Sunday, 22 December, 2024

કણિકની રાજનીતિ – 1

311 Views
Share :
કણિકની રાજનીતિ – 1

કણિકની રાજનીતિ – 1

311 Views

With their heroism, Pandavas won many wars and redefined boundary of Hastinapur. Even those mighty kings, who remained invincible by Pandu were conquered and captured by them. All these should have made King Dhritarastra happy but instead, he felt insecured and had sleepless nights!

Dhritarastra asked an expert advise from his councel, Kanik. Instead of giving an advise that strengthen their ties with Pandavas, Kanik advised Dhritarastra to deal Pandavas with great caution. He said ‘A king should never consider his enemy weak. He should first take his enemy into confidence and then make a plot to kill them. He should not hesitate to kill his enemy even if it means killing his own relatives, brother, friend or parents. A king can only become happy when he has no enemy.’ Kanik’s advise to Dhritarastra was not aimed at restoring mutual love and trust among Pandavas and Kauravas but rather well being of only Kauravas. Sadly, Dhritarastra listened to it and followed it.

પોતાના પાર વિનાના પરાક્રમથી પાંડવોએ પરરાજ્યોને જીતીને પોતાના રાજ્યની અભિવૃદ્ધિ કરી.

પરમ પ્રતાપી પાંડુ પણ જેને વશ કરવા અસમર્થ અથવા નિષ્ફળ નીવડેલો તે યવનાધિપતિ રાજાને અર્જુને અપાર પરાક્રમથી વશ કર્યો.

અતિશય સામર્થ્યવાન અને કુરુઓ પ્રત્યે સદા દ્વેષ રાખનારા વિપુલ નામે સૌવીરરાજને અર્જુને સંગ્રામમાં શક્તિ દાખવીને મારી નાખ્યો.

ભીમની મદદથી અર્જુને પોતાના એક રમણીય રથમાં રહીને પૂર્વ દિશાના સઘળા રાજાઓને એમના દસ હજાર રથો સાથે જીતી લીધા. એ પછી દક્ષિણ દિશાના રાજાઓને જીતી લઇને કુરુરાજ્યમાં અનંત ધનભંડાર એકઠો કર્યો.

પાંડવોને એ પ્રચંડ પુરુષાર્થ અને અભ્યુદય સૌને માટે આનંદદાયક થઇ પડે તેવો હોવા છતાં, ધૃતરાષ્ટ્રનું મન એ સઘળા સમાચારને સાંભળીને, પાંડવોને માટે દૂષિત ભાવને અનુભવવા લાગ્યું. પાંડવોની અસાધારણ શક્તિ તથા સફળતાથી પ્રસન્ન બનવાને બદલે એનું અંતર ઉત્તરોત્તર અશાંત બનીને બળવા માંડયું. એને દિનપ્રતિદિન ખૂબ જ ચિંતા થવા લાગી. રાતે નિંદ્રા પણ ના આવવા માંડી. પાંડુપુત્રોને શૂરવીર, પરમ શક્તિશાળી અથવા ઓજસ્વી થયેલા જાણીને એને એમના પ્રત્યે વિદ્વેષ થવા લાગ્યો. એની પીડાનો પાર ના રહ્યો.

પાંડવોના સમુત્કર્ષથી ધૃતરાષ્ટ્રે સુખી થવું જોઇતું હતું. પાંડવો એને માટે કાંઇ પરાયા નહોતા. પાંડુની અનુપસ્થિતિમાં એમનું ધ્યાન એના સિવાય બીજું કોઇ રાખે તેમ ના હોવાથી, એને એવું ધ્યાન રાખવાની એની કૌટુંબિક તથા નૈતિક જવાબદારી હોવાથી, એમના અભ્યુદયથી એણે આનંદવું જોઇતું હતું. પરંતુ એનું અંતર માનવસહજ ઉમળકાથી પ્રેરાઇને આનંદી ના શક્યું ને દુઃખી બન્યું એ એની પ્રકૃતિગત નિર્બળતા દર્શાવે છે. ભવિષ્યના સર્વસંહારક મહાભયંકર મહાભારતના મહાયુદ્ધનું એ પણ એક મહાન કારણ હતું – ધૃતરાષ્ટ્રનો ને દુર્યોધન જેવા કૌરવોનો પાંડવો પ્રત્યેનો વિદ્વેષ. વખતના વીતવા સાથે એ વિદ્વેષ ઘટવાને બદલે વધતો જ ગયો અને આરંભના અંગારા સરખા સામાન્ય સ્વરૂપમાંથી અભિવૃદ્ધિ પામીને વિશાળ વહિનજ્વાળામાં પરિણમી સર્વલક્ષી બની ગયો. કુટુંબના વડીલ જેવી મહત્વની વ્યક્તિ પોતાના કર્તવ્યને ચૂકે તો કુટુંબના નાશમાં કેવી રીતે કારણરૂપ બને એનું સરસ સારગર્ભિત ઉદાહરણ ધૃતરાષ્ટ્ર પૂરું પાડે છે. ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધને આગળ પર એ ઉદાહરણને પરિપુષ્ટ કર્યું છે.

ધૃતરાષ્ટ્રે પોતાના મંત્રવેત્તા, રાજશાસ્ત્રના રહસ્યના પરમજ્ઞાતા, મંત્રીશ્રેષ્ઠ કણિકની સલાહ માગી. પાંડવોના ઉત્કર્ષથી મને ઇર્ષા થાય છે તો મારે શું કરવું ? પાંડવો સાથે સંધિ રાખવી, સંપથી રહેવું કે ઘર્ષણમાં ઉતરવું ?

સલાહકાર જો તટસ્થ તથા સદબુદ્ધિથી સંપન્ન હોય તો સાચી સલાહ  આપીને જીવનને શ્રેયમાર્ગે વાળે છે, પરંતુ પૂર્વગ્રહયુક્ત હોય અને વાસ્તવદર્શી કે વ્યવહારકુશળ ના હોય તો ઊલટી સલાહ આપીને વિદ્વેષ અને અશાંતિને વધારે છે. કણિકે ધૃતરાષ્ટ્રને પાંડવો પ્રત્યે પ્રેમ જગાવીને એમના અભ્યુદયથી આનંદવાની સાચી સલાહ આપવાની આવશ્યકતા હતી. એને બદલે એણે જે કૂટ કટુ રાજનીતિનો ઉપદેશ આપ્યો એને લીધે પરિસ્થિતિ સુધરવાને બદલે બગડી અને ધૃતરાષ્ટ્રનું મન વધારે સાશંક, ચિંતાતુર તથા દુઃખી બન્યું.

કણિકની એ રાજનીતિ વિચારવા જેવી છે.

કણિકે કહ્યું : “રાજાએ હંમેશા દંડને ઉગામેલો રાખવો અને પોતાના પરાક્રમને પ્રકાશિત રાખવું. જાતે છિદ્ર વિનાના રહીને સામાનાં છિદ્રોને જોતા રહેવું. પારકાનાં છિદ્રોને પકડી તેમનો પીછો પકડવો. નિત્ય દંડથી સજ્જ રહેનારા રાજાથી જ લોકો ડરે છે; તેથી તેણે સર્વ કાર્યો દંડથી જ સિદ્ધ કરવાં. રાજા પારકાનું છિદ્ર શોધી કાઢીને તેનો કેડો લે, પણ પારકો પોતાનું છિદ્ર જોઇ ના જાય એવી રીતે વર્તે. કાચબો જેમ પોતાનાં અંગોને સંકોરીને રક્ષે છે તેમ રાજાએ પોતાનાં કાર્યોને છૂપાં રાખીને રક્ષવા. આરંભ્યા પછી કોઇ કામ ક્યારેય અધૂરું અટકાવવું નહીં. કેમ કે, થોડો પણ કાપ્યા વિનાનો રહી ગયેલો કાંટો પણ લાંબી પીડા કરાવે છે. અપકારી શત્રુઓનો તો વધ જ થાય. આપત્તિમાં આવેલા પરક્રમી અને મહાયોદ્ધા શત્રુને સારી પેઠે ચીરી નાખવો અથવા ભગાડી દેવો. રિપુ દુર્બલ હોય તોપણ તેની અવજ્ઞા ના કરવી. કેમ કે નાની સરખી ચિનગારી પણ છેવટે આખા વનને ફૂંકી મૂકે છે.

આંધળા થવાનું હોય ત્યાં આંધળા થવું અને બહેરા બનવાનું હોય ત્યાં બહેરાશ લાવવી. ધનુષને તણખલાની તોલે પણ ગણવું અને મૃગની જેમ નિદ્રા પણ લેવી. સાંત્વન આદિ ઉપાયોથી વશ આવેલા શત્રુને હણી નાખવો. તે શરણે આવ્યો એમ માનીને તેને વિશે દયા ના કરવી. શત્રુ હણાતાં રાજાને નિરાંત વળે છે, અને કશો ભય રહેતો નથી. પૂર્વના અપકારીને તથા શત્રુને દાન આદિ ઉપાયોથી હણવો. પછી તેના પક્ષકારોનો નાશ કરવો. કેમ કે આધારરૂપ મૂળ જ કપાઇ જાય છે ત્યારે તેને આશરે જીવનારા સૌ મરી જાય છે. ઝાડનું મૂળ જ કપાઇ જાય તો પછી ડાળીઓ ક્યાંથી ઊભી રહેવા પામે ? પોતે ગુપ્ત રહીને નિત્ય શત્રુ તરફ એકાગ્ર રહેવું અને તેનાં છિદ્રોને જોયા કરવા.

અગ્નિહોત્ર, યજ્ઞ, ભગવાં, જટા અને મૃગચર્મને ધારણ કરીને શત્રુ લોકોમાં વિશ્વાસ પેદા કરવો અને વરુની જેમ તેમના ઉપર કૂદી પડવું. સમય ના આવ્યો હોય ત્યાં સુધી શત્રુને ખભે બેસાડીને ફેરવવો પણ અવસર આવે ત્યારે ઘડાને પથરા ઉપર પછાડીને ફોડી નાખવામાં આવે છે તેમ તેને કૂટી નાખવો. શત્રુ દીન થઇને ઘણું ઘણું કહે તોપણ તેને કદી છૂટો કરવો નહીં. તેના પર કૃપા કરવી નહીં. અપકારીઓને હણી જ નાખવા. શત્રુને સાંત્વનથી કે દાનથી ભેદ તથા દંડથી, હણવો તેને સર્વ ઉપાયોથી ઉખેડી જ નાખવો.”

કણિકની એ રાજનીતિને કૂટ પુરુષની રાજનીતિ કહી શકાય. સરળ, સીધા, છળરહિત પુરુષની નીતિ ના કહેવાય. એવા પુરુષને તો એવી નીતિનું સ્વપ્નું પણ ના આવે.

કણિકે પોતાની રાજનીતિનો ઉપદેશ આપતાં ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને આગળની વાતના અનુસંધાનમાં એક ચતુર શિયાળની કથાને સંભળાવીને જણાવ્યું કેઃ

“પુત્ર, મિત્ર, ભાઇ, પિતા તથા ગુરુ પણ જો શત્રુની જેમ વર્તતા હોય તો સ્વહિતને વિચારીને તેમને પણ હણી નાખવા. સોગંદ ખાઇને, ધન આપીને, વિષ દઇને, કે કપટજાળ ફેલાવીને પણ શત્રુને મારી નાખવો. એની ઉપેક્ષા ના કરવી. ગુરુ પણ મદોન્મત્ત બન્યો હોય, કાર્ય અને અકાર્યને સમજતો ના હોય, અને વિષયગામી બન્યા હોય તો તેને પણ દંડ દેવો.”

“ક્રોધ ચઢયો હોય તોપણ ક્રોધ નથી ચઢયો એવો દેખાવ કરવો. સદા હસી હસીને બોલવું અને ક્રોધે ભરાઇને કદી પણ બીજાનો તિરસ્કાર ના કરવો. ઘા કરતાં પહેલાં અને ઘા કરતી વખતે પણ મીઠું મીઠું બોલવું. પ્રહાર કર્યા પછી કૃપા બતાવવી, શોક કરવો અને આંસુ પણ પાડવાં. વળી શત્રુને સાંત્વન, દાન અને અનુકૂળ વર્તનથી આશ્વાસન પણ આપવું. આમ છતાં જો તે ન્યાયના માર્ગથી ડગે તો તેના ઉપર પ્રહાર કરવો. ઘોર અપરાધ કરનારો પણ જો ધર્મનો આશ્રય લઇને ઊભો રહે તો વાદળાંથી જેમ કાળો પર્વત ઢંકાઇ જાય છે તેમ તેનો તે દોષ પણ ઢંકાઇ જાય છે. જે મનુષ્ય બૂરી રીતે ધન મેળવતો હોય તેને તથા નાસ્તિક અને ચોરોને પોતાના રાજ્યમાં વસવા ના દેવા.”

“શત્રુને સામા ઊઠીને, આસન આપીને તેમ જ ભેટ દઇને અત્યંત વિશ્વાસમાં લેવો અને પછી તીણી દાઢ બેસાડીને મારી નાખવો. જે આપણે વિશે શંકા ના રાખતા હોય, તેમજ જે આપણે વિશે શંકા રાખતા હોય તે સૌને વિશે આપણે શંકા રાખવી. કેમકે જેમને વિશે શંકા ના થઇ હોય, તેમના તરફથી જ્યારે ભય આવે છે ત્યારે જડથી ઊખડી જવાની સંભાવના રહે છે. અવિશ્વાસીનો વિશ્વાસ ના રાખવો, તેમજ વિશ્વાસી હોય તેનો પૂરો વિશ્વાસ ના રાખવો, કારણ કે વિશ્વાસી મનુષ્યથી ઊપજેલા ભયથી જડમાંથી નષ્ટ થવું પડે છે. દૂતોને સારી પરીક્ષા કરીને પોતાના અને પારકાના રાજ્યમાં મૂકવા. પરરાષ્ટ્રમાં પાખંડીઓ અને તપસ્વી આદિ વેશધારીઓને યોજવા. ઉદ્યાનો, વિહારસ્થાનો, દેવમંદિરો, પાનગૃપો, શેરીઓ, સર્વ તીર્થો, ચકલાઓ, કૂવાઓ, પર્વતો, વનો, સંમેલનો અને નદીઓ એ સર્વ સ્થાને જાસૂસોને ફરતા રાખવા. જીભે મીઠા રહેવું અને હૃદયે અસ્ત્રા જેવા. ઐશ્વર્ય ઇચ્છનારે હાથ જોડવા, સોગન ખાવા, સાંત્વન કરવું, શિર નમાવીને પગે લાગવું, તેમજ આશાઓ આપવી. રાજનીતિજ્ઞે આશા આપીને ધન આદિરૂપ ફૂલ બતાવવું પણ ફળ ના બતાવવું. ફળ બતાવવું પડે તો તે હાથમાં ના આવે એવું રાખવું અને તે પાકા જેવું હોવા છતાં પણ પાકેલું નથી એવું જણાવું જોઇએ.”

“કોમળ કે કઠોર ગમે તેવું કાર્ય કરીને, પોતાના આત્માને દીનતામાંથી ઉદ્ધારવો અને સમર્થ થઇને ધર્મનું આચરણ કરવું. શત્રુ સાથે સંધિ કરીને જે કૃતકૃત્યની જેમ નિશ્ચિંત થઇને સૂઇ રહે છે તે ઝાડ ઉપર સૂતેલા માણસની જેમ નીચે પડતાં જ જાગે છે. જાસૂસથી રક્ષિત રહીને રાજાએ સદા પોતાની મંત્રણાઓને ગુપ્ત રાખવા યત્ન કરવો, અને ઇર્ષ્યારહિત થઇને પોતાના ક્રોધાદિ આવેશોને પ્રગટ થવા દેવા નહીં. શત્રુના મર્મને છેદ્યા વિના, કઠોર કાર્યને કર્યા વિના અને માછીમારની જેમ બીજાને હણ્યા વિના મોટી લક્ષ્મી પ્રાપ્ત થતી નથી. શત્રુનું સૈન્ય જ્યારે પીડિત, વ્યાધિગ્રસ્ત અને નિર્વીર્ય હોય, જ્યારે તે તરસ્યું અને ભૂખ્યું હોય, તેમજ જ્યારે તે વિશ્વાસને ખોઇ બેઠેલું હોય, ત્યારે તેના ઉપર હુમલો કરવો.”

“નાના સરખા શત્રુની પણ જો ઉપેક્ષા કરી હોય તો તે તાડની જેમ પોતાની જડ ઘાલે છે, અને ગહનવનમાં નાખેલા અગ્નિના તણખાની જેમ જોતજોતામાં પ્રસરી જાય છે. તમે પાંડુપુત્રોથી તમારી જાતનું રક્ષણ કરો. પાંડુપુત્રો બળવાન થઇ ગયા છે. આથી તમારું જે કર્તવ્ય છે તે હું તમને સ્પષ્ટ રીતે કહું છું. એવું કરો કે પાંડુપુત્રોથી તમને ભય ના રહે. તમારે પાછળથી પસ્તાવું પડે નહીં.”

– © શ્રી યોગેશ્વરજી (મહાભારતના મોતી)

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *