Sunday, 22 December, 2024

દ્રૌપદીની પ્રાપ્તિ

310 Views
Share :
દ્રૌપદીની પ્રાપ્તિ

દ્રૌપદીની પ્રાપ્તિ

310 Views

Sage Vyas narrated an interesting story behind Draupadi becoming common wife of five Pandavas: A young girl performed arduous penance and made Lord Shiva happy. When Lord appeared and asked for a boon, the girl asked for a groom with all great qualities. She repeated it five times. Lord Shiva replied that since you asked for it five times, you will get five grooms in your next birth.

If we think for a moment, the five time reiteration and Lord Shiva’s blessing seems a bit strange. The girl asked for a groom in the same birth while she was blessed for next birth and five times repetition results in five times boon merits second thinking.

Whatever it may be, Draupadi got married to five Pandavas. According to prevailing rituals, King of Panchal, Drupada gave enormous wealth in treason to his lone daughter. Lord Krishna matched the offerings and performed rituals on groom’s side accordingly. The description of offerings makes one wonder about the enormous wealth prevalant at that time.

દ્રૌપદીના વિવાહ સંબંધી મહર્ષિ વ્યાસે દ્રુપદને કહેલી કથા નીચે પ્રમાણે છેઃ

તપોવનમાં એક અતિશય સુંદર આકર્ષક રૂપવતી ઋષિકન્યા હતી. તેને ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ પતિ નહોતો મળતો. એણે તીવ્ર તપ કરીને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા.

એણે શંકરે વરદાન માગવાનું કહેતાં કહ્યું કે મારે સર્વગુણસંપન્ન સર્વશ્રેષ્ઠ પતિ જોઇએ છે.

એ કન્યાએ એવું પાંચ વાર કહ્યું એટલે શંકરે જણાવ્યું કે તેં પાંચ વાર પતિને માટે માગણી કરી છે તેથી તને પાંચ પતિની પ્રાપ્તિ થશે.

કન્યાએ જણાવ્યું કે મારે પાંચ પતિ નથી જોઇતા, એક જ પતિ જોઇએ છે; તોપણ અંતઃકરણમાં પ્રસન્ન થયેલા તે દેવાધિદેવે ફરીવાર શુભ ભાષણ કરીને, તેના સ્પષ્ટિકરણની અથવા અભિપ્રાયની પરવા કર્યા વિના કે લેશ પણ નોંધ લીધા વિના કહ્યું કે તેં પતિ આપો, પતિ આપો, એવું કહીને મારી પાંચ વાર પ્રાર્થના કરી છે તેથી હવે તારા પાંચ જ પતિ થશે. તારું કલ્યાણ થાવ. વર્તમાન શરીર છૂટીને બીજા જન્મમાં બીજા શરીરની પ્રાપ્તિ થતાં મારું આ વરદાન સાર્થક થશે.

એ કથાને વર્ણવીને મહર્ષિ વ્યાસે દ્રુપદને જણાવ્યું કે એ વરદાનને અનુસરીને ઉત્પન્ન થયેલી તારી દેવકન્યા દ્રૌપદી ઇશ્વરી સંકેતથી પાંચે પાંડવની પત્ની ઠરેલી છે માટે હવે તને જેમ ઉચિત લાગે તેમ કરી શકે છે.

દ્રૌપદીના પૂર્વજન્મના રહસ્યની એ કથા સાંભળ્યા પછી રાજા દ્રુપદે જણાવ્યું કે મારો સંશય હવે દૂર થયો. મેં પ્રથમ આ વાત જાણી ન હતી. તેથી મારી પુત્રીનો એક જ પતિ સાથે સંબંધ કરવા પ્રયત્ન કર્યો હતો; પણ ખરેખર દૈવ આગળ કોઇનું કાંઇ ચાલતું નથી. માટે દૈવવિહિત જે હોય તે જ કરવું યોગ્ય છે. દૈવનો સંબંધ ટાળવો અશક્ય છે. અને તેને ટાળવા માટે આ જન્મે કરેલા કર્મથી કંઇ જ સિદ્ધ થતું નથી. કન્યાને એક ઉત્તમ પતિ મેળવી આપવાના ઉદ્ધેશથી મેં જે શરત કરી તે અનેક પતિને મેળવી આપવાના કારણભૂત થઇ પડી ! સાક્ષાત્ શંકરે જ જ્યારે એવું વરદાન આપ્યું છે ત્યારે અધર્મ હો તોપણ, એમાં મારો અપરાધ નથી; માટે દ્રૌપદીને જેમ રુચે તેમ કરે.

એ પછી મહર્ષિ વ્યાસે ધર્મરાજાને પ્રથમ દ્રૌપદીનું પાણિગ્રહણ કરવાની આજ્ઞા કરી. તે મુજબ ધૌમ્ય મુનિએ હવન કરીને યુધિષ્ઠિર સાથે દ્રૌપદીની ગાંઠ બાંધી આપી. ત્યાર બાદ બીજે, ત્રીજે, ચોથે અને પાંચમે દિને, અનુક્રમે બાકીના પાંડવોએ તેનું પાણિગ્રહણ કર્યું. વૈશંપાયન કહે છે કે વ્યાસે તેને એક અદભુત કથા એ કહી હતી કે દ્રૌપદી દરરોજ એકેક પાંડવ સાથે લગ્ન કર્યા પછી કુમારી થઇ જતી.

દ્રૌપદીના પૂર્વજન્મની મહર્ષિ વ્યાસે આલેખેલી એ કથાનો નીરક્ષીર વિવેકથી વિચાર કરવાથી એ કથા પાછળથી દ્રૌપદીના પાંચ પાંડવો સાથેનાં લગ્નની વાતના સમર્થનને માટે ઉપજાવી કાઢેલી છે એવી છાપ પડયા વિના નથી રહેતી. તપોવનની ઋષિકન્યાએ ભગવાન શંકર પાસે એક જ પતિની માગણી કરેલી એ વાતની એણે સ્પષ્ટતા પણ કરી. એ છતાં પણ શંકર એની સ્પષ્ટતાને અવગણીને એના ઉપર અકારણ ‘પાંચ વાર બોલી’ એવું કહીને પાંચ પતિને ઠોકી બેસાડે છે એ એક પ્રકારની બળજબરી જ કહેવાય. એવી બળજબરી સાધારણ શિક્ષિત સમજુ માનવ પણ ના કરી શકે તો પછી શંકરને માટે તો તેની કલ્પના પણ કેવી રીતે કરી શકાય ? શંકર એવા અવિચારી ના જ હોય. કથાકારે એમને ઋષિકન્યાની ઇચ્છા વિરુદ્ધ એને પાંચ પતિની પ્રાપ્તિનું એમને વરદાન આપતા બતાવીને એમના વ્યક્તિત્વને અન્યાય કર્યો છે, અને નીચું આણ્યું છે. ઋષિકન્યાને તો ભયંકર અક્ષમ્ય અન્યાય કર્યો જ છે.

ઋષિકન્યાએ જે પતિની માગણી કરેલી તે બીજા જન્મને માટે નહોતી કરી પરંતુ તે જ જન્મને માટે કરેલી. ભગવાન શંકર અને કથાકાર બન્ને એ મહત્વની વાતને પણ ભૂલી જાય છે.

દ્રુપદે વ્યાસને કહ્યા મુજબ પાંચ પાંડવો સાથેનાં લગ્ન પહેલાં દ્રૌપદીના વિચારને જાણવાની પરવા નથી કરી, પોતાની ને દ્રૌપદીની લક્ષ્યવેધ કરે તેની સાથે જ લગ્ન કરાવવા – કરવાની પ્રતિજ્ઞાની પણ પરવા નથી કરી, એ હકીકત અત્યંત આશ્ચર્યકારક લાગે છે.

એટલે એ આખીય કથા ક્ષેપક માનવા જેવી ને પાછળથી ઉમેરેલી હોય તેવી છે. દ્રૌપદીનું લગ્ન એની ને દ્રુપદની પ્રતિજ્ઞા પ્રમાણે અર્જુન સાથે જ થયેલું એ ચોક્કસ છે.

દ્રૌપદીના પાંડવો સાથેના કહેવાતા લગ્નના અનુસંધાનમાં એના સમર્થનમાં મહર્ષિ વ્યાસ દ્વારા રાજા દ્રુપદને કહેવાયેલી મનાતી દ્રૌપદીના પૂર્વજન્મ સાથે સંબંધ ધરાવનારી બીજી કથાનો ઉલ્લેખ ના કરીએ તે જ સારું છે, કારણ કે તે કથા જરા પણ બુદ્ધિસંગત નથી. એને પ્રથમ નજરે નિહાળતાં જ એ પાછળથી ઉમેરેલી, જોડી કાઢેલી અને ઢંગધડા વગરની દેખાય છે. એમાં શંકરને પણ દ્યુત રમતા બતાવવામાં આવ્યા છે. એ કથાની યથાર્થતાને કોઇપણ બુદ્ધિશાળી જ નહિ પરંતુ સામાન્ય વ્યાવહારિક બુદ્ધિથી સંપન્ન માનવ પણ ના સ્વીકારી શકે.

મહાભારતકાળમાં બહુપતિત્વની પ્રથા પ્રચલિત નહોતી; એટલા માટે જ રાજા દ્રુપદે યુધિષ્ઠિર સમક્ષ એને માટે પોતાની અસંમતિ બતાવતાં સ્પષ્ટ કરેલું કે એક પુરુષને માટે અનેક સ્ત્રીઓને કરવાનું કહેલું છે પરંતુ એક સ્ત્રીના અનેક પતિ હોય એવું ક્યાંય નથી સાંભળ્યું. તારી એવી અમંગલ બુદ્ધિ કેવી રીતે થઇ ? એવો શિષ્ટાચારથી ને શ્રુતિથી વિરુદ્ધ અધર્મ કરવો ઉચિત નથી. ધૃષટદ્યુમ્ને પણ જણાવેલું કે એક સદાચારી વડીલ બંધુ પોતાના લઘુ બંધુની ભાર્યા સાથે કેવી રીતે શરીરસંબંધ કરી શકે ?

મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે સાધ્વી સન્નારીને એક જ પતિ હોય છે. વળી એમાં જણાવ્યું છે કે નાના ભાઇએ મોટા ભાઇની પત્નીને ગુરુપત્ની સમાન અને મોટાભાઇએ નાનાભાઇની પત્નીને પુત્રવધૂ સમાન માનવી જોઇએ. મનુસ્મૃતિ એવું પણ જણાવે છે કે બુદ્ધિમાન પુરુષે પોતાની કન્યાનું દાન કોઇને આપ્યું હોય તો તે જ કન્યાનું દાન બીજાને ના આપવું. એટલે દ્રૌપદીના પાંચ પાંડવો સાથેનાં લગ્નની વાત સત્ય તથા તર્કથી વેગળી છે એમાં કશી શંકા નથી રહેતી.
*
“દ્રૌપદીના લગ્ન પછી દ્રુપદરાજાએ મહારથી પાંડવોને વિવિધ પ્રકારનું ઉત્તમ ધન પહેરામણીમાં આપ્યું. શ્રેષ્ઠ સુવર્ણની માળાઓવાળા તેમ જ સોનાની લગામથી શોભતા ચાર ચાર ઘોડા જોડેલા સો રથો આપ્યાં. વળી સુવર્ણના શિખરોવાળા સો પર્વતો જેવા સોનાની અંબાડીવાળા સો હાથીઓ આપ્યાં. તેમજ મહામૂલાં વસ્ત્રો, આભૂષણો, અંબરો અને માળાઓથી શોભતી શ્રેષ્ઠ યૌવનવાળી સો દાસીઓ આપી. વિશેષમાં દિવ્યરૂપધારી પ્રત્યેક પાંડવને અગ્નિની સાક્ષીએ ધન તેમજ અમૂલ્ય વસ્ત્રો તથા પ્રભાવવાળા અલંકારો આપ્યાં. લગ્ન થયાં પછી મહાબલવાન ઇન્દ્ર સમાન પાંડવો અનેક રત્નરૂપી લક્ષ્મીને પામીને પાંચાલરાજના નગરમાં વિહાર કરવા લાગ્યાં.”

“પાંડવો માટે શ્રીકૃષ્ણે મોસાળામાં વિવિધ વૈદૂર્ય મણિઓ અને સુવર્ણના અલંકારો મોકલ્યા. અનેક દેશમાં બનેલાં અમૂલ્ય વસ્ત્રો, શાલદુશાલાઓ, મૃગચર્મો, રત્નો, સુંદર અને સુંવાળા વિવિધ જાતનાં ઊંચા શયનો, આસનો તથા વાહનો, તેમ જ વૈદૂર્ય અને વજ્રમણિ જડેલા સેંકડો વાસણો મોકલ્યા. રૂપ, યૌવન અને દાક્ષિણ્યથી સંપન્ન તથા સુવિભૂષિત હજારો દાસીઓ આપી. સારા કેળવેલા સુલક્ષણા હાથીઓ, સુશોભિત સુંદર અશ્વો, સુવર્ણના ઉજ્જવલ પટાઓથી વિભૂષિત કરેલા હાથીદાંતના રથો, સોનાની કરોડો મુદ્રાઓ, તેમજ કાચા સોનાના ઢગના ઢગો – એ સઘળું મોકલાવ્યું. ગોવિંદને પ્રસન્ન કરવાની ઇચ્છાએ ધર્મરાજ યુધિષ્ઠિરે તે સઘળું પરમ આનંદપૂર્વક સ્વીકાર્યું.”

મહાભારતના એવા વર્ણન પરથી જણાય છે કે એ કાળમાં લગ્ન પછી વિદાય થતી કન્યાને પોતાની શક્તિ પ્રમાણે ઉપહાર આપવાની પ્રથા પ્રવર્તમાન હતી. દ્રૌપદીને દ્રુપદ દ્વારા અપાયેલી સામગ્રી એ વખતની સંપત્તિને સૂચવે છે. મોસાળું એ જમાનામાં પણ કરાતું. પાંડવોને માટે કરાયેલા કૃષ્ણના મોસાળા પરથી એમના ઐહિક ઐશ્વર્યનો ખ્યાલ આવે છે. એ વખતની અસાધારણ લક્ષ્મીસંપત્તિની સરખામણીમાં વર્તમાન કાળની લક્ષ્મી કે સંપત્તિ છેક જ સાધારણ લાગવાનો સંભવ છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *