Sunday, 22 December, 2024

ચિત્રાંગદાનો મેળાપ

334 Views
Share :
ચિત્રાંગદાનો મેળાપ

ચિત્રાંગદાનો મેળાપ

334 Views

After leaving from Ulupi’s place, Arjuna proceeded further. He visited kingdom of Anga, Kalinga and finally reached Manipur. King Chitravahan was ruling the kingdom of Manipur at that time. He had a beautiful daughter named Chitrangada. She was so beautiful that Arjuna got attracted to her. He asked King Chitravahan for his consent. King had no problem with Arjuna but he narrated his dilemma.

Lord Shiva blessed his forefathers that each one in their lineage would be blessed with one son. Chitrangada was a girl and the only offspring of King. King, therefor asked Arjuna’s consent to give their future son to continue his lineage. Arjuna agreed to it and thereafter stayed there for three years. During that period, Chitrangada gave birth to a son. He was later named as Babhuvahan. Extending invitation to King, Chitrangada and his son to visit his capital, Arjuna left for further journey.

ઉલૂપીની વિદાય લઇને અર્જુન અરણ્યના એકાંત પ્રદેશમાં આગળ વધ્યો.

હિમાલયના શાંત એકાંત આહલાદક વિસ્તારમાં આગળ વધતાં એ અગસ્ત્યવટ પાસે પહોંચીને વસિષ્ઠ પર્વતને પસાર કરીને ભૃગુતુંગ અથવા તુંગનાથના પવિત્ર પ્રદેશમાં પ્રવેશ્યો.

એ પછી ત્યાંથી નીચે ઊતરીને એણે અન્ય અનેક તીર્થસ્થાનોનાં દર્શન કરીને પૂર્વદિશા તરફ ચાલવા માંડયું.

અંગ, વંગ તથા કલિંગદેશોના તીર્થો તથા પુણ્યધામોનો દર્શનલાભ લઇને, બ્રાહ્મણોને વિદાય કરીને, કેટલાક સહાયકો સાથે એ સમુદ્રતટ પરથી પસાર થઇને મણિપુરમાં પહોંચ્યો, અને ત્યાનાં ધર્મજ્ઞ મહારાજા ચિત્રવાહનને મળ્યો.

ચિત્રવાહનને ચિત્રાંગદા નામે સૌન્દર્યવતી કમનીય કન્યા હતી.

એને નગરમાં ફરતી નિહાળીને, અર્જુનને એના પ્રત્યે આકર્ષણ થવાથી, રાજા પાસે પહોંચીને એણે એ સુંદર રતિ સમાન રાજકન્યા માટે પોતાનો પરિચય પ્રદાન કરીને માગણી કરી ત્યારે રાજાએ સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું કે અમારા પૂર્વજ રાજા પ્રભંજને પુત્રપ્રાપ્તિ માટે કઠોર તપ કરેલું. એના તીવ્રતય તપથી પ્રસન્ન થઇને ભગવાન શંકરે વરદાન આપ્યું કે તારા કુળમાં વંશપરંપરા એકેક સંતાન થશે. ત્યારથી અમારા કુળમાં પ્રત્યેક પેઢીએ એક સંતાન થાય છે. મારી પહેલાંના સૌને કુમારો જન્મેલા પરંતુ મારે ત્યાં કુમારિકાનો જન્મ થયો છે. એ કુમારિકા મારે મન કુમાર જ છે. એને તમારી દ્વારા જે પુત્ર થાય તે એના મૂલ્યરૂપે થાય અને અમારા કુળને વિસ્તારે. એ શરતે કન્યાને અર્પણ કરવાની મારી તૈયારી છે.

અર્જુને મહારાજા ચિત્રવાહનની એ શરતને માન્ય રાખી. એણે ચિત્રાંગદાને પત્ની તરીકે સ્વીકારીને ત્યાં ત્રણ વરસ સુધી નિવાસ કર્યો. એ દરમિયાન ચિત્રાંગદાએ પુત્રને જન્મ આપ્યો.

એ પછી એની અને મહારાજા ચિત્રવાહનની અનુમતિ લઇને અર્જુન આગળ વધ્યો.

થોડાક વખત પછી એણે ચિત્રાંગદાને મળવા માટે મણિપુરમાં પુનઃપ્રવેશ કર્યો ત્યારે એના પુત્રનું નામ બભ્રુવાહન પાડવામાં આવેલું.

અર્જુને એ પુત્રને મહારાજા ચિત્રવાહનને એની પૂર્વશરત પ્રમાણે, ચિત્રાંગદાના મૂલ્યરૂપે અર્પણ કર્યો, અને ચિત્રાંગદાને ઇન્દ્રપ્રસ્થમાં આવવાનું તથા સર્વે સ્વજનોને મળવાનું આમંત્રણ આપ્યું. યુધિષ્ઠિર દ્વારા ભવિષ્યમાં થનારા રાજસૂય યજ્ઞમાં પણ ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું. એણે એને એ વખતે ઇન્દ્રપ્રસ્થમાં મળવા માટેનું આશ્વાસન આપ્યું.

અર્જુનના વનવાસનો સમય એવી રીતે વિભિન્ન પ્રદેશોમાં વિસ્તરેલાં જુદાં જુદાં તીર્થોનાં દર્શનમાં અને લગ્નજીવનના અભૂતપૂર્વ અવનવા અનુભવોમાં પસાર થયો.

એનાં જીવનમાં હજુ બીજા કેટલાક અસાધારણ અનુભવો થવાના હોવાથી, એ ત્યાંથી ગોકર્ણતીર્થ તરફ આગળ વધીને પશ્ચિમ સમુદ્રના પ્રશાંત તટપ્રદેશ પરનાં જુદાંજુદાં તીર્થ સ્થળોમાં ને પુણ્ય પ્રદેશોમાં પ્રવેશ્યો. છેવટે દિવસોના પરિભ્રમણ પછી ભાગ્ય એને પ્રભાસતીર્થમાં લઇ આવ્યું. એ પ્રાચીન સુપ્રસિદ્ધ તીર્થસ્થાનને નિહાળીને એને અતિશય આનંદ થયો. એ પોતાના સ્વજન શ્રીકૃષ્ણના પુણ્યપ્રદેશની પાસે પહોંચેલો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *