Sunday, 17 November, 2024

જરાસંઘની ઉત્પત્તિકથા

324 Views
Share :
જરાસંઘની ઉત્પત્તિકથા

જરાસંઘની ઉત્પત્તિકથા

324 Views

{slide=Story of Jarasangh’s birth}

King of Magadh, Bruhdrath was wedded to two beautiful daughters of the King of Kashi. After a long marriage life, he could not become father. Once sage Chandrakaushik passed by his kingdom. King along with his two queens served him very well. Pleased by their service, Sage asked King for a boon. King explained his situation. During their conversation, a mango fell in the lap of the Sage from above. Sage gave that mango to the King and blessed him. On his return to palace, King divided it and offered it to both his queens.

In due course of time, both became pregnant. Both the queen gave birth to a child that had only one hand, one leg, one eye and likewise. They were so frightened that they left their new born babies. However, one of their maid named Jara accidentally picked both of them and stick them together. Now it was her time to be amazed. The joined baby became one and looked just like a normal baby boy. Since maid Jara joined two halves together, the baby boy was known as Jarasangh. Later, Sage Chandrakaushik visited Magadh and blessed this boy. He told the king that the boy has a great future ahead. Jarasangh would become powerful and famous by his deeds.

મહાભારતમાં આલેખાયેલી જરાસંઘની ઉત્પત્તિકથા કાંઈક અંશે આશ્ચર્યકારક, અનોખી અને આનંદદાયક છે. એનો ઉલ્લેખ કરવા  જેવો છે.

મગધદેશનો બ્રુહદ્રથ નામે પરમ પરાક્રમી, યુદ્ધના મદવાળો, રૂપવાન,  વીર્યવાન રાજા. જાણે કે બીજો ઈન્દ્ર. તેજમાં સુર્ય જેવો, ક્ષમામાં પૃથ્વી જેવો, ક્રોધમાં યમ જેવો, સંપત્તિમાં કુબેર સરખો. પોતાના કુળપરંપરાગત સદગુણો અને વિશેષતાઓને લીધે એણે સુર્યનાં સોનેરી કિરણોની પેઠે પૃથ્વીને વ્યાપી દીધેલી અને પ્રકાશિત કરેલી.

એનું લગ્ન મહાવીર્યવાન કાશીરાજની બે આકર્ષક સર્વોત્તમ સ્વરૂપવાન કન્યાઓ સાથે થયેલું.

એમની સાથે સંસારસુખનો ઉપભોગ કરતાં કરતાં યુવાવસ્થા પસાર થઈ ગઈ તો પણ  એને પુત્રની પ્રાપ્તિ ના થઇ. એણે અનેકવિધ કલ્યાણકાર્યો અને યજ્ઞાનુષ્ઠાનો કર્યાં તો પણ એની મનોકામના પૂરી ના થઇ ત્યારે એને સ્વાભાવિક રીતે જ ઘોર નિરાશા થઇ. એનું જીવન નીરસ થયું, બોજારૂપ બન્યું. એ દિવસો દરમિયાન દૈવયોગે એક પ્રસન્નતાપ્રદાયક આશાજનક પ્રસંગ બન્યો.

ગૌતમવંશી મહાત્મા કાક્ષીવાનના ઉદાર સુપુત્ર ચંદ્રકૌશિક પોતાની તપશ્ચર્યાને પૂર્ણ  કરીને એની રાજધાનીમાં  આવીને એક વિશાળ વૃક્ષની નીચે વિરાજ્યા. એમના શુભાગમનના સુખદ સમાચારને મેળવીને બ્રુહદ્રથ પોતાની પત્ની સાથે એમનું દર્શન કરવા ગયો. એણે એમના ચરણે અનેકવિધ અસંખ્ય રત્નોની ભેટ ધરી. એથી સંતોષાઇ ને એમણે એને આકાંક્ષાનુસાર વરદાન માંગવા કહ્યું, ત્યારે એમણે દુઃખી હૃદયે જણાવ્યું કે હું તો રાજ્યને ત્યાગીને તપોવનમાં જવા માટે તૈયાર થયો છું મને નિ:સંતાનને વળી રાજ્યનુ તેમજ વરદાનનું શું પ્રયોજન ?

એ કરુણ શબ્દોને સાંભળીને ચંડકૌશિક મુનિ એ સુવિશાળ સઘન વૃક્ષની છાયામાં ધ્યાનમગ્ન બન્યા.

એ વખતે એમના ખોળામાં એક આમ્રફળ પડ્યું. એ આમ્રફળ અસાધારણ રસથી ભરેલું. એને પોપટે ચાંચ નહોતી મારી. મુનિ એ એને હાથમાં લઇ ને અભિમંત્રિત કરીને અમોલ આશીર્વાદ સાથે રાજાને અર્પીને એને પાછા ફરવાનો  આદેશ આપ્યો.

રાજાએ મુનિને પરમ પૂજ્ય ભાવે પ્રણમીને સ્વગૃહે જવા માટે પ્રયાણ કર્યું. એ પછી રાજાએ સુયોગ્ય સમય સમજીને એ આમ્રફળ બંને રાણીઓને ખૂબ જ સંભાળપૂર્વક શુભેચ્છા સહિત પ્રદાન  કર્યું. બંને રાણીઓએ બે સમાન ભાગ કરીને તેનું પ્રાશન કર્યું. સમય પર એમને ગર્ભવતી થયેલી થયેલી જોઇને રાજાની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં. મંત્રવિધાનો કેટલો બધો અદભુત પ્રભાવ ! મહાપુરુષોના શુભાઆશીર્વાદની કેટલી બધી અમોલ શક્તિ ! એવા મહાપુરુષોનું વરદાન, એમના આશીર્વાદ, કદી કોઇયે કારણે નિષ્ફળ જાય જ નહીં. એમનું બળ અનંત હોય છે. આ પ્રસંગ એની પ્રતીતિ કરાવે છે.

સુયોગ્ય સમય આવતાં એ બંને રાણીઓએ શરીરની એકેક ફાડને જન્મ આપ્યો. એ ફાડમાં એકેક આંખ, એકેક હાથ, એકેક પગ, અડધું મુખ, અડધું પેટ, અને અડધી ઇન્દ્રિયને નિહાળીને ઉભય રાણીઓ ઉદ્વેગ પામીને કંપવા લાગી. એમણે એ ઉભય ફાડોને ભય સાથે છોડી દીધી. દાસીઓએ એ ઉભય ગર્ભભાગોને સાદી રીતે ઢાંકી દઇને મકાનની બહારના ચકલામાં મૂકી દીધા.

એમને જરા નામની રાક્ષસીએ ઉપાડી લીધા, અને દૈવાધીન બનીને જોડી દીધા. એમને જોડતાંવેંત જ એમાંથી એક કુમારનો જન્મ થયેલો જોઇને તે રાક્ષસીને ખૂબ જ નવાઇ લાગી.

એ વજ્ર જેવા મજબૂત બાળકને ઉપાડવાનું પણ એને માટે અશક્ય થઇ પડ્યું. બાળકનાં રુદનના ભયંકર સ્વરને સાંભળીને અંતઃપુરનાં માણસો ગભરાઇને  બહાર આવ્યાં. રાણીઓ પણ તરત જ બહાર આવી. રાક્ષસીએ એ બાળકનો  નાશ કરવાને બદલે એને રાણીઓને અપર્ણ કર્યો . રાજાને એ બધું જાણીને અતિશય આનંદ થયો.

જરા નામની રાક્ષસી અદ્રશ્ય થઇ ગઇ. એણે બાળકનાં શરીરના બંને ભાગોને જોડ્યાં હોવાથી  બાળકનું નામ જરાસંઘ પાડ્યું

એ અતિશય શક્તિસંપન્ન, સપ્રમાણ શરીરવાળો, આહુતિ પામેલા અગ્નિ જેવી કાંતિવાળો, જરાસંઘ શુકલ પક્ષનાં ચંદ્રની જેમ દિનપ્રતિદિન મોટો થવા લાગ્યો.

એવી અદભુત હતી એની ઉત્પત્તિકથા.

પરમતપસ્વી ચંડકૌશિક મગધદેશમાં પુનઃ પધાર્યા ત્યારે રાજાએ એમનું વિઘિપૂર્વક પૂજન કર્યું.

ઋષિએ જણાવ્યું કે આ પુત્ર ઐશ્વર્યશાળી બનશે ને સ્વપરાક્રમથી સઘળું પ્રાપ્ત કરશે. સાઘારણ પંખીઓ ગરુડની ગતિને જેમ પહોંચી નથી શકતાં તેમ બીજા રાજાઓ એના પરાક્રમને પહોંચી નહિં શકે. એની વચ્ચે પડનાર વિનાશ પામશે. દેવોનાં શસ્ત્રો પણ એને પીડા નહિ પહોંચાડે. એ મહાદેવના દર્શનનો દૈવી લાભ મેળવશે.

મગધરાજે જરાસંઘનો રાજ્યાભિષેક કરીને પોતાની પત્નીઓ સાથે તપોવનમાં તપ માટે પ્રવેશ કર્યો.

એ પછી જરાસંઘ સ્વપરાક્રમથી રાજાઓને વશ કરવા લાગ્યો.

દીર્ઘકાળપર્યંત તપ કરીને રાજા બ્રુહદ્રથે પોતાની પત્નીઓ સાથે સ્વર્ગગમન કર્યું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *