કૃષ્ણ અને સુદામા
By-Gujju29-04-2023
કૃષ્ણ અને સુદામા
By Gujju29-04-2023
કૃષ્ણ અને સુદામાની કથા ભાગવતના દસમા સ્કંધના ૮0 તથા ૮૧મા અધ્યાયોમાં કહેવામાં આવી છે. એ કથા સુપ્રસિધ્ધ અને લોકપ્રિય છે.
એની સાથે સંકળાયેલો ઇતિહાસ તો આનંદદાયક છે જ પરંતુ એની પાછળનું તત્વજ્ઞાન પણ એટલું જ આનંદકારક અને આવકારદાયક છે. એનો વિચાર કરવાથી અવનવી પ્રેરણાની પ્રાપ્તિ થાય છે. કૃષ્ણ અને સુદામા બંને ઉજ્જયિની નગરીમાં આવેલા સાંદીપનિ મુનિના ક્ષિપ્રાતટવર્તી ગુરુકુળમાં સહાધ્યાયી હતા. એમની વચ્ચે અતૂટ મિત્રતા હતી. કાળક્રમે, કર્મ સંસ્કારાનુસાર બંને ગુરુકુળમાંથી પાછા ફરીને બીજી પ્રવૃત્તિમાં પડ્યા. કૃષ્ણ સમૃદ્ધિ, સંપત્તિ તથા યશના સર્વોત્તમ શિખર પર પહોંચ્યા ને સુદામા દીન, દુઃખી, દરિદ્ર બન્યા. બંનેએ લગ્નજીવનમાં પ્રવેશ કર્યો, પરંતુ બંનેના જીવનપંથ જુદા પડયા.
સુદામા પોતાની પત્નીની સલાહથી છેવટે કૃષ્ણને મળવા નીકળ્યા ત્યારે સાથે પત્નીએ પડોશમાંથી લાવી આપેલા પૌંઆને એક ફાટેલા મેલા કપડામાં બાંધીને સાથે લઇ ગયા. દિવસો પછી એ દ્વારકા પહોંચ્યા ત્યારે કૃષ્ણે એમનું એવા જ પ્રખર પવિત્ર પ્રેમથી સ્વાગત કર્યું. સુદામા કૃષ્ણનો વૈભવ વિલોકીને ચકિત બની ગયા. કૃષ્ણે એમના પૌંઆ ખૂબ જ પ્રેમથી ખાધા, દિવસો સુધી એમને અતિથિ તરીકે રાખ્યા, અને સ્થૂળ કે પ્રત્યક્ષ રીતે કશું પણ આપ્યા વિના વિદાય કર્યા. સુદામાએ સાંત્વન મેળવ્યું કે કૃષ્ણે મને એટલા માટે અલ્પ પણ ધન નહિ આપ્યું હોય કે ધન મેળવીને મદોન્મત્ત બનીને હું એમને ભૂલી ના જઉં.
ઘેર આવ્યા પછી જ સુદામાને કૃષ્ણના અલૌકિક અનંત અનુગ્રહની માહિતી મળી. કૃષ્ણકૃપાથી એમનું સમસ્ત ઘર, વાતાવરણ તથા જીવન બદલાઇ ગયેલું. દેવાંગના સરખી સુંદર બનેલી પત્નીએ એમનું સખીઓ ને સેવિકાઓ સાથે સ્વાગત કર્યું. એ ઐશ્વર્ય જોઇને એમને કૃષ્ણકૃપાનો થોડો ઘણો ખ્યાલ આવ્યો.
ભગવાન કૃષ્ણે સુદામા પોતાને માટે કાંઇ લાવ્યા હોય તો તેની માગણી કરતા જે શબ્દો કહ્યા તે શબ્દો ગીતામાં કહેવાયેલા શબ્દોને અક્ષરશઃ મળતા આવે છે. બંને ઠેકાણે, ગીતા તથા ભાગવતમાં એક જ શ્લોકનો પ્રયોગ થયો છે. એ પ્રયોગ સૌથી પહેલા કયા ગ્રંથમાં થયો તેનો નિર્ણય કરવાનું કામ વિદ્વાનોનું છે.
એ શબ્દોમાં સુદામાના પરમ પવિત્ર ચરિત્રના શ્રવણમનનની ફળશ્રુતિ કહી બતાવવામાં આવી છે. માનવે પણ જીવનમાં એવી રીતે પરમાત્માની પરમકૃપાનો વિચાર અને અનુભવ કરીને વાસનારહિત, વિમળ અને પરમાત્મપરાયણ થવાનું છે.