Thursday, 21 November, 2024

જયદ્રથનો નાશ

371 Views
Share :
જયદ્રથનો નાશ

જયદ્રથનો નાશ

371 Views

{slide=Jayadrath killed}

Blessed by the might of Lord Shiva’s invincible Pashupatastra, Arjuna sat out for war on the following day. Determined and revengeful, Arjuna looked very dangerous and unstoppable. Arjun’s arrows filled the battlefield from all directions. Eliminating everyone coming in his way, Arjuna finally reached his opponent – Jayadrath. Jayadrath was protected by six great warriors. King of Shalya, Aswatthama, Kripacharya, Vrushsen and Karna formed a protective circle around Jayadrath. Lord Krishna realized that it was impossible for Arjun to defeat Jayadrath without defeating other great warriors protecting him. It was almost the time of sunset and Arjuna had taken a vow to kill Jayadrath before sunset so Krishna had to use his exceptional powers.

Krishna told Arjun that it was almost sunset so he would hide the sun with his magical powers for a while. Kauravas would think that it was sunset so they would come forward to kill him. They would be vulnerable at that time. Arjun should not think that it was sunset and should take full advantage of the situation and kill Jayadrath. According to the plan, when it appeared that the sun was set, Arjun killed Jayadrath. Kauravas were taken aback as soon thereafter sun came out of hiding by Krishna’s magical powers. Arjun’s vow was fulfilled and Jayadrath was eliminated.

મહાભારતના મહાભયંકર સંગ્રામમાં અર્જુને ચાલુ કરેલા મહાસ્ત્રોના અતિ દુસ્તર અને મહાઘોર પ્રવાહમાં મોટા મોટા યોદ્ધાઓ તણાઇ ગયા. અર્જુનનું એ મહાન સમરાંગણ મૃત્યુની સંહારભૂમિ જેવું જણાતું હતું. તેમાં અનેકનાં મુખો કપાઇ ગયાં હતાં, અનેકના બાહુઓ છેદાઇ ગયા હતા. તેમાં ભુજાઓ હાથ વિનાની થઇ હતી, અને હાથો આંગળીઓ વિનાના થયા હતા. તેમાં હાથીઓની સૂંઢોના અગ્રભાગો કપાઇ ગયા હતા; અને મદમસ્ત માતંગોના દંતશૂળો વહેરાઇ ગયા હતાં. તેમાં રથો ભાંગીને ભૂકો થઇ ગયા હતાં. વળી તેમાં આતરડાં નીકળી પડ્યાં હતાં, પગો કપાઇ ગયા હતા, અને સેંકડો અને હજારો અવયવ તરફડતા હતા તથા નિશ્ચેષ્ટ થઇ પડયા હતાં. ભયંકર કર્મ કરવા તત્પર થયેલા અર્જુને પોતાના અસ્ત્રો વડે બીજા વીર પુરુષોના અસ્ત્રોને ઝીલી લીધાં અને તેમની સામે પોતાનું રૌદ્રસ્વરૂપ પ્રગટ કર્યું. અર્જુન મોટા મોટા મહારથીઓને વટાવીને આગળ વધી રહ્યો હતો. જેમ સર્વભૂતો મધ્યાહનકાળે આકાશમાં પ્રખરપણે તપતા સૂર્યને જોઇ શક્તા નથી તેમ સૈનિકો તેને ત્યારે જોઇ શક્તા નહતા.

નારાચ નામના બાણોને છોડીને તે સર્વને જાણે કે મોહ ઉપજાવતો હતો અને જયદ્રથનો વધ કરવાની ઇચ્છાથી સર્વ મહારથીઓનું ઉલંઘન કરીને આગળ વધ્યે જતો હતો.

મહાધનુર્ધર અર્જુન તે સમયે બાણને ક્યારે લેતો, ક્યારે સાંઘતો, ક્યારે છોડતો હતો તે જોઇ શકાતું ન હતું.

રણમાં સર્વ દિશાઓમાં ઊભેલા મહારથીઓને કંદબના પુષ્પો સરખા ગણીને અર્જુન જયદ્રથ તરફ ધસ્યો અને ચોસઠ બાણોને છોડીને તેણે તેને વીંધી નાખ્યો.

અર્જુનને જયદ્રથ સામે ગયેલો જોઇને યોદ્ધાઓ નિરાશ થઇ ગયા અને રણમાંથી નિવૃત થઇને પાછાં ફર્યા.

જે યોદ્ધો અર્જુન સામે યુદ્ધ કરવા જતો હતો તેના શરીર પર પ્રાણઘાતક બાણો પડતાં હતાં. એ પ્રમાણે કૌરવોના ચતુરંગી સૈન્યને વ્યાકુળ કરી દઇને અર્જુન જયદ્રથની સામે ધસી ગયો. તેણે અશ્વત્થામાને પચાસ બાણોથી અને વૃષસેનને ત્રણ બાણોથી વીંધી નાખ્યાં. વળી કૃપાચાર્યને નવ બાણોનો પ્રહાર કર્યો. શૈલ્યને સોળ બાણોથી, કર્ણને બત્રીસ બાણોથી અને સિંધુરાજાને ચોસઠ બાણોથી વીંધી નાંખીને સિંહની પેઠે ગર્જના કરી. જ્યારે ગાંડીવ ધનુર્ધારી અર્જુને એ પ્રમાણે સિંધુરાજાને વીંધી નાખ્યો ત્યારે તે અત્યંત ક્રોધાયમાન થઇ ગયો. અંકુશથી પ્રહાર કરેલા હાથીની પેઠે તે અર્જુનના બાણ પ્રહારને સહી શક્યો નહીં. વરાહના ચિહ્નવાળી ધ્વજાવાળા એ રાજાએ ગીધપક્ષીનાં પીંછાં બાંધેલાં, કોપેલા સર્પ સરખાં ઝેરી અને સરાણ પર ઘસીને સાફ કરેલાં સીધી ગતિનાં બાણો અર્જુનના રથ સામે ધનુષ્યને કાન સુધી ખેંચી ખેંચીને ફેંકવા માંડયાં. તેણે ત્રણ બાણોથી ગોવિંદને વીંધી નાખ્યા અને નારાચ નામના બીજાં બાણોનો અર્જુનને પ્રહાર કર્યો. બીજાં આઠ બાણો વડે તેના ઘોડાઓને વીંધી નાખ્યા અને એક બાણથી તેના ધ્વજ પર પણ પ્રહાર કર્યો.

અર્જુને તત્કાળ સિંધુરાજાએ છોડેલાં તે બાણોને કાપી નાખ્યાં. તેણે એકી સાથે બે બાણો છોડયાં. એક બાણથી તેણે સિંધુરાજાના સારથિના મસ્તકને શરીર પરથી છેદી નાંખ્યું, તો બીજા બાણથી તેના સુશોભિત ધ્વજને પણ કાપી નાંખ્યો.

એ જ સમયે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો, એટલે શ્રીકૃષ્ણ પાંડુપુત્ર અર્જુનને કહેવા લાગ્યા કે જીવનની ઇચ્છાવાળા સિંધુરાજાને કૌરવોના છ વીર મહારથીઓએ પોતાની વચમાં રાખ્યો છે. અને તે પણ ભયભીત થઇને મધ્યમાં જ ઊભો છે. આ છ મહારથીઓને રણમાં પરાજય આપ્યા વિના નિષ્કપટરીતે સિંધુરાજાનો વધ થઇ શકશે નહીં. આથી હું અહીં સૂર્યનું આવરણ કરવા માટે યોગનું વિધાન કરીશ, એટલે તે સિંધુરાજા સૂર્યને અસ્ત પોમેલો જોશે પછી તે દુરાચારી હર્ષપૂર્વક પોતાના જીવનની ઇચ્છા રાખીને તારો વિનાશ કરવા તૈયાર થઇ આવશે અને કોઇ રીતે પોતાનું રક્ષણ કરવા પ્રયત્ન નહીં કરે. તું એ વખતે એના પર પ્રહાર કરજે. પણ યાદ રાખજે કે સૂર્ય અસ્ત થયો છે એમ માનીને તું બેદરકાર ના રહેતો.

અર્જુનની અનુમતિથી શ્રીકૃષ્ણે સૂર્યને ઢાંકી દેવા માટે અંધકાર પ્રકટ કર્યો. યોગીઓના ઇશ્વર અને યોગયુક્ત હરિએ એ વખતે યોગનો વિસ્તાર કર્યો.

સૂર્યને અસ્ત પામેલો જાણીને કૌરવપક્ષના યોદ્ધાઓ હવે અર્જુનનો નાશ થશે એમ માનીને હર્ષમાં આવી ગયાં.

સિંધુરાજા જ્યારે અસ્ત પામેલા સૂર્યને નિહાળી રહ્યો હતો ત્યારે શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે જયદ્રથનો નાશ કરવા માટે આજ સમય છે માટે તું એના મસ્તકને શીઘ્ર કાપી નાંખ અને તારી પ્રતિજ્ઞાને સફળ કર.

કેશવના એ વચનોને સાંભળીને પ્રતાપી પાંડુપુત્ર અર્જુન, સૂર્ય અને અગ્નિસરખાં બાણો વડે કૌરવસૈન્યનો નાશ કરવા લાગ્યો. તેણે કૃપાચાર્યને વીસ બાણોનો, કર્ણને પચાસ બાણોનો, શલ્ય તથા દુર્યોધનને છ છ બાણોનો, વૃષસેનને આઠ બાણોનો, અને સિંધુરાજાને સાઠ બાણોનો પ્રહાર કર્યો, અને જયદ્રથ સામે ધસારો કર્યો. અર્જુનને સમીપમાં પહોચેલો જોઇને જયદ્રથના રક્ષક યોદ્ધાઓ પરમ સંશયમાં આવી પડયાં, અને અર્જુનને વીંધવા લાગ્યાં.

અર્જુને કૌરવોના સૈન્યને હણી નાખવાની ઇચ્છાથી બાણોની વર્ષા વરસાવવા માંડી, ત્યારે કૌરવ યોદ્ધાઓ ભયભીત થઇને સિંધુરાજાને રણમાં છોડી ગયાં.

અર્જુનનું ભયંકર બાણ જયદ્રથના મસ્તકને સમંતપંચકની બહાર જ્યાં જયદ્રથના પિતા વૃદ્ધક્ષત્ર તપશ્ચર્યા કરતાં હતાં ત્યાં લઇ ગયું.

અર્જુનના બાણે સિંધુરાજનું કાળાકેશવાળું અને કુંડળવાળું તે મસ્તક સંધ્યાપાસના કરતા વૃદ્ધક્ષત્રના ખોળામાં ધીમે રહીને પાળ્યું. પોતાના ખોળામાં પોતાના પુત્રનું સુંદર કુંડળવાળું મસ્તક આવી પડ્યું છે એ વાતની રાજા વૃદ્ધક્ષત્રને ખબર પણ ના પડી. એ જપ જપીને ઊભો થયો કે તરત જ તે મસ્તક પૃથ્વી પર આવી પડ્યું. પોતાના પુત્રનું એ મસ્તક જ્યારે પૃથ્વી પર પડ્યું ત્યારે તે રાજાના મસ્તકના પણ સો ટુકડા થઇ ગયા. તે વખતે સર્વ યોદ્ધાઓ વિસ્મય પામ્યાં અને વાસુદેવ શ્રીકૃષ્ણના તથા મહારથી અર્જુનના વખાણ કરવા લાગ્યાં. એ પ્રમાણે અર્જુને જ્યારે જયદ્રથનો વધ કર્યો ત્યારે શ્રીકૃષ્ણે તે અંધકારને સમેટી લીધો. તે પછી જ કૌરવોના જાણવામાં આવ્યું કે સૂર્યનો વાસ્તવિક અસ્ત થયો જ ન હતો, પણ એ તો શ્રીકૃષ્ણે રચેલી માયા જ હતી.

અર્જુને જ્યારે જયદ્રથને મારી નાંખ્યો ત્યારે મહાબાહુ કેશવે અને શત્રુતાપન અર્જુને પોતપોતાના દિવ્ય શંખોને વગાડયા.

તે પ્રખર ધ્વનિને સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિરે માની લીધું કે અર્જુને સિંધુરાજાને માર્યો છે. તેમણે પણ વાજિંત્રો વગડાવીને પોતાના યોદ્ધાઓને હર્ષ ઉપજાવ્યો અને દ્રોણ સામે સંગ્રામ કરવાની ઇચ્છાથી તેના પર ચઢાઇ કરી.

રાજા જયદ્રથના વધની એ વાતને વાંચનારા તટસ્થ વિચારક પર એવી પ્રતિક્રિયા પડવાનો સંભવ છે કે જયદ્રથનો વધ એને અને એની સાથેના અન્ય કૌરવ યોદ્ધાઓને ભૂલવામાં નાંખીને કપટપૂર્વક કરવામાં આવેલો. એના કપટપૂર્વકના વધ માટે ભગવાન કૃષ્ણ જેવા લોકોત્તર મહાપુરુષ નિમિત્તરૂપ બનેલા એ આખીય વાતને વિચારીને આપણે કહી શકીએ કે જયદ્રથનો નાશ છળકપટપૂર્વક કરાવવામાં નહોતો આવ્યો, પરન્તુ યુક્તિ-પ્રયુક્તિપૂર્વક કરાવવામાં આવેલો, અને એને માટેની આવશ્યક ભૂમિકાના નિર્માણ માટે ભગવાન કૃષ્ણે એમની અસામાન્ય અલૌકિક યોગશક્તિનો – પાંડવો પ્રત્યેની પ્રામાણિક પ્રીતિ અને અનુંકંપાથી પ્રેરાઇને – આધાર લીધેલો. એ યોગશક્તિને લીધે એમણે સૂર્યાસ્ત થયો એવો આભાસ ઊભો કરેલો. એમાં કોઇ પ્રકારની છેતરપીંડી નહોતી પરંતુ પરમ ચાતુરી અથવા બુદ્ધિમત્તા રહેલી.

ભગવાન કૃષ્ણ અર્જુનના સારથિ બનીને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં પ્રવેશેલા અને સંગ્રામમાં પક્ષકાર બનીને શસ્ત્રાસ્ત્રોની સહાયતાથી સક્રિય ભાગ ના લેવાનું જાહેર કરી ચૂકેલા તોપણ જયદ્રથે બાણ મારીને એમને પણ ઘાયલ કરેલા એ ખાસ નોંધવા જેવું છે. યુદ્ધ જ્યારે એવી રીતે નીતિના સર્વસામાન્ય નિયમોને નેવે મુકીને કરાતું હોય ત્યારે પોતાની અને પોતાની સાથે સંકળાયેલાની સુરક્ષા સારું પોતાની લોકોત્તર શક્તિનો ઉપયોગ કરવાનું કામ ભગવાન કૃષ્ણને એમના સંજોગોને અનુલક્ષીને ઉચિત લાગ્યું હશે એ કલ્પી કે સહેલાઇથી સમજી શકાય તેમ છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *