બ્રહ્માને બોધપાઠ
By-Gujju29-04-2023
બ્રહ્માને બોધપાઠ
By Gujju29-04-2023
અઘાસુરના નાશ પછી યમુનાના સુંદર સ્વચ્છ શીતળ તટપ્રદેશ પર સૌની સાથે બેસીને ભગવાન કૃષ્ણે ભોજન કરવા માંડ્યું. એ વખતની એમની શોભા અનેરી અને અભૂતપૂર્વ હતી. વિવિધ વાર્તાલાપો કરીને એ આનંદને અનુભવતાં ભોજન કરવા માંડ્યા તે દરમિયાન સૌનાં વાછરડાં દૂર નીકળી ગયાં. ગોપબાલો એમનો વિચાર કરીને ચિંતા કરવા લાગ્યા એટલે ભગવાન કૃષ્ણ એ વાછરડાંને શોધવા માટે વનમાં નીકળી પડ્યાં.
બ્રહ્માજી ભગવાન કૃષ્ણની બીજી વિશિષ્ટ શક્તિઓનું દર્શન કરવાની ઇચ્છા રાખતાં હોવાથી વાછરડાંઓને લઇ ગયેલા અને કૃષ્ણને વનમાં વિહરતાં જોઇને ગોપબાલોને પણ પોતાની વિશેષ શક્તિથી ક્યાંક બીજે લઇ જઇને કોઇને ખબર ના પડે એવી રીતે અદૃશ્ય શઇ ગયા.
વનમાં કોઇ પણ ઠેકાણે વાછરડાંનો પત્તો ના લાગવાથી કૃષ્ણ છેવટે યમુના તટ પર પાછા ફર્યા તો ત્યાં ગોપબાલોને પણ ના જોયા. વનમાં વારંવાર શોધવા છતાં પણ જ્યારે કોઇનો પત્તો ના લાગ્યો ત્યારે એ એમની દિવ્ય દૃષ્ટિ દ્વારા બ્રહ્માના એ ગુપ્ત કર્મને સમજી ગયા. એ ગોપબાલોને તથા વાછરડાંને પાછા લાવવાની શક્તિથી સંપન્ન હતા પરંતુ એ શક્તિના પ્રયોગથી બ્રહ્માનો મોહ ના મટત અને એમને આવશ્યક બોધપાઠ ના મળત એટલે એમણે પોતે જ ગોપબાલોનું ને વાછરડાંનું સ્વરૂપ ધારણ કર્યું. એવી રીતે એ વ્રજમાં પ્રવેશ્યા.
એ વાછરડાં, ગાયો તથા ગોપબાલો સાથે એ રોજ સવારે વનમાં જતા અને સંધ્યા સમયે પાછા ફરતા. સિદ્ધ યોગી પોતાની ઇચ્છાનુસાર એક અથવા અનેક રૂપ ધારી શકે છે એ પાતંજલ યોગદર્શનની ઉક્તિ એમના સંબંધમાં સંપૂર્ણ સાચી ઠરી. એવી રીતે લીલા કરતા એક વરસમાં પાંચ છ દિવસ જ શેષ રહ્યા ત્યારે એ બલરામ સાથે ગોધન લઇ વનમાં ગયા. ત્યાં ગાયો ગોવર્ધન પર્વત પર ઘાસ ચરવા લાગી. ત્યાંથી એમણે દૂર, વૃંદાવનની પાસે ઘાસ ચરતાં પોતાનાં વાછરડાંને જોયાં. એમને જોઇને એમના અંતરનો અનુરાગ ઉભરાઇ આવવાથી એમને ભેટવાની ભાવનાથી એ દિશા તરફ દોડવા માંડી. વાછરડાંની પાસે પહોંચીને એ એમને ચાટવા લાગી. ધીમે ધીમે આગળ વધીને ગોવાળો પણ એમની પાસે પહોંચી ગયા. ત્યાં ગોપબાલોને પેખીને એમની પ્રસન્નતાનો પાર ના રહ્યો.
બલરામની જિજ્ઞાસાના જવાબમાં ભગવાન કૃષ્ણે બ્રહ્માનો આખોય પ્રસંગ વર્ણવી બતાવ્યો.
એ દરમિયાન બ્રહ્મા વૃંદાવનમાં આવીને એ દૃશ્યને દેખીને વિચારમાં પડ્યાં. એમણે બધાં વાછરડાંને અદૃશ્ય કરી દીધાં હોવા છતાં ભગવાન કૃષ્ણની ક્રીડા પૂર્વવત્ ચાલુ જ હતી. એમાં પહેલાંના ને પછીના ગોપો તથા વાછરડાં કયા છે એનો નિર્ણય એ સહેલાઇથી ના કરી શક્યા. એ ગંભીરતાપૂર્વક વિચારી રહેલા ત્યાં જ એ સૌ એમને કૃષ્ણના સ્વરૂપમાં દેખાયા. એમણે એ પણ વિચારી જોયું કે એમના જેવા બીજા બ્રહ્માથી માંડીને તૃણ સુધીના સમસ્ત ચરાચર જીવો વિવિધ પૂજા સામગ્રીથી ભગવાનનાં એ બધા રૂપોની ઉપાસના કરે છે. ભગવાનની સત્તા તથા મહત્તા આગળ એમની સત્તા તથા મહત્તા ગૌણ બની ગયેલી. એ જોઇને એમના આશ્ચર્યનો પાર ના રહ્યો. એ ભગવાન કૃષ્ણની શક્તિને સહેજ પણ સમજી ના શક્યા. પોતાની અસમર્થતાને લીધે એમણે આંખ મીંચી દીધી.
એમની મોહવૃત્તિ અને અસમર્થતાને જોઇને ભગવાન કૃષ્ણે પોતાની માયાના પડદાને હઠાવી દીધો. એના પરિણામે બ્રહ્માને બાહ્યજ્ઞાનની પ્રાપ્તિ થઇ. એમને ભગવાન કૃષ્ણના વાસ્તવિક સ્વરૂપનું ભાન થયું. એ કૃષ્ણ સર્વ કાંઇ જાણવા-સમજવા છતાં ગોપબાલોને ને વાછરડાંને શોધી રહ્યા છે એવું દેખાયું. એમણે એમને પૂજ્યભાવે પ્રણામ કર્યા. એમનુનં શરીર રોમાંચિત બની ગયું. એ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરતાં પહેલાં જ એમણે ગોપબાલોને ને વાછરડાંને એમના પહેલાંના સ્થળે મૂકી દીધેલા. ભગવાન કૃષ્ણની સ્તુતિ કરીને એમણે વિદાય લીધી તે પછી ભગવાન એમની પાસે પહોંચી ગયા. એમના બાળજીવનની એક વિશેષ લીલા એવી રીતે પૂરી થઇ.
ગોપબાલોએ વ્રજમાં આવીને ભગવાનના પાંચમા વરસની એ લીલા છઠ્ઠા વરસે વર્ણવી બતાવી.