દુર્વાસાની દુઃખનિવૃત્તિ
By-Gujju29-04-2023
દુર્વાસાની દુઃખનિવૃત્તિ
By Gujju29-04-2023
દુર્વાસાને માટે હવે બીજો કોઇયે ઉપાય શેષ ના રહ્યો. એમને સુદર્શન ચક્રની જ્વાળા જલાવી રહેલી. એમની આત્મિક અશાંતિ ઉત્તરોત્તર વધતી જતી હતી. એનો અંત આણવાના સઘળા પ્રયત્નો વ્યર્થ ગયેલા. એટલે ભગવાનના આદેશનું અનુસરણ કરીને એ અંબરીષ પાસે પહોંચીને ક્ષમાયાચના કરતાં એના પગમાં પડ્યા. એ જોઇને અંબરીષને ખૂબ જ સંકોચ થયો અને એ દુઃખી બનીને પાછો હઠી ગયો. એ પછી એણે સુદર્શન ચક્રની શાંતિ માટે સ્તુતિ કરી.
‘જો જીવનમાં મેં નિષ્કામભાવે જરા જેટલું પણ દાન કર્યું હોય, યજ્ઞ કર્યા હોય કે સ્વધર્મનું સ્વલ્પ પણ પરિપાલન કર્યું હોય, અને અમારા કુળમાં જો બ્રાહ્મણોને જ આરાધ્યદેવ માનવામાં આવ્યા હોય તો દુર્વાસા મુનિની બળતરા મટી જાય અને એમને સહજ શાંતિ થાય.’
‘સર્વ સદ્દગુણોના સમુચ્ચય સરખા, પ્રકૃતિના અધીશ્વર ભગવાનનું દર્શન જો મેં સર્વ પ્રાણીઓના અંતરાત્મારૂપે કર્યું હોય અને એ પરમકૃપાળુ ભગવાન મારા પર પ્રસન્ન હોય તો દુર્વાસા મુનિની બળતરા મટી જાય અને એમને સંપૂર્ણ શાંતિ થાય.’
*
અંબરીષની પ્રેમપૂર્ણ પ્રાર્થના તરત જ સફળ થઇ. એ પ્રાર્થનાના પરિણામે સુદર્શન ચક્ર સંપૂર્ણ શાંત પડ્યું. દુર્વાસા મુનિ ભયમુક્ત તથા સ્વસ્થ બન્યા. એમનો રહ્યોસહ્યો અહંકાર એકદમ ઓગળી ગયો. એમને દિવ્યદૃષ્ટિની પ્રાપ્તિ થઇ. એ દિવ્યદૃષ્ટિના પાવન પ્રકાશથી એ અંબરીષના મહિમાને સારી રીતે સમજી શક્યા.
આધ્યાત્મિક વિકાસના મંગલમય માર્ગમાં અહંકાર જેવો સાધારણ અંતરાય બીજો કોઇ જ નથી. એને લીધે સાધક સંપૂર્ણ સિદ્ધિ અથવા શાંતિનો સ્વામી નથી બની શક્તો. જીવનનો ઉત્સવ પણ નથી કરી શક્તો. દુર્વાસા ઇશ્વરના અનંત અનુગ્રહથી એમાંથી મુક્તિ મેળવી શક્યા અને અંબરીષનો અંતઃકરણપૂર્વક આભાર માનીને એને અભિનંદન આપવા માંડ્યા. ભક્તોના મહિમાને અનુભવીને એમણે ઉદ્દગારો કાઢ્યા કે ‘આજે મેં ભગવાનના પ્રેમી ભક્તોના મહિમાનું દર્શન કરી લીધું. મેં તમારો અક્ષમ્ય અપરાધ કર્યો તો પણ તમે મારા કલ્યાણની કામના જ કર્યા કરો છો. ભક્તાધીન ભગવાનના ચરણકમળને પ્રખર પ્રેમભાવથી પકડનારા ભક્તોને કે સંતોને માટે શું અશક્ય છે ? ઉદાર કે વિશાળ, વિશુદ્ધ હૃદયના મહાત્માપુરુષો કયી વસ્તુનો ત્યાગ નથી કરી શક્તા ? એમની અંદર રાગ કે દ્વેષનો છાંટો પણ હોતો નથી. મહારાજા અંબરીષ ! તમારું અંતર પ્રેમ તેમજ કરુણાથી ભરપુર છે. તમે મારા પર મોટો અનુગ્રહ કર્યો. મારા અપરાધને લેશ પણ લક્ષમાં લીધા વિના તમે મારા જીવનની રક્ષા કરી. એને માટે તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે.’
*
એ પ્રસંગ સૂચવે છે કે ક્રોધનો જવાબ ક્રોધથી, અશુભનો અશુભથી અને દ્વેષનો દ્વેષથી ના આપો પરંતુ શાંતિથી, શુભથી ને પ્રેમથી આપો. સમજપૂર્વકની સુધરેલી સુશિક્ષિત પદ્ધતિ એ જ પદ્ધતિ વધારે લાભદાયક, સુખશાંતિકારક ને વિજયી ઠરે છે. વ્યક્તિ તથા સમષ્ટિને માટે એ પધ્ધતિ ઉપયોગી અને આશીર્વાદરૂપ છે.
*
અંબરીષે અત્યાર સુધી ભોજન નહોતું કર્યું. દુર્વાસાને પણ ભોજનનો વખત ક્યાં મળેલો ? એણે દુર્વાસાને વિવિધ પ્રકારે પ્રસન્ન કરીને ભોજન કરાવ્યું અને એ પછી પોતે પણ ભોજન કરી લીધું. એ પછી દુર્વાસા અંબરીષની પ્રશંસા કરીને વિદાય થયા. એમની અસાધારણ શક્તિ પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં શુકદેવજી કહે છે કે એમણે આકાશ માર્ગથી બ્રહ્મલોક તરફ પ્રયાણ કર્યું. એ કથનમાં ‘આકાશગમન દ્વારા અથવા આકાશ માર્ગથી’નો નિર્દેશ ખાસ ધ્યાન ખેંચે તેવો છે તે એટલા માટે કે એવી સવિશિષ્ટ શક્તિની પ્રાપ્તિ પછી પણ દુર્વાસા જરૂરી માહિતી મેળવ્યા વિના અકારણ ક્રોધ કરી બેઠા. એમણે શાંતિપૂર્વક સહાનુભૂતિથી વિચાર્યુ હોત તો સમજી લીધું હોત કે અંબરીષે તો કેવળ પાણી પીને જ પોતાના વ્રતના પરિપાલન માટે પારણું કરેલું. એમાં શાસ્ત્રની દૃષ્ટિએ કશો દોષ નહોતો થયો. એટલે એટલો બધો ક્રોધ કરવાની આવશ્યકતા હતી જ નહિ. પરંતુ ભાગવત એ ક્રોધના દૃષ્ટાંત દ્વારા બતાવવા માગે છે કે આકાશગમન જેવી સિદ્ધિઓવાળા મહામુનિ ને યોગી પણ મન પર સિદ્ધિ ના સાંપડી હોય તો નાની કે મોટી વાતમાં ક્રોધ કરી બેસે છે. સૌથી મોટી સિદ્ધિ આત્મસિદ્ધિ છે. અને એ ઇશ્વરની પ્રેમભક્તિના પરિણામે ઇશ્વરની કૃપાથી સાંપડી શકે છે. અંબરીષ એ સિદ્ધિથી સંપન્ન હોવાથી છેવટ સુધી શાંત રહ્યો.
માનવે મન અને ઇન્દ્રિયોનો કાબુ કરીને એવી સિદ્ધિ તથા શાંતિથી સંપન્ન બનવાનું છે. એને માટે ભગવાનની ભક્તિના મંગલ માર્ગનો આધાર લઇને ભગવત્કૃપાનો અનુભવ કરવાનો છે. અંબરીષનો પ્રસંગ એ ઉપયોગી પ્રેરણા પૂરી પાડે છે.