Sunday, 22 December, 2024

કૌરવોનો જન્મ

319 Views
Share :
કૌરવોનો જન્મ

કૌરવોનો જન્મ

319 Views

There is an interesting story behind the birth of Kauravas. Sage Vyasa once visited Dhritarastra’s place. Gandhari, Dhritarastra’s wife served him with much love and affection. Vyasa, happy at his reception, asked Gandhari for a boon. Gandhari asked for hundred sons like her husband. Sage Vyasa blessed her. Over a period of time, Gandhari became pregnant.

At the same time, Kunti gave birth to Pandavas. Gandhari waited for two years but she did not have a baby. She decided to remove the foetus. When she removed it, Sage Vyasa appeared again. Gandhari reminded him that she was blessed to have hundred sons but all she saw was one shallow piece. Sage Vyasa reiterated his words. He advised Gandhari to make hundred pieces of foetus and keep them in hundred different pots. To her astonishment, those hundred pieces turned into hundred Kauravas, the eldest being Duryodhan.

Gandhari also wished for a daughter so Sage Vyas blessed her. Dushala, (who later got married to Jaydratha) thus became 101st offspring of Gandhari and a lone sister to hundred Kauravas.

ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીના પુત્રો અથવા કૌરવોના જન્મની કથા અતિશય અસામાન્ય, અપવાદરૂપ કહી શકાય એવી, અભૂતપૂર્વ અને આશ્ચર્યકારક છે. એમનો જન્મ માતાના ઉદરમાંથી નથી થયો, પરંતુ અનોખી રીતે થયો છે. આજના સુશિક્ષિત સુવિચારશીલ માનવના કલ્પવામાં કે માનવામાં ન આવે એવી રીતે. તોપણ કથાનું વર્ણન મહાભારતના મહાગ્રંથની દૃષ્ટિએ કરીએ તો અસ્થાને અથવા અનુચિત નહિ લેખાય.

મહાભારતના આદિપર્વની અંતર્ગત સંભવપર્વમાં, ક્રમિક રીતે કહીએ તો એકસો પંદરમાં અધ્યાયમાં, જનમેજયની જિજ્ઞાસાના જવાબમાં મહાભારતની કલ્યાણકારિણી કથાના વિદ્વાન વિખ્યાત વિચારશીલ વક્તા વૈશંપાયને જે કાંઇ જણાવ્યું છે તેનો સારાંશ આ પ્રમાણે છેઃ

“એક વાર દ્વૈપાયન મુનિ ખૂબ જ શ્રમિત બનીને ક્ષુધાતુર અવસ્થામાં હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રને ત્યાં જઇ પહોંચ્યા.”

“ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીએ એમનો સ્નેહપૂર્વક સત્કાર કરીને એમને સર્વ પ્રકારે સંતોષ આપ્યો. એટલે મહર્ષિ વ્યાસે એને વરદાન માગવાનો આદેશ આપ્યો.”

“ગાંધારીએ એથી પ્રસન્ન થઇને પોતાના પતિ જેવા સો પુત્રોની માગણી કરી.”

“મહર્ષિ વ્યાસે તેની માગણીને મંજૂર રાખીને એવો આશીર્વાદ આપ્યો.”

“સમય પર ગાંધારીને ધૃતરાષ્ટ્રથી ગર્ભ રહ્યો. ગાંધારીએ એને બે વરસ સુધી ધારણ કર્યા પછી જાણ્યું કે કુંતીને સૂર્યસમાન મહાતેજસ્વી પરમપ્રતાપી પુત્રનો જન્મ થયો છે અને પોતાનો ગર્ભ સ્થિર રહ્યો છે ત્યારે એ વિચારમાં પડીને દુઃખી થઇ.”

“એણે ધૃતરાષ્ટ્રને સહેજ પણ ખબર ના પડે એવી રીતે ગર્ભને પ્રહાર કરીને બહાર પાડ્યો.”

“એમ થતાં લોઢાના કપાયલા ગઠ્ઠા જેવી માંસપેશી બહાર નીકળી.”

“ગાંધારીએ એને ફેંકી દેવાનો નિર્ણય કર્યો. એ નિર્ણયને જાણીને ત્યાં મહર્ષિ વ્યાસ આવી પહોંચ્યા એટલે ગાંધારીએ એમને સઘળી પરિસ્થિતિથી માહિતગાર કર્યા અને જણાવ્યું કે તમે મને સો પુત્ર થશે એવું વરદાન આપેલું તે મિથ્યા થયું છે અને માંસપેશી જન્મી છે.”

“મહર્ષિ વ્યાસે કહ્યું કે હું વિનોદમાં કોઇ વાર બોલું છું તોપણ તે મિથ્યા નથી થતું. મારી વાણી અમોઘ છે. એથી કોઇ પ્રકારની શંકા કરવાની આવશ્યકતા નથા. મારા વચનમાં વિશ્વાસ રાખીને તું ઘીથી ભરેલા સો કુંડા તૈયાર કરાવ. એમને સંભાળપૂર્વક સુરક્ષિત રાખીને આ માંસપેશીને ઠંડા પાણીથી ભીની રાખ.”

“મહર્ષિની સૂચનાનુસાર એ માંસપેશી પર ઠંડા પાણીનું સિંચન કરવામાં આવ્યું એટલે એમાંથી અંગૂઠાના અગ્રભાગ જેવા સો ગર્ભભગો છૂટા પડ્યા. સમય પરિપકવતા પર પહોંચતાં ક્રમશઃ એકસો એક ભાગ છૂટા થયા. તે ગર્ભભાગોને ઘીથી ભરેલા કુંડામાં મુકાવીને, ગાંધારીને આવશ્યક સૂચના પ્રદાન કરીને, મહર્ષિ વ્યાસે હિમગિરિના પવિત્ર શ્રેયસ્કર ઋષિમુનિસેવિત પ્રશાંત પ્રદેશમાં તપશ્ચર્યા માટે પ્રયાણ કર્યું.”

“મહર્ષિ વ્યાસના અમોઘ આશીર્વાદને અનુસરીને એ ગર્ભભાગોમાંથી સૌથી પ્રથમ પુત્ર તરીકે દુર્યોધનનો જન્મ થયો. એ પછી ક્રમેક્રમે બીજા પુત્રો જન્મ્યા.”

“ગાંધારીને એક પુત્રીને પામવાની ઇચ્છા હોવાથી મહર્ષિ વ્યાસે તેને તે માટે પણ આશીર્વાદ આપેલો. એને અનુલક્ષીને એકશો એકમા ભાગમાંથી એક કન્યાનો જન્મ થયો. એનું નામ દુઃશલા પડ્યું. તેનું લગ્ન પાછળથી જયદ્રથ સાથે થયેલું.”

“ગાંધારી સગર્ભાવસ્થામાં ઉદરવૃદ્ધિથી પીડાતી હતી ત્યારે ધૃતરાષ્ટ્રની પરિચર્યામાં રહેતી એક વૈશ્યસ્ત્રીથી યુયુત્સુ નામે પુત્રનો જન્મ થયો.”

“ગર્ભકાળ પ્રમાણે દુર્યોધન સૌથી મોટો હતો. જન્મસમય પ્રમાણે યુધિષ્ઠિરનો નંબર પ્રથમ હતો. પરમ પ્રતાપી ભીષ્મ અને વિદુરને માહિતી આપવામાં આવેલી. દુર્યોધન તથા ભીમ બંને એક જ દિવસે જન્મેલા. દુર્યોધને જન્મતાં જ ગધેડાની જેમ ભૂંકવા અને રડવા માંડયું ત્યારે ગધેડાં, કૂતરાં, ગીધો, શિયાળો તથા કૂતરાંઓએ સામેથી શોરબકોર પૂર્વક ઉત્તર આપ્યો. વાયુ વેગથી વાવા લાગ્યો. દિશાપ્રદિશામાં દાહ થયો. એથી ભયભીત અને સાશંક ધૃતરાષ્ટ્રે ભીષ્મને, વિદુરને, મિત્રોને, વિદ્વાનોને તથા કૌરવોને ઉદ્દેશીને જણાવ્યું કે આપણી કુળકીર્તિને વધારનાર યુધિષ્ઠિર જયેષ્ઠ હોવાથી પોતાની યોગ્યતાને લીધે રાજ્યને પામે છે, પરંતુ આ પુત્ર એના પછી રાજા બની શકશે ?”

“ધૃતરાષ્ટ્રના એ શબ્દોને સાંભળીને ભયંકર હિંસક પશુઓએ તથા શિયાળોએ ભીષણ અવાજો કરવા માંડયા. એને સુણીને વિદુરે અને વિદ્વાનોએ જણાવ્યું કે તમારો આ પુત્ર કુળનો નાશ કરનારો થશે માટે તેનો ત્યાગ કરો. સોમાંથી એક પુત્ર ભલે ઓછો થાય. એનો ત્યાગ કરીને કુળનું ને જગતનું કલ્યાણ કરો. કુળને કાજે એકને તજવો જોઇએ. ગામ માટે કુળને તજવું જોઇએ. દેશને માટે ગામને તજવું જોઇએ. અને આત્માને માટે સમસ્ત સૃષ્ટિને છોડવી જોઇએ.”

“સૌએ એવું કહ્યું તોપણ પુત્રની મમતાને લીધે ધૃતરાષ્ટ્રે માન્યું નહીં.”

જો માન્યું હોત તો મહાભારતનો ઇતિહાસ જુદો જ હોત.

ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીના એ પુત્રોના જન્મની કથા અનેકને આશ્ચર્યકારક લાગશે. સહેલાઇથી નહિ સમજાય. જગમાં જે બને છે તે બધું બુદ્ધિગમ્ય હોય છે જ એવું નથી હોતું. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું, ચંદ્ર મંગળ જેવા ગ્રહો પર ઊતરવાનું, પૃથ્વીના પેટાળમાં પ્રવેશવાનું, પાણી પવન પાવક પર પ્રભુત્વ મેળવવાનું, એવા અનેક આશ્ચર્યકારક કાર્યો આધુનિક વિજ્ઞાને કરી બતાવ્યાં છે, ટેસ્ટ ટ્યુબ બેબીનો પ્રયોગ પણ પ્રખ્યાત છે. એ દ્વારા માતાપિતાના સીધા શારીરિક સંબંધ સિવાય ઉદરમાંથી નહીં પરંતુ ટ્યુબમાંથી સંતાનને જન્માવવાનો વિજ્ઞાનનો પ્રયત્ન છે. સંતાન માતાના ઉદરમાં જન્મવાને બદલે બીજી રીતે જન્મી શકે છે એ વાતને વિજ્ઞાને પ્રયોગો દ્વારા પુરવાર કરી છે. કૌરવોના જન્મની કથાને એ સંદર્ભમાં, આધુનિક વૈજ્ઞાનિક પ્રયોગો અન્વેષણો અને પ્રયોગોના પરિપ્રેક્ષ્યમાં પેખીએ તો એમાં કશી અતિશયોક્તિ લાગવાનો સંભવ નથી. એવા જન્મો અશક્ય લાગે તોપણ અસંભવ નથી. સંભવી શકે છે. મહર્ષિ વ્યાસે પોતાની આશીર્વાદાત્મક અમોઘ આત્મશક્તિથી એ કાર્ય કરી બતાવ્યું હોય તો તેમાં ના માનવા જેવું કશું નથી લાગતું. આધુનિક વૈજ્ઞાનિક પ્રયોગો એ વાતને સમજવામાં ઓછાવત્તા પ્રમાણમાં સહાયતા પહોંચાડે છે. ભૂતકાલીન ભારતમાં એવા અનેકવિધ પ્રયોગો કરવામાં આવતા હશે એવું આ પ્રકારની જુદી જુદી કથાઓ પરથી કલ્પી કે સમજી શકાય છે.”

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *