Sunday, 22 December, 2024

દેવયાની દુઃખી બની

314 Views
Share :
દેવયાની દુઃખી બની

દેવયાની દુઃખી બની

314 Views

Sukracharya along with his daughter Devyani were staying in a place ruled by Vrishparva, King of demons. Vrishparva had a beautiful daughter named Sharmistha. Devyani and Sharmistha were good friends. Once they went out of town and with their friends together, they bathed in a pond.

When they came out, by mistake, Sharmistha wore Devyani’s clothes. This caused troble and it went out of proportion. Sharmistha, being the daughter of a king, threw Devyani in a well and returned to her place.

Devyani cried for help from inside the well. Incidentally, King Yayati was on a hunt in the forest. He heard Devyani’s shout for help and rescued her. Devyani refused to return to a place ruled by Sharmistha’s father and asked her father to leave it too. What happend next?

અસુરોના રાજા વૃષપર્વાની સુપુત્રી શર્મિષ્ઠા.

અસુરોના ગુરુ, રાજા અને પરમ પ્રેમાસ્પદ પૂજનીય આશ્રિત, મૃતસંજીવની વિદ્યાના તત્કાલીન એકમાત્ર પરમનિષ્ણાત મનાતા, મહાપુરુષ શુક્રાચાર્યની સુપુત્રી દેવયાની.

એ બંનેની વચ્ચે વિરોધ થયો. બંનેમાં મન એકાએક ઊંચા થયાં.

એનું કારણ સાધારણ હતું. બહારથી જોતાં સાધારણ પરંતુ અંદરથી અવલોકતાં અસાધારણ.

શર્મિષ્ઠા તથા દેવયાની પોતાની સ્નેહાળ સૌન્દર્યસંપુટ સરખી સખીઓ સાથે સમીપવર્તી વનમાં વિહરવા માટે નીકળેલી.

અતિશય આકર્ષક, આહલાદક, સુંદર, એકાંત વનમાં જળક્રીડા કરીને તે સર્વે સુકુમારીઓ પોતાની જાતને પરમસુખી અને બડભાગી માનતી બહાર નીકળીને વસ્ત્રોને શોધીને બનતી વહેલી તકે પહેરવા લાગી.

દેવરાજ ઇન્દ્રે વાયુરૂપ બનીને તેમનાં વસ્ત્રોને એકઠાં અને અવ્યવસ્થિત કરી દીધેલાં.

રાજા વૃષપર્વાની સુપુત્રી શર્મિષ્ઠાએ ઉતાવળમાં અને અજ્ઞાનને લીધે ભૂલમાં દેવયાનીનાં વસ્ત્રોને પહેરી લીધાં.

વાત દેખીતી રીતે નાની હતી તોપણ તેણે ઘણું મોટું સ્વરૂપ ધારણ કર્યું.

દેવયાનીએ શર્મિષ્ઠાને પોતાનાં વસ્ત્રોને પહેરવા માટે, એના એવા અશિષ્ટાચાર બદલ ઠપકો આપ્યો તો શર્મિષ્ઠા પણ ક્રોધે ભરાઇને અનુચિત વચનોને વદવા માંડીઃ “મારા પિતા બેઠા કે સૂતા હોય છે ત્યારે તારા પિતા નીચા હલકા આસન પર બેસીને વિનયપૂર્વક ભાટચારણની પેઠે એમની સ્તુતિ કરે છે. તું યાચકની, દાન લેનારની ને સ્તુતિ કરનારની પુત્રી છે, ને હું સ્તુતિ પામનાર, દાન આપનાર અને દાનને ના સ્વીકારનારની સુકન્યા છું. હે ભિક્ષુણી, તું માથું પછાડ, કકળાટ કર, છાતી કૂટ કે ક્રોધ કર તો પણ મારી આગળ કશું નહિ ચાલે. તું શસ્ત્ર વગરની છે અને હું શસ્ત્રવાળી. તને પહોંચી વળીશ.”

એટલું બોલીને બેસી રહેવાને બદલે શર્મિષ્ઠાએ આગળ વધીને દાઝયા પર ડામ દેતી હોય તેમ વસ્ત્ર વિનાની દેવયાનીને પાસેના કૂવામાં નાખી દીધી, અને દેવયાનીને મરેલી માનીને ક્રોધાગ્નિમાં સળગતાં અન્ય સખીઓ સાથે નગર તરફ પ્રયાણ કર્યું.

શર્મિષ્ઠાએ ઉતાવળમાં જ્ઞાત અથવા અજ્ઞાત અવસ્થામાં થયેલી ભૂલને માટે દેવયાનીની ક્ષમાયાચના કરવાને બદલે એના પર કટુ વચનોનો વરસાદ વરસાવીને એને કૂવામાં નાખવાનો કરેલો દુર્વ્યવહાર એકદમ અનુચિત હતો. એને માટે એને લેશપણ પશ્ચાતાપ ના થયો એ આશ્ચર્યકારક કહેવાય. કૂવો પાણી વગરનો હોવાથી દેવયાની દૈવેચ્છાથી બચી ગઇ છે એની એને ખબર નહોતી.

કૂવામાં ક્રોધાતુર શર્મિષ્ઠા દ્વારા પાડી દેવાની પ્રક્રિયા દેવયાનીને માટે આશીર્વાદરૂપ થઇ. વિભુના વરદાનરૂપ.

નહુષપુત્ર રાજા યયાતિ મૃગયાની ઇચ્છાથી પ્રેરાઇને એ વનમાં પ્રવેશ્યો ને પાણીની શોધ કરવા માંડ્યો ત્યારે એણે દેવયાનીને જોઇ.

એણે એની માહિતી માગી ત્યારે દેવયાનીએ પોતાનો ને પોતાના પિતાનો પરિચય પ્રદાન કરીને પોતાને કૂવામાંથી બહાર કાઢવાની પ્રાર્થના કરી.

રાજા યયાતિએ એની પ્રાર્થનાને અનુલક્ષીને એને કરુણા કરીને કૂવામાંથી બહાર કાઢીને પોતાના નગર પ્રતિ પ્રયાણ કર્યું.

દેવયાનીએ પોતાની પાસે પહોંચેલી ધૂર્ણિકા નામની દાસીને પોતાના પિતા પાસે મોકલીને જણાવ્યું કે હું વૃષપર્વાના નગરમાં નહિ આવું.

ધર્ણિકાએ રાજા વૃષપર્વાના નગરમાં રહેતા શુક્રાચાર્યને દેવયાનીની સઘળી કથા કહી સંભળાવી. એ સાંભળીને શુક્રાચાર્ય ખૂબ જ દુઃખી થયા ને પોતાની સુપુત્રીને શોધવા વનમાં ગયા.

એમણે એના સંતપ્ત અંતરને આશ્વાસન આપીને શાંત કરતાં કહ્યું કે “દેવયાની, તું સ્તુતિ કરનારની, ભિક્ષુકની કે દાન લેનારની પુત્રી નથી. પ્રશસ્તિ ના કરનારા પરંતુ પ્રશસ્તિ પામનારા પિતાની પુત્રી છે. વૃષપર્વા, ઇન્દ્ર અને નહુષપુત્ર યયાતિ સૌને તેની માહિતી છે. મારું સામર્થ્ય અચિંત્ય, બ્રહ્મરૂપ, દ્વંદ્વાતીત, ઇશ્વરીય છે. આ ભૂમિમાં કે સ્વર્ગલોકમાં જે કાંઇ છે તે સર્વનો હું સદાનો અધીશ્વર છું. હું જ પ્રજાના પરમહિતની ઇચ્છાથી જલધારાને છોડું છું. હું જ સઘળી ઔષધિઓને પોષું છું.”

સદગુરુ શુક્રાચાર્યે સંભળાવેલા આદિ પર્વની અંતર્ગત આવેલા સંભવપર્વના 79મા અધ્યાયમાં સમાવાયેલા દેવયાનીના ઉત્તર સાથેના આ શબ્દો સવિશેષ ઉલ્લેખનીય છેઃ ” દેવયાની ! જે માનવ સદા બીજાના નિંદાશબ્દોને સહી લે છે, તેણે આ આખું જગત જીત્યું છે એમ જાણ. જે ઊછળતા ક્રોધને ઘોડાની જેમ કાબૂમાં રાખે છે તેને જ સંતો સારથિ કહે છે; માત્ર લગામોને ઝાલી રાખનારને નથી કહેતા. હે દેવયાની ! જે ઊછળેલા ક્રોધને વશ રાખે છે તેણે આ સમસ્ત જગત જીત્યું જાણજે. સાપ જેમ પોતાની જીર્ણ થયેલી કાંચળીને તજે છે તેમ જે ઊછળેલા ક્રોધને ક્ષમા વડે ટાળી દે છે તે જ પુરુષ કહેવાય છે. જે રોષને રોકી લે છે, નિંદાશબ્દોને સાંખી લે છે, અને સંતાપિત થયા છતાં સંતાપ આપતો નથી, તે દૃઢ પુરુષાર્થને પાત્ર થાય છે. જે મહિને મહિને સો વરસ સુધી અખંડ પિતૃયજ્ઞો કરે છે તે. અને જે માણસ કદી કોઇના ઉપર ક્રોધ કરતો નથી, એ બેમાંથી ક્રોધ ના કરનારો જ ઉત્તમ છે. અજ્ઞાન બાળકો અને બાલિકાઓ જે વેર કરે તેનું ડાહ્યાએ અનુકરણ ના કરવું જોઇએ. કેમ કે બાળકો બલ અને અબલ ને જાણતાં નથી હોતાં.”

દેવયાનીએ જણાવ્યું : “હું બાળા છું તો પણ ધર્મના અંતરને સમજું છું અક્રોધ અને ક્રોધના બલાબલ પણ જાણું છું. શિષ્ય હોવા છતાં જેમનું આચરણ શિષ્યને યોગ્ય નથી, તેમને માટે મંગલ ઇચ્છનારે ક્ષમા ના જ રાખવી જોઇએ. મને ચારિત્ર્યહીનોમાં રહેવું રુચતું નથી. જે માણસો ચારિત્ર્ય અને કુલીનતાની નિંદા કરે છે તે પાપી બુદ્ધિવાળાઓ સાથે કલ્યાણની કામનાવાળા ડાહ્યા પુરુષે વસવું જ ના જોઇએ. જેઓ ચારિત્ર્ય અને કુલીનતાના જ્ઞાતા હોય તેવા સત્પુરુષો સાથે જ વાસ કરવો જોઇએ. એ વાસ જ શ્રેષ્ઠ કહેવાય છે. અગ્નિની ઇચ્છાવાળો પુરુષ અરણિને મથે છે તેમ વૃષપર્વાની પુત્રીની દુષ્ટ અને મહાભયંકર વાણી મારા હૃદયને મથી રહી છે. જે ધનહીન માનવ શત્રુની ઉજ્જવળ લક્ષ્મીને ઉપાસે છે તેને માટે તો મરણ જ મંગલ છે એવું વિદ્વાન માણસોએ જણાવ્યું છે.”

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *