Sunday, 8 September, 2024

કૃષ્ણ અને ભીમ

269 Views
Share :
કૃષ્ણ અને ભીમ

કૃષ્ણ અને ભીમ

269 Views

{slide=Krishna and Bhishma}

When Bhishma completely overpowered Pandavas army with his inimitable archery, Krishna became uneasy. Bhishma filled Pandavas sight with an array of arrows. It seemed to Krishna that Arjuna was not fighting at his best out of sheer reverence for his great grandfather, Bhishma. Krishna knew that if Arjun would not fight with vengeance, it would be impossible for Pandavas to hold their fort. Krishna, therefore decided to play an active role before Bhishma annihilate Pandavas army. Krishna put aside his pledge, took Sudarshan chakra in his hand and ran towards Bhishma. Bhishma offered his salutations to Krishna as he felt himself fortunate to breath his last at Krishna’s hand than anyone else.

Arjun immediately realized that due to his inaction, Krishna was forced to break his vow. Arjuna stopped Krishna mid-way and promised to fight with all of his might. Krishna became happy and resumed his role as his charioteer. This incident signifies that to protect his devotees, God would go to any extent, even if it meant breaking his vow. It also depict Bhishma’s reverence towards Krishna. Yet, it remained a fact that Bhishma continued fighting for Kauravas and in Krishna’s opposite camp.

ભગવાન કૃષ્ણે મહાભારતના મહાભીષણ સંગ્રામમાં શસ્ત્રાસ્ત્ર સાથે લડવાના વિચારને તિલાંજલિ આપીને કોઇના પક્ષમાં ના રહેવાનો સંકલ્પ કરેલો. તો પણ એ સંકલ્પને છોડવા માટે એમને એકાદ વાર કેવી રીતે વિવશ બનવું પડ્યું તે પણ વિચારી લઇએ.

પ્રસંગ છે ભીષ્મ પિતામહના પાંડવો સાથેના ભયંકર મહાયુદ્ધનો. 

મહાભારતમાં એના પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં કહેવાયું છે કેઃ

મહાબાહુ પૃથાનંદનને પોતાની સામે સંગ્રામમાં સજ્જ થયેલો જોઇને, તથા યુધિષ્ઠિરની એ મહાન સેનાને પાછી આવેલી જોઇને, ભીષ્મે વારંવાર સિંહગર્જના કરી, અને ધનંજયના રથને સત્વર શરવર્ષા કરીને ઢાંકી દીધો. એવી રીતે એક ક્ષણમાં તે રથ પોતાના અશ્વો તથા સારથિ સાથે એ મહાન બાણવૃષ્ટિથી પૂરો છવાઇ ગયો, અને દેખાતો બંધ થયો, ત્યારે વાસુદેવે ભીષ્મના બાણોથી ઘેરાઇ ગયેલા પોતાના ઘોડાઓને લેશ પણ મૂંઝાયા વિના આગળ હંકાર્યા કર્યા.

પછી મેઘના ઘોષવાળા દિવ્ય ધનુષ્યને લઇને પૃથાનંદને ત્રણ બાણો છોડીને ભીષ્મના ચાપને તોડી પાડયું.

ધનુષ્ય છેદાઇ ગયું એટલે ભીષ્મે બીજા ધનુષ્યને ધારીને ક્ષણવારમાં જ સજ્જ કર્યું. તેમણે મેઘના જેવા નાદવાળા એ ધનુષ્યને બે હાથે તાણ્યું, ત્યાં તો અર્જુને ક્રોધમાં આવીને તેને પણ કાપી નાંખ્યું.

અર્જુનની એ ચપલતાની શાન્તનુનંદને પ્રશંસા કરીઃ પાર્થ ! તેં સરસ કર્યું. તને ધન્ય હો ! આવું મહાન કર્મ તું જ કરી શકે. હું તારા પર પ્રસન્ન થયો છું. તું મારી સાથે યુદ્ધ કર.

પૃથાનંદનની પ્રશંસા કરીને એ વીરે સંગ્રામમાં બીજા મહાન ધનુષ્યને ધારીને પાર્થના રથ ઉપર બાણોને છોડવા માંડયાં.

વાસુદેવે પણ ઘોડાઓને હાંકવાનું પોતાનું પરમ સામર્થ્ય પ્રકટ કર્યું અને સફળતાપૂર્વક રથનાં ચક્કરો લઇને ભીષ્મના બાણોને વ્યર્થ કરી નાખ્યાં.

પછી ભીષ્મે તીક્ષ્ણ બાણોને છોડીને વાસુદેવ તથા ધનંજયને સર્વાંગ સુદૃઢ રીતે વીંધવા માંડયા. અત્યંત ખિજાયેલા ભીષ્મે અતીવ ક્રોધમાં આવીને, સેંકડો ને હજારો બાણોને છોડીને કૃષ્ણની તથા અર્જુનની સર્વ દિશાઓને આવરી દીધી. ભીષ્મે ખડખડાટ હસીને તથા રોષમાં આવીને તીક્ષ્ણ બાણોનો મારો ચલાવ્યો, અને વૃષ્ણિભૂષણ કૃષ્ણને કંપાવી મૂક્યા.

ભીષ્મના ભયંકર પરાક્રમને પેખીને શ્રીકૃષ્ણ વિચારવા લાગ્યા કે યુધિષ્ઠિરની સેનામાં આમની તોલે આવે એવો કોઇ જ નથી. આ ભીષ્મ એક જ દિવસમાં દેવો અને દાનવોને રણમાં રોળી નાંખે એમ છે, તો પછી તે પાંડુપુત્રોને તેમનાં સૈન્યો અને અનુચરો સાથે સંહારી નાંખે એમાં શી નવાઇ છે ? પાંડુનંદનનું મહાન સૈન્ય તો નાસભાગ કરવા લાગ્યું છે. એ જોઇને કૌરવો આનંદમાં આવી ગયા છે અને પિતામહને જોઇને તેમની સામે દોડી રહ્યા છે. આથી હું પોતે જ પાંડવોના હિતાર્થે ભીષ્મને હણી નાંખીશ અને પાંડવોના ભારને ઉતારી દઇશ. કેમ કે સંગ્રામમાં તીક્ષ્ણ બાણોના પ્રહારો થાય છે તોપણ, આ અર્જુન ભીષ્મ પ્રત્યેના આદરને લીધે રણમાં શું કરવું જોઇએ તે સમજતો નથી.

ભગવાન શ્રીકૃષ્ણ એવી રીતે વિચાર કરી રહ્યા હતા ત્યાં તે ક્રોધે ભરાયેલા ભીષ્મ પિતામહે પાર્થના રથ ઉપર બાણોની ઝડી વરસાવવા માંડી. તે શરસમૂહથી સર્વ દિશાઓ ઢંકાઇ ગઇ.

તે વખતે શાન્તનુનંદન ભીષ્મ પિતામહની આજ્ઞાથી દ્રોણ, વિકર્ણ, જયદ્રથ, ભૂરિશ્રવા, કૃતવર્મા, કૃપ, રાજા શ્રુતાયુ અને બીજા યોદ્ધાઓ વેગપૂર્વક કિરીટ ઉપર ધસી આવ્યા.

એમને એકસામટા ધસી આવતાં જોઇને કૃષ્ણે કહ્યું કે આજે ભીષ્મને અને દ્રોણને તેમના સમૂહો સાથે સંગ્રામમાં રથમાંથી પાડી નાંખુ છું. કૌરવોનો એક પણ રથી આજે સંગ્રામમાં મારાં હાથમાંથી છટકી શકવાનો નથી. હું આજે ઉગ્ર સુદર્શનચક્રને લઇને ભીષ્મના પ્રાણને હરી લઇશ. ભીષ્મ તથા દ્રોણ એ બે રથીશ્રેષ્ઠોને તેમના સમૂહો સાથે રણસંગ્રામમાં હણી નાખીને હું પાંડવોને પ્રસન્ન કરીશ. આજે હું ધૃતરાષ્ટ્રના પુત્રોને સંહારીને અજાતશત્રુ યુધિષ્ઠિરને રાજ્યપ્રાપ્તિ કરાવીશ.

શ્રીકૃષ્ણે ઘોડાઓની રાસને છોડી દીધી, રથમાંથી કૂદકો માર્યો, અને સુંદર નાભિવાળું, સૂર્યસમાન કાંતિવાળું, વજ્રસમા પ્રહારવાળું, અને અસ્ત્રાના જેવી ધારવાળું, સુદર્શનચક્ર હાથમાં લઇને વેગપૂર્વક ભીષ્મની સામે દોડવા માંડયું.

તે જોઇને શાન્તનુપુત્ર ભીષ્મે જરાય ગભરાયા વિના પોતાના ગાંડીવના જેવા ઘોષવાળા મહાધનુને બે હાથે તાણવા માંડયું અને અનંત પૌરુષવાળા ગોવિંદને સંગ્રામમાં સ્થિરચિત્તે કહેવા માંડયું કે હે દેવેશ ! આવો ! આવો, હે જગન્નિવાસ ! હું તમને નમું છું. હે માધવ ! તમને મારાં નમન હો ! હે ચક્રપાણિ ! હે લોકનાથ ! હે સર્વાઘાર ! તમે મને સંગ્રામમાં આજે આ શ્રેષ્ઠ રથમાં ઢાળી દો. હે કૃષ્ણ ! તમારે હાથે મૃત્યુને ભેટીને મને આ લોકમાં તેમ જ પરલોકમાં શ્રેય જ સાંપડશે. હે વીર ! હે અંધકો અને વૃષ્ણિઓના નાથ ! તમારા મારી સામેના આ આક્રમણથી હું ત્રણે લોકમાં પ્રતિષ્ઠા પામ્યો છું.

કિરીટધારી અર્જુને ભીષ્મની સામે ઝડપથી ધસી રહેલા ભગવાન કૃષ્ણની પાછળ ઘસડાઇને તેમને જેમતેમ કરીને પકડી પાડયા, અને તેમના પગને પકડીને તેમને બળપૂર્વક અટકાવી દીધા.

શ્રીકૃષ્ણ ઊભા રહ્યા એટલે સુવર્ણમાળાથી શોભી રહેલો અર્જુન પ્રસન્ન થયો અને પ્રણિપાત કરીને બોલ્યો કે કેશવ, તમે કોપને સત્વર સમેટી લો. તમે જ પાંડવોના આધાર છો. હું મારા પુત્રો અને ભાઇઓના સોગંદ ખાઇને કહું છું કે હું મારી પ્રતિજ્ઞા પ્રમાણે કર્મ કરીશ જ. તમારી આજ્ઞાથી કૌરવોનો અંત આણીશ.

અર્જુનની પ્રતિજ્ઞાને તથા તેના સોગંદને સાંભળીને જનાર્દન પ્રસન્ન થયા, અને ચક્ર સાથે જ ફરી રથમાં બેઠાં. રણમાં રિપુઓને રોળનારા કૃષ્ણે ઘોડાઓની લગામને હાથમાં લીધી, પાંચજન્ય શંખને પકડ્યો, અને તેના નાદથી દિશાઓને ગજવી મૂકી.

શ્રીકૃષ્ણને જોઇને કુરુપ્રવીરોએ બૂમો પાડવા માંડી.

મહાભારતનો એ પ્રસંગ સૂચવે છે કે ભગવાન ભક્તને આધીન હોય છે. ભક્તની સુરક્ષા કે સહાયતા માટે એ સર્વકાંઇ કરે છે, કરી શકે છે. પાંડવોના પરિત્રાણ માટે એ પોતાની પ્રતિજ્ઞાને ગૌણ ગણીને સુદર્શનચક્ર સાથે ભીષ્મપિતામહ સામે દોડી ગયા.

પરન્તુ પાછા એ પોતાને સંભાળી શક્યા પણ ખરા. એ એમની વિશેષતા.

ભીષ્મ પિતામહ એમને કેવી દૈવી દૃષ્ટિથી દેખતા હતા તે પણ એ પ્રસંગ પરથી સમજી શકાય છે. એ એમને માટે પરમાત્મા સ્વરૂપ હતા.

ભીષ્મની એવી સર્વોત્તમ સમજશક્તિ હોવાં છતાં એ પ્રતિપક્ષે રહીને યુદ્ધ કરી રહેલા, શ્રીકૃષ્ણને સર્વસંમર્પિત નહોતા થઇ શક્યા, એ કેવી કરુણતા છે !

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *