દેવર્ષિ નારદનો રાજધર્મ
By-Gujju31-05-2023
દેવર્ષિ નારદનો રાજધર્મ
By Gujju31-05-2023
{slide=Narada narrate duties of a King}
In the fifth chapter of Sabha Parva, Devarshi Narad asks various questions to Yudhisthir. Those questions broadly defines the duties of a King. Naradji elaborated on each aspect of King’s functioning whether Yudhisthir takes care of poor and rich alike; whether he observes moves of his enemies; whether he gives financial supports to artist and musicians; whether he wakes up early in the morning; whether he has enough storage of essential commodities or not; whether his secret matters remain secret or not; whether any innocents are punished and criminals escape without penalty; whether his ministers perform their duties or not; whether farmers get their fair share of product and get water and seeds on time; whether women and elder are treated with respect in his kingdom or not …etc.
Why would Naradji asks such questions to Yudhisthir? It only proves that saints’ duties were not confined to religious acts merely but also included valuable guidance to Kings and political figures. An interesting mention made by Naradji was that of a message of Pandu to Yudhisthir. Naradji told Yudhisthir that his father wishes that he perform Rajsuy Yagna as he was fully capable for it, his brothers were co-operative and were giving him respect.
મહાભારતના સભાપર્વના પાંચમા અધ્યાયમાં દેવર્ષિ નારદે યુધિષ્ઠિરને ઉદ્દબોધેલો રાજધર્મ સૌનું ધ્યાન ખેંચનારો અને સવિશેષ ઉલ્લેખનીય તેમજ પ્રેરક હોવાથી, એનું વિહંગાવલોકન કરી લઈએ.
પાંડવો ગંધર્વો સાથે એક વાર રાજ્યસભામાં બેઠેલા ત્યારે, વેદો અને ઉપનિષદોને જાણનારા, દેવતાઓથી પૂજા પામેલા, ઈતિહાસપુરાણના જ્ઞાતા, પરમાત્માના પરમકૃપા પાત્ર, દેવર્ષિ નારદે ત્યાં પ્રવેશ કર્યો
એ ન્યાયનાં પાંચ અધિકરણોમાં કુશળ અને વેદના છ અંગોને સંપૂર્ણપણે જાણનારા તથા ધર્મનાં તત્ત્વોમાં પારંગત હતા. ઉત્તમ વક્તા, સંબંધ પ્રમાણે પ્રવચન કરનારા, વિદ્વાન, સ્મૃતિમાન, નીતિવેત્તા તથા કવિ હતા. ધર્મ, અર્થ, કામ, મોક્ષની યથાર્થ વિચારણા કરી ચૂકેલા. સાંખ્ય અને યોગના જ્ઞાતા હતા.
સર્વશાસ્ત્રવિશારદ, ગાંધર્વવિદ્યાના પ્રેમી, પરમતેજસ્વી, મનના જેવા વેગવાળા, દેવર્ષિ નારદનું યુધિષ્ઠિરે સહર્ષ સન્માનસહિત સ્વાગત કર્યું. એમને પરંપરાગત વિધિને અનુસરીને ઉત્તમ આસન આપ્યું.
દેવર્ષિ નારદ આસન પર શાંતિપૂર્વક બેસીને જે પ્રશ્ર્નો પૂછયા તે પ્રશ્ર્નોનો સારાંશ નીચે પ્રમાણે છેઃ એ સારાંશ એ જમાનાની જીવનદષ્ટિને જાણવા સમજવા માટે ઉપયોગી હોવાથી વિચારવા જેવો છે.
તમારું ધન યોગ્ય રીતે કે સન્માર્ગે વપરાય છે?
તમારું મન ધર્માચરણમાં રત રહે છે ?
મન તમારે માટે સુખકારક થાય છે ? કોઈ પ્રકારની હાનિ તો નથી પહોંચાડતું ?
તમારા પૂર્વજોએ ઉત્તમ, મધ્યમ, અધમ ત્રણે પ્રકારની પ્રજા પ્રત્યે જે ધર્મ તથા અર્થપૂર્વકની ઉત્તમ વૃત્તિને આચરી હતી તેનું તમે અનુસરણ કરો છો ?
અર્થથી ધર્મને, ધર્મથી અર્થને, અથવા સુખાભાસી કામથી ધર્મ અને અર્થ બંનેને કોઈ પ્રકારની બાધા તો નથી પહોંચાડતા ?
ધર્મ, કામથી અર્થનું સેવન સદ્દબુધ્ધિપૂર્વક સુનિશ્ચિત સમયમર્યાદાને લક્ષમાં લઈને કરી રહ્યા છો ?
પોતાની તથા શત્રુઓની શક્તિને વિચારીને કાર્ય કરો છો ?
તમારી સાત પ્રકૃતિ-કિલ્લાઓના અધ્યક્ષ, સેનાધ્યક્ષ, સેનાપતિ, ધર્માધ્યક્ષ, પૂરોહિત, વૈદ અને જ્યોતિષી-લુપ્ત તો નથી થઈ ?
ધનવાન બનીને વ્યસની તો નથી થઈ ? તે તમારા કાર્યમાં સર્વ રીતે રસ દાખવે છે ?
જે બનાવટી દંભી દૂતો છે છતાં પણ જેમને માટે તમને શંકા નથી, તેમના તરફથી તથા તમારા બીજા મંત્રી તરફથી તમારી ગુપ્ત મંત્રણા બહાર પડી જાય છે ?
મિત્રો, શત્રુઓ અને ઉદાસીનો જે કરવા માગે છે. તેથી તમને માહિતી છે ?
તમે સુયોગ્ય સમયે સંધિ તથા વિગ્રહનો આધાર લઈ શકો છો ?
તમે તમારા જેવા સદગુણી, સદબુદ્ધિસંપન્ન, વયોવૃદ્ધ વિશુદ્ધ, કાર્યાકાર્યની સમજશક્તિવાળા, કુલીન તથા તમારામાં પ્રીતિવાળા પુરૂષોને મંત્રીપદ માટે પસંદ કર્યા છે ?
રાજાના વિજયનું સાચું રહસ્ય મંત્રી પાસે જ રહેતું હોય છે.
મંત્રણાઓને સારી રીતે ગુપ્ત રાખનારા, શાસ્ત્રમાં વિશારદ અમાત્યોથી સુરક્ષિત રહેલા તમારા રાજ્યને શત્રુઓ રંજાડતા તો નથી ને ?
તમે નિદ્રાને અધીન ના રહેતાં પાછલી રાતે જાગ્રત થાઓ છો કે ? પાછલી રાતે તમે યોગ્યાયોગ્યનું ચિંતન કરો છો ?
તમે નિર્ધારેલી વાત રાષ્ટ્રમાં પ્રસરી તો નથી જતીને ?
થોડી મહેનતે ફળનારાં પણ મોટી પ્રાપ્તિ કરાવનારાં કાર્યોનો તમે ઝટ આરંભ કરો છો ?
ખેતી આદિ વૈશ્યોનાં કામોમાં તમે વિઘ્નો તો નથી નાખતા ? એ સઘળાં કર્મ કરનારાઓ તમારી આંખથી અળગાં નથી ને ?
તેઓ શંકાથી પર છે ? અથવા તે સૌને વાંરવાંર કાઢી મૂકીને પાછા તો સંઘર્યા નથી ? કેમ કે ઉદય થવામાં સ્નેહ જ કારણરૂપ મનાય છે.
{slide=Read the remaining story : વધુ આગળ વાંચો}
ધર્મોમાં અને સર્વશાસ્ત્રોમાં પંડિત એવા વિદ્યાગુરુઓ કુમારોને બધી રીતે શિક્ષણ આપીને ઉત્તમ યોદ્ધાઓ કરે છે ને ?
સર્વ કિલ્લાઓને ધન, ધાન્ય, આયુધો, જલ, યંત્રો, શિલ્પીઓ અને ધનુર્ધારીઓથી ભરપૂર રાખ્યા છે ?
ધીમાન, શૂરવીર, જિતેન્દ્રિય અને વિચક્ષણ મંત્રી એકલો હોય તોપણ રાજાને કે રાજપુત્રને મહાન ઐશ્વર્ય મેળવી આપે છે.
શત્રુઓ જાણે નહિ એવી રીતે સર્વદા સાવધાન તથા નિત્ય ઉદ્યમશીલ રહીને તમે સર્વ રિપુઓની તપાસ રાખતા રહો છો ?
તમે વિનયસંપન્ન, કુલીનવંશી, બહુશ્રત, ઈર્ષ્યારહીત અને મહાનુભાવ પુરોહિતનો સત્કાર કર્યો છે ?
તમારો જ્યોતિષનો નિર્ણય આપનારો સર્વ અંગોમાં નિષ્ણાંત છે?
તમે ઉગ્ર દંડથી પ્રજાને અતિ ઉદ્ધેગ કરતા નથીને ?
મંત્રીઓ રાજ્યનું યથાર્થ શાસન કરે છે ? મંત્રીઓ તમારો અનાદર તો કરતાં નથી ને ?
તમારો સેનાપતિ સાહસીક, શૂરો, મતિમાન, ધીરજવાળો, પવિત્ર, કુળવાન, પ્રીતિવાન અને નિપૂણ છે ?
સેનાને આપવાનાં ભોજનખર્ચ અને પગાર યોગ્ય સમયે ઉચિત રીતે આપો છો ? એમાં ઢીલ તો નથી કરતાંને ?
તમારા કુળના કુમારો અને મુખ્ય પુરુષો તમારામાં ભક્તિભાવવાળા છે ? તેઓ તમારે માટે યુદ્ધમાં પ્રાણને ઓવારી નાખવાને સદા સજ્જ છે ?
કોઈ મનુષ્ય પુરુષાર્થ કરી ને પોતાનું કામ શોભાવે તો તેને અધિક માન અને વધુ પગાર મળે છે ? વિદ્યાવાન, વિનયવાન અને જ્ઞાનકુશળ નરોનો તમે ગુણ પ્રમાણે યોગ્ય સત્કાર કરો છો ? તમારે માટે પ્રાણદાન કરનારા અને આપત્તિમાં આવી પડેલાં માણસોની સ્ત્રીઓનું ભરણોપોષણ કરો છો ? તમે સકલ પૃથ્વી ને મન માતા તથા પિતાની જેમ સમાન અને શંકાથી પર છો ને ? શત્રુરાજ્યના મોટા મોટા યોદ્ધાઓને તમે ગુપ્ત રીતે યોગ્યતા પ્રમાણે રત્નો વહેંચો છો?
શત્રુઓ ઉપર ચઢાઈ કરો છો તે પહેલાં સામ, દામ, ભેદ અને દંડ એ ચાર ઉપયોગ વિધિપૂર્વક યોજો છો ? તમારા મૂલરૂપ રાજ્યને દૃઢ કર્યા પછી જ શત્રુઓ સાથે લડો છો ? તેમને જીતવા માટે પરાક્રમ બતાવો છો ? તેમને જીતીને તેમનું રક્ષણ કરો છો ને ?
તમારા ખેડુતો તો સંતુષ્ટ છે ને ? તમારા રાષ્ટ્રમાં અનેક મોટાં જલભર્યાં તળાવો વિભાગવાર ખોદાવ્યાં છે ? તમારે ત્યાં ખેતી માત્ર વરસાદ ઉપર આધાર રાખનારી નથીને ? તમારા ખેડુતોને અનાજ અને બીજની તંગી તો રહતી નથી ? તેમને સેંકડે એક ટકો વ્યાજ લઈને નાણાં ધીરવાની તમે કૃપા કરો છો ?
સ્ત્રીઓને તમે સાંત્વન આપો છો ને ? તેમની સારી પેઠે રક્ષા કરો છો ? તેમના ઉપર વિશ્વાસ તો નથી મૂકતા નથી ને ? તેમજ તેમને છૂપી વાતો કહેતા નથી ને ?
રાતના બીજા અને ત્રીજા પહોરમાં સૂઈ રહી, ચોથે પહોરે ઊઠી, ધર્મ અને અર્થનું ચિંતન કરો છો ને ?
તમે બ્રાહ્મણો અને સાધુઓને સર્વ વિદ્યાઓને તથા તેમના ગુણોને જોઈને પરમ-કલ્યાણકારી શુભ પૂજા અર્પો છો ? તેમને સ્વર્ગ અને મોક્ષ આપનારી દક્ષિણાઓ આપો છો?
કોઈ આર્ય, શુદ્ધચિત્ત અને પવિત્ર માણસ ચોરીના મિથ્યા આળમાં સપડાયો હોય,તો તે અણજાણ માણસ શાસ્ત્રો રમાડનારા માણસો હાથે, લોભે કરીને માર્યો તો નથી જતો ને ?
કોઈ દુષ્ટ, બૂરા કામો કરનારો અને ચોર ખાસ માણસોને હાથે પકડાયો હોય તો દ્રવ્યના લોભથી તેને છોડી મૂકવામાં આવતો નથી ને ?
વેદાધ્યન સફળ છે ? તમારૂ ધન સફળ છે ? તમારી પત્નીઓ સફળ છે ? તમારું શાસ્ત્રશ્રવણ સફળ છે ?
અગ્નિહોત્રથી વેદો સફળ થાય છે ? દાન અને ભોગથી સફળ થાય છે. રતિ અને પુત્રથી પત્નીઓ સફળ થાય છે, અને સદાચાર થી શાસ્ત્રશ્રવણ સફળ થાય છે
તમે આંધળાં, મૂંગાં, પાંગળાં, અંગહીન, સગાંસંબધી વિનાનાં તેમજ સંન્યાસીઓને પિતારૂપ થઈ પાળો છો ?
નિંદ્રા, આળસ, ભય, ક્રોધ, ઢીલાપણું અને દીર્ધસૂત્રીપણું – એ છ અનર્થોને તમે દૂર કર્યા છે ને ?
જે રાજા આ પ્રમાણે વર્તે છે તે આ લોકમાં સુખપૂર્વકનો વિહાર કરે છે અને પરલોકમાં ઈન્દ્રલોકને પામે છે.
દેવર્ષિ નારદનાં સદુપદેશને સાંભળીને યુધિષ્ઠિરે સરળતા તથા નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારી સમજશકિતને અનુસરીને હું એ પ્રમાણે વર્તવાનો પ્રયાસ કરું છું. પૂર્વના રાજાઓએ કરેલાં કર્મો ન્યાયસંગત, અર્થયુકત અને હેતુવાળાં હતાં. અમે એમના માર્ગે પરિપૂર્ણપણે નથી ચાલી શકતા તોપણ ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ.
દેવર્ષિ નારદનાં સદુપદેશ સૂચવે છે કે તે સમયે રાજશક્તિનું ધર્મશક્તિ કે સંતશક્તિ ધ્યાન રાખતી. બંનેની વચ્ચે સુભગ સમન્વય સધાયેલો. દેવર્ષિ નારદ સરખા પરમ પ્રતાપી આદર્શ સંતપુરુષો રાજાઓ અને શાસકો પણ એમને સત્કારતા એને એમના શબ્દોને પરમપૂજ્ય ભાવે, ગુણજ્ઞ વૃત્તિથી, સ્નેહસહિત સાંભળતા. એવા સંતપુરુષો સદા જાગ્રત રાખતા અને પ્રજાના પરમ કલ્યાણમાં પ્રેરતા. એમનું સેવાક્ષેત્ર તથા સેવાકાર્ય એવી રીતે ખૂબ જ મહત્વનું ને વિશાળ રહેતું. સંતો પણ સુવિશાળ દૃષ્ટિવાળા બનીને સમયોચિત સદુપદેશ, પ્રેરણા તથા માર્ગદર્શન આપતા રહેતા, અને સત્તા, પદ, પ્રતિષ્ઠા કે વ્યક્તિગત લાભાલાભની ગણતરીથી કે લાલસાથી પર બનીને શ્વાસ લેતાં એટલે પરમ આદર્શરૂપ બની શકતાં.
દેવર્ષિ નારદે યુધિષ્ઠિરની સભાની પ્રશંસા કરતાં કહ્યું કે મનુષ્યલોકમાં મેં આ સભા જેવી મણિમંડિત સભા સાંભળી કે જોઈ નથી. એ સાંભળીને યુધિષ્ઠિરને અને અન્ય સૌને અસાધારણ આનંદ થયો.
યુધિષ્ઠિરના એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં દેવર્ષિ નારદે જણાવ્યું કે તમારા પિતા પાંડુએ મને મનુષ્યલોકમાં આવતો જાણીને એક સંદેશો આપેલો. તેમણે તમને જણાવેલું કે તું પૃથ્વીને જીતવા સમર્થ છે તથા તારા બંધુઓ તને વશ છે. તેથી તું રાજસુય યજ્ઞનું અનુષ્ઠાન કર. એ યજ્ઞાનુષ્ઠાનને લીધે મને ઈન્દ્રની સભામાં અસંખ્ય વરસો સુધી આનંદ ભોગવવા મળશે. તમે તમારા પિતાના સંકલ્પને પૂરો કરો. તમે તેને પૂરો કરી શકો તેમ છો. એ મહાન સિદ્ધિમાં કેટલાંય વિધ્નો આવે છે. યજ્ઞનો નાશ કરનારા બ્રહ્મરાક્ષસો એની ક્ષતિઓને શોધતા રહે છે. એ યજ્ઞ વખતે ક્ષત્રિયોનો સર્વસંહાર કરનારું મહાયુદ્ધ પણ થતું હોય છે. એને માટે કશુંક નિમિત્ત બને છે. એ સઘળું વિચારીને જે કલ્યાણકારક લાગે તે કરી લો. વૃદ્ધિ પામો, આનંદ અનુભવો અને બ્રાહ્મણોને ધનસંપત્તિથી સંતોષો.
ઋષિમુનિના મંડળથી મંડિત નારદે એ પછી યુધિષ્ઠિરની અનુમતિ મેળવીને ત્યાંથી પ્રયાણ કર્યું. એમના પ્રયાણ પછી રાજા યુધિષ્ઠિરે પોતાના બંધુઓ સાથે રાજસુય યજ્ઞના અનુષ્ઠાન માટે ગંભીરતાથી મંત્રણા કરી.