Sunday, 22 December, 2024

દધીચિનું સર્વસમર્પણ

331 Views
Share :
દધીચિનું સર્વસમર્પણ

દધીચિનું સર્વસમર્પણ

331 Views

{slide=Dadhichi’s dedication}

Brihaspati was spiritual head of devas (deities). It so happened that once, Indra did not pay respect when Brihaspati entered the assembly. Though Brihaspati did not say anything, thereafter, deities lost ground against the might of demons. Demons gained in strength thanks to Shukracharya, their spiritual head. Vrutrasur, a mighty demon, proved to be a formidable force against devas. Deities failed to contend Vrutrasur so they went to Brahma and begged for protection. Brahma told them that Vrutrasur would die only if they fight with an armor made from Sage Dadhichi’s bone.
The question now was how to convince Sage Dadhichi. Indra and other deities met Sage Dadhichi and requested him for help. Dadhichi said that nobody wants to die. Yet, for their survival, he would give up his body. Dadhichi left his body and Deities made an armor out of Dadhichi’s bones.  Then, they fought with Vrutrasur and won over the mighty demon.
The moral of the story is that one should forego his or her person gains for the benefit of the society at large. Sage Dadhichi’s dedication was praiseworthy in that sense.

મહાભારત આટલું બધું લોકપ્રિય કેમ છે તેના કેટલાંય કારણો છે. એમાંનું એક અગત્યનું કારણ એ પણ છે કે એમાં ઉચ્ચ જીવનના આદર્શોને સમાવી લેતી કથાઓ અત્યંત આકર્ષક અને આહલાદક રીતે અંકિત કરવામાં આવી છે. એ કથાઓ માનવહૃદયને સ્પર્શે છે, જાગ્રત કરે છે, અને પ્રેરણાની એ શક્તિ સનાતન હોવાથી આજે વરસો થયાં તોપણ મહાભારતની અસરકારકતા એવી જ અક્ષય અને એકધારી રહી છે.

આવો, એ કથાઓમાંની એક કથાનું રસપાન કરવા મહાભારતના વનપર્વમાં પહોંચી જઇએ અને અંતભાગનું ઊડતું નિરીક્ષણ કરીએ.

દેવતાઓના ઉપર એમના ગુરુ બૃહસ્પતિની કૃપા હતી ત્યાં સુધી એમની શક્તિ સર્વોચ્ચ રહી, પરંતુ ગુરુની અવકૃપા થતાં એ અશક્ત બન્યા અને એમને દાનવોએ જીતી લીધા. ગુરુની અવકૃપા થવાનું કારણ સ્પષ્ટ હતું. એકવાર ગુરુ બૃહસ્પતિ દેવતાઓની સભામાં આવ્યા ત્યારે ઇન્દ્રાણી સાથે સિંહાસન પર બેઠેલા ઇન્દ્રે ઊભા થઇને એમનું સન્માન ન કર્યું. બૃહસ્પતિ ત્યાંથી કાંઇ પણ બોલ્યા વિના વિદાય થયા. ઇન્દ્રે પોતાને એવા વર્તન માટે પાછળથી પશ્ચાતાપ થયો પરંતુ એ પ્રસંગ પછી એમની શક્તિનો નાશ થતો ગયો, અને છેવટે પોતાના ગુરુ શુક્રાચાર્યની મદદથી દાનવોએ એમના પર વિજય મેળવ્યો.

પરંતુ દેવતાઓ એમ કાંઇ હિંમત હારે ખરા કે ? એમણે બ્રહ્માના કહેવાથી વિશ્વરૂપને ગુરુ કર્યા અને એમના માર્ગદર્શન પ્રમાણે ચાલીને દાનવો પર ફરી વિજય મેળવ્યો. પણ વાત એટલેથી જ ના અટકી. વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ દેવતાઓનો મદ ઉતારવા તથા એમને કાબૂમાં રાખવા યજ્ઞકુંડમાં આહુતિ આપીને એક અસુરની ઉત્પત્તિ કરી. એ અસુરનું નામ વૃત્રાસુર પડ્યું.

વૃત્રાસુરનો દેખાવ અતિશય ભયંકર હતો. તેમજ એનું  સામર્થ્ય પણ અત્યંત વિશાળ હતું. દેવતાઓ એની સામે ટકી ન શક્યા એટલે ઇન્દ્રે બ્રહ્માનું શરણ લીધું. બ્રહ્માએ પ્રસન્ન થઇને ઇન્દ્રને ઉપાય બતાવ્યો કે દધીચિ ઋષિના શરીરના હાડકાનું જો વજ્ર બનાવવામાં આવે તો તે વજ્રથી વૃત્રાસુરનો નાશ થઇ શકેશે. બીજી કોઇએ રીતે વૃત્રાસુરનો નાશ નથી થઇ શકવાનો. તમે દધીચિ ઋષિને જઇને પ્રાર્થના કરો તો તમારી પ્રાર્થનાને લક્ષમાં લઇને લોકકલ્યાણને માટે તમારી માંગણી તે જરૂર મંજૂર રાખશે. દેવતાઓ વિચારમાં પડયા. દધીચિ ઋષિ પોતાના શરીરનું સમર્પણ કરવા તૈયાર થશે ખરા ?

એમને શંકા થઇ.

છતાં પણ એ દધીચિ મુનિ પાસે જઇ પહોંચ્યા.

પહોંચ્યા વિના છૂટકો જ ક્યાં હતો ?

દધીચિ ઋષિએ ઇન્દ્રની વાત સાંભળીને સામેથી પૂછયું કે ”બ્રહ્માંડમાં એવું કોણ છે જેને પોતાનું શરીર પ્રિય ન હોય ? એવા પ્રિય શરીરનો ત્યાગ કરવાની તૈયારી કોણ બતાવી શકે ?

ઇન્દ્રે નમ્રતાપૂર્વક કહ્યું, ‘પ્રત્યેક શરીરધારીને પોતાનું શરીર પ્રિય છે. એમ કહો કે સૌથી વધારે પ્રિય છે. તોપણ બીજાના હિતને માટે જો કરવો પડે તો એનો ત્યાગ તમારા જેવા કોઇક વિરલ મહાપુરુષો જ કરી શકે છે. ‘

દધીચિ ઋષિએ કહ્યું : ‘હું તો તમારા મનોભાવો જાણવા માગતો હતો, બાકી ઇશ્વર ઇચ્છાનું ઉલ્લઘન મારાથી નહિ જ કરી શકાય. એમણે ધાર્યું જ છે તો શરીરનો ત્યાગ કરવા સસ્મિત તૈયાર છું. તમે મારા મરણધર્મ શરીરનો ઉપયોગ કરીને વૃત્રાસુરનો નાશ કરી શકો છો.’

દધીચિ ઋષિએ સમાધિમાં પ્રવેશ કરીને સાપ જેવી રીતે કાંચળીનો ત્યાગ કરે તેવી સહજ રીતે, પોતાના શરીરનો ત્યાગ કર્યો.

દેવતાઓ અત્યંત હર્ષ પામ્યા.

ઋષિના મૃત શરીરમાંથી એમણે વજ્ર બનાવ્યું. એ વજ્રથી છેવટે ઇન્દ્રે વૃત્રાસુરનો નાશ કર્યો.

લોકકલ્યાણને માટે સ્વાત્મસમર્પણની કેટલી બધી સુંદર, સારગર્ભિત અને અદભુત કથા મહાભારતે રજૂ કરી છે ? લોકહિતના પરમ કલ્યાણકારક ભાવથી પ્રેરાઇને વ્યક્તિએ સમષ્ટિને માટે બુદ્ધિ, વિદ્યા, બળ ને ધન અર્પણ કરવા તો તૈયાર થવું જ જોઇએ, પરંતુ એથી આગળ વધીને જરૂર પડયે શરીરનું બલિદાન દેવા પણ તત્પર રહેવું જોઇએ, એ સનાતન સંદેશ આ કથામાં સમાયેલો છે. આ અવનીમાંથી આસુરી તત્વોનો અંત આણવા માટે દૈવી પ્રકૃતિવાળાં તત્વોએ એક થવાનું છે અને પોતાનું સર્વસમર્પણ કરવાનું છે સંક્ષેપમાં કહીએ તો સૌએ પવિત્ર કર્તવ્યરત ત્યાગમૂર્તિ દધીચિ બનવાનું છે. તો સંસારની કાયાપલટ થતાં ને સંસારને સ્વર્ગીય બનતાં વાર નહિ લાગે.

એક તરફ આસુરી શક્તિ હતી તો બીજી બાજુ દૈવી શક્તિ. દૈવી શક્તિએ આસુરી શક્તિ પર વિજય મેળવ્યો. દૈવી શક્તિ આસુરી શક્તિ પર વહેલી કે મોડી વિજય મેળવે જ છે. દૈવી શક્તિ વિશેષ બળવાન છે. સનાતન છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *