Sunday, 22 December, 2024

ગંગાપુત્ર ભીષ્મ

363 Views
Share :
ગંગાપુત્ર ભીષ્મ

ગંગાપુત્ર ભીષ્મ

363 Views

King Pratip’s son Shantanu once went into the forest for a hunt. Accidentally, she met a beautiful woman. She was Ganga. He was at once attracted towards her. Shantanu proposed her. She agreed on a condition that Shantanu should never doubt her actions nor ask anything about whatever she do. Shantanu agreed.

Over a period of time, Ganga gave birth to seven sons but she drowned them all one by one in a river. Shantanu finally asked Ganga for its reason. Ganga reminded her condition and revealed the secret. She took her eighth son and then disappered. Later Bhishma, their eighth son was introduced and handed over to Shantanu by Ganga. 

પ્રતીપપુત્ર શાંતનું રાજા, અન્યની પેઠે મૃગયાનો શોખીન હતો.

એ એની અભિરુચિને અનુસરીને મૃગયા માટે સતત વનમાં વિહરવા લાગ્યો.

મૃગોને અને મહિષોને પકડવાના પ્રયત્નો કરતો ને મારતો. તે નૃપશ્રેષ્ઠ સિદ્ધો તથા ચારણોથી સેવાયેલા ગંગાના વિશાળ તપઃપૂત તટપ્રદેશ પર એકલો ફરવા માંડ્યો.

ત્યાં એક વાર એની દૃષ્ટિ એક અતિશય તેજસ્વી શરીરવાળી, સૌન્દર્યના સંપુટ સરખી, સાક્ષાત્ લક્ષ્મી જેવી એક સ્ત્રી પર પડી.

અલૌકિક આભૂષણોથી અલંકૃત, પારદર્શક પાતળા વસ્ત્રવાળી, એ રૂપરૂપના અંબાર જેવી સુંદરીને નિહાળતાં વેંત જ એ આશ્ચર્યચકિત અને રોમાંચિત બની ગયો.

એનું સૌન્દર્યપાન કરતાં ધરાયો જ નહીં.

એ પરમસુંદરી સ્ત્રીની પણ એવી જ દશા થઇ.

એના પ્રાણમાં પ્રેમના ફુવારા ફૂટયા અને રાજા શાંતનુને જોતાં એ તૃપ્તિ ના પામી.

શાંતનુએ એને એનો પરિચય પૂછીને પોતાની પત્ની બનવા માટે માગણી કરી.

એ અતિશય આકર્ષક, અસાધારણ આહલાદદાયિની, પરમસુંદરી સ્ત્રી ગંગાએ એ માગણીને પ્રસન્નતાપૂર્વક માન્ય રાખીને જણાવ્યું કે હું તમારી પટરાણી બનીશ, પરંતુ મારાથી કાંઇ શુભ અથવા અશુભ થતું દેખાય તો તમારે મને કશું અપ્રિય ના કહેવું અને મારી વચ્ચે પણ ના આવવું. તમે જો મારી વચ્ચે આવશો કે મને કોઇ કામ કરતાં રોકશો તો ત્યારે હું તમને છોડી દઇશ.

શાંતનુએ એને અનુમતિ આપી.

ગંગાને મેળવીને એ ઇચ્છાનુસાર ભોગ ભોગવવા લાગ્યો. એના શીલ, સદાચાર, ગુણ, રૂપ, ઔદાર્ય અને સેવાભાવથી એ અંતરમાં પરમસંતોષ અને પ્રસન્નતા પામ્યો. એ સર્વોત્તમ સ્ત્રીના સ્નેહ, સદગુણ, સંભાષણ અને નયનાભિરામ નૃત્યાભિનયથી વશ થયેલા રતિસુખસાગરમાં ડૂબેલા રાજાને વરસો ક્યાં ને કેવી રીતે વીતી ગયાં તેની ખબર પણ ના પડી.

તે સુંદરતાના સનાતન સર્વશ્રેષ્ઠ સંપુટસમી ગંગા દ્વારા શાંતનુને જે ક્રમેક્રમે સાત પુત્રો થયા તેમને ગંગાએ નદીમાં નાખી દીધા. એ પછીથી જન્મેલા આઠમા પુત્રને જળપ્રવાહમાં નાખવા માટે એણે તૈયારી કરી ત્યારે શાંતનુએ એને વચ્ચે પડીને, એ કામને નિંદ્ય ગણાવીને, અટકાવી. ગંગાએ એ વખતે જણાવ્યું કે મારી શરત આજે પૂરી થઇ. હું મહર્ષિઓના સમૂહથી સેવાતી જહનુપુત્રી ગંગા છું. હું તમારી સાથે દેવકાર્યના પ્રયોજનની સિદ્ધિ માટે રહેલી. એ પુત્રો હતા મહાભાગ્યશાળી મહાઓજસ્વી વસુદેવો. મહર્ષિ વસિષ્ઠના શાપદોષને લીધે તે સૌ માનવદેહને પામેલા. તેમને માટે મહામંડળમાં તમારા જેવો કોઇ બીજો યોગ્ય જનક નહોતો ને મારા જેવી સુયોગ્ય જનની નહોતી. તેથી તેમની માતા થવા માટે મેં માનવદેહ ધારણ કરેલો. મારે વસુદેવો સાથે વાત થયેલી કે તેમના જન્મ પછી હું તેમને માનવશરીરમાંથી મુક્તિ આપીશ. તેમને મહાત્મા આપવે એવો શાપ આપેલો. એકેક વસુના અષ્ટમાંશથી આઠે વસુઓના સ્થાનસમા આ સુપુત્રને મેં તમારે માટે વસુઓ પાસેથી પ્રાપ્ત કર્યો છે. તેનું રક્ષણ કરજો.

એ અતિશય આકર્ષક પરમસૌન્દર્યમયી ગંગા કુમારને લઈને ત્યાંથી અંતર્ધાન થઇ ગઇ.

તે કુમાર દેવવ્રત તથા ગાંગેયના નામથી પ્રસિદ્ધ પામ્યો.

મહાભારત વર્ણવે છેઃ

“ધર્મમાં પ્રવર્તતા સર્વ ધર્મવાનોમાં શ્રેષ્ઠ તે શાંતનુને રાજાઓએ રાજરાજેન્દ્રના પદે અભિષિક્ત કર્યો. કુરુઓના સુંદર નગર હસ્તિનાપુરમાં રહીને તે સાગરપર્યંતની વસુંધરાનું શાસન કરતો. તે ઇન્દ્રરાજના જેવો ધર્મજ્ઞ, સત્યવચની અને સરળ હતો. દાન, ધર્મ, તપ અને યોગની મદદથી પરમ ઐશ્વર્યવાન થયો હતો. રાગ અને દ્વેષથી વિમુક્ત અને ચંદ્રના જેવો પ્રિયદર્શન હતો. તેજમાં તે સૂર્ય જેવો, વેગમાં વાયુ સમાન, ક્રોધમાં યમ સમાન, અને ક્ષમામાં પૃથ્વી સરખો હતો. પૃથ્વીપાલ શાંતનુના શાસનમાં પશુઓ, વરાહો મૃગો તેમજ પક્ષીઓનો પહેલાંની જેમ વધ થતો ન હતો.”

“અહિંસારૂપી પ્રધાન બ્રહ્મધર્મવાળા તે રાજ્યમાં વિનયસંપન્ન અને કામ તથા રાગથી વિમુક્ત તે શાંતનુ સૌની ઉપર સમદૃષ્ટિથી શાસન કરતો. મહાબળવાન, મહાસત્યશાળી, મહાવીર્યવાન અને મહારથી તે સર્વ અસ્ત્રોમાં તેમજ પૃથ્વીનાં અન્ય આયુધોમાં સંપૂર્ણ નિષ્ણાત હતો.”

“એક વાર રાજા શાંતનુ મૃગને બાણ મારીને ગંગા નદી ઉપર અનુસરતો હતો ત્યારે ભાગીરથીમાં ઓછું પાણી અવલોકીને વિચારવા લાગ્યો કે, નદીઓમાં શ્રેષ્ઠ ગંગા આજે પહેલાંની જેમ કેમ વહેતી નથી ? તેણે ત્યાં એક સુંદર આકર્ષક કુમારને જોયો. તે ઇન્દ્રદેવની જેમ દિવ્ય અસ્ત્ર ચલાવતો અને તીક્ષ્ણ બાણો વડે સમગ્ર ગંગાને ઘેરીને ઊભેલો. ગંગાને શરસમૂહથી આચ્છાદિત થયેલી અને તે કુમારનું અલૌકિક કર્મ અવલોકીને રાજા ખૂબ જ વિસ્મય પામ્યો. તેણે તે કુમારને તેના જન્મ વખતે જ જોયેલો. તેને ઓળખવા જેટલી સ્મૃતિ ના આવી. તે કુમારે પણ તેને માયાથી મોહિત કર્યો અને તત્કાળ અદૃશ્ય થયો. તે જ વખતે ઉત્તમ સ્વરૂપને ધારણ કરેલી ગંગાએ તે કુમારનું દર્શન કરાવ્યું. અલંકારોથી અલંકૃત થયેલી વિમળ વસ્ત્રવાળી ગંગાને તેણે અગાઉ જોઇ હતી તોપણ તે ઓળખી શક્યો નહીં. ગંગાએ એ કુમારની પુત્ર તરીકે ઓળખાણ આપીને એને ઘેર લઇ જવા માટે જણાવ્યું.”

“ગંગાએ એ પ્રમાણે અનુજ્ઞા આપી એટલે એ સૂર્યસમાન તેજસ્વી પુત્રને લઈને શાંતનુ પોતાના નગરમાં ગયો. તેણે તેનો પૌરવવંશના રાજ્યપાલન માટે યુવરાજપદે અભિષેક કર્યો.” – આદિપર્વ અંતર્ગત સંભવપર્વ અધ્યાય 100.

એ વર્ણન શાંતનુના જીવનની મહત્વની ઘટનાઓની ઉપર પ્રકાશ ફેંકવાની સાથેસાથે દેવવ્રત કે ગાંગેયના અસાધારણ જન્મ તથા કર્મ પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે. ગાંગેયની અલૌકિક કર્મશક્તિને લીધે ગંગાસરખી વિશાળ સરિતા શરસમૂહથી ઢંકાઇ ગયેલી. પુત્રનાં લક્ષણ પારણાંમાં એ કહેવતને અનુસરીને વિચારીએ તો એ વર્ણનમાં ગાંગેયના ભાવિ પરાક્રમનાં પ્રાણવાન બીજ દેખાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *