Sunday, 22 December, 2024

દુષ્યંત-શકુંતલાનો ગાંધર્વ વિવાહ

372 Views
Share :
દુષ્યંત-શકુંતલાનો ગાંધર્વ વિવાહ

દુષ્યંત-શકુંતલાનો ગાંધર્વ વિવાહ

372 Views

In which circumstances Shakuntala ended up staying with Sage Kanva? The story goes like this: Vishwamitra (a great rishi) was performing penance. As a result, Indra, head of Deities was worried. He decided to send Menaka to break rishi’s penance. She succeeded and as a result Shakuntala was born.

Menaka returned to Indra’s court and left Shakuntala. There was no one to take care of her. Birds (shakunto) protected her from wild forest animals and so she was named Shakuntala. Sage Kanva passed by the place and adopted Shakuntala.

Having came to know about Shakuntala’s past life, Dushyant proposed her. Shakuntala asked Dushyant to wait until Sage Kanva returned to ashram but Dushyant was impatient so they opted for Gandharva Vivah (instant marriage). Dushyant promised a grand reception to Shakuntala and returned to his kingdom.

રાજા દુષ્યંતે શકુંતલાને એનો પરિચય પૂછયો.

શકુંતલાએ સુમધુર સ્મિત સાથે શાંતિપૂર્વક ઉત્તર આપ્યો કે હું તપસ્વી, ધૃતિમાન, ધર્મજ્ઞ તથા મહાત્મા ભગવાન કણ્વની પુત્રી કહેવાઉં છું.

દુષ્યંતે કહ્યું કે સૌના પરમારાધ્ય અને પૂજ્ય ભગવાન કણ્વ તો ઊર્ધ્વરેતા છે. ધર્મ કદાચ પોતાના નિયમમાંથી ચળી જાય તો પણ એ જિતેન્દ્રિય મહાપુરુષ એમના વ્રત અથવા આદર્શમાંથી ચલાયમાન ના થાય. એમની યોગ્યતા એવી અપાર છે. તો પછી તું તે મહાપ્રતાપી મહાપુરુષની પુત્રી કેવી રીતે કહેવાય છે ?

શકુંતલાની સ્મૃતિ સળવળી ઊઠી.

એનું મન વરસો પહેલાંની પ્રસંગ-પરંપરામાં પ્રવાહિત બનવા લાગ્યું.

પોતાની જાતને સહેજ સ્વસ્થ કરતાં એણે કહેવા માંડયું કે કોઇક મુનિએ કણ્વમુનિને મારા જન્મસંબંધી પ્રશ્ન પૂછેલો ત્યારે કણ્વમુનિએ આપેલા ઉત્તરનું મને સ્મરણ થાય છે. કણ્વમુનિએ કહેલી કથાના શ્રવણથી મારા જન્મનું રહસ્ય સમજાશે અને મને મહર્ષિ કણ્વની પુત્રી શા માટે કહેવામાં આવે છે તેની માહિતી મળશે.

દુષ્યંતની જિજ્ઞાસાને લક્ષમાં લઈને એના સંતોષકારક જવાબરૂપે શકુંતલાએ મહર્ષિ કણ્વના શ્રીમુખે સાંભળેલી, પોતાને કાંઇક અંશે પરિચિત એવી પોતાની જીવનકથા સંભળાવી.

મહર્ષિ કણ્વે કહેલી એ જીવનકથાનો સારાંશ આ પ્રમાણેઃ

પૂર્વકાળમાં વિશ્વામિત્ર નામના મહાતપસ્વી તપ કરી રહેલા.

એમના તીવ્રતમ તપને જોઇને દેવોના અધિપતિ ઇન્દ્રને ચિંતા લાગી. એને ભય લાગ્યો અથવા આશંકા પેદા થઇ કે તપસ્વી વિશ્વામિત્ર ઋષિ મને સ્થાનભ્રષ્ટ કરશે. એટલે એણે અપ્સરાશ્રેષ્ઠ મેનકાને વિશ્વામિત્ર ઋષિને એમના તપમાંથી ચલાયમાન કરવાની આજ્ઞા કરી. સૂર્યના સરખા પરમતપસ્વી વિશ્વામિત્ર મુનિ ઘોર તપશ્ચર્યામાં પ્રવૃત છે. હે સર્વોત્તમ સુંદરી, તું તેમને તારા અદ્વિતીય રૂપ, યૌવન, માધુર્ય, અભિનય, સ્મિત સંભાષણાદિથી લલચાવીને તપથી ભ્રષ્ટ કર.

મેનકાએ જણાવ્યું કે ભગવાન વિશ્વામિત્ર મહાતેજસ્વી, મહાતપસ્વી તથા ક્રોધી છે તેની તમને ખબર છે. તેમના તેજ, તપ, અને કોપથી તમે પણ સંતાપ પામી રહ્યા છો તો હું કેમ ના પામું ? એમણે મહાભાગ્યવાન વસિષ્ઠને પોતાના પ્રિય પુત્રોથી વિખૂટા પાડ્યા છે. ક્ષત્રિયજાતિમાં જન્મવા છતાં તે બળપૂર્વક બ્રાહ્મણ બન્યા છે. એમણે કૌશિકી નદીને પાણીથી પરિપ્લાવિત કરી છે. સદગુરુના શાપથી સંતપ્ત બનેલા ત્રિશંકુને શરણ આપ્યું છે. મને એમનો ભય લાગે છે. એવી આજ્ઞા આપો કે જેથી ક્રોધ પામેલા તે ઋષિ મને ખાખ ના કરી નાખે. જે ઋષિ પોતાના તેજથી લોકોને ભસ્મ કરી શકે છે, પગથી પૃથ્વીને કંપાવી શકે છે, મહામેરુ પર્વતને ફેંકી દઇ શકે છે, અને દિશાઓને પલટાવી શકે છે, તે પ્રજ્વલિત અગ્વિ જેવા તપોયુક્ત જિતેન્દ્રિયને મારા જેવી સ્ત્રી કેવી રીતે અડી શકે ? અગ્નિના જેવા ઉજ્જવલ મુખવાળા, સૂર્ય તથા ચંદ્રના જેવી આંખની કીકીઓવાળા અને કાળના જેવી જીભવાળા તેમને મારા જેવી અબળા કેવી રીતે અડકી શકે ? મારા જેવી નારી તેમનાથી કેમ ના ડરે ? હે ઇન્દ્રરાજ ! તમે મને જવા કહ્યું છે તો ઋષિ પાસે ના જાઉં એમ પણ કેમ બને ? હે દેવરાજ ! મારી રક્ષાનો વિચાર કરો. હું ક્રીડા કરતી હોઉં ત્યારે પવન મારું વસ્ત્ર ઉડાડી મૂકે. તમારા પ્રસાદથી કામદેવ ત્યાં મારા સહાયક બને. હું ઋષિને લોભાવતી હોઉં તે વખતે વનમાં સુગંધી વાયુ વહે.

ઇન્દ્રે ‘ તથાસ્તુ ‘ કહીને એ પ્રમાણે વ્યવસ્થા કરી આપી એટલે મેનકા કૌશિકના આશ્રમે ગઇ. ઇન્દ્રે વાયુદેવને આજ્ઞા કરી અને તત્કાલ મેનકા વાયુ સાથે ચાલી. તેણે તપથી ક્ષીણપાપ થયેલા વિશ્વામિત્રને આશ્રમમાં તપ કરતા જોયા. ઋષિને પૂજા અર્પીને તે તેમની સમક્ષ ક્રીડા કરવા લાગી. તે વખતે વાયુએ તેના સુંદર વસ્ત્રને ઉડાડી મૂક્યું. વસ્ત્રની ઇચ્છાવાળી તે સુંદરી લજ્જાયુક્ત થઇને તે અગ્નિ જેવા તેજસ્વી ઋષિના દેખતાં ત્યાં ભૂમિ ઉપર દોડવા લાગી.

મેનકાને મુનિશ્રેષ્ઠ વિશ્વામિત્રે વસ્ત્રહીન જોઇ. તેના રૂપગુણને જોઇને તે વિપ્રર્ષિ કામવશ થઇ ગયા. તેમણે તેની સાથે સંગની ઇચ્છા કરી અને તેને બોલાવી. તે બન્ને લાંબા કાળ સુધી ત્યાં વિહાર કરવા લાગ્યા. યથેચ્છા ક્રીડા કરતાં તેમનો કાળ જાણે એક દિવસ જેટલો લાગ્યો. પછી માલિની નદીને કિનારે, હિમાલયના રમણીય મેદાનમાં તે મુનિ દ્વારા મેનકાએ શકુંતલાને જન્મ આપ્યો.

સફળ-મનોરથ બનેલી મેનકા તે કન્યાને માલિની નદીના તટપ્રદેશ પર મૂકીને ઇન્દ્રભવનમાં ગઇ. સિંહો તથા વાઘોથી ભરેલા તે નિર્જન વનમાં સૂતેલી બાળાને જોઇને પક્ષીઓ તેને ચોમેરથી વીંટળાઇ વળ્યાં. માંસલોભી હિંસક પ્રાણીઓ વનમાં તે બાળાને મારી ના નાખે તેટલા માટે પક્ષીઓ ત્યાં તે મેનકાપુત્રીનું રક્ષણ કરવા લાગ્યાં. હું સ્નાન માટે જતો હતો ત્યારે મેં એ નિર્જન અને સુંદર વનમાં પક્ષીઓથી ઘેરાઇને સૂતેલી એ કન્યાને નિહાળી. એને લાવીને મેં પુત્રી તરીકે રાખી. જન્મદાતા, પ્રાણદાતા અને અન્નદાતા એ ત્રણેને ક્રમપૂર્વક ધર્મશાસ્ત્રમાં પિતા કહ્યા છે. નિર્જન વનમાં શકુન્તો(પક્ષીઓ)એ એનું રક્ષણ કર્યું હતું તેથી મેં એનું  શકુંતલા નામ રાખ્યું. એવી રીતે શકુંતલા મારી પુત્રી જાણો. અનિંદિતા શકુંતલા પણ મને પિતા માને છે.

શકુંતલા એટલા સ્મૃતિશબ્દોને સંભળાવીને સ્નેહથી સાકાર પ્રતિમા સમી દુષ્યંત આગળ ઊભી રહી.

દુષ્યંત એની સહજતાથી પ્રભાવિત બન્યો અને બોલ્યો કે તારા કથન પ્રમાણે તું ખરેખર રાજપુત્રી છે. હું તને મળી ને મુગ્ધ બન્યો છું તને અત્યારે જ સુવર્ણમાળાઓ, વસ્ત્રો, સુવર્ણકુંડળો, જુદા જુદા દેશોમાં પાકેલા ઉત્તમ મણિઓ, રત્નો, સુવર્ણમુદ્રાઓ તથા સુંદર મૃગચર્મો આપું છું. મારું સમસ્ત રાજ્ય તારું થશે. તું મારી પત્ની બન. આપણે શાસ્ત્રમાં સૂચવ્યા પ્રમાણે ગાંધર્વવિવાહ કરી લઇએ.

શકુંતલાએ દુષ્યંતના પ્રેમપૂર્ણ પ્રસ્તાવના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે મારા પિતા ફળાદિ લાવવા આશ્રમ બહાર ગયા છે. તે પાછા આવ્યા પછી તમારી ઇચ્છા પૂરી કરશે. થોડીવાર પ્રતીક્ષા કરો.

પરંતુ દુષ્યંતને ઉતાવળ હતી. એણે કહ્યું કે મારું મન તને નિહાળીને મોહિત થયું છે. તારા પિતાની અનુપસ્થિતિમાં તું તારો નિર્ણય કરી શકે છે. તને એટલી સ્વતંત્રતા છે. મનુષ્ય પોતે જ પોતાનો બંધુ છે. પોતે જ પોતાની ગતિ છે. માટે તું તારી સ્વેચ્છાથી તારું ધર્મપૂર્વકનું દાન કરી શકે છે.

શકુંતલાએ દુષ્યંત પાસેથી વચન લીધું કે ભવિષ્યમાં એને જે પુત્ર થાય તેને જ યુવરાજ બનાવવામાં આવે. બીજા કોઇને નહીં.

એ પછી ગંધર્વવિવાહ કર્યો.

દુષ્યંતે શકુંતલાને જણાવ્યું કે તારે માટે ચતુરંગિણી સેનાને મોકલીને તેને અસાધારણ સન્માન સહિત રાજધાનીમાં બોલાવી લઇશ.

એ પ્રસંગ પછી એણે શકુંતલાની વિદાય લાધી.

ગાંધર્વવિવાહનો એ પ્રસંગ બતાવે છે કે શકુંતલા દુષ્યંતની પ્રેમમાગણી પછી પણ સંપૂર્ણ સ્વસ્થ હતી. એ આશ્રમવાસિની તરીકેની પોતાની જવાબદારીને જાણતી હોવાથી દુષ્યંતને ગાંધર્વવિવાહની અનુમતિ આપતા પહેલાં મહર્ષિ કણ્વની ઉપસ્થિતિનો આગ્રહ રાખી શકી અને પોતાના ભાવિ પુત્રના યુવરાજપદની બાંયધરી માગી શકી. એ મોહાંધ હોત તો એવું ના વિચારી શકત. રાજા દુષ્યંતે ગાંધર્વવિવાહ કરતાં પહેલા મહર્ષિ કણ્વની પ્રતીક્ષા ના કરીને થોડીક ઉતાવળ કરી એવું લાગવાનો સંભવ છે ખરો, પરંતુ એ છતાં વિધિપૂર્વક વિવાહને – ગાંધર્વવિવાહને માન્ય તો રાખ્યો જ છે. એના શકુંતલા પ્રત્યેના પ્રેમની પ્રબળતાને લક્ષમાં  લેતાં એવી ઉતાવળ કાંઇ વધારે પડતી ના કહેવાય.

દુષ્યંતે શકુંતલા સાથેના ગાંધર્વવિવાહ પછી હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું. ત્યારે આશ્રમમાં મહર્ષિ કણ્વની ઉપસ્થિતિ ન હતી એ એક રીતે જોતાં ઘણું સારું થયું. એથી મહર્ષિ કણ્વની દિવ્ય શક્તિનો, દૃષ્ટિનો તથા ઉદારતાનો અને ઉદાત્તતાનો પરિચય થઇ શક્યો. દુષ્યંતના પ્રત્યાગમન પછી મહર્ષિ કણ્વે આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યારે પરિસ્થિતિ પલટાઇ ગયેલી. બીજો કોઇ સામાન્ય માનવ હોત તો શકુંતલાના વર્તનને સ્વચ્છંદી, અવિચારી, અમંગલ અથવા અનર્થકારક કહીને એને સખત શબ્દોમાં ઠપકો આપત, અસહ્ય દંડ કરત, અને પોતાની જ્ઞાત અથવા અજ્ઞાત રીતે અવજ્ઞા કરવા બદલ આશ્રમમાંથી કાઢી મૂકત. પરંતુ મહર્ષિ કણ્વ એવી કાચી માટીના બનેલા નહોતા. એમનું વ્યક્તિત્વ અસાધારણ હતું. એટલે એમનો પ્રતિભાવ અન્ય પ્રકારનો રહ્યો. એમણે ગાંધર્વિવાહના પ્રસંગને છેક જ સહજ રીતે લીધો. એમના ઉદગારો પરથી પ્રતીત થાય છે કે એ અલૌકિક શક્તિથી અલંકૃત હતા. એમને ગાંધર્વિવાહની ઘટનાની પ્રથમથી જ માહિતી હતી એવું લાગે છે.

મહાભારતમાં લખ્યું છે કે શકુંતલા શરમને લીધે પિતા પાસે ના ગઈ. દિવ્ય જ્ઞાનવાળા પરમ તપસ્વી મહર્ષિ કણ્વે પોતાની દિવ્ય દૃષ્ટિથી બધું જાણીને શકુંતલાને જણાવ્યું કે કલ્યાણી, મારી અનુપસ્થિતિમાં આજે એકાંતમાં તેં કરેલો પુરુષસંગ ધર્મનો વિરોધી નથી. ક્ષત્રિયને માટે ગાંધર્વવિવાહ શ્રેષ્ઠ છે. તેમાં કામસંપન્ન પુરુષનું કામસંપન્ન સ્ત્રી સાથે એકાંત મિલન કહ્યું છે. તેં જેને તારા પતિ તરીકે સ્વીકાર્યો છે તે રાજા ધર્માત્મા, મહાત્મા તથા પુરુષશ્રેષ્ઠ છે. તારો પુત્ર ચક્રવર્તી બનશે. તેનું રાજ્ય અખંડ રહેશે.

મહર્ષિ કણ્વની એવી ઉદારતા અને ઉદાત્તતા આદર્શ અને અનુકરણીય લેખાય.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *