Thursday, 14 November, 2024

ધ્રુવચરિત્ર – 2

302 Views
Share :
ધ્રુવચરિત્ર – 2

ધ્રુવચરિત્ર – 2

302 Views

ધ્રુવનું સદ્દભાગ્ય એટલું સારું, સાનુકૂળ અથવા સર્વોત્તમ કે એને માતા સુનીતિના શબ્દો સારા લાગ્યા. એમાંથી પ્રેરણા પામીને એ ઇશ્વરની આરાધના માટે ચાલી નીકળ્યા.

માર્ગમાં પરમાત્માના પરમ કૃપાપાત્ર ભક્તશિરોમણિ દેવર્ષિ નારદ મળ્યા. એમણે ધ્રુવની પરીક્ષા કરવા માટે કેટલાંક પ્રતિકૂળ વચનો કહ્યાં ને વૃદ્ધાવસ્થામાં ભક્તિ કરવાની સૂચના કરી, પરંતુ ધ્રુવે એમની સલાહને ના માની ને પરમાત્માની પ્રાપ્તિ માટેના ઉપદેશની પ્રાર્થના કરી ત્યારે નારદજીએ એમને ઉપદેશ આપ્યો. એમણે ભગવાનના સાકાર સ્વરૂપના ધ્યાનની વિધિ બતાવી અને સર્વસિદ્ધિપ્રદાયક શાંતિકારક મહામંત્ર ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ પ્રદાન કર્યો.

એવા મહામહિમ મહાપુરુષના શુભાશીર્વાદ કાંઇ જેને તેને નથી મળતા. એમનો સમાગમ ઇશ્વરની કૃપાથી જ થઇ શકે છે. ધ્રુવ એમને પ્રણામ કરીને આગળ વધ્યો ને મધુવનમાં ગયો.

દેવર્ષિ નારદ રાજા ઉત્તાનપાદ પાસે પહોંચ્યા ત્યારે ઉત્તાનપાદે એમને ધ્રુવ સાથેના વ્યવહારની વાત વર્ણવીને શોક તથા પશ્ચાતાપ પ્રકટ કર્યો. જે ભૂલ કરીને પસ્તાય છે ને તેને સુધારવાની કોશિશ કરે છે તે સુધરી શકે છે ને શાંતિ પામે છે. એમનો આત્મવિકાસ અબાધિત રીતે ચાલુ રહે છે. દેવર્ષિ નારદ એ શોક તથા પશ્ચાતાપના પ્રદર્શનથી પ્રસન્ન થયા ને બોલ્યા કે ધ્રુવે જે પંથે પ્રયાણ કર્યું છે તે પંથ પ્રશસ્ય છે. એ પવિત્ર પંથે કોઇક પરમ ભાગ્યશાળી જીવો જ જઇ શકે છે. ધ્રુવની ચિંતા કરવાનું કશું પણ કારણ નથી. ઇશ્વર એની સર્વપ્રકારે ને સર્વસ્થળે રક્ષા કરે છે. એ ધ્રુવ તપશ્ચર્યા દ્વારા પોતાના જીવનને કૃતાર્થ કરીને યશસ્વી બનીને થોડા જ વખતમાં અહીં પાછો ફરશે.

દેવર્ષિ નારદ પોતાની દૈવી દૃષ્ટિથી એ બધું જોઇ શકતા હોવાથી એવી ભવિષ્યવાણી કહી શક્યા. પરમાત્માની પરમકૃપાને પામી ચૂકેલા પૂર્ણ કે મુક્ત મહાપુરુષોને માટે કાંઇ જ મુશ્કેલ નથી. એમના આશીર્વાદ એકદમ અમોઘ હોય છે. એ જે ધારે તે બધું જ કરી અને કરાવી શકે છે.

પરમાત્માનો સાક્ષાત્કાર કાંઇ જેને તેને ને જ્યારે ત્યારે થઇ શકે છે ? એને માટે ઉત્કટ ઇચ્છા અથવા તીવ્ર સંવેગ જોઇએ. એ સંવેગ કેવો તીવ્ર અને સતત હોય તે ધ્રુવના જીવન પરથી જાણી કે સમજી શકાય છે. ધ્રુવના અંતરમાં પરમાત્માના પરમપ્રેમનો અથવા અસાધારણ અનુરાગનો આવિર્ભાવ થયેલો. એનું રોમેરોમ પરમાત્માને માટે રડતું’તું. એમાં વેદનાની વીણા વાગી રહેલી. એ વહેલામાં વહેલી તકે પોતાના મનોરથની સિદ્ધિ કરવા માગતો હતો. એનો સંકલ્પ સુદૃઢ હતો અને એનો સમર્પણભાવ સર્વોત્તમ. એ સંકલ્પ, સ્નેહ તથા સમર્પણભાવથી પ્રેરાઇને એણે દેવર્ષિ નારદના પવિત્ર પથ પ્રદર્શન પ્રમાણે પરમાત્માના સાક્ષાત્કારની સાધના કરવા માંડી.

એ આખુંય દૃશ્ય કેટલું બધું અસાધારણ, અલૌકિક અને આશ્ચર્યકારક હતું ? એવું દૃશ્ય દુનિયાના આધ્યાત્મિક ઇતિહાસમાં એ પહેલાં ભાગ્યે જ જોવા મળ્યું હશે. એક નાનકડા સંસ્કારમૂર્તિ શિશુને ઇશ્વરદર્શનની લગની લાગે અને એ લગનીને સફળ કે સાર્થક કરવા એ એકાંત અરણ્યમાં સર્વસમર્પણ કરીને તપશ્ચર્યા કરવા બેસે એ વિચાર જ કેટલો બધો રસિક અને રોમાંચક છે ? એ વિચાર ધ્રુવના સ્વરૂપમાં સાકાર બનેલો.

ધ્રુવની તપશ્ચર્યા કેટલી બધી ઉત્કટ હતી ? મધુવનમાં પ્રવેશીને પવિત્ર યમુનામાં સ્નાન કરીને તે રાતે એણે અનશન કર્યું. પ્રથમ માસ દરમિયાન એણે ક્ષુધાના આંશિક શમન માટે ત્રણ ત્રણ દિવસને અંતરે કોઠાં ને બોર ખાઇને ઇશ્વરારાધન કર્યું. બીજા માસ દરમિયાન એ અદ્દભુત અસાધારણ સંસ્કારસંપન્ન બાળકે છ વૃક્ષો પરથી પોતાની મેળે ખરી પડેલાં પર્ણોનું પ્રાશન કરીને તપ કર્યું. ત્રીજા માસ દરમિયાન એણે નવમે નવમે દિવસે પાણી પીધું. ચોથા માસ દરમિયાન એણે પ્રત્યેક બારમે દિવસે માત્ર વાયુ ભક્ષણ કરીને ઇશ્વરની આરાધનાનો આધાર લીધો. તેવી કઠોર તપશ્ચર્યા કરવા છતાં પણ ઇશ્વરનો સાક્ષાત્કાર ના થયો એટલે પાંચમા માસ દરમિયાન એ પ્રાણવાયુનો વિજય કરીને એક પગના આધારે અચળ ઊભો રહીને પરમાત્માનું પ્રેમપૂર્ણ ધ્યાન કરવા લાગ્યો. એ ધ્યાનાવસ્થા દરમિયાન એણે મન તથા બીજી ઇન્દ્રિયોને વિભિન્ન વિષયોમાંથી નિવૃત્ત કરીને વૃત્તિને ઇશ્વરના સુધામય સ્વરૂપમાં કેન્દ્રિત કરી. એવા કેન્દ્રિકરણ વિના ઇશ્વર સાથે એકરૂપતા ના થઇ શકે, ને ઇશ્વરના દેવદુર્લભ દિવ્ય દર્શનનો લાભ પણ ના મળી શકે.

ઇશ્વરના દિવ્ય દર્શનની ઇચ્છાનો ઉદય અંતઃકરણમાં થાય, એ ઇચ્છા બળવાન બની જાય, એની પૂર્તિ માટેનો પ્રામાણિક પાર વિનાનો પ્રખર પુરુષાર્થ કરવામાં આવે, અને છતાં પણ ઇશ્વરનું દર્શન ના થાય એવું કેમ બને ? ઇશ્વર નામની કોઇ વસ્તુનું અસ્તિત્વ આ અવનીમાં હોય ને ભક્ત એના સાક્ષાત્કારને માટે તલપાપડ હોય તો કાયમને માટે એવું ના બની શકે. ધ્રુવના સંબંધમાં પણ એ હકીકત સાચી પુરવાર થઇ. ભગવાન એની અસાધારણ શ્રદ્ધાભક્તિથી અને અખંડ આરાધનાથી પ્રસન્ન થઇને એની ઉપર અનુગ્રહની વર્ષા કરવા માટે એની આગળ પ્રકટ થયા. ધ્રુવના હૃદયપ્રદેશમાં દેખાતું એમનું સુંદર સ્વરૂપ એકાએક અદૃશ્ય થઇ ગયું. એથી આશ્ચર્યચકિત થઇને એણે આંખ ખોલીને બહાર જોયું તો એવા જ સુંદર સ્વરૂપનું દર્શન કર્યું. એથી એની પ્રસન્નતાનો પાર ના રહ્યો.

એણે ભગવાનને પુષ્કળ પ્રેમપૂર્વક પ્રણામ કર્યા.

એમની સ્તુતિ કરવાની અભિલાષા હોવા છતાં સ્તુતિ કેવી રીતે કરવી એની સમજ એને ના પડવાથી એ મૂક ઊભો રહ્યો ત્યારે ભગવાને એની અભિલાષાને ઓળખીને એના ગાલ પર શંખ લગાડ્યો. એ અલૌકિક સંસ્પર્શથી એને નવીન શક્તિની પ્રાપ્તિ થઇ અને એથી પ્રેરાઇને એણે ભગવાનની સ્તુતિ કરી.

એ સ્તુતિ આત્મજ્ઞાનથી અલંકૃત હોવાથી ભાગવતની સુંદર સ્તુતિઓમાંની એક છે. એ આત્મજ્ઞાન ઇશ્વરના અનંત અનુગ્રહથી મળેલું છે એમાં ધ્રુવ કહે છે :

योङन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना ।
अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् ॥ (અધ્યાય ૯, શ્લોક ૬)

‘મારા અંતઃકરણની અંદર પ્રવેશીને સર્વશક્તિમાન એવા તમે મારી શાંત પડેલી વાણીને સજીવન કરો છો અને મારા હાથ, પગ, શ્રવણ, ત્વચા તથા પ્રાણને જીવનનું દાન દો છો. હે ભગવાન ! હે પરમપુરુષ ! હે પુરુષોત્તમ ! હું તમને પ્રણામ કરું છું.’

‘તમે એક છો છતાં પણ તમારી યથાશક્તિની મદદથી મહત્તત્વાદિ સર્વ જગતની સૃષ્ટિ કરીને તેમાં પ્રવેશો છો. લાકડામાં રહેલો અગ્નિ જેમ જુદી જુદી જાતનો દેખાય છે તેમ તમે પણ માયાશક્તિના સંસર્ગથી જુદી જુદી જાતના પ્રતીત થાવ છો.’

‘હે અનંત ! નિર્મળ હૃદયના, તમારી નિરંતર ભક્તિ કરનારા મહાપુરુષોનો સમાગમ મને સદા પ્રાપ્ત થાવ જેથી એની દ્વારા તમારા સુંદર ગુણસંકીર્તનના અને તમારી કથાના અમૃતનો આસ્વાદ લઇને મત્ત બનેલો હું આ ભયંકર અને મોટા ભવસાગરને અનાયાસે જ પાર કરી શકું.’

(શ્લોક ૧૧નો ભાવાર્થ)

ધ્રુવની પ્રશસ્તિથી ભગવાન પ્રસન્ન થયા. ધ્રુવની મનોકામનાથી એ માહિતગાર હતા. એ મનોકામનાને અનુસરીને એમણે એને ધ્રુવપદ આપ્યું. એ ધ્રુવપદ અખંડ અને અવિનાશી છે તથા તારાઓ અને સપ્તર્ષિઓ એની પ્રદક્ષિણા કરે છે. ભગવાને ધ્રુવને જણાવ્યું કે તારા પિતા તને રાજ્ય આપીને વનમાં જશે તે પછી તું છત્રીસ હજાર વરસો સુધી સંપૂર્ણ સંયમ તથા જાગૃતિપૂર્વક ધર્મમય જીવન જીવતાં રાજ્ય કરીશ. તારો ભાઇ ઉત્તમ મૃગયામાં મરણ પામતાં સુરુચિ એને શોધતી શોધતી વનમાં જશે ને ત્યાં દાવાનળમાં પ્રવેશ કરશે. તે પછી તું મોટી દક્ષિણાવાળા યજ્ઞોથી મારું યજન કરશે. એમ કરતાં કરતા એક દિવસે તારા પાર્થિવ શરીરનો પરિત્યાગ કરીને સપ્તર્ષિઓની ઉપર રહેલા મારા અચળ અવિનાશી પદની પ્રાપ્તિ કરીશ. એ પદની પ્રાપ્તિ કર્યા પછી મનુષ્ય જન્મમરણથી છવાયલા ભેદભાવયુક્ત સંસારમાં નથી આવતો.

ભગવાન ત્યાંથી અદૃશ્ય થયા એટલે ધ્રુવ પોતાનો મનોરથ સફળ થયેલો સમજીને પાછો ફર્યો.

ધ્રુવની ભક્તિ સકામ હતી. એને મુક્તિની ઇચ્છા નહોતી થઇ. સુરુચિના શબ્દોથી શોક્તિ કે દુઃખી થઇને એણે અરણ્યમાં તીવ્રતમ તપશ્ચર્યાનો આધાર લીધેલો. એને રાજ્યસુખની ઇચ્છા હોવાથી ભગવાને એની એ ઇચ્છાની પૂર્તિને માટે એને વરસો સુધીના રાજ્યસુખનું વરદાન આપ્યું. ધ્રુવને પાછળથી થયું તો ખરું કે ભગવાનનું દેવદુર્લભ દર્શન કરવા છતાં મારી સુખોપભોગની ઇચ્છા શાંત ન થઇ અને એને લીધે હું એમના ધામમાં ના જઇ શક્યો. મારી મોટી ભૂલ થઇ.

પરંતુ એ ભૂલ નહોતી. ભગવાન તો શરણાગતવત્સલ અને ભક્તોના સંરક્ષક છે. એમણે એનું અમંગલ નહોતું કર્યું. સંસારના સર્વોત્તમ સુખોપભોગને પ્રદાન કરવાની સાથે સાથે એમણે એને પોતાનું પરમપદ પણ પ્રદાન કરેલું. એ પરમપદની પ્રાપ્તિને વાર હતી એટલું જ. બધા જ ભક્તો ભગવાનના સાક્ષાત્કાર પછી એમના ધામમાં જ જતા રહે તો પછી એમની વાતો કરનારું પૃથ્વી પર કોણ રહે ? એ સાક્ષાત્કારના સાધન અને સાધ્ય વિશે સંભળાવનારું પણ કોઇક જોઇએ ને ? વળી ભગવાનની કૃપાથી મુક્તિ તો મળે છે. પરંતુ ભુક્તિયે મળે છે એવું બતાવવા માટે પણ ધ્રુવને રાજ્ય આપવાની ને સંસારમાં મોકલવાની આવશ્યકતા હતી. ભગવાનની અહેતુકી અસાધારણ કૃપાથી શું નથી થઇ શક્તું ? નિરક્ષર સાક્ષર બને છે, નિર્ધન ધની થાય છે, ને કુરૂપ રૂપવાન બની જાય છે. ભગવાનની દિવ્ય કૃપાથી વ્યાધિ ને વૃદ્ધાવસ્થા ટળે છે તથા મૃત્યુ શમે છે. સિદ્ધિ, મુક્તિ ને પૂર્ણતા ભક્તની દાસી બને છે. આ લોકની કે પરલોકની કોઇ એવી વસ્તુ નથી જે એમના અનુગ્રહથી ના સાંપડી શકે. છતાં પણ મનુષ્ય એમનું શરણ નથી લેતો, એમનું સ્મરણ નથી કરતો, અને એમને સર્વ સમર્પણપૂર્વક નથી ભજતો એથી અદિક આશ્ચર્યકારક અને દુઃખદ બીજું શું હોઇ શકે ?

ઉત્તાનપાદને ધ્રુવના પુનરાગમનની માહિતી મળી એટલે એની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એણે પોતાના મંત્રીઓ, કુળના વૃદ્ધ પુરુષો તથા પોતાની બંને પત્નીઓ સાથે ધ્રુવનું સામેથી ચાલીને સ્વાગત કર્યું. એ દૃશ્ય ખૂબ જ ભાવમય હતું. પરંતુ એથીયે વધારે ભાવમય દૃશ્ય તો ત્યારે ઉપસ્થિત થયું જ્યારે ધ્રુવે સુરુચિને દંડવત પ્રણામ કર્યા અને સુરુચિએ એને આલિંગન આપીને હર્ષાશ્રુ સાથે ગદ્દગદ્દ કંઠે લાંબા વખત લગી જીવવાનો આશીર્વાદ આપ્યો.

સુનીતિને એ વખતે પરમાનંદ થાય એ સ્વાભાવિક હતું. એના જીવનની એક મોટી મહત્વની સાધના પૂરી થયેલી.

ભગવાનના સાચા કૃપાપાત્ર ભક્તો કોઇના પ્રત્યે દ્વેષભાવ નથી રાખતા. એમની પ્રત્યે કોઇ જાતનો દુર્ભાવ રાખનારને માટે પણ એ દુર્ભાવ નથી રાખી શક્તા. એમની પવિત્ર પ્રેમગંગા સદાને સારું, સર્વ સ્થળે તથા કાળે વહેતી હોય છે. એ કોઇને ધિક્કારી નથી શક્તા. ધ્રુવ અને સુરુચિના સ્નેહયુક્ત સંમિલનમાંથી એ શીખવા સમજવાનું મળે છે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *