દુષ્યંતનો પ્રસંગ
By-Gujju29-04-2023
દુષ્યંતનો પ્રસંગ
By Gujju29-04-2023
નવમા સ્કંધના વીસમા અધ્યાયમાં દુષ્યંત અને શકુંતલાના પ્રસંગને વર્ણવવામાં આવ્યો છે. એ પ્રસંગ જનતામાં સુપ્રસિદ્ધ હોવાથી એનું વિસ્તૃત વર્ણન ઉચિત નથી લાગતું. એ પ્રસંગના બે-ત્રણ મહત્વના મુદ્દાઓ પ્રત્યે અંગુલિનિર્દેશ કરીને જ આપણે સંતોષ માનીશું. પ્રથમ મુદ્દો તો એ છે કે કણ્વ મુનિના આશ્રમમાં સૌંન્દર્યવતી શકુંતલાને જોઇને એના પ્રત્યે આકર્ષાવા છતાં પણ દુષ્યંતે એની સાથે કોઇ પ્રકારની શરીર છૂટ ત્યાં સુધી નથી લીધી જ્યાં સુધી એણે શકુંતલાની સંમતિથી એની સાથે ગાંધર્વવિધિને અનુસરીને લગ્ન નથી કર્યું. લગ્ન પહેલાં જ ભિન્નભિન્ન શારીરિક છૂટછાટો લેનારાં, પતિપત્ની બની જનારાં, અને કોઇક કારણે એટલા બધા ગાઢ સંબંધ પછી કશું જ ના બન્યું હોય એમ સદાને માટે છૂટાં પડી જનારાં, બીજી વ્યક્તિઓની સાથે પ્રેમ, અંતરના અવાજ અથવા મુક્ત જીવન, સુધારણા તથા સંસ્કારિતાના નામે ફરી પાછા એવા જ સંબંધ બાંધનારા, પ્રયોગો કરનારાં ને કેટલીક વાર વિધિપૂર્વકના વિવાહ પછી પણ એની પવિત્રતાને કે ગંભીરતાને સમજ્યા સિવાય બીજાની સાથેના જાતીય સંબંધોને ચાલુ રાખનારાં સ્ત્રીપુરુષોએ એ હકીકતને ખાસ યાદ રાખવાની છે. એવા જાતીય સંબંધો ચંચળ, અનૈતિક, પ્રેમ નહિ પરંતુ વિલાસિતાના નમૂનારૂપ, અસભ્ય, પશુવૃત્તિના પરિચાયક, તન ને મનની શક્તિઓનો નાશ કરનારા અને સામાજિક સલામતી તથા હિતને માટે હાનિકારક છે. એમને આપણે અનુમોદન ના આપી શકીએ. માનવની વાસનાવૃત્તિએ એકદમ અમર્યાદ અને અંકુશરહિત બનવાને બદલે પોતાના ને સમાજના હિતને માટે, સામાજિક સુખાકારી તથા સલામતી માટે કેટલાંક સર્વસંમત સ્વૈચ્છિક નિયમનોને તો સ્વીકારવા જ જોઇએ. માનવની ને માનવસમાજની શિક્ષા, શીલવૃત્તિ, સંસ્કારિતા, સભ્યતા તેમ જ સુધારણાની શોભા એમાં જ છે. નહિ તો પછી સભ્ય ને અસભ્ય માનવમાં, માનવમાં ને માનવરૂપ પશુમાં ફેર શો ?
બીજો મુદ્દો જરા જુદો છે અને તે એ કે દુષ્યંત અને શકુંતલાનો વિવાહ એમની પારસ્પરિક પ્રીતિ તથા સંમતિથી થયો છે. એ હકીકત સૂચવે છે કે એ જમાનામાં કન્યાઓ પોતાના પતિની પસંદગી માટે સ્વતંત્ર હતી. સ્વયંવરની પ્રથા પણ એ જ સ્વતંત્રતાનો પડઘો પાડતી.
ત્રીજો મુદ્દો પણ વિચારવા જેવો છે. દુષ્યંતે શકુંતલાની સાથે ગાંધર્વવિવાહ કર્યો એ વાતનો વિરોધ મહર્ષિ કણ્વે કે કોઇયે નથી કર્યો. પાછળથી પણ કોઇએ એમની આલોચના કે નિંદા નથી કરી. એ તત્કાલીન સમાજની લગ્નવિષયક વિશાળતા બતાવે છે. બીજો કોઇ સામાન્ય પાલક પિતા હોત તો શકુંતલાને એટલી બધી સ્વતંત્ર રીતે વર્તવા માટે ઠપકો આપત અથવા દંડ કરત. પરંતુ કણ્વ ઋષિ સાચેસાચ ઋષિ હતા એવું એમના વ્યક્તિત્વ પરથી સાબિત થાય છે.
દુષ્યંતના પરમપ્રતાપી પુત્ર ભરતના શૈશવાવસ્થાના પ્રતાપનો પરિચય કરાવતાં ભાગવતકાર કહે છે કે : बद्दध्वा मृगेन्द्रांस्तरसा क्रीडित स्म स बालकः । (અધ્યાય ર0, શ્લોક ૧૮ ઉત્તરાર્ધ) અર્થાત્ એ બાળક બાલ્યાવસ્થામાં જ એટલો બધો બળવાન અને ભયરહિત હતો કે શક્તિશાળી સિંહોને બાંધીને એમની સાથે જુદી જુદી ક્રીડાઓ કરતો રહતો. એ ભગવાનનો અંશાવતાર હોય એમ અસીમ શક્તિથી સંપન્ન હતો.