Sunday, 8 September, 2024

ભીષ્મની ગુણદર્શિતા

234 Views
Share :
ભીષ્મની ગુણદર્શિતા

ભીષ્મની ગુણદર્શિતા

234 Views

Pandavas were once playing outside when their ball fell into a well. They tried their best but could not get the ball out of the well. Drona was looking at the whole event with great interest. When Pandavas lost hope of getting a ball from well, Drona said, ‘O offsprings of Great Bharata, its shame that you can not take a ball out of a well.’ Drona, with his great skill got the ball out. Pandavas asked for his introduction but he requested to allow himself to introduce before Bhishma. Bhishma immediately recognized him and appointed him as a teacher of Pandavas and Kauravas.

Bhishma himself was a great archer and an unparalled warrior of that time, yet he recognized the extraordinary skills of Drona and appointed him as instructor of princes. Drona accepted them as his disciples. Besides that Drona was given a good place to stay and an equally good remuneration. This itself is an ample evidence of Bhishma’s greatness. He was quick to recognize other’s talents and to appropriately reward them.  

માનવીની અસાધારણતા, લોકોત્તરતા કે ગુણવત્તા કાંઇ કાયમ માટે છૂપી રહી શકે છે ? માનવ ગુપ્તરૂપે રહેતો હોય કે રહેવા માગતો હોય તોપણ એની ગુણવત્તા અથવા વિશિષ્ટતા સુદીર્ઘ સમય સુધી ગુપ્ત  નથી રહી શકતી. સંગપ્રસંગે, એક અથવા બીજા નિમિત્તથી તે પ્રગટે છે, પ્રત્યક્ષ બને છે, કે પાંગરે છે. અભ્રના આવરણ પાછળનો ચંદ્ર કયાં સુધી છૂપો રહી શકે ? શેવાળથી વચગાળાના વખતને માટે ઢંકાયેલું પાણી કાંઇ કાયમ કાજે ઢંકાયલુ રહી શકે ? અજાના જૂથની વચ્ચે વસનારો સિંહ ક્યાં સુધી અજ્ઞાત રહે ? દ્રોણની અસાધારણ પ્રતિભા પણ વધારે વખત સુધી અદૃષ્ટ અથવા અપરિચિત રહી શકી નહીં. એમનું વિરાટ વ્યક્તિત્વ મેઘમંડળને ભેદીને બહાર નીકળનારા, એને મંડિત કરનારા, મેઘધનુની પેઠે પ્રત્યક્ષ બન્યા વિના રહી શક્યું નહીં. એના પરિણામે અનેકનું હિત સધાયું.

એકવાર પાંડવો હસ્તિનાપુરની બહાર નીકળીને ગિલ્લીદંડા રમતાં બધે સ્વેચ્છાપૂર્વક ફરવા લાગ્યા.

ગિલ્લીદંડાની રસપૂર્ણ રમત રમતાં તેમની ગિલ્લી કૂવામાં પડી ગઇ.

એમના રંગમાં એવી રીતે એકાએક ભંગ પડ્યો.

ગિલ્લીને કૂવામાંથી બહાર કાઢવા માટે એમણે બનતા બધા પ્રયત્નો કરી જોયા પરંતુ તે પ્રયત્નો સફળ થયા નહીં ત્યારે એ એકદમ નિરાશ થઇ ગયા.

એમની સઘળી ચેષ્ટાઓને દ્રોણ પાસે ઊભા રહીને જોઇ રહેલા. એ મંદમંદ સ્મિત કરીને કહેવા માંડયા કે તમારા ક્ષાત્રબળને તથા તમારી અસ્ત્રસિદ્ધિને ધિક્કાર છે. ભરતના વિખ્યૈત વંશમાં જન્મવા છતાં એક સાધારણ ગિલ્લીને કૂવાની બહાર કાઢી શકતા નથી ? હું ગિલ્લી તથા વીંટી બંનેને તણખલાંની સળીઓની મદદથી બહાર કાઢી આપું છું.

શ્યામ વર્ણના, દુઃખમાં ડૂબેલા, મસ્તક પર શ્વેત કેશવાળા, શુષ્ક મુખાકૃતિવાળા, પુરુષાર્થપરાયણ દ્રોણે એવું કહીને પોતાની વીંટીને પાણી વિનાના કૂવામાં નાખી દીધી, અને તણખલાંની સળીઓની મૂઠિકાને અસ્ત્રવિદ્યાથી અભિમંત્રીને એક સળીથી ગિલ્લીને ભેદી, તે સળીને બીજી સળી સાથે સાંધી, બીજી સળીને ત્રીજી સળી સાથે જોડીને, ગિલ્લીને તરત જ બહાર કાઢી. એ પછી એમણે ધનુષબાણને ધારણ કરી, ધનુર્વિદ્યાના અસાધારણ પ્રયોગથી વીંટીને બાણથી વીંધીને બાણ સાથેની વીંટીને કૂવામાંથી બહાર કાઢી.

એ બધું નિહાળીને પાંડવો આશ્ચર્યચકિત બન્યા અને અંજાઇ ગયા.

એમણે એમને વંદીને એમનો પરમપૂજ્ય ભાવે પરિચય પૂછયો તો એમણે એ અનુભવપ્રસંગને ભીષ્મની પાસે પહોંચીને વર્ણવવાની આજ્ઞા આપી.

કુમારોનો સ્વાનુભવપ્રસંગ સાભળીને ભીષ્મે દ્રોણને ઓળખી કાઢયા. એમને સામે જઇ સમુચિત સત્કાર કરીને એ પોતાની સાથે લઇ આવ્યા.

ભીષ્મ પોતે પરમ ધનુર્વિદ શસ્ત્રાસ્ત્ર વિદ્યાથી સંપન્ન હોવાં છતાં પણ દ્રોણને સમુચિત રીતે સન્માનીને પોતાની સાથે લઇ આવ્યા એ શું બતાવે છે ? – એમની અસાધારણ વિનમ્રતા અને ઊંડી ગુણગ્રાહકતા. હીરાની પરીક્ષાને – ગુણવત્તાને ઝવેરી જ જાણે તેમ એમણે દ્રોણની લોકોત્તરતાને પારખીને મૂલવી બતાવી. એમાં એમની અંગત સ્વાર્થવૃત્તિ કે ઇર્ષા, ગુરુતાગ્રંથિ વચ્ચે ના આવી. કેટલી મહાન ગુણદર્શિતા ! એવી ગુણદર્શિતા સમાજમાં વધે ને વ્યાપક બને તો ?

ભીષ્મે દ્રોણના આગમનના પ્રયોજન વિશે પૂછ્યું એટલે દ્રોણે પોતાની આપવીતીને સંભળાવતાં કહેવા માંડયું :

“હું અસ્ત્રપ્રાપ્તિ માટે ધનુર્વેદ શીખવવાની ઇચ્છાથી પ્રેરાઇને મહર્ષિ અગ્નિવેશ પાસે ગયેલો. ત્યાંથી બ્રહ્મચારી રહીને, મનને વશ રાખીને, જટા ધારણ કરીને તથા ગુરુસેવાપરાયણ રહીને, ઘણાં વર્ષો સુધી રહેલો. પાંચાલપતિનો યજ્ઞસેન નામનો સમર્થ મહાબળવાન રાજપુત્ર પણ ધનુર્વિદ્યા અને અસ્ત્રવિદ્યા માટે ત્યાં રહેતો હતો. અમે બંને મિત્રો થયેલા. બાળપણથી માંડીને અમે સાથે અધ્યયન કર્યું. મારા તે મિત્રે મને કહેલું કે હું મારા પિતાનો પ્રિયતમ પુત્ર છું. પાંચાલપતિ જ્યારે રાજ્યાભિષેક કરશે ત્યારે તને તે રાજ્ય ભોગવવા મળશે. હું આ તને સાચેસાચ શપથપૂર્વક કહું છું.

પછી અમે છૂટા પડયા, ને મેં લગ્નજીવનમાં પ્રવેશ કર્યો. મારે અશ્વત્થામા નામે પુત્ર થયો. એકવાર ધનવાનના પુત્રોને ગાયનું દૂધ પીતા જોઇને બાળક અશ્વત્થામા રડ્યો ત્યારે હું દિગ્મૂઢ જેવો થઇ ગયો. હું એકથી બીજા છેડા સુધી ફરી વળ્યો તોપણ મને દૂઝણી ગાય ના મળી ! મેં મારા પ્રિય પુત્રને સાથે લીધો અને પૂર્વના સ્નેહ અનુરાગનું સ્મરણ કરીને હું પત્ની સાથે દ્રુપદ રાજા પાસે ગયો. તે ગાદીપતિ થયો છે એવું સાભળીને હું મને કૃતાર્થ માનવા લાગ્યો. તેની મૈત્રીને તથા તેના પૂર્વવચનને સંભારીને હું પ્રીતિપૂર્વક તે રાજ્યારૂઢ પ્રિય મિત્રને મળ્યો.

પણ તેણે તો મને અજાણ્યા જેવો ગણીને હસી કાઢયો ને જણાવ્યું કે તમારી બુદ્ધિ કાચી અને સમજ વિનાની છે. એટલે તમે સાહસપૂર્વક બોલી બેઠા છો કે હું તમારો મિત્ર છું. પહેલાં મારે તમારી સાથે સામર્થ્યના બંધનરૂપે મૈત્રી હતી પણ વખતના વીતવાની સાથે તે મૈત્રી જીર્ણ થઇ છે. સખ્ય તો સમાન સ્થિતિવાળાઓમાં જ હોય છે. વિષમ સ્થિતિવાળાઓમાં નથી હોતું. કોઇનું પણ સખ્ય અજર રહેતું નથી. તમે એ જીર્ણ મૈત્રીને ના ઉપાસો. એને દૂર જ કરો. તમારી સાથે મારે પ્રયોજન નિમિત્તે મૈત્રી હતી. અનંત ઐશ્વર્યયુક્ત ભૂપાલોને ઐશ્વર્યહીન અને ધનભ્રષ્ટ મનુષ્યો સાથે ક્યારેય સખ્ય હોય નહીં. તમારે માટે મેં કોઇ પ્રતિજ્ઞા કરી હોય તો મને તેનું સ્મરણ નથી.”

“તેણે એવું કહ્યું એટલે એ પ્રતિજ્ઞાને હું થોડા જ વખતમાં પૂરી કરીશ એમ કહીને હું પત્ની સાથે ત્યાંથી ચાલી નીકળ્યો. દ્રુપદનાં વચનથી મને રોમેરોમે ક્રોધ વ્યાપ્યો. પછી હે ભીષ્મ ! ગુણવાન સુયોગ્ય શિષ્યોને મેળવવા માટે હું અહીં કુરુપ્રદેશમાં આવ્યો છું. તમે મને રમ્ય હસ્તિનાપુરમાં લાવ્યા છો.” દ્રોણે એવું જણાવ્યું એટલે ભીષ્મે કહ્યું કે તમે કુમારોને અસ્ત્રવિદ્યા શીખવો. કુરુઓના ભવનમાં તમે માનસહિત પ્રીતિપૂર્વક ભોગોને ભોગવો. કુરુઓનું ધન તેમજ રાજ્ય તમારું જ છે. કુરુઓ તમારા જ છે એમ માનો. તમે અમને અમારા સદભાગ્યે સાંપડ્યા છો. તમે અમારા પર મહાન કૃપા કરી છે.

ભીષ્મના સ્નેહપૂર્ણ સમુચિત સત્કારથી દ્રોણ પ્રસન્ન થયા. એમનું મન હળવું બન્યું અથવા રાહતને અનુભવવા લાગ્યું.

ભીષ્મે કૌરવોને બોલાવીને એ પરમપ્રતાપી મહાપુરુષને શિષ્યો તરીકે સુપરત કર્યા.

એમના હસ્તિનાપુરના નિવાસ માટે એક સુંદર સુસજ્જ સુવ્યવસ્થિત મકાન પણ આપવામાં આવ્યું.

એ મકાનમાં પ્રવેશીને એમની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં.

એમને પ્રચુર ધન પણ આપવામાં આવ્યું.

એમણે અવર્ણનીય આનંદનો અનુભવ કરતાં કૌરવો તથા પાંડવોને પોતાના શિષ્યો તરીકે સ્વીકારીને સર્વોત્તમ અમોઘ અસ્ત્રવિદ્યાથી અલંકૃત કરવાનાં સ્વપ્નાં સેવવા માંડ્યા.

એમનું હિત એમના હૈયે વસ્યું.

ભીષ્મની અસાધારણ ગુણદર્શિતાને લીધે કૌરવ-પાંડવોને દ્રોણાચાર્ય જેવા મહાન સર્વશ્રેષ્ઠ સિદ્ધહસ્ત ધનુર્ધરની પ્રાપ્તિ થઇ. પરિણામે સમસ્ત કુરુકુળને લાભ થયો.

આપણે બીજાની ગુણવત્તા, વિશેષતા અથવા અસાધારણતાને અવલોકીને બેસી રહીએ એ બરાબર નથી. બીજાની ગુણવત્તા, વિશેષતા અથવા અસાધારણતાનો આદર કરવાની આવશ્યકતા છે. આપણે એનો આદર કરીએ એટલું જ નહીં પરંતુ એથી આગળ વધીને એને અનુમોદન અને ઉત્તેજન આપીએ અને એનો બનતા પ્રમાણમાં વધારે ને વધારે પ્રચાર કરીએ, એની જાહેરાત કરીએ, એ પણ એટલું જ આવશ્યક છે. એવી વૃત્તિ તથા પ્રવૃત્તિથી આપણને પોતાને અને બીજાને લાભ પહોંચશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *