Saturday, 23 November, 2024

હિરણ્યકશિપુનો નાશ

378 Views
Share :
હિરણ્યકશિપુનો નાશ

હિરણ્યકશિપુનો નાશ

378 Views

હિરણ્યકશિપુ જો ધારત તો એ અલૌકિક આશ્ચર્યકારક રૂપધારી ભગવાનને જોઇને પોતાના જીવનને સુધારી શક્ત ને એમના શ્રીચરણોમાં પડીને એમની શરણાગતિને સ્વીકારી, એમની પ્રેમપૂર્ણ પ્રશસ્તિ કરીને ધન્ય બનત, પરંતુ એનું અંતર અવિદ્યારૂપી અંધકારથી આવૃત્ત હોવાથી એવું શક્ય ના બની શક્યું. એણે અનુમાન કરી લીધું કે મહામાયાવી વિષ્ણુએ જ મને મારી નાખવા માટે આવો વેશ લીધો છે. તો પણ એ નિર્ભય બનીને, હાથમાં ગદા લઇને, નૃસિંહ ભગવાન પર તૂટી પડ્યો. પરંતુ પતંગિયું જેવી રીતે અગ્નિજ્વાળામાં પડીને અદૃશ્ય થઇ જાય તેવી રીતે એ પણ ભગવાનના પ્રખર પ્રકાશપૂંજમાં સમાઇ ગયો. સર્વ શક્તિમાન ભગવાનને માટે એવું કૌતુક કરવાનું અશક્ય નહોતું. અઘરું પણ નહોતું.

હિરણ્યકશિપુએ અહંકારમાં અંધ બનીને ગદાની મદદથી પ્રહલાદ પર ફરી પાછો પ્રહાર કર્યો. ભગવાને ગરૂડ સાપને પકડી લે એવી સરળતાથી એને એ જ વખતે પકડી લીધો. ભગવાનના હાથમાંથી છટકવાના પ્રયત્નમાં એ સફળ થયો ને તલવાર લઇને ભગવાન પર તૂટી પડ્યો. એ દ્વંદ્વયુદ્ધમાં આખરે એ નિષ્ફળ ગયો ને પરાજીત બન્યો. ભગવાને એને સભાગૃહના દ્વાર પાસે લઇ જઇને પોતાના સાથળ પર સુવાડીને સુતીક્ષ્ણ નખની મદદથી, બીજા કોઇ પણ શસ્ત્ર કે અસ્ત્રના ઉપયોગ વિના, એના હૃદયપ્રદેશને ચીરી નાખ્યો. હિરણ્યકશિપુના જડ જીવન પર પડદો પડી ગયો. એનો અને એના અનેકવિધ અત્યાચારોનો એવી રીતે અંત આવવાથી પીડિત પૃથ્વી પ્રસન્ન થઇ અને દુઃખના દાવાગ્નિમાં ડૂબેલા દેવતાઓએ ઉત્સવ કર્યો. જે બીજાને પીડા પહોંચાડે છે તેનું મૃત્યુ સમાજને સારું શોકકારક નથી બનતું. બીજાને ઉપયોગી થનારનું ને બીજાનું મંગલ કરનારનું મૃત્યુ જ દુઃખદ બને છે.

ભગવાનનું એ વખતું સ્વરૂપ એટલું બધું ભયંકર હતું કે એના દર્શનથી સૌ કોઇ ભયભીત બની ગયા. એમની પાસે પહોંચવાની કોઇની હિંમત ન ચાલી.

હિરણ્યકશિપુનો એવી નિર્દય રીતે જોતજોતામાં નાશ થયેલો જોઇને બીજા હજારો દૈત્યો કે દાનવો શસ્ત્રોને લઇને નૃસિંહ ભગવાન પર પ્રહાર કરવા માટે પહોંચ્યા તો ખરા, પરંતુ ભગવાને એ સૌનો પણ નાશ કરી નાખ્યો. હિરણ્યકશિપુની સભામાં જઇને એ રાજસિંહાસન પર બેસી ગયા. એમની પાસે પહોંચવાનું સાહસ કોઇ પણ ના કરી શક્યું ત્યારે એમના દૈવી દર્શનાનંદનું પાન કરનારો પ્રહલાદ એમની પાસે પહોંચી ગયો. એણે એમના ચરણોમાં પ્રેમપૂર્વક પ્રણામ કર્યા. ભગવાનનું હૃદય પ્રેમથી ભરાઇ ગયું. હિરણ્યકશિપુના મૃત્યુ પછી સ્વર્ગની દેવદેવીઓએ પ્રસન્નચિત્ત બનીને એ પ્રસન્નતા પ્રકટ કરવા માટે એમના પર પુષ્પવૃષ્ટિ કરી, આકાશમાં વિમાનોમાં વિરાજેલા દેવતાઓએ ઢોલનગારાં વગાડીને ઉત્સવ કરતાં એમની પ્રશસ્તિ કરવા માંડી, ગંધર્વો ગાવા માંડ્યા, અપ્સરાઓ નાચવા લાગી, અને દેવો, સિદ્ધો, વિદ્યાધરો, કિન્નરો, નાગો તથા પાર્ષદો એમની પાસે આવ્યા અને એમની સ્તુતિ કરવા માંડ્યા ત્યારે પણ એમને જેટલો અસાધારણ આહલાદ નહોતો થયો એટલો આહલાદ એ વખતે થવા લાગ્યો. પ્રહલાદ હતો જ પરમ આહલાદ સ્વરૂપ. પરમાત્માના પવિત્રતમ પરમપ્રેમનું ને પ્રશાંતિનું પ્રતીક. એને અવલોકીને આહલાદનો અનુભવ કોણ ના કરે ? કોઇક અજ્ઞાની જ. એનું નામ ને કામ જ કહી બતાવે છે કે માણસે પ્રહલાદ અથવા પરમપવિત્ર અવિનાશી આહલાદથી અંતરને અને અણુઅણુને આપ્લાવિત કરવા માટે એના જેવા પવિત્ર પ્રેમભક્તિથી સંપન્ન બનીને પરમાત્માની સાથે સંબંધ બાંધતા શીખવું જોઇએ. જે એવી રીતે પરમાત્મપ્રેમની પ્રતિમા પ્રહલાદ બને છે તે તરે છે ને એથી ઉલટું, જે અહંતા, મમતા, રાગદ્વેષ, આસક્તિ અને આસુરી સંપત્તિના અવતાર જેવા પરમાત્માવિમુખ વિષયાભિમુખ જીવનવાળા હિરણ્યકશિપુ બને છે તે નાશ પામે છે ને ડગલે ને પગલે મરે છે.

નૃસિંહ ભગવાન પ્રહલાદને જોઇને પ્રસન્નતા કેમ ના પામે ? બીજા ભક્તો તો જીવનમાં અનુકુળતા હોય ત્યારે જ ભગવાનને ભજે છે ને પકડી રાખે છે ત્યારે એણે તો ભગવાનને પ્રતિકૂળતામાં પકડી રાખેલા ને ભજેલા. અને એ પ્રતિકૂળતા પણ કેવી ? કોઇ સામાન્ય પ્રકારની નહિ પરંતુ એકદમ અસામાન્ય પ્રકારની. ભલભલા ભક્તોના મન ભયભીત બની જાય, ડગી જાય, વિદ્રોહ કરી ઊઠે, ને ભક્તિના મંગલ માર્ગને મૂકી દે ત્યારે પણ એનું અંતર અચળ રહ્યું, ઇશ્વરને આરાધતું રહ્યું, એ એની વિલક્ષણતા બતાવે છે ને સૂચવે છે કે એ કોઇ સામાન્ય માટીનો નહોતો બનેલો. એના પરમાણુઓ પાર્થિવ નહિ પણ અપાર્થિવ હતાં. ભગવાન એવા લોકોત્તર આદર્શ ભક્ત પ્રત્યે પોતાનો પ્રેમ, પોતાની અનુકંપા અને પોતાની કૃતજ્ઞતા કેમ ના બતાવે ? એમણે પ્રહલાદના શિર પર હેતાળ હાથ મૂક્યો. એથી પ્રહલાદનું જીવન ઝંકૃત બની ગયું ને કૃતાર્થ થયું. એ સંજીવન સ્પર્શ એને માટે અભિનવ અવતાર આપનારો થઇ પડ્યો. એને અલૌકિક દૃષ્ટિ તથા વૃત્તિની પ્રાપ્તિ થઇ. એના હૃદયના તેમજ રોમરોમના સઘળા તારો સ્નેહનું સનાતન સુધામય શુચિ મહોત્સવ કરવા લાગ્યું. પ્રેમપંથનો પ્રત્યેક પ્રવાસી, પરમાત્માના સુખદ સાક્ષાત્કારનો પ્રત્યેક સાચો સાધક, એ સુધાસભર સંજીવનપ્રદાયક સ્પર્શની ઇચ્છા રાખે છે. એ દિવ્ય સંસ્પર્શનો સ્વાદ લેવાનો અને એ સંસ્પર્શના સ્વામીનો સાક્ષાત્કાર કરવાનો એનો મનોરથ હોય છે. એ મનોરથ પૂરો થાય છે ત્યારે એની કૃતકૃત્યતાનો અંત નથી હોતો. એના સરખું સફળ, સાર્થક, સુખી બીજું કોઇ જ નથી હોતું. જીવનનું પ્રમુખ પ્રયોજન ત્યારે પૂરું થાય છે. એ ક્ષણ એકદમ અદ્દભુત અને અવર્ણનીય હોય છે. એને ઓછાવત્તા પ્રમાણમાં પામે છે ને અનુભવે છે એ જ એને અને એના અમૃતમય આસ્વાદને આંશિક રીતે સમજી અને સમજાવી શકે છે. આંશિક રીતે એટલા માટે કે એની પાસેનું અભિવ્યક્તિનું સાધન અત્યંત અલ્પ હોય છે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *