ગણપતિનો સહકાર
By-Gujju24-04-2023
ગણપતિનો સહકાર
By Gujju24-04-2023
Lord Ganesh (elephant headed lord) wrote the epic down at the behest of Sage Vyasa. An interesting story is associated with its writing: Ganesha agreed on a condition that Vyasa should never pause in his recitation.
Agreeing to which Vyasa put a counter condition that Ganesha should understand whatever he recited before writing. This way, Vyasa got some respite from continous recitation and had enough time for thinking about next verse. Mahabharat was thus written with the help of Lord Ganesh (also known as Ganapati).
આવો વિશાળ મહાન ગ્રંથ લખાયો કેવી રીતે ?
મહાભારતના આદિપર્વમાંથી એનો ઉલ્લેખ સહેજે મળી રહે છે.
એ ઉલ્લેખ ગણપતિ વિશેનો છે.
મહાભારત ગ્રંથની મનોમન રચના કર્યા પછી એને અક્ષરદેહમાં આલેખવાની અભિલાષા મહર્ષિ વ્યાસને થઇ આવી ત્યારે, એક વાર બ્રહ્મા એમની પાસે આવી પહોંચ્યા.
બ્રહ્માનો વિધિપૂર્વક સત્કાર કરીને એમણે એમને આસન આપ્યું. પછી એમની આજ્ઞાથી એમની પાસે બેસીને કહેવા માંડ્યા :
‘મેં આ પરમ પવિત્ર કાવ્ય રચ્યું છે. તેમાં વેદનું ગૂઢ રહસ્ય છે, વેદાંગો ને ઉપનિષદોની વ્યાખ્યા છે તથા ઇતિહાસ તેમ જ પુરાણોનો પ્રકાશ છે. એમાં ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેનું નિરૂપણ છે. વિવિધ ધર્મો અને આશ્રમોનાં લક્ષણો છે : તપશ્ચર્યા તથા બ્રહ્મચર્યનું તત્વદર્શન છે: તેમ જ ભગવાને જે જે અને જ્યારે જ્યારે દિવ્ય મનુષ્યાવતારો ધારણ કર્યા છે તેનું વર્ણન છે. લોકવ્યવહારનો ક્રમ પણ એમાં કહેવામાં આવ્યો છે. વળી જે પરબ્રહ્મ સકળ વિશ્વમાં વ્યાપીને રહ્યાં છે તેમનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પરંતુ પૃથ્વી પર આ મહાગ્રંથને લખી શકે એવો કોઇ લેખક નથી.’
એમના વચનો સાંભળીને બ્રહ્માએ કહ્યું કે તમારા એ ભગીરથ ગ્રંથશિરોમણિના લહિયા તરીકે કામ કરવાની યોગ્યતા એકમાત્ર ગણપતિમાં જ છે. તમે તેમનું સ્મરણ કરો એટલે એ ઉપસ્થિત થશે ને તમને મદદ કરશે.
મહર્ષિ વ્યાસે ગણપતિનું સ્મરણ કર્યું એટલે ગણપતિ એમની પાસે પ્રકટ થયા.
વ્યાસે એમનું પૂજન કરીને કહ્યું : મેં મનોમન મહાભારતની કલ્પના કરી છે. હું બોલતો જઉં તેમ તમે લખતા રહેવાની સંમતિ આપો તો સંસારની મહામૂલી સેવા થાય.’
ગણપતિ એ પ્રસ્તાવ સાંભળીને પહેલાં તો વિચારમાં પડયા. પરંતુ પછી બોલ્યા : ‘તમે કહો છો તે વાત આવકારદાયક છે. તે સંસારને સારુ શ્રેયસ્કર છે તે હું જાણું છું તમારા કલ્યાણકારક કાર્યમાં સહકાર આપવા હું સર્વપ્રકારે તૈયાર છું . પરંતુ મારી એક શરત છે.’
‘શી શરત?’ મહર્ષિ વ્યાસને નવાઇ લાગી. ગણપતિએ શરતનું નામ લઇને છટકવાની વૃત્તિ સેવી કે શું ?
‘તમે નવાઇ ના પામશો.’ વ્યાસના મનોભાવોનો પ્રત્યુત્તર પૂરો પાડતા હોય તેમ ગણપતિ બોલ્યા: ‘મારી વૃત્તિ છટકવાની નથી. શરત મારી સહેતુક છે. હું કાંઇ જેવા-તેવા લેખકનો લહિયો ના થઉં. લેખક એટલો બધો સિદ્ધહસ્ત જોઇએ કે લખતાં લખતાં મારી કલમ ક્ષણભર પણ અટકવી ના જોઇએ.’
વ્યાસે કહ્યું: ‘તમારી શરત મને મંજૂર છે. પરંતુ મારી પણ એક શરત છે કે તમારે પણ પર્યાપ્ત વિચાર કર્યા વિના કશું ના લખવું.’
વ્યાસની શરત સાથે ગણપતિ સંમત થયા.
પછી તો મહાભારતનું સર્જન શરૂ થયું.
વચ્ચે વચ્ચે વ્યાસ એવા કૂટ શ્લોકો કહેતા જતા જેમના ભાવાર્થનો વિચાર કરતાં ગણપતિને ઘણો વખત લાગતો. એવી રીતે મહર્ષિને જરૂરી આરામ મળી રહેતો.
સંપૂર્ણ મહાભારત એવી રીતે પૂરું થયું.
ગણપતિ એટલે ઇન્દ્રિયોના અધિપતિ આત્મા. એ આત્માની સાથે જે એક બને ને સહકાર સાધે તે ઉત્તમ સનાતન સાહિત્યનું સર્જન કરી શકે, એટલું જ નહિ પણ સંસારને આશ્ચર્યચકિત કરી નાખનારાં મોટાં કામો પણ કરી શકે, એ આ પ્રસંગનું તાત્પર્ય છે. આત્મશક્તિથી સંપન્ન થયેલો માનવ શું નથી કરી શકતો ? અર્થાત્ સર્વ કાંઇ કરી શકે છે. જે ધારે તે બધું જ.
ગણપતિના સુભગ સક્રિય સહયોગથી સરજાયેલા અવનીના અલૌકિક આશ્ચર્ય જેવા એ સ્વનામધન્ય મહર્ષિ વ્યાસ દ્વારા રચાયલા મહામૂલ્યવાન મહાભારત ગ્રંથ વિશે એના આદિપર્વના પ્રથમ અધ્યાયમાં સમુચિત રીતે જ આલેખવામાં આવ્યું છે કે-
જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સંક્ષેપમાં તથા સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે એવા મહાભારતરૂપી સૂર્યે અજ્ઞાનરૂપી અતિગાઢ અંધકારમાં અથડાતા અસંખ્ય આત્માઓની આંખને જ્ઞાનાંજનની સળીથી ઉઘાડીને એમના અંધકારનો અંત આણ્યો છે. આ પુરાણરૂપી પૂર્ણ ચંદ્રે શ્રુતિરૂપી જ્યોત્સ્નાને પ્રગટાવી તથા પ્રસારીને માનવબુદ્ધિના કમનીય કુમુદવનને વિકસિત કર્યું છે. આ ઇતિહાસરૂપી પરમ દૈદીપ્યમાન પ્રદીપે માનવમનના મોહરૂપી આવરણને હઠાવીને અનેકની અંતઃકરણરૂપી ગુફાઓમાં ગૌરવપૂર્ણ પાવન પ્રકાશ પાથર્યો છે. મેઘ જેમ પ્રાણીમાત્રનો આશ્રય છે તેમ આ મહાભારતરૂપી મહાન ગ્રંથવૃક્ષ સઘળા મહાન કવિઓનું તથા લેખકોનું આશ્રયરૂપ રહેશે.
સંગ્રહ અથવા અધ્યાય મહાભારતરૂપી અતિવિશાળ વૃક્ષનું બીજ છે. પૌલોમ અને આસ્તિક પર્વ તેની જડ છે. સંભવપર્વ તેનો શાખાવિસ્તાર. સભાપર્વ અને વનપર્વ એ સુવિશાળ વિરાટ વૃક્ષ પર રચાયેલા પક્ષીઓના માળા. અરણીપર્વ તેનું રૂપ. વિરાટપર્વ અને ઉદ્યોગપર્વ તેનો સાર. ભીષ્મપર્વ તેની મહાશાખા, દ્રોણપર્વ તેનાં પર્ણ. કર્ણપર્વ શ્વેત પુષ્પ. શલ્યપર્વ તેની સુગંધ, સ્ત્રીપર્વ અને ઐષિકપર્વ તેની વિમળ વિશ્રામછાયા, શાંતિપર્વ તેનું મહાફળ. અશ્વમેઘપર્વ એનો અદભુત અલૌકિક અમુલખ અમૃતરસ. આશ્રમવાસિકપર્વ એનો ચોતરો અને મૌસલપર્વ સુદીર્ઘ સુવિશાળ શાખાઓના અગ્રભાગ છે.
પવિત્ર પ્રજ્ઞાપૂત પંડિતરૂપી પંખીઓ એ મહાભારતરૂપી મંગલમય વિશાળ વૃક્ષનું સેવન કરે છે. મહાભારતવૃક્ષ મેઘની પેઠે સૌને શાંતિ આપશે.
ભગવાન દ્વૈપાયન ઋષિએ આ મંગલ મહામહિમાવાળા મહાભારત મહાગ્રંથમાં કુરુવંશના વિસ્તારનું, ગાંધારીની ધર્મશીલતાનું , વિદુરની પ્રજ્ઞાનું, કુંતિની ધૃતિનું, શ્રીકૃષ્ણના માહાત્મ્યનું, પાંડવોની સત્યનિષ્ઠાનું અને ધૃતરાષ્ટ્રપુત્રોની દુષ્ટતાનું વર્ણન કર્યું છે. આ ઉત્તમ આદ્યભારત પુણ્યકર્મવાળા પુરુષોનાં ઉપાખ્યાનો સહિત એક લાખ શ્લોકવાળું છે એવું સમજી લેવું. મહર્ષિ વ્યાસે સૌથી પ્રથમ ઉપાખ્યાનો વિના ચોવીસ હજાર શ્લોકોમાં ભારતસંહિતા રચેલી. પંડિતો એ ચોવીસ હજાર શ્લોકોને જ ભારતના નામથી ઓળખે છે.
ભગવાન વ્યાસના ધર્મપરાયણ સકળ વેદના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ અથવા અગ્રગણ્ય ગણાતા શિષ્ય વૈશંપાયને એક લાખ શ્લોકોવાળી મહાભારતસંહિતાનું પરીક્ષિતપુત્ર રાજા જનમેજયના સર્પસત્રપ્રસંગે સંકીર્તન કરેલું. એને અનુસરીને કહીએ તો દુર્યોધન ક્રોધરૂપી મહાવૃક્ષ છે. કર્ણ એનો શાખાવિસ્તાર. શકુનિ એની શાખા. દુઃશાસન એની ઉપરનાં ફળફૂલ. અજ્ઞાનથી અંધ બુદ્ધિરહિત ધૃતરાષ્ટ્ર તેનું મૂળ. યુધિષ્ઠિર ધર્મમય મહામૂલ્યવાન મહાવૃક્ષ. અર્જુન એનો શાખાવિસ્તાર. ભીમ એની શાખા. નકુલ અને સહદેવ એની ઉપરનાં ફૂલ અને ફળ. ભગવાન શ્રીકૃષ્ણ તથા વિશુદ્ધ વિદ્વાન બ્રાહ્મણ એનું મૂળ.