ચ્યવન ઋષિની વાત
By-Gujju29-04-2023
ચ્યવન ઋષિની વાત
By Gujju29-04-2023
કોઇકને શંકા થવાનો સંભવ છે કે તપશ્ચર્યા અથવા આત્મિક સાધનાની આટલી બધી અસાધારણ અવસ્થા પર પહોંચ્યા પછી પણ ચ્યવન ઋષિ સુકન્યાનો સ્વીકાર કરીને, અને રાજા શર્યાતિને સુકન્યાનું સમર્પણ કરવા પ્રેરિત કરીને, લગ્નજીવનમાં શા માટે પ્રવૃત્ત થયા ? એનો અર્થ એવો નથી કે એમના સાધનામાર્ગમાંથી એ ચલિત થયા અથવા પ્રલોભનવશ બન્યા ? એમના અંગની આજુબાજુ ઊધઇ ફરી વળી તો પણ એમનું મન કોરું, સાધનાના પ્રભાવવિહોણું અથવા વાસનાયુક્ત જ રહ્યું હશે. નહિ તો અજાણ્યે અપરાધ કરી બેઠેલી સુકન્યાને એ એવી રીતે પ્રતિકૂળ કે કરુણ પરિસ્થિતિમાં મુકવાને બદલે માફ કરી દેત ને ઘેર જવા દેત.
એ શંકા ઉપર ઉપરથી જોતાં નોંધપાત્ર લાગતી હોવાં છતાં પણ અંદરખાનેથી વિચારતાં ખાસ વજુદવાળી નથી લાગતી. સૌથી પહેલી વાત તો એ છે કે ચ્યવન ઋષિ આત્મિક સાધનાની ઉચ્ચોચ્ચ અવસ્થાએ પહોંચ્યા પછી એમાંથી ચલિત નથી થયા. એમની આત્મિકવિકાસની સાધના અબાધિત રીતે ચાલુ જ રહી છે. એમના જીવનના આગળના વૃતાંત પરથી એ હકીકત સહેલાઇથી સમજી શકાય છે. લગ્નજીવનમાં પ્રવેશવાથી સાધનામાંથી ચ્યુત થવાય છે એવું નથી સમજવાનું. લગ્નજીવનના સ્વીકાર કે પ્રવેશ પછી પણ સાધનાનો પ્રવાહ ચાલુ રહી શકે છે. લગ્નજીવન પણ એક પ્રકારની સાધના જ છે એ ખાસ યાદ રાખવાનું છે. ભારતના ઋષિવરો લગ્નજીવનને સાધનાનું અંગ સમજીને જ સ્વીકારતા અને એમાં આસક્ત થયા વિના જાગ્રત તથા સંયમી બનીને આગળ વધતા. એ લગ્નજીવનનો તિરસ્કાર ના કરતા. લગ્નજીવન એમની દૃષ્ટિએ ખરાબ નહોતું મનાતું.
બીજી વાત એ છે કે પ્રાચીનકાળમાં રાજકન્યાઓનાં ઋષિઓ સાથે લગ્નો થતાં. મહારાજા મનુએ પોતાની પુત્રીનું લગ્ન કર્દમ મુનિ સાથે કરેલું એ કથાનું આલેખન ભાગવતના ત્રીજા સ્કંધમાં કરવામાં આવેલું જ છે. એવાં લગ્નો ઋષિમુનિઓ કેવળ દેહલાલસાને લીધે જ નહોતા કરતા. એમની પાછળ કર્તવ્યભાવના પણ કામ કરતી. સેવા અથવા સંતાનપ્રાપ્તિ માટે પણ એવાં લગ્નોનો આધાર લેવાતો. ચ્યવન ઋષિએ પણ સેવાની કે સ્વધર્મ પાલનની એવી જ કોઇક અનેરી સદ્દભાવનાથી પ્રેરાઇને સુકન્યાનો સ્વીકાર નહિ કર્યો હોય એવું કેવી રીતે કહી શકાય ?
ત્રીજી વાત એ છે કે ચ્યવન ઋષિ પોતાના ભાવિ જીવનના સાધનાપ્રવાહથી પ્રથમથી જ પરિચિત હશે. ભાવિનું એમને અગાઉથી જ જ્ઞાન હશે. એને લીધે જ એમણે એ જ્ઞાનના અનુસંધાનમાં જ, એને અનુકૂળ થઇને, તદ્દન તટસ્થ રીતે જ, સુકન્યાનો સ્વીકાર કર્યો. આટલી બધી અસાધારણ આત્મિક સાધના પછી એ દિવ્ય ઋષિની દૈવી દૃષ્ટિ ઊઘડી ગઇ હોય એમાં ના માનવા જેવું કશું જ નથી.
ચોથી નોંધપાત્ર હકીકત એ છે કે સુકન્યાનું સમર્પણ સમજપૂર્વક, રાજા શર્યાતિની તૈયારીથી ને સુકન્યાની પોતાની સંમતિથી થયેલું છે. એની પાછળ લાચારી, દબાણ કે આવેલા અવસરનો લાભ લેવાની વૃત્તિનું દર્શન નથી થતું. રાજાએ કે રાજકન્યાએ ઋષિના વિચારનો વિરોધ નથી કર્યો. વિરોધની કલ્પના પણ એમને નથી ઊઠી. ઋષિના થઇ ગયેલા અજ્ઞાત અપરાધના સ્વૈચ્છિક પ્રાયશ્ચિતરૂપે સુકન્યાનું સમર્પણ કરીને રાજાએ શાંતિનો અથવા નિશ્ચિંતતાનો અનુભવ કર્યો છે એ સવિશેષ મહત્વનું છે.
એટલે ચ્યવન ઋષિની સાધના સંબંધી શંકા કરવાનું અથવા એમના ચારિત્ર્ય પર દોષારોપણ કરવાનું વલણ વ્યાજબી નથી લાગતું. શંકાની કે દોષારોપણની એવી વૃત્તિ તથા પ્રવૃત્તિ નિરાધાર છે.
0 0 0
સુકન્યા ચ્યવન ઋષિના આશ્રમમાં રહીને એમની તનમનથી સેવા કરવા લાગી. ચ્યવન મુનિનો સ્વભાવ થોડોક ક્રોધી હતો. એ ઉપરાંત અરણ્યમાં વસેલા એકાંત આશ્રમનું વાતાવરણ પણ એને માટે એકદમ નવું હતું. ક્યાં રમણીય રસાળ રાજભવન અને ક્યાં એકાંત આરાધનાને માટે અનુકૂળ એવો આશ્રમ ! તો પણ સુકન્યાએ એમાં પોતાના મનને પરોવવા માંડ્યું. એના ભોગપરાયણ વૈભવવાળા વાતાવરણમાં ઉછરેલા જીવનની એ કાંઇ સાધારણ જેવી અગ્નિપરીક્ષા ન હતી. એમાંથી એ સસ્મિત પસાર થવા માંડી. પતિને પ્રસન્ન કરવાની સાધનાનું અનુષ્ઠાન એણે આનંદપૂર્વક ચાલુ રાખ્યું.
એની એ સાધના સાચા દિલની ને સમજપૂર્વકની હોવાથી એને ફળતાં વાર ના લાગી. એકવાર આશ્રમમાં દેવોના આયુર્વેદાચાર્ય અશ્વિનીકુમારો આવી પહોંચ્યા. ચ્યવન ઋષિએ એમને સમુચિત રીતે સત્કારીને પોતાની વૃદ્ધાવસ્થાને દૂર કરીને યૌવનાવસ્થા પ્રદાન કરવાની પ્રાર્થના કરી. એમની પ્રાર્થનાને લક્ષમાં લઇને અશ્વિનીકુમારોએ એમને યુવાન બનાવવાની તૈયારી બતાવી. એમણે સિદ્ધો દ્વારા તૈયાર થયેલા કુંડમાં ઋષિને સ્નાન કરવાનો આદેશ આપ્યો. બંને અશ્વિનીકુમારો અને ચ્યવન ઋષિ એ કુંડમાં સ્નાન કરવા પ્રવેશ્યા. કુંડમાંથી સ્નાન કર્યા પછી ત્રણ પુરુષો બહાર નીકળ્યા. ત્રણેએ એકસરખા સુંદર વસ્ત્રો, કુંડળો તથા માળામાં પરોવાયેલાં પુષ્પો ધારણ કરેલાં. એ ત્રણે પરમ તેજસ્વી પુરુષોમાંથી પોતાના પતિને ના ઓળખી શકવાથી સુકન્યા વિચારમાં પડી ને અશ્વિનીકુમારોને પ્રાર્થવા લાગી. અશ્વિનીકુમારો એની પતિ પ્રત્યેની પ્રીતિને ને નિષ્ઠાને નિહાળીને પ્રસન્ન થયા. એમના અનુગ્રહથી એમના નિર્દેશ પ્રમાણે સુકન્યા પોતાના પતિને તરત જ ઓળખી શકી. એ પછી અશ્વિનીકુમારો ત્યાંથી વિદાય થયા.
વૃદ્ધાવસ્થાથી ઘેરાયલા ચ્યવન ઋષિને અશ્વિનીકુમારોના અનુગ્રહથી નવયૌવનની પ્રાપ્તિ થવાથી ઋષિને ને સુકન્યાને ખૂબ જ સંતોષ થયો. એમનો વખત શાંતિપૂર્વક આનંદમાં વ્યતીત થવા લાગ્યો.
કેટલાક કાળ પછી રાજા શર્યાતિ ચ્યવન ઋષિના આશ્રમમાં યજ્ઞ કરવાની આકાંક્ષાથી આવી પહોંચ્યો. એણે સુકન્યાને કોઇક પરપુરુષ પાસે બેઠેલી જોઇને દુઃખ વ્યક્ત કર્યું. એને ચ્યવન ઋષિને મળેલા નવયૌવનની માહિતી નહિ હોવાથી એણે સુકન્યાને ઋષિનો ત્યાગ કરીને વિપથગામિની થવા માટે ઠપકો આપ્યો. એણે સુકન્યાને કહ્યું કે તેં તારા પતિનો વૃદ્ધ જાણીને ત્યાગ કરીને તારા સમસ્ત કુળને કલંકિત કર્યું છે. મેં તારી પાસેથી આવી આશા સ્વપ્ને પણ નહોતી રાખી.
રાજાના શબ્દો એના ઉચ્ચતમ સંસ્કારોને અનુરૂપ હતા. સામાન્ય વિલાસપ્રિય સ્વચ્છંદી પિતા પોતાના સંતાનને એવા શબ્દો ના કહી શકે. નિતનવી ફેશનમાં, મુક્ત સહચારમાં ને નવા નવા સંપર્કોમાં માનનારાં સંતાનો સુકન્યા જેવો સદાચારયુક્ત, નિષ્ઠાપૂર્ણ, વિશદ વ્યવહાર પણ ના કરી શકે. એ તો વિલાસને જ જીવન માને ને જેમ તેમ કરીને શરીરની વાસનાને સંતોષવામાં ને પશુ કરતાંય બદતર જીવન જીવવામાં જ ગૌરવ ગણે. એ રાજાના તથા રાજપુત્રીના ભાવોને નહિ સમજી શકે. એ ભાવો એમને કદાચ પ્રત્યાઘાતી કે પછાત લાગશે.
સુકન્યાએ એના પિતાને અશ્વિનીકુમારના અનુગ્રહની સઘળી કથા કહી બતાવી ત્યારે રાજાને આશ્ચર્ય અને આનંદ બંને થયાં. એણે એને આત્મિક અભિનંદન આપ્યાં. એની ચિંતાનો અથવા અસ્વસ્થતાનો કાયમને માટે અંત આવ્યો. ધન્ય શર્યાતિ ! ધન્ય સુકન્યા ! ધન્ય અશ્વિનીકુમાર અને ધન્ય ચ્યવન ! એ સૌ આપણા આદરભાવનાં અધિકારી છે.