Saturday, 23 November, 2024

કર્મનું પરિણામ – વિદુરની કથા

301 Views
Share :
કર્મનું પરિણામ – વિદુરની કથા

કર્મનું પરિણામ – વિદુરની કથા

301 Views

Sage Mandavya was obeserving penance at the gate of his ashram. At that time some thieves came with looted stuffs and entered into the ashram. Guards looking for thieves followed and they saw the sage at the entrance. Sage Mandavya was observing vow of silence (mauna) so he did not answer where the thieves went. Guards thought that the sage was involved with thieves so they tied him and presented before the King. King declared death penalty so the sage was hanged to death. However, Sage did not die even after few days. King realized that he was not a thief but an extraordinary soul. King asked for forgiveness.

Later, Sage Mandavya met Dharma and asked why he was penalized for no reason. In his reply Dharma mentioned that he played mischief with a butterfly. That’s why he got this punishment. That answer did not pacify the sage. He told Dharma that you punished me for my negligible mistake. As a result, you will be born on earth in a lower caste. Vidur, born to a maid, was none other then an incarnation of Dharma.

કર્મ કાયમને માટે ફળે છે. કર્મ જાણતાં કરવામાં આવ્યું હોય અથવા અજાણતાં, અને ઉપરથી નિહાળતાં તદ્દન નાનું હોય કે મોટું, કિન્તુ પોતાનું પરિણામ અવશ્ય ઉપજાવે છે. કોઇવાર એક જન્મ દરમિયાન તો કોઇવાર બીજા જન્મમાં. એવી માન્યતા તથા માન્યતામૂલક શ્રદ્ધા ભારતીય સંસ્કૃતિના સંતો અને ધર્મશાસ્ત્રગ્રંથો શરૂઆતથી જ શરીરધારણ સાથે સાંપડેલા શ્વાસની જેમ ધરાવતા આવ્યા છે. એ માન્યતા તથા શ્રદ્ધાનો પ્રબળ પ્રતિઘોષ મહાભારતના સુવિશાળ સાહિત્યસિંધુમાં પ્રસંગોપાત્ત પડતો રહે છે. એવા એક પ્રાણવાન પ્રતિઘોષનું શ્રવણ કરવાનું અસ્થાને નહિ લેખાય.

આદિપર્વના 107મા અધ્યાયના આરંભમાં જ રાજા જનમેજયે વૈશંપાયનને પૂછ્યું છે કે, ધર્મે એવું કયું પાપકર્મ કરેલું કે તેમને શાપ મળ્યો અને વિદુરરૂપે જન્મવું પડયું ?

રાજા જનમેજયની જિજ્ઞાસાના જવાબમાં વક્તાશ્રેષ્ઠ વૈશંપાયને માંડવ્યમુનિનું ઉપાખ્યાન સંભળાવ્યું.

માંડવ્યમુનિ સર્વ ધર્મગ્રંથોના જ્ઞાતા, સત્યપરાયણ, તપોનિષ્ઠ, ધૈર્યવાન પ્રસિદ્ધ બ્રાહ્મણ હતા.

એ આશ્રમના મુખ્ય દ્વાર પાસેના વૃક્ષની નીચે હાથને ઊંચા રાખીને મૌનવ્રત સાથે તપશ્ચર્યા કરી રહેલા.

એમની તીવ્ર તપશ્ચર્યાના એ સુદીર્ઘ સમય દરમિયાન એક વાર કેટલાક લૂંટારાઓ ચોરીના માલ સાથે આશ્રમમાં આવ્યા.

એમની પાછળ રાજ્યના રક્ષકો પડ્યા હોવાથી એમણે ચોરીના માલને મુનિના આશ્રમમાં મૂકી દીધો ને ત્યાં જ છુપાઇ રહેવાનું પસંદ કર્યું.

રક્ષકોએ મુનિ પાસે પહોંચીને એમને ચોરોના સંબંધમાં પૂછયું પરંતુ મુનિ કશું બોલ્યા નહીં એટલે આશ્રમમાં તપાસ કરીને છુપાયેલા ચોરોને પકડી પાડ્યા અને ચોરીનો માલ હસ્તગત કર્યો. એમણે શંકાસ્પદ સમજીને મુનિને અને સઘળા ચોરોને બાંધીને રાજા સમક્ષ રજૂ કર્યા. રાજાએ એમને મારી નાખવાની આજ્ઞા કરી એટલે રક્ષકોએ મહાતપસ્વી મુનિને ઓળખ્યા સિવાય જ શૂળીએ લટકાવી દીધા.

શૂળી પર લાંબા સમય સુધી નિરાહાર રહેવા છતાં મુનિ મૃત્યુ પામ્યા નહિ ત્યારે મંત્રીઓ સાથે મંત્રણા કરીને રાજાએ મુનિની ક્ષમા માગીને મોહ અને અજ્ઞાનને લીધે કરાયેલા અપરાધ માટે ક્રોધ ના કરવાની પ્રાર્થના કરી.

પ્રસન્ન થયેલા માંડવ્ય મુનિને શૂળી પરથી નીચે ઉતારીને રાજાએ શૂળીનું ફળું કાઢવા માંડયું પરંતુ તે નીકળ્યું નહીં ત્યારે શૂળીને મૂળમાંથી કાપી નાખી.

મુનિએ શરીરમાં રહી ગયેલી શૂળીની અણી સાથે જ તપશ્ચર્યા આદરી. ત્યારથી એમની અણી માંડવ્યના નામથી પ્રસિદ્ધિ થઇ.

એક વાર ધર્મરાજાના સ્થાનમાં જઇને એમણે ધર્મને ઠપકો આપતાં પૂછ્યું કે, મારા કયા પાપકર્મને લીધે મને આવી કઠોર ફળપ્રાપ્તિ થઇ ?

ધર્મરાજે જણાવ્યું કે તમે તમારી બાલ્યાવસ્થામાં પતંગિયાની પૂછડીમાં સળી પેસાડેલી. તમને તેનું ફળ મળ્યું છે. અલ્પ દાન પણ અનેકગણું વધે છે તેમ અલ્પ અધર્મ પણ અનેક રીતે દુઃખ આપે છે.

મુનિએ કહ્યું કે તમે મારા અજાણતાં થયેલા અતિશય અલ્પ અપરાધનો મહાન દંડ આપ્યો છે તેથી શૂદ્રયોનિમાં માનવરૂપે જન્મ પામશો.

ધર્મરાજ એ શાપને લીધે જ વિદુરરૂપે જન્મ પામ્યા. તે ધર્મ અને અર્થમાં કુશળ, લોભક્રોધમુક્ત, દીર્ઘદર્શી અને શાંતપ્રિય હતા અને કુરુઓના કલ્યાણમાં રત રહેતા.

વિદુરના જન્મરહસ્યની એ કથા વાંચનાર સાંભળનારને જરાક અવનવી લાગવાનો સંભવ હોવા છતાં એની દ્વારા એક વાતનો નિર્દેશ અવશ્ય મળે છે કે કરેલું કર્મ કદી પણ નિષ્ફળ જતું નથી. એટલે નાના કે મોટા પ્રત્યેક કર્મને માનવે ખૂબ જ વિચારીને સંભાળપૂર્વક કરવું જોઇએ. એક પતંગિયાની પૂંછડીમાં અજ્ઞાતવસ્થામાં સળીને નાખવાથી આટલો બધો અસહ્ય દંડ ભોગવવો પડ્યો તો જે માનવો તનમનવચનથી અહર્નિશ અનેક પ્રકારના અપરાધો, દોષો કે કુકર્મો કરતા હોય તેમને કેવાં ભયંકર પરિણામો ભોગવવાં પડશે ? દુઃખથી દુઃખી તથા તાપથી સંતપ્ત જીવોનાં પાછલા કર્મો કેવાં કઠોર હશે ? અજ્ઞાત અવસ્થામાં કોઇ કુકર્મ ના કરાય, વ્યસનના શિકાર ના થવાય, તેનું ધ્યાન રાખવું જોઇએ. આ કથામાંથી એટલો બોધપાઠ ગ્રહણ કરાય તોપણ ઘણું. સત્કર્મપરાયણ નિર્મળ જીવન સુખી કરે છે ને કુકર્મરત મલિન જીવન દુઃખી બનાવે છે. સૌએ એ સમજી લેવાની આવશ્યકતા છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *