ગોકર્ણોપાખ્યાન – 4
By-Gujju29-04-2023
ગોકર્ણોપાખ્યાન – 4
By Gujju29-04-2023
સપ્તાહપારાયણની માહિતી મળતાં જુદા જુદા સ્થળેથી રસિક અને જિજ્ઞાસુ શ્રોતાઓ કથાશ્રવણ કરવા આવવા માંડ્યા. અનાથ, દીન, હીન, દુઃખી સૌ મોટી સંખ્યામાં એકઠા થયા. સાક્ષર, ને નિરક્ષર, ધની ને નિર્ધન, સંયમી અને અસંયમી સૌના રૂપમાં મોટો માનવમહેરામણ ઊમટી પડ્યો. ગોકર્ણે વ્યાસપીઠ પર વિરાજીને કથા કહેવાનો આરંભ કર્યો ત્યારે પ્રેતાવસ્થાને પામેલો ધુંધુકારી પણ આવી પહોંચ્યો અને બેસવાને માટે સાનુકૂળ સ્થાનની શોધ કરવા લાગ્યો. એની નજર ત્યાં સીધા રાખેલા સાત ગાંઠવાળા વાંસ પર પડતાં એને પોતાને સારુ સાનુકૂળ સમજીને એની છેક નીચેના છિદ્રમાં પ્રવેશીને એ કથાશ્રવણ માટે બેસી ગયો.
ગોકર્ણે એક ભગવદ્દભક્ત જિજ્ઞાસુ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવીને પ્રથમ સ્કંધથી જ ભાગવતની કથા સંભળાવવાનું શરુ કર્યું. સંધ્યા સમયે કથાની વિશ્રાંતિ વખતે એક અત્યંત આશ્ચર્યકારક અભૂતપૂર્વ ઘટના બની. સર્વે શ્રોતાજનોના દેખતાં પેલા વાંસની એક ગાંઠ મોટા અવાજ સાથે તૂટી ગઇ. એવી રીતે બીજે દિવસે બીજી, ત્રીજે દિવસે ત્રીજી, ચોથે દિવસે ચોથી અને સાતમે દિવસે સાતમી ગાંઠ તૂટી પડતાં શ્રીમદ્દભાગવતના કથામૃતથી પવિત્ર થયેલો ધુંધુકારી પ્રેતયોનિમાંથી તત્કાળ મુક્તિ મેળવીને અલૌકિક સ્વરૂપ ધારીને સૌની સમક્ષ ઊભો રહ્યો. એનું ઘન-શ્યામ સર્વાંગસુંદર શરીર પીતાંબર તથા તુલસીમાળાથી સુશોભિત હતું. એના મસ્તક પર મનોહર મુકુટ અને કાનમાં કુંડળ હતાં. એણે પોતાને મુક્ત કરવા માટે ગોકર્ણને અંતઃકરણપૂર્વક અભિનંદન આપ્યાં ને ભાગવતની કલ્યાણકારક કથાનાં ગુણગાન ગાયાં.
ભાગવતની કથા સપ્તાહપારાયણરૂપે થતી હોય કે છૂટક રીતે નિત્યપાઠના રૂપમાં કરાતી હોય – બધી જ રીતે કલ્યાણકારક છે. સામાન્ય પ્રવૃત્તિપરાયણ પુરુષોને સપ્તાહપારાયણનું આયોજન વધારે ઉપયોગી થાય છે અને અનુકૂળ પડે છે. એ દરમિયાન કેટલાક નિયમો તથા વ્રતોનું પરિપાલન કરવામાં આવે છે અને ગાગરમાં સાગરની જેમ શાસ્ત્રોના સ્વાદુ સારગર્ભિત સદુપદેશનો સંક્ષેપમાં છતાં સચોટ રીતે સ્વાદ સાંપડે છે. આસુરી વૃત્તિ તથા પ્રકૃત્તિમાં પડેલો મલિન આચારવિચારવાળો જીવંત પ્રેત જેવો દુર્ગતિપ્રાપ્ત પુરુષ એની મદદ મેળવીને પવિત્ર બની, દૈવી સંપત્તિમાં પ્રતિષ્ઠા પામીને પોતાની પ્રેતયોનિમાંથી છૂટીને સદ્દગતિ, સંતૃપ્તિ, શાંતિ પામે છે. પછી એ વિપથગામી નથી થઇ શક્તો કે પાપકર્મમાં પ્રવૃત્ત નથી બનતો. કથાશ્રવણથી આત્માના અલૌકિક જ્ઞાનનો ઉદય થતાં ને પરમાત્માના પવિત્રતમ પ્રેમનું પ્રાક્ટય સહજ બનતાં એની કાયાપલટ થાય છે. અને એ નવા રૂપરંગ ધારણ કરે છે. એનું બધું જ અલૌકિક બને છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને મલિનતાની અવિદ્યાજનક સાતે ગાંઠો તૂટી જાય છે ને યોગવાસિષ્ઠયની પરિભાષામાં કહીએ તો સપ્તાહશ્રવણના સાતે દિવસો દરમિયાન જ્ઞાનની સાતે ભૂમિકાઓ-શુભેચ્છા, વિચારણા, સત્વાપત્તિ, તનુમાનસા, પદાર્થભાવિની, અસંસક્તિ અને તુર્યગા ની ક્રમશઃ અનુભૂતિ થતાં જીવન જયોતિર્મય ને ધન્ય બને છે. એટલા માટે અનિત્ય, અશુચિ અને કાળનો ગ્રાસ થઇ જનારા શરીરમાંથી મમત્વ ને મોહબુદ્ધિ ઘટાડીને પરમાત્મારૂપી પરમપદાર્થની પ્રાપ્તિને માટે કથાશ્રવણમાં અને એ દ્વારા પરમાત્મામાં પ્રીતિ પ્રકટાવીને પ્રયત્ન કરવો. સર્વ પ્રકારના દોષોની નિવૃત્તિ તથા પરમાત્માના અનંત અદ્દભુત અનુગ્રહની અનુભૂતિને માટે સપ્તાહશ્રવણ સરખું સરળ, સરસ, સચોટ અને સર્વોત્તમ સાધન બીજું કોઇ જ નથી. જે કથાશ્રવણ જડ અને શુષ્ક વાંસની ગાંઠોને પણ તોડી નાખે છે એ કથાશ્રવણ મનની અને અંતરની અવિદ્યાગાંઠોને શા માટે ના તોડે ? એની મદદથી અવિદ્યાની અંતઃકરણસ્થિતા ગ્રંથિનું છેદન થઇ જાય છે, સંશયો છેદાય છે, ને કર્મોનો પાશ કપાઇ જાય છે. એ સંબંધમાં ઉપનિષદના પેલા પ્રસિદ્ધ શ્લોકમાં ઉત્તરાર્ધમાં થોડુંક પરિવર્તન કરીને કહેવામાં આવ્યું છે :
मिद्यते हृदयग्रंथिश्छिद्यन्ते सर्वसंशयाः ।
क्षीयंते चास्यकर्माणि सप्ताहश्रवणे कृते ॥
ભાગવતમાહાત્મ્ય, અધ્યાય પ, શ્લોક ૬પ.
માહાત્મ્યના આ શ્લોકમાં સપ્તાહશ્રવણ કૃતે એટલે કે સપ્તાહનું શ્રવણ કરવાથી એવું કહેવામાં આવ્યું છે અને ઉપનિષદના પેલા શ્લોકાર્ધના અંતભાગમાં તસ્મિન્દૃષ્ટે પરાવરે શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. બાકીનો બીજો બધો ભાષાપ્રયોગ એક છે.
ભાગવતનું સપ્તાહપારાયણ એવી રીતે અત્યંત આશીર્વાદરૂપ છે. એને એક પ્રાણવાન પરબની સાથે સરખાવી શકાય અથવા સુવિશાળ સુંદર વૃક્ષની ઉપમા આપી શકાય. પરબની પાસે પહોંચવાથી અને એના પવિત્ર પીયૂષપાનથી તૃષા ટળે છે તેમ ભાગવતના શ્રવણમનનથી સુખશાંતિની અનંતકાળની પિપાસાનું સુંપૂર્ણપણે શમન થાય છે. એની શીતળ સુધામયી છાયામાં સૌના તાપ-ત્રિતાપ ટળે છે ને સૌને આરામ મળે છે. એ એક સ્વર્ગીય સરિતા છે. એ આત્માને અમીમય કરે છે. અથવા તો એ સંગીતની એવી સુરાવલિ છે જે સૌને સૌન્દર્ય કે માધુર્યની સાથે સાથે શરીરધારણનું સાફલ્ય કે સાર્થક્ય ધરે છે. ઉપમાઓ અથવા સમતાઓ એની આગળ અધુરી કે સૂકી લાગે છે. એમ કહો કે એ એક અને અનુપમેય છે. ભાગવતકથારૂપી દિવ્યૌષધિ અકસીર બનીને બધાં જ દરદોને દૂર કરે છે. જેને એ પારસની પ્રાપ્તિ થાય છે તે સાચા અર્થમાં ધની ને ધન્ય બને છે. એની છત્રછાયામાં સર્વે સુખની સ્વાનુભૂતિ થાય છે. એ રસના આસ્વાદ પછી અન્ય લૌકિક-પારલૌકિક રસની આકાંક્ષા નથી રહેતી. એ રસ સમસ્ત જીવનને રસમય બનાવે છે. ભાગવતનો દેવદુર્લભ દૈવી રસ જેના હૃદયમાં રમવા માંડે છે તેની મુક્તિ નિશ્ચિત છે. તેને બદ્ધ બનાવી શકે એવું જગતમાં બીજું કશું જ નથી રહેતું.