાણ થાય તે મને જણાવો.

ભીષ્મે યુધિષ્ઠિરની જિજ્ઞાસાના જવાબમાં જણાવ્યું કે જો હું હાથમાં ઉત્તમ ધનુષ્યને અને શસ્ત્રોને લઇને રણસંગ્રામમાં સજ્જ થયો હોઉં તો ઇન્દ્ર સહિત દેવો અને અસુરો પણ મને જીતી શકે નહીં. પણ જો હું શસ્ત્રોનો ત્યાગ કરું તો આ મહારથીઓ મારો નાશ કરી શકે. જેણે શસ્ત્રોને ફેંકી દીધાં હોય, જે રણભૂમિ પર પડી ગયો હોય, જેણે પોતાના કવચને તથા ધ્વજાને ઉતારી નાખ્યાં હોય, જે રણમાંથી નાસી જતો હોય, જે ભયભીત થયો હોય, જે મારે શરણે આવ્યો હોય, જે સ્ત્રી હોય અથવા સ્ત્રીના નામને ધારણ કરવાવાળો હોય, જે મૂર્છિત થયેલો હોય, જે એક પુત્રવાળો હોય, જે દુષ્ટ હોય એની સાથે યુદ્ધ કરવાનું મને નથી ગમતું. વળી અમાંગલિક ધ્વજાવાળા પુરુષને જોઇને હું કદી લડતો નથી. તમારા સૈન્યમાં શિખંડી નામે દ્રુપદરાજનો જે મહારથી પુત્ર છે, તે યુદ્ધમાં જય મેળવનાર, શૂરવીર અને અસહિષ્ણુ છે. શિખંડી પૂર્વે સ્ત્રી હતો અને આ જન્મમાં પુરુષપણાને પ્રાપ્ત થયો છે. એ શિખંડીને રણમાં પોતાની આગળ કરીને તીક્ષ્ણબાણથી અર્જુન મારા પર પ્રહાર કરે. અમાંગલિક ધ્વજાવાળા તથા વિશેષ કરીને પૂર્વજન્મમાં સ્ત્રી તરીકે જન્મેલા એ શિખંડી પર હું હાથમાં ધનુષ લઇને કદી પણ પ્રહાર કરવા નહીં ઇચ્છું. આ સમયનો લાભ લઇને પાંડુપુત્ર ધનંજય એકદમ ચારે બાજુથી બાણો વડે ભલે પ્રહાર કરે. મહાભાગ શ્રીકૃષ્ણ અથવા પાંડુપુત્ર અર્જુન સિવાય એવો કોઇ પણ પુરુષ આ ત્રણે લોકમાં મારા જોવામાં આવતો નથી, જે યુદ્ધમાં સજ્જ થયેલા મને હણી શકે. માટે શિખંડીને અથવા એ સિવાયના બીજા કોઇ અનુકૂળ પુરુષને આગળ કરીને અર્જુન શસ્ત્રસજ્જ થઇને અને હાથમાં ઉત્તમ ધનુષ્યને ધારણ કરીને ભલે મને મારી નાખે. એમ કરવાથી જ તમારો જય થશે. એમ કરવાથી યુદ્ધમાં તમારી સામે આવેલા સર્વ કૌરવોનો પણ સંહાર કરી શકાશે.

પાંડવો ભીષ્મપિતામહને વંદીને પોતાની છાવણી તરફ ગયા.

એમને ભીષ્મને માટે અભૂતપૂર્વ માન પેદા થયું. વાહ ભીષ્મપિતામહ ! આવું કઠોર કાર્ય તમારા સિવાય બીજું કોણ કરી શકે ?

કૃષ્ણે પાંડવોને પ્રેરણા તથા ઉત્સાહ આપીને એમને યુદ્ધ માટે તૈયાર કર્યા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *