Sunday, 22 December, 2024

જયદ્રથની હાર

318 Views
Share :
જયદ્રથની હાર

જયદ્રથની હાર

318 Views

{slide=Jayadrath defeated}

Pandavas followed Jayadrath’s army and attacked it from all directions. In a fierce battle that followed, Pandavas killed most of their main rivals. When Jayadrath knew that it was impossible for him to win over the mighty Pandavas, he left Draupadi and ran away. Sahadev took Draupadi in his chariot and was about to leave the battlefield but Draupadi told Bhim and Arjun not to grant mercy to Jayadrath. She urged them to punish Jayadrath for his misconduct.
Arjun and Bhim followed Jayadrath and annihilated most of his army. Eventually, they caught Jayadrath and punished him. They left him alive on a condition that Jayadrath would introduce himself as servant of Pandavas wherever he would go. Jayadrath agreed and Arjun and Bhim took him to their place. Yudhisthir, with Draupadi’s consent, later set him free.

Jayadrath, with a fire of revenge in him, performed penance and pleased Lord Shiva. He asked Shiva to grant him a boon so that he could kill Pandavas. Lord Shiva told Jayadrath that it was impossible to defeat Pandavas and he should ask anything else. Jayadrath asked for the power to stop others in Pandavas army. Even after arduous penance, Jayadrath’s mind was full of retribution.  

થોડા વખત પછી એ જયદ્રથના રથની પાસે પહોંચી ગયા.

એમણે જયદ્રથની સેનાને ચારે તરફથી ઘેરી લઇને એના પર બાણોનો વરસાદ વરસાવીને અંધકારમાં ડુબાડી દીધી.

જયદ્રથે પોતાની સાથેના રાજાઓને પાંડવોનો સફળતાપૂર્વક પ્રતિકાર કરવા માટે આહવાન કર્યું.

યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવને જોઇને રણભૂમિમાં સૈન્યોનો અતિ ભયંકર શોર થવા લાગ્યો. વ્યાઘ્રના જેવા એ બલોન્મત્ત પુરુષવ્યાઘ્રોને જોઇને શિબિ, સૌવીર તથા સિંધુદેશના યોદ્ધાઓ ખિન્ન થઇ ગયા.

ભીમ સોનાના ચિત્રવાળી, ઉત્તમ જાતની, લોઢાની બનાવેલી ગદાને પકડીને કાળથી પ્રેરાયેલો સિંધુરાજ જયદ્રથ તરફ ધસ્યો. કોટિકાસ્યે વચ્ચે પડીને વૃકોદરને મોટા રથસમૂહથી ઘેરી લીધો અને તેની સાથે યુદ્ધ કરવા માંડયું. વીરોના હાથથી છૂટેલાં શક્તિ, તોમર અને નારાચ આદિ અનેક અસ્ત્રોથી ભીમ ઘેરાઇ ગયો છતાં જરા પણ કંપ્યો નહિ. ભીમે સિંધુરાજની સેનાના અગ્રભાગે એક હાથીને, હાથી ઉપર સવાર થયેલા યોદ્ધાને, તેમજ ચૌદ પાળાઓને ગદાથી મારી નાંખ્યા. સૌવીરાધિપતિ જયદ્રથને શોધી રહેલા અર્જુને પર્વત પ્રદેશના પચાસ શૂરવીર મહારથીઓને મારી નાખ્યા. યુધિષ્ઠિરરાજે સૂવીરદેશના શ્રેષ્ઠ શસ્ત્રધારીઓને એક પલકવારમાં હણી નાખ્યા. નકુલ પણ હાથમાં તલવાર ધારણ કરીને, એકદમ રથમાંથી ઊતર્યો અને જાણે બીને વાવતો હોય તેમ પાળાઓના મસ્તકને વારંવાર ઉતારી નાખવા લાગ્યો. સહદેવ રથમાં રહીને જ ગજયોદ્ધાઓની સાથે આગળ વધ્યો અને વૃક્ષો ઉપરથી મોરો પાડતો હોય તેમ નારાચ બાણોથી યોદ્ધાઓને નીચે પાડવા લાગ્યો.

પછી ત્રિગર્ત દેશનો રાજા હાથમાં ધનુષ સાથે રથમાંથી ઊતયો. તેણે પોતાની ગદા વડે યુધિષ્ઠિર રાજાના ચાર ઘોડાઓને મારી નાખ્યા. પગપાળા પાસે આવી રહેલા એ રાજાની છાતીને ધર્મરાજ યુધિષ્ઠિરે અર્ધચંદ્ર બાણ મૂકીને વીંધી નાંખી. હૃદય ભેદાઇ જવાથી તે વીર મોંમાથી લોહીની ઊલટી કરવા લાગ્યો. અને છિન્નમૂલ થયેલા વૃક્ષની જેમ પૃથાનંદન યુધિષ્ઠિરના મોં આગળ ઢળી પડ્યો.

બીજી તરફ ક્ષેમંકર અને મહામુખ, નકુલને તાકીને તીવ્ર બાણવર્ષાને વરસાવવા લાગ્યા. વર્ષાઋતુના મેઘની જેમ તોમરની વૃષ્ટિ કરી રહેલા એ બન્નેને માદ્રીના પુત્ર નકુલે એક વિપાઠ બાણ મૂકીને મારી નાખ્યા. તે સમયે હાથીની સવારીમાં નિષ્ણાત ત્રિગર્તદેશનો રાજા સુરથ નકુલના રથની પાસે પહોંચ્યો અને પોતાના હાથીની પાસે તે રથને દૂર ફેંકાવી દીધો. નિર્ભય નકુલ ઢાલ અને તલવારને હાથમાં લઇને રથમાંથી ઊતર્યો અને ઊંચે સ્થાને જઇને પહાડની જેમ અડોલ ઊભો રહ્યો પછી સુરથે અતિ લાંબી સૂંઢવાળા અને ક્રોધમાં આવેલા પોતાના શ્રેષ્ઠ હાથીને નકુલને મારવા માટે તેના તરફ દોડાવ્યો. પણ એ હાથી તેની પાસે આવ્યો કે તરત જ નકુલે તેની સૂંઢને તલવારથી મૂળમાંથી કાપી નાંખી. આથી ઘંટાઓથી વિભૂષિત થયેલો તે ગજ મોટી ચિચિયારી પાડીને ઊંધે માથે જમીન ઉપર ઢળી પડયો. તેણે સાથે મહાવતને પણ પટકી નાખ્યો. એ મહાન કર્મ કરીને શૂરવીર નકુલ ભીમસેનના રથમાં જઇને સ્વસ્થ થયો.

બીજી બાજુ યુદ્ધમાં આવતા કોટિકાસ્ય રાજાના અશ્વોને હાંકી રહેલા સારથિઓનું માથું ભીમે ક્ષુરબાણ મૂકીને ઉડાવી દીધું. મહાબાહુ ભીમે પોતાના સારથિને મારી નાખ્યો છે તે કોટિકાસ્ય રાજા કળી શક્યો નહીં. સારથિ હણાતાં તેના ઘોડાઓ રણાંગણમાં આમતેમ નાસભાગ કરવા લાગ્યા. સારથિ હણાવાથી વિમુખ થયેલા કોટિકાસ્ય પાસે જઇને પ્રહાર કરનારાઓમાં શ્રેષ્ઠ પાંડુપુત્ર ભીમે તેને મૂઠવાળા પ્રાસથી પૂરો કરી દીધો.

 ધનંજયે પણ તીક્ષ્ણ ભલ્લબાણોને છોડીને સૌવીર દેશના બારે રાજપુત્રોનાં ધનુષ્ય તથા માથાં કાપી નાખ્યા. વળી એ અતિરથિએ શિબિ, ઇક્ષ્વાકુ, ત્રિગર્ત અને સિંધુ દેશના મુખ્ય યોદ્ધાઓને પણ બાણની ઝપટમાં આવતાં રણમાં ઉડાડી મૂક્યા.

પૃથ્વી જાણે માથાં વિનાનાં ધડોથી તેમજ ધડ વિનાનાં માથાંથી ઢંકાઇ ગઇ.

એ વીરપુરુષો માર્યા ગયા ત્યારે સિંધુરાજ જયદ્રથ અત્યંત ગભરાઇ ગયો અને દ્રૌપદીને છોડીને નાસી જવાનો વિચાર કરવા લાગ્યો. એણે દ્રૌપદીને ઉતારી મૂકીને પોતે જે માર્ગે આવ્યો હતો તે માર્ગે, જીવને બચાવવાની ઇચ્છાએ, વન તરફ નાસવા લાગ્યો. ધર્મરાજે દ્રૌપદીને ધૌમ્યની આગળ ચાલતી જોઇ. એટલે માદ્રીપુત્ર વીર સહદેવ પાસે તેને રથમાં બેસાડી પછી જયદ્રથે પીછેહઠ કરી. ત્યારે વૃકોદરે તેના નાસી રહેલા સૈન્યને પોતાનું નામ દઇને નારાચ બાણોથી હણવા માંડયું.

વ્યાકુળ ચિત્તવાળી દ્રૌપદીનો ક્રોધ સળગી ઊઠયો. તે કહેવા લાગી કે તમારે મારું પ્રિય કરવું જ હોય તો નરાધમ, નીચ, દુર્મતિ, કુળકલંક જયદ્રથને મારી જ નાંખવો જોઇએ. જે વેરી સ્ત્રીનું હરણ કરી જાય, તેમજ જે શત્રુ રાજ્યને પડાવી લે, તે કરગરીને હાથ જોડે તો પણ તેને સંગ્રામમાં કદી પણ છુટકારો આપવો ના જોઇએ. કૃષ્ણાએ આ પ્રમાણે કહ્યું એટલે તે બે નરસિંહો જયદ્રથ તરફ ગયા અને યુધિષ્ઠિર દ્રૌપદીને લઇને પુરોહિત સાથે પાછા વળ્યા.

ભીમસેન અને અર્જુને શત્રુને એક કોશ દૂર નાસી ગયેલો સાંભળીને એની પાછળ પ્રયાણ કર્યું. નરવીર અર્જુને એ કોશ જેટલા દૂર ગયેલા જયદ્રથના ઘોડાઓને હણી નાખ્યા. દિવ્ય અસ્ત્રના જ્ઞાતા અને સંકટ સમયે પણ સંભ્રમરહિત રહેનારા અર્જુને અસ્ત્રોથી મંત્રેલા બાણો વડે એ દુષ્કર કર્મ કર્યું હતું પછી ભીમ અને ધનંજય એ બંને વીરો ઘોડાઓ હણાઇ જવાથી ભયભીત થયેલા, એકલા પડેલા અને વ્યાકુળચિત્ત બનેલા તે જયદ્રથ તરફ દોડ્યા. પોતાના અશ્વોને મરાયેલા જોઇને જયદ્રથ અત્યંત દુઃખ પામ્યો. ધનંજયને પ્રચંડ પરાક્રમભર્યા કર્મો કરતો જોઇને તે વન તરફ દોડવા લાગ્યો. આમ પલાયન કરવામાં પરાક્રમ બતાવી રહેલા જયદ્રથને જોઇને મહાબાહુ અર્જુને તેની પૂંઠ પકડી.

આયુધને ઉગામીને આવી રહેલા ભીમ અને અર્જુનને જોઇને જયદ્રથ અત્યંત દુઃખાતુર થઇને જીવને બચાવવાની ઇચ્છાથી સાવધાન રહીને ઝડપથી દોડવા લાગ્યો પરંતુ બલવાન ભીમસેને રથમાંથી ઊતરીને દોડી રહેલા જયદ્રથની પાછળ દોટ મૂકી અને તેના કેશપાશને પકડી લીધો. ભીમે એને ભોંય પર પછાડ્યો. અને માથું પકડીને મારવા માંડયો. ફરીવાર હોશ આવતાં તેણે કૂદીને નાસી છૂટવાની ઇચ્છા કરી એટલે મહાબાહુ ભીમે વિલાપ કરતા જયદ્રથના માથા ઉપર પગથી પ્રહાર કર્યો. વળી તેને ઘૂંટણ નીચે દબાવીને મૂઠીથી મારવા માંડ્યો. અત્યંત પ્રહારથી પીડાઇને જયદ્રથ મૂર્છાવશ થઇ ગયો.

પછી વૃકોદરે જયદ્રથને ધૂત્કારીને કહ્યું કે મૂઢ ! તારે જીવતા રહેવાની ઇચ્છા હોય તો સાંભળ. તારે સભાઓમાં અને નાના મંડળોમાં હું પાંડવોનો દાસ છું એમ કહેવું. તને આ માન્ય હોય તો હું તને જીવનદાન આપું.

જયદ્રથે ભીમની શરતને કબૂલ કરી.

પૃથાપુત્ર વૃકોદરે ધૂળમાં રગદોળાયેલા, તરફડિયાં મારતા, બેભાન થયેલા જયદ્રથને બાંધીને રથમાં નાખ્યો. પછી પૃથાનંદન અર્જુનથી અનુસરાયેલો ભીમ તે રથમાં બેસીને આશ્રમે પહોંચ્યો. યુધિષ્ઠિરે એને છોડી મૂકવાની સૂચના કરી અને દ્રૌપદીએ પણ એમાં સૂર પૂરાવ્યો.

જયદ્રથને મુક્ત કરવામાં આવ્યો. એટલે એણે યુધિષ્ઠિર પાસે જઇને તેમને પ્રણામ કર્યા. વળી ત્યાં મુનિઓને બેઠેલા જોઇને તેણે તેમને પણ પ્રણામ કર્યા.

યુધિષ્ઠિરે તેને કહ્યું કે તને દાસપણામાંથી મુક્ત કર્યો છે. ફરી વાર આવું કુકર્મ કરીશ નહીં.

જયદ્રથ ગંગાદ્વારે ચાલ્યો ગયો. ત્યાં તેણે વિરૂપાક્ષ ઉમાપતિને શરણે જઇને પ્રચંડ તપસ્યા કરી. ત્રિલોચન ભગવાન વૃષભધ્વજ તેના ઉપર પ્રસન્ન થયા અને તેના પૂજનનો પ્રીતિપૂર્વક સ્વીકાર કર્યો. મહાદેવે તેને વરદાન આપ્યું.

જયદ્રથે ભગવાન શંકર પાસે માગેલું કે તમે એવી કૃપા કરો કે હું યુદ્ધમાં પાંડવોને સંપૂર્ણપણે જીતી લઉં.

ભગવાને જણાવ્યું કે એવી શક્યતા તો સહેજ પણ નથી. અર્જુન નર નામે સુરેશ્વર છે. એણે બદરીનાથમાં તપ કર્યું છે. નારાયણ સ્વયં એના સહાયક છે. મેં એને અલૌકિક પાશુપાસ્ત્ર અર્પણ કર્યું છે. એ સમસ્ત લોકમાં અજેય છે. એને દેવો પણ નથી પહોંચી શકે તેમ. તું એના સિવાયના બીજા પાંડવોને રણમાં રોકી શકીશ એટલું વરદાન હું જરૂર આપું છું.

જયદ્રથની એ કથા સૂચવે છે કે માનવના મનના સુધાર સિવાય તેને માટે તીવ્ર તપ કે કોઇ પણ ધર્માનુષ્ઠાન કલ્યાણકારક નથી થતું. મનના શુદ્ધિકરણ સિવાય સંપૂર્ણ શાંતિ નથી સાંપડતી. એ કથા દ્રૌપદીની નિષ્ઠા, પવિત્રતા તથા તેજસ્વીતાનું સર્વોપયોગી આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે.

સ્ત્રીની પાસે સઘળું હશે, ધન, ઐશ્વર્ય, સૌન્દર્ય, યૌવન, બળમાધુર્ય સઘળું, પરંતુ શીલ નહિ હોય તો તે સઘળું અધૂરું રહેવાનું અને સાર્થક નહિ ઠરવાનું; શ્રેયસ્કર પણ નહિ બનવાનું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *