Sunday, 17 November, 2024

ભીષ્મનો યુદ્ધને રોકવાનો પ્રયાસ

315 Views
Share :
ભીષ્મનો યુદ્ધને રોકવાનો પ્રયાસ

ભીષ્મનો યુદ્ધને રોકવાનો પ્રયાસ

315 Views

{slide=Bhishma attempt to stop war}

Bhishma passed night on his deathbed filled with arrows. Next morning, people from surrounding areas flocked to have a last glimpse of Bhishma, an icon of Kuru dynasty. Bhishma was pierced by arrows all over and was suffering inexplicable pain. He was thirsty and asked for water. People offered him water but Bhishma turned it down. Arjun, with his extraordinary powers, hit one arrow on the ground and a stream of water came out of it. Bhishma quenched his thirst and praised Arjun for his inimitable skills.

Bhishma told Duryodhan that he was a poor match for Arjun in the war. It would be in Kauravas best interest to give Pandavas their fair share and have truce. Duryodhan, as usual, did not like Bhishma’s advise.

Bhishma then asked Karna to leave aside animosity with Pandavas as he was forsaken son of Kunti, and Pandavas were his brothers. Karna mentioned that he was grateful to Duryodhan for everything that Duryodhan had done for him and it was improper for him at such crucial juncture to leave Duryodhan alone. Bhishma tried his level best to stop war even before the war began, after the war started, and finally, lying on his deathbed. However, his attempts to persuade Duryodhan remain futile.

મહાભારતના મહાભીષણ મહાયુદ્ધના પ્રારંભ પહેલાં અને એના પ્રારંભ પછી, છેક પોતાના પરાજય પછી પણ શરશય્યા પર સૂતાં સૂતાં, ભીષ્મપિતામહે કૌરવ-પાંડવ પ્રત્યેના પ્રેમ અને કરુણાભાવથી પ્રેરાઇને, એમને મહાભયંકર યુદ્ધકર્મમાંથી પાછા વાળવા માટે પ્રામાણિક પ્રયત્નો કરી જોયેલા. પરન્તુ એ પ્રયત્નો સફળ થયેલા નહીં. પોતાના પ્રયત્નોના અનુસંધાનમાં એમણે કૌરવપક્ષ તરફથી લડવાનું પસંદ ના કર્યું હોય તો તેનું પરિણામ કદાચ જુદું આવત, પરન્તુ એમની એમના આશ્રયદાતાને અણીના વખતે છોડી ના દેવાની કૃતજ્ઞતાસૂચક નિમકહલાલ થવાની વિચારસણીએ એમને કૌરવો તરફથી યુદ્ધ કરવા તૈયાર કર્યા.

શરશય્યા પર સૂતાં સૂતાં એમણે દુર્યોધન તથા કર્ણને બંનેને સમજાવવાના પ્રયત્નો કર્યા. જો કે એ પ્રયત્નો વ્યર્થ ગયા તોપણ, મહાભારતકારે એની નોંધ લીધી છે. એમના એ અંતિમ પ્રયત્નોનું ભીષ્મપર્વના એકસો એકવીસમા અને એકસો બાવીસમા અધ્યાયોને અનુસરીને વિહંગાવલોકન કરી લઇએ.

મહાભારતકાર જણાવે છે કે રાત વીતી ગઇ અને સવાર થયું ત્યારે કૌરવપાંડવ પક્ષના સર્વ રાજાઓ પુનઃ ભીષ્મપિતામહની પાસે આવીને વંદન કરીને ઊભા રહ્યા.

તે વખતે હજારો કન્યાઓ ત્યાં જઇને ચંદનથી, ડાંગરથી અને પુષ્પમાળાઓથી શાંતનુપુત્ર ભીષ્મને વધાવવા લાગી. સ્ત્રીઓ, વૃદ્ધો, બાળકો વગેરે સામાન્ય માણસો પણ સૂર્યના દર્શન કરવા જાય તેમ એ શાન્તનુનંદનનાં દર્શન કરવા માટે જવા લાગ્યાં. સેંકડો વાજિંત્રો લઇને નટ લોકો, નૃત્ય કરનારા, અનેક ગવૈયાઓ તેમ જ બીજા કારીગરો પણ કુરુવૃદ્ધ પિતામહના દર્શનાર્થે આવવા માંડયા. કૌરવો અને પાંડવો પણ યુદ્ધ બંધ રાખીને, કવચો તથા આયુધોને ઉતારી નાખીને, તેમ જ પરસ્પર પ્રેમવાળા થઇને, પોતપોતાની અવસ્થા અને યોગ્યતા પ્રમાણે અનુક્રમે એમની આસપાસ બેસી ગયા.

સુતીક્ષ્ણ શરસમૂહથી અત્યંત સંતાપ પામી રહેલા અને સમસ્ત શરીરે સખત બળી રહેલા ભીષ્મપિતામહ ધીરજપૂર્વક પોતાની તીવ્ર વેદનાને નિયમમાં રાખી રહ્યા હતા. શરસમૂહના સંવેદનથી તે સર્પની પેઠે નિસાસા નાખતા અને રાજાઓની સામે જોઇને પાણી માટે માગણી કરવા લાગ્યા, ત્યારે તે ક્ષત્રિયો ચારે બાજુથી જાતજાતના ખાવાના પદાર્થો અને શીતળ જળના કળશોને લઇ આવ્યા.

તે પાણીને જોઇને શાંતનુપુત્ર ભીષ્મે કહ્યું કે હું હવે મનુષ્યકોટિથી દૂર થયો છું. તમારી સમક્ષ બાણશય્યામાં પડેલો છું. સૂર્યચંદ્રની નિવૃત્તિની પ્રતીક્ષા કરી રહ્યો છું. ત્યારે મારાથી આવા કોઇ પણ લૌકિક ભોગોને ભોગવી શકાય નહીં.

એમણે અર્જુનને બોલાવીને પોતાને પાણી પહોંચાડવાની પ્રાર્થના કરી એટલે રથીશ્રેષ્ઠ અર્જુને સર્વ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ ભરતશ્રેષ્ઠ ભીષ્મપિતામહની પ્રદક્ષિણા કરીને સૌની સમક્ષ મંત્રોચ્ચાર કરીને પર્જન્યાસ્ત્રના પ્રયોગ માટે દૈદીપ્યમાન બાણને ધનુષ્ય પર ચઢાવ્યું. તેણે તે બાણ વડે ભીષ્મની જમણી બાજુની પૃથ્વીને વીંધી એટલે તરત જ સુંદર, નિર્મળ, ઠંડી તથા અમૃત જેવા દિવ્યરસની સુગંધવાળી સલિલધારા પૃથ્વીમાંથી ઊછળવા લાગી.

અર્જુને તે શીતળ સલિલધારાથી ભીષ્મ પિતામહને તૃપ્ત કર્યા.

અર્જુનના તે પરમ પરાક્રમને પેખીને ત્યાં બેઠેલા રાજાઓ પરમ વિસ્મય પામ્યાં, કૌરવો ધ્રુજી ઊઠયા, અને બીજા રાજાઓ વિસ્મયપૂર્વક પોતાનાં ઉત્તરીય વસ્ત્રોને ઊંચા કરીને ફરકાવવા લાગ્યાં. ચારે બાજુ શંખ અને દુંદુભિઓનો તુમુલ ઘોષ થઇ રહ્યો. તૃપ્ત થયેલા ભીષ્મપિતામહ અર્જુનની પ્રશંસા કરીને કહેવા લાગ્યા કે તું આવું અદભુત કર્મ કરી બતાવે તેમાં કાંઇ આશ્ચર્ય નથી. નારદે તને પૂર્વે નરઋષિ તરીકે વર્ણવેલો છે. તું વાસુદેવની સહાયથી મહાન કર્મો કરી શકે તેમ છે. દેવરહસ્યને જાણનારા જાણે છે કે તું સર્વ ક્ષત્રિયોનો સાક્ષાત્ કાળ છે. તું ધનુર્ધરોમાં સર્વોચ્ચ અને પૃથ્વીના પુરુષોમાં શ્રેષ્ઠ છે. જેમ જગતનાં સર્વ પ્રાણીઓમાં મનુષ્ય, સર્વ પક્ષીઓમાં ગરુડ, સરિતાઓમાં સમુદ્ર, ચોપગામાં ગાય, સર્વ તેજોમાં સૂર્ય, પર્વતોમાં હિમાલય, ચારેય વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તેમ તું સર્વ ધનુર્ધરોમાં શ્રેષ્ઠ છે.

એમણે દુર્યોધનને જણાવ્યું કે દુર્યોધન ! તેં તારી નજરે જોયું ને ? અર્જુને અમૃત સમાન સુગંધિત શીતળ જળધારાને પૃથ્વીમાંથી ઉત્પન્ન કરી આપી. આવું પરાક્રમ કરનારો આ લોકમાં બીજો કોઇ નથી. આ અર્જુનને કોઇ પણ રીતે યુદ્ધમાં જીતી શકાય તેમ નથી. માટે તેની સાથે તું સંધિ કરવામાં વિલંબ ના કર.

એવું કરવાથી જ તારું તેમ જ તારા કુળનું કલ્યાણ થશે. અર્જુનનું આ પરાક્રમ તને ચેતવવા માટે પુરતું છે. મારા મરણની સાથે પણ તમારામાં પ્રેમભાવ પ્રગટવા દે, અને બાકી રહેલાને નિરાંતે જીવવા દે. પાંડવોને એમનું અડધું રાજ્ય પાછું સોંપી દે. ધર્મરાજ યુધિષ્ઠિર ભલે ઇન્દ્રપ્રસ્થ તરફ જાય. તું મિત્રદ્રોહી ના થા. હું તને સત્ય કહું છું. કે જો તું મારા વચનને નહીં માને તો રાજાઓમાં નીચ ગણાશે, અને પાપી તરીકેની અપકીર્તિ પામશે. મોહથી ઘેરાયેલો તું મારા સમયોચિત સદુપદેશને મંદબુદ્ધિથી નહીં સ્વીકારે તો અંતે પસ્તાવું પડશે.

દુર્યોધને એ ઉપદેશ સાંભળ્યો પરન્તુ મરણપથારીએ પડેલા માણસને જેમ હિતાવહ ઔષધ ગમતું નથી તેમ તેને તે સદુપદેશ ના ગમ્યો.

ભીષ્મપિતામહે કર્ણને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો.

ભીષ્મને રણભૂમિ પર ઘવાઇને પડેલા સાંભળીને પુરુષશ્રેષ્ઠ રાધાપુત્ર કર્ણ જરાક ભયભીત થઇને ઉતાવળે પગલે એમની પાસે પહોંચ્યો. આંખોને મીંચીને સૂતેલા વીર ભીષ્મને જોઇને કર્ણની આંખમાં આંસુ ભરાઇ આવ્યાં. તે ગદગદ્ કંઠે કહેવા લાગ્યો કે હું રાધાપુત્ર કર્ણ તમારાં દર્શને આવ્યો છું.

એ સાંભળીને ભીષ્મે પોતાની આંખ ઉઘાડી. એમણે આસપાસના ચોકીદારોને ખસી જવાનું કહ્યું અને પછી એકાંત પ્રદેશ જોઇને પિતા જેમ પુત્રને ભેટે તેમ એને એક હાથે આલિંગન આપીને જણાવ્યું કે તું આ સમયે મારી પાસે ના આવ્યો હોત તો તારું શ્રેય સધાત નહીં. તું કુંતીનો પુત્ર છે; રાધાનો પુત્ર નથી. તારો પિતા અધિરથ નથી; પણ સૂર્ય તારા જનક છે. દેવર્ષિ નારદ પાસેથી મેં આ વૃતાંત જાણ્યું છે. વળી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ પાસેથી પણ મેં એ પ્રમાણે સાંભળ્યું છે. માટે એ વૃતાંત નિઃસંશય સત્ય છે. કુંતીએ કન્યાવસ્થામાં ધર્મનો લોપ કરીને તને ઉત્પન્ન કર્યો હતો તેથી તેમ જ વધારામાં તેં નીચ પુરુષોનો આશ્રય કર્યો હોવાથી, તારી બુદ્ધિ ગુણવાનો તરફ દ્વેષ અને મત્સરવાળી થઇ છે. તારી એ તુચ્છ બુદ્ધિને લીધે જ હું તને કુરુસભામાં કઠોર વાક્યો સંભળાવતો હતો. તારા, યુદ્ધમાં શત્રુઓથી સહન ના થઇ શકે એવા, પૃથ્વીપ્રસિદ્ધ પરાક્રમને હું સારી રીતે જાણું છું. વળી તારી બ્રાહ્મણો તરફની ભક્તિ, તારું શૌર્ય અને દાન કરવામાં તારી અતિ ઉત્કૃષ્ટ સ્થિતિ પણ હું જાણું છું. હે દેવ સમાન કર્ણ ! પુરુષોમાં તારા સમાન બીજો કોઇ નથી. બાણ યોજવામાં, અસ્ત્રોનું સંધાન કરવામાં, હસ્તકૌશલમાં તથા અસ્ત્રોના બળમાં તું અર્જુન અને શ્રીકૃષ્ણ જેવો જ કુશળ છે. પૂર્વે કાશીનગરમાં જઇને ધનુષ્યને ધારણ કરીને, તેં એકલે હાથે કુરુરાજ દુર્યોધનને કન્યા અપાવવા માટે યુદ્ધમાં ઘણા રાજાઓનો સંહાર કરેલો. મહાબળવાન અને દુર્જય રાજા જરાસંઘ પણ યુદ્ધમાં તારી તોલે આવી શક્યો નહોતો.

તારા પ્રત્યેનો મારો પૂર્વકોપ આજે દૂર થયો છે. થવાનું હતું તે થઇ ગયું કારણ કે દેવને પુરુષાર્થ કર્યા છતાં પણ ઓળંગી શકાતું નથી. વીર પાંડવો તારા સહોદર ભાઇઓ છે. માટે મારું તથા તારું પ્રિય કરવા ઇચ્છતો હોય તો તેમની સાથે સમાધાન કર. મારા મરણની સાથે તમારા વેરની સમાપ્તિ થાય અને પૃથ્વીના સર્વ રાજાઓ કુશળતા પામે.

કર્ણે કહ્યું કે હું કુંતીપુત્ર છું; સુતપુત્ર નથી. મને કુંતીએ જન્મ આપીને તજી દીધો છે, અને અધિરથ સુતે ઉછેરીને મોટો કર્યો છે. મેં દુર્યોધનના ઐશ્વર્યનો ઉપભોગ કરીને અત્યાર સુધી મોજશોખ કર્યો છે. તો હવે હું એના અન્નને હરામ કરવા નથી માગતો.

શ્રીકૃષ્ણ જેમ અર્જુનને માટે દૃઢ વ્રત લઇને બેઠા છે તેમ મેં પણ મારા શરીર, ધન, સ્ત્રી, પુત્ર તથા યશને દુર્યોધન માટે ઓવારી નાખ્યા છે. દુર્યોધનનો આશ્રય કરીને મેં પાંડવોને કોપાવ્યા છે. પાંડવો તથા વાસુદેવને મનુષ્યોથી જીતાય તેમ નથી. તોપણ અમે એમની સાથે લડીશું. મારું મન સાક્ષી પૂરે છે કે હું પાંડવોને જીતી શકીશ. આ દારૂણ વેર હવે છૂટે તેમ નથી. માટે મારા ક્ષાત્રધર્મમાં રહીને હું પ્રસન્ન મનથી ધનંજયની સાથે યુદ્ધ કરીશ. તમારી આજ્ઞા લીધા પછી જ મારો યુદ્ધ કરવાનો વિચાર છે. માટે તમે મને તેમ કરવાની આજ્ઞા આપો. મારાથી કાંઇ ના બોલવાનું બોલાયું હોય, ઉતાવળથી અથવા ચાપલ્યથી વિપરીત આચરણ થયું હોય, તો તે સઘળાની મને ક્ષમા આપો.

કર્ણના શબ્દોને સાંભળીને ભીષ્મપિતામહ પાસે બીજો કોઇયે વિકલ્પ ના રહ્યો. એમણે એને યુદ્ધની આજ્ઞા આપી.

ઉપર્યુક્ત પ્રસંગ અર્જુનની અલૌકિક શક્તિને પ્રદર્શાવે છે. એ અલૌકિક શક્તિની સહાયતાથી અર્જુને ભીષ્મપિતામહને માટે પૃથ્વીમાંથી પાણી પ્રગટાવ્યું. ભારતના ધનુર્ધરો કેવી આશ્ચર્યચકિત કરાવતી અલૌકિક શક્તિઓ ધરાવતા હતા એનું એ નાનું સરખું ઉદાહરણ છે. અગ્નિ પ્રગટાવવો, વરસાદ વરસાવવો, એવી એવી અનેક શક્તિઓ એ ધનુર્ધરો ધરાવતા.

ઉપર્યુક્ત પ્રસંગમાં ભાવિના વિધાનની વાત કરીને ભીષ્મ તથા કર્ણ પોતાની લાચારી બતાવે છે. એની સાથે સાથે જેનું અનાજ ખાધું છે એનું કર્મ કુકર્મ હોય તોપણ એનો વિરોધ ના કરવો અને એને સર્વ પ્રકારે છેવટ સુધી સાથ આપવો જોઇએ એવી દલીલોને દોહરાવવામાં આવે છે. એવી દલીલો વ્યક્તિ તથા સમષ્ટિની સુખાકારી કે શાંતિ-સમુન્નતિને માટે કેટલે અંશે શ્રેયસ્કર છે તે વિચારવા જેવું છે. અસત્યનો આશ્રય ના લેવો અને અસત્યને આશ્રય ના આપવો એ બંને પ્રકારના નિયમોની સામાજિક સ્વાસ્થ્ય માટે અનિવાર્ય આવશ્યકતા હોય છે. હોવી જોઇએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *