Saturday, 21 December, 2024

કલિયુગનાં લક્ષણો

361 Views
Share :
કલિયુગનાં લક્ષણો

કલિયુગનાં લક્ષણો

361 Views

ભાગવતના દ્વાદશ સ્કંધના આરંભમાં કલિયુગના સંબંધમાં જે કાંઇ કહેવામાં આવ્યું છે તે સંક્ષેપમાં જોઇ જઇએ. એ સ્કંધના બીજા અધ્યાયમાં જણાવ્યું છે કે કાળની ગતિ ઘણી જ ગહન છે. જેમ જેમ ઘોર કલિયુગ આવતો જશે તેમ તેમ ધર્મનો, સત્યનો, પવિત્રતાનો, ક્ષમાનો, દયાનો, બળનો, આયુનો, મેઘાનો તથા સ્મરણશક્તિનો લોપ થતો જશે. લક્ષ્મી જ કુલીનતા, સદાચાર, સદ્દગુણ તથા પ્રતિષ્ઠાનું મૂળ મનાશે. એની મદદથી માનવ ગમે તેવા અનર્થો કરી શકશે. જેની પાસે શક્તિ હશે તે ધર્મના તથા ન્યાયના માળખાને પોતાની ઇચ્છાનુસાર ઘડી ને બદલાવી, બનાવી તથા બગાડી શકશે. લગ્નને માટે સ્ત્રી-પુરુષની પારસ્પરિક રુચિ કે પ્રીતિ જ મહત્વની મનાશે, કુળની, શીલની કે બીજી યોગ્યતાનો વિચાર નહિ કરવામાં આવે. વ્યવહારમાં નીતિ ને પ્રામાણિકતાનું સ્થાન અનીતિ, છળકપટ તથા પ્રપંચ લેશે. એમાં જે કુશળ હશે તે વ્યવહારકુશળ, બુદ્ધિમાન ને માનપાત્ર મનાશે. સ્ત્રી-પુરુષો શીલ તથા સંયમને બદલે શરીરને અને શારીરિક આકર્ષણ, મોહ કે ભોગવિલાસને અગત્ય આપશે ને સર્વોપરી સમજીને એમાં જ આસક્તિ કરશે. બ્રાહ્મણની પાસે યજ્ઞોપવિત હશે પણ ગુણકર્મોનો અભાવ રહેશે. ભાગવતના એ શબ્દોના અનુસંધાનમાં એવું પણ કહી શકાય કે બ્રાહ્મણો યજ્ઞોપવિતને પણ નહિ રાખે. એને ફેશનવિરુદ્ધ સમજશે. જે રાખશે તે પણ કેવળ રાખવા પૂરતી રાખશે. એમાંથી જરૂરી જીવનોપયોગી પ્રેરણા  નહિ મેળવે.

ત્યાગી કે સંન્યાસી એમના આશ્રમધર્મની મર્યાદા મુજબ નહિ ચાલે. પોતાની અંતરંગ યોગ્યતાને કે ગુણવત્તાને મહત્વની માનીને વધારવાને બદલે કેવળ બહારના વેશને જ વળગી રહેશે. પ્રજા પણ એમનો બાહ્ય દેખાવ જોઇને પ્રભાવિત થશે અને એમને આદર આપશે. ભગવદ્દભજનને અથવા આત્મોન્નતિની સાધનાને ભૂલીને એ ધનસંગ્રહમાં, પ્રતિષ્ઠા પ્રાપ્તિમાં, આશ્રમ નિર્માણમાં અને એવી બીજી લૌકિક પ્રવૃત્તિઓમાં તથા કામનાપૂર્તિમાં પોતાના વખતને વ્યતીત કરશે અને આસક્ત બનશે. એમની કુશળતા જેટલી વાણીમાં હશે તેટલી વ્યવહારમાં નહિ હોય. પંડિતો પણ મોટે ભાગે વાણીપંડિતો કે પોથીપંડિતો જ થયા કરશે. જે જેટલો વધારે દંભ કરશે તેને તેટલો જ મોટો સાધુ સમજવામાં આવશે.

સમીપનાં તીર્થોની અને તીર્થસ્વરૂપ માતાપિતાની ઉપેક્ષા કરીને દૂરનાં તીર્થો તરફ દોડવાની પ્રવૃત્તિ વધી પડશે. જનતામાં જનાર્દનને જોવાની દૈવી દૃષ્ટિનો હ્રાસ થતો જશે. પેટ ભરવાનો ને જેમતેમ કરીને ધનનો સંગ્રહ કરવાનો ધર્મ જ પ્રધાન રહેશે. બીજા ધર્મો તથા ધર્મમય જીવન ગૌણ થઇ જશે. લાંબા વાળ રાખવામાં જ સૌન્દર્ય સમજાશે. ન્યાયલયોમાં, શિક્ષણસંસ્થાઓમાં તથા બીજે બધે લાંચરુશ્વતનું જોર વધી પડશે. રાજ્યશાસકોના અસાધારણ અસહ્ય કરબોજથી પ્રજા પીસાશે ને પીડિત બનશે. શાસકો કૂડકપટથી શાસનનાં સૂત્રોને ટકાવી રાખીને ઉદ્દંડ બનીને પ્રજાનું સર્વવિધ શોષણ કરશે. રક્ષણ કરનારા જ ભક્ષણને માર્ગે આગળ વધશે. કુદરત પણ પોતાના નિશ્ચિત નિયમાનુસાર નહિ ચાલે. દુઃખો, ક્લેશો તથા વ્યાધિઓ વધી પડશે. લોકોનું આયુષ્ય ઓછું થશે.

ભાગવતકાર કહે છે કે જગતમાં જ્યારે જ્યારે ઘોર અંધકાર છવાય છે ત્યારે ત્યારે પ્રકાશને પૂરો પાડવા માટે પરમપ્રકાશ સ્વરૂપ પરમાત્મા પૃથ્વી પર પ્રકટ થાય છે. એ ધર્મસંસ્થાપન, ધર્મપ્રસાર તથા સુખશાંતિનું વિતરણ કરે છે. એ પરંપરાગત પુરાતન કલ્યાણકારક ક્રમને અનુસરીને શંભલ ગામમાં વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ત્યાં કલ્કિ ભગવાનનો અવતાર થશે. એ દેવદત્ત નામના શીઘ્રગામી ઘોડા પર સવાર થઇને એમની તલવારથી દુષ્ટોનો નાશ કરશે. એ વખતે કલિયુગનો અંત આવીને સત્યયુગનો આરંભ થઇ જશે. જ્યોતિષની દૃષ્ટિએ એ સમય કેવો હશે તેનું સ્પષ્ટીકરણ કરતાં કહેવામાં આવ્યું છે કે એ વખતે ચંદ્ર, સૂર્ય ને બૃહસ્પતિ એક જ સમયે એક સાથે પુષ્ય નક્ષત્રના પ્રથમ પલમાં પ્રવેશ કરશે અને એક રાશિ પર આવી જશે. જ્યોતિષીઓ એ કાળની ગણના શાસ્ત્રીય રીતે કરી શકે છે.

ભાગવતના એ વર્ણનને આધ્યાત્મિક રીતે મૂલવીએ તો કહી શકાય કે શીઘ્રગામી ઘોડો અલૌકિક આત્મશક્તિ છે, પરમાત્માની અલૌકિક આત્મશક્તિ એમના પવિત્રતમ પ્રતિનિધિના રૂપમાં પૃથ્વીના પરિત્રાણ માટે પ્રાદુર્ભાવ પામશે. તલવાર અદ્દભુત અનુશાસનનું પ્રતીક છે.

તટસ્થ રીતે વિવેકપૂર્વક વિચારીએ તો સમજાય છે કે સાંપ્રત સમયમાં વિભિન્ન પ્રકારની વિસંવાદિતાની વચ્ચે પણ માનવનું મન સંવાદિતાના મૂલ્યને સમજીને સંવાદિતાની સ્થાપનાના પ્રામાણિક પ્રયત્નો તરફ વાળવા માંડ્યું છે. સંપ, સહયોગ, સેવાભાવ તથા સર્વકલ્યાણની કલ્યાણકારક સદ્દભાવનાઓ વધવા લાગી છે. માનવતાની માવજત કરનારાં ઉત્તમ તત્વો વધતાં જાય છે. સંતો, સત્સંગની પ્રવૃત્તિઓ, કથા કીર્તનો તથા તીર્થયાત્રાઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. એની સાથે સાથે માનવનું મન, સમગ્ર જીવન અને કર્મ પણ જો નિર્મળ સત્વશીલ ને ઉદાત્ત બને તો કળિયુગમાં સુખ શાંતિપૂર્ણ સાત્વિક્તાયુક્ત સત્યયુગનું આવકારદાયક આશીર્વાદરૂપ અંતર આરંભાયું છે એવું ચોક્કસપણે કહી શકાય. આપણે વ્યક્તિગત તથા સમષ્ટિગત કેવી રીતે જીવીએ છીએ, આદર્શ માનવને છાજે તેવી રીતે કે પશુની પેઠે અથવા એનાથી પણ હીન કે બદતર રીતે, એના પર બધો આધાર છે.

તો પણ ભારતનું અને સમસ્ત માનવજાતિનું ભાવિ અંધકારમય અને અમંગલ નથી લાગતું. ભારતની આ ધરતી પ્રધાનરૂપે પુણ્યાત્માઓની ધરતી છે. એમાં અવનવા જ્યોતિર્ધરો, માનવતાપ્રેમી મહાપુરુષો પ્રકટયા છે તેમ ભવિષ્યમાં પણ પ્રકટશે. એ માનવ જાતિને માંગલ્યનો માર્ગ બતાવીને ઉદાત્ત જીવનને જીવવા માટે અનુપ્રાણિત કરીને સંસ્કૃતિનો ને સંસારનો સર્વનાશ નહિ થવા દે. આ ધરતી પૃથ્વીની પ્રેરણાપ્રદાત્રી ધરતી બનતી રહેશે.

માનવે કલિયુગના ક્લેશો કે દોષોમાંથી મુક્તિ મેળવવા માટે કોઇ બાહ્ય અવતારની કે સુનિશ્ચિત સમયમર્યાદાની પ્રતીક્ષા કરવાને બદલે એના અંતરના અંતરતમમાં પરમાત્માના અસાધારણ અનુરાગનું, અનુગ્રહનું ને પરમાત્માનું અવતરણ કરવા અને પોતાના જીવનને પલટાવવા કે જ્યોતિર્મય કરવા માટે પ્રયાસ કરવો પડશે. કોઇક આકાશમાંથી ઉતરી આવેલો દેવદૂત પોતાનો ઉદ્ધાર કરી જાય ત્યાં સુધી લમણે હાથ દઇને વિષણ્ણ વદને બેસી રહ્યે નહિ ચાલે. માનવો જો ક્ષુલ્લક સ્વાર્થોને ને મતભેદોને કોરે મૂકીને સંયુક્ત રીતે સંગઠિત બનીને પુરુષાર્થ કરે તો સંપ, સહયોગ, સત્ય ને સુખશાંતિના સુસમૃદ્ધ, સમુન્નત યુગને સરજવાનું કાર્ય અશક્ય ના બને. માનવના સુવિચારશીલ સુવ્યવસ્થિત સુયોજિત પુરુષાર્થ શું ના કરી શકે ? એના પરિણામે કયી સિદ્ધિ સાકાર ના બને ? એવા પ્રામાણિક પુરુષાર્થમાં પરમાત્માના અમોઘ આશીર્વાદ અવશ્ય મળી રહે. માનવ જો એવી રીતે વિચારે અને એ વિચારણાને અમલમાં મૂકે તો પૃથ્વી પલટાઇ જાય; વધારે ને વધારે પવિત્ર, પ્રસન્ન ને જીવવાલાયક થાય. મનરૂપી ચંદ્ર, બુદ્ધિરૂપી બૃહસ્પતિ અને આત્મારૂપી સૂર્ય સમુન્નત બનતાં ને સમન્વય સાધતાં ને શરીરનો સત્કર્મો માટે સદુપયોગ થતાં કલિકાળનો અંત આવીને સત્યયુગનો સ્વાનુભવ થઇ જાય એમાં શંકા નથી. એવા સુખદ સત્યયુગનું સર્જન પોતાની અંદર અને બહાર બધે જ કરવા માટે માનવ સ્વતંત્ર છે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *