Sunday, 22 December, 2024

જરાસંઘના નાશની ભૂમિકા

347 Views
Share :
જરાસંઘના નાશની ભૂમિકા

જરાસંઘના નાશની ભૂમિકા

347 Views

{slide=Plan to kill Jarasangh}

With Naradji’s suggestions, preparation began for the performance of Rajsuy yagna. Lord Krishna advised that until Shishupal and Jarasangh are alive, it would be impossible to accomplish Rajsuy Yagna successfully. Yudhisthir started making plans on how to get rid of them. Bhim suggested that Krishna is best in politics, Arjuna is great in war and he is blessed with enormous power, so together they would win over Jarasangh.

Krishna said that Jarasangh has conquered eighty-six kings and has put them in his jail. He is now looking for the remaining fourteen so as to finish his tally of hundred and perform a ritual that will make him all powerful. Krishna advised to act fast and expressed confidence that they would be able to win over Jarasangh. Arjuna also opined the same way so they prepared their strategy. Krishna advised that since Jarasangh was powerful, it was not wise to attack him directly. Rather, they should reach his kingdom in disguise and then attack him. Everybody agreed to his plan.

This discussion indicates that one need not only weapon, power or people to fight but great planning to defeat any mighty enemy.

દેવર્ષિ નારદની સૂચના પ્રમાણે મંત્રીઓએ રાજા યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞના અનુષ્ઠાન માટે સલાહ આપીને કહ્યું કે તમે તેને માટે  સર્વ પ્રકારે સુયોગ્ય છો.

યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણની સલાહ લેવા માટે એમને દ્વારકાથી બોલાવ્યા.

એમણે પણ રાજસૂય યજ્ઞ કરવાની અનુમતિ આપીને જણાવ્યું કે અત્યારે રાજા જરાસંઘે ભોજવંશની લક્ષ્મીનો પરાભવ કર્યો છે, અને મોટા મોટા રાજાઓએ એનો ચક્રવર્તી રાજાના પદે અભિષેક કર્યો છે. પ્રતાપી શિશુપાલ રાજા એના આશ્રયમાં રહીને એનો સેનાપતિ થયો છે. એ જરાસંઘ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તમે  રાજસૂય યજ્ઞને સફળ કરી શકશો નહીં. એણે સઘળા રાજાઓને જીતીને ગિરિવ્રજ દુર્ગમાં પૂરી રાખ્યા છે. અમે પણ એના ભયથી અથવા આક્રમણની આશંકાથી મથુરાને છોડીને દ્વારકા નગરીમાં ગયા હતા. તમારે જો રાજસુય યજ્ઞ કરવો હોય તો એ રાજાઓની મુક્તિ માટે તથા જરાસંઘના નાશ માટે પ્રયત્ન કરવો પડશે.

યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણની વાત સહેલાઇથી સમજાઇ ગઇ.

પાંડવોને તથા મંત્રીઓને સમજતા વાર ના લાગી.

યુધિષ્ઠિરે જણાવ્યું કે મેં સાંભળ્યું છે તે પ્રમાણે જરાસંઘ પરમપરાક્રમી છે અને તમારાથી, ભીમથી અને અર્જુનથી પણ જીતી શકાય તેમ નથી, તો પછી તેને કેવી રીતે વશ કરી શકાય ?

ભીમે પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યું કે રાજા કાર્ય ના ભયને લીધે જ કાર્યનો આરંભ કરતો નથી અને નિર્બળ હોવા છતાં અનુચિત ઉપાયોથી બળવાન પર આક્રમણ કરે છે તે નાશ પામે છે. વળી નિર્બળ પુરુષ પણ જો સતત પુરુષાર્થી  હોય તો બળવાન શત્રુને જીતી શકે છે, તથા ધારેલા પ્રયોજનની પૂર્તિ કરે છે. કૃષ્ણમાં નીતિ છે, મારામાં બળ છે. અર્જુનમાં જય છે. એટલે ત્રણ અગ્નિ એકત્ર થઇને જેમ યજ્ઞને પૂરો કરે છે. તેમ અમે ત્રણે મળીને મગધરાજ જરાસંઘને પૂરો  કરીશું.

કૃષ્ણએ કહ્યું કે નાદાન માણસ કાર્યનો આરંભ કરે છે પરંતુ તેના પરિણામને નથી સમજતો. પુરુષાર્થી કર્મપરાયણ રાજાઓ પરિણામનો વિચાર નહિ કરનારા મૂર્ખ શત્રુને ક્ષમા આપતા નથી. જરાસંઘ તમારે માટે અસાધારણ અંતરાયરૂપ છે. તમે એ પણ સારી પેઠે સમજી લો કે સેંકડો રાજવંશીઓમાંથી એક પણ જરાસંઘને રોકી શકતો નથી. એ સામ્રાજ્યપદને શક્તિપૂર્વક ભોગવી રહ્યો છે. એનાથી નાના મોટા સઘળા રાજવંશીઓ સદાને માટે ભયભીત છે. રત્નોને ધારણ કરનારા રાજાઓ પણ એને આરાધી રહ્યા છે. તો પણ આટલાથી એને સંતોષ થતો નથી. એ અધિકાધિક અન્યાય કર્યા જ કરે છે. મુકુટધારી રાજાઓને  એ આતંક ફેલાવીને બળજબરી  નમાવે છે. એ કોઇ પુરુષ પાસેથી રાજભાગ ના લેતો હોય એવું કદાપી સાંભળ્યું નથી.      

જરાસંઘે સો જટલા રાજાઓને વશ કર્યાં છે.

નિર્બળ રાજાથી તો તેમનો સામનો કેવી રીતે કરી શકાય?

કેદ કરેલા રાજાને પશુની પેઠે માર મારી, તેમનું પાણીથી પ્રોક્ષણ કરી, તેમને ભગવાન પશુપતિનાથના મંદિરમાં બલિ તરીકે અર્પણ કરનાર છે. એના એ મનોરથમાં એ મક્કમ છે.

આપણે એ મગધરાજ જરાસંઘને યુદ્ધ માટે આમંત્રણ આપીએ. જરાસંઘે હોમ માટે ૮૬ રાજાઓને કેદ કર્યા છે. હવે ચૌદ ખૂટે છે. સો પૂરા થતાં તે ક્રૂર કર્મ કરશે. પરંતુ જે વીરપુરુષ એના કામમાં વિધ્ન નાખશે તે ઉજ્જવળ કીર્તિને સંપાદન કરશે. જે જરાસંઘને જીતશે તે ચક્રવર્તી સમ્રાટ બનશે.

અર્જૂને કહ્યું કે ધનુષ્ય, શસ્ત્ર, બાણો, વીર્ય, પક્ષ, ભૂમિ, યશ અને બલ એ બધું દુર્લભ હોવાં છતાં મને સુલભ થયું છે. સુપ્રતિષ્ઠિત વિદ્વાનો ઊંચા કુળમાં થયેલા જન્મની પ્રસંશા કરે છે, પણ બલની બરાબરીમાં આવે એવું બીજું કશું જ નથી. મને તો બલ જ રુચે છે. પરાક્રમવાળા કુળમાં જન્મેલો નિવીર્ય પુરુષ શું કરી શકે? પણ નિવીર્ય કુલમાં જન્મેલો પુરુષ વીર્યવાન હોય તો તે વિશેષ છે. તે જ ક્ષત્રિય છે જેને શત્રુઓ પર વિજય મેળવવાની વૃત્તિ હોય છે. વીર્યવાન સર્વગુણોથી વિહીન હોય છે તો પણ એકલો રિપુઓને તરી જાય છે. નિર્વીર્ય સર્વ ગુણોથી સંપન્ન હોય છતાં પણ શું કરી શકે ?

આપણે જરાસંઘના વિનાશનો વિચાર કરીશું અને બીજા રાજાઓનું રક્ષણ કરીશું તો એથી શ્રેષ્ઠ કાર્ય બીજું શું હોઈ શકે? આપણે ગુણોવાળા છીએ તેમ છતાં તમે પોતાને ગુણહીન કેમ માનો છો? આપણે ચક્રવર્તીપદ ધારણ કરવાને શક્તિમાન છીએ માટે શત્રુઓની સાથે યુદ્ધ કરીશું.

કૃષ્ણે અર્જૂનના અભિપ્રાય સાથે સંમત થતાં જણાવ્યું કે અર્જૂનના વિચારો બરાબર છે. આપણને દિવસે કે રાતે કયાંય મૃત્યુ નથી દેખાતું. યુદ્ધ ના કરવાથી કોઈ અમર બન્યું હોય એવું આપણે નથી સાભળ્યું. સુનીતિ અને અનુકૂળતાનો સુભગ સુયોગ થતાં કાર્યની પરમસિદ્ધિ સાંપડે છે અને સંગ્રામમાં એક શત્રુને વિજય મળે છે, કારણ કે બંને શત્રુ કદાપિ સમાન હોઈ શકતા નથી. નીતિ વિનાનાં સુયોગ્ય સાધનો સિવાયના સંગ્રામમાં ભયંકર સંહાર થાય છે. બંને જો સમાન રીતે ન્યાયપૂર્વક યુદ્ધ કરે તો બંનેના વિજય બાબતમાં શંકા રહે. આપણે શત્રુઓની સાથે નીતિપૂર્વક યુદ્ધ કરીશું, આપણા પોતાના છિદ્રોને સાચવી રાખીશું અને શત્રુના છિદ્રોને લક્ષમાં લઈને પરાક્રમ કરીશું, તો નદીના વેગથી વૃક્ષ ઊખડી પડે છે તેમ શત્રુનો અંત આવશે. આપણે કોઈને ખબર ના પડે એવી રીતે નિર્દોષતાપૂર્વક શત્રુના સ્થાનમાં પહોંચીને, એના પર આક્રમણ કરીને, ધારેલો હેતુ સિદ્ધ કરીએ. વ્યુહબદ્ધ સેનાવાળા અતિપરાક્રમી સમર્થ શત્રુ સાથે જાહેર રીતે યુદ્ધ ના કરવું એવો મારો અભિપ્રાય છે. જરાસંઘનો યુદ્ધમાં નાશ થશે એ સંબંધી  મારા મનમાં કશી શંકા નથી.

કૃષ્ણનો એ નીતિવિષયક નિર્ણય સૌ કોઈને પસંદ પડયો. સૌએ એને આવકાર્યો. જરાસંઘના નાશની ભૂમિકાનું એવી રીતે નિર્માણ થયું.

એ પ્રસંગ સૂચવે છે કે જીવનના જટીલ જંગમાં પ્રતિસ્પર્ધીઓની સામે સફળતાપૂર્વક લડીને વિજયી બનવાની મહેચ્છાવાળા માનવમાં ધીરજ જોઈએ; હિંમત જોઈએ, નીડરતા જોઈએ, નીતિમત્તા જોઈએ, અને વ્યવહારકુશળતા તથા બુદ્ધિબળ જોઈએ. કેવળ બાહુબળ, શસ્ત્રબળ કે ભૌતિક બળ પૂરતું નથી થતું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *