કૃષ્ણ દુર્યોધનને સમજાવે છે
By-Gujju29-04-2023
કૃષ્ણ દુર્યોધનને સમજાવે છે
By Gujju29-04-2023
ધૃતરાષ્ટ્રના કહેવાથી કૃષ્ણે દુર્યોધનને સમજાવવાનો અને કુકર્મમાંથી પાછા વાળવાનો પ્રયાસ કરી જોયો. એમણે દુર્યોધનને ઉદ્દેશીને જણાવ્યું કે –
દુર્યોધન, તું ઉત્તમ કુળમાં જન્મેલો હોવાથી તારે ઉત્તમ કામ જ કરવું જોઇએ. તું શાસ્ત્ર, સદાચાર તથા સદગુણોથી સંપન્ન છે. તું જેવું કામ કરવા ધારે છે તેવું કામ તો દુષ્ટ કુળમાં ઉત્પન્ન થયેલા, દુરાત્મા, ક્રૂર અને નિર્લજ્જ લોકો જ કરી શકે.
આલોકમાં સત્પુરુષોની પ્રવૃત્તિ ધર્મ તથા અર્થવાળી જોવામાં આવે છે, અને દુર્જનોની પ્રવૃત્તિ તેથી વિપરીત. તારામાં એવી વિપરીત વૃત્તિ વારંવાર જણાય છે.
તારો જે આગ્રહ છે તે અધર્મરૂપ, ભયંકર પ્રાણહારી, મહાન અનિષ્ટકારી, અકારણ અને પાછળથી ટાળી ના શકાય તેવો છે. તે અનર્થકારક આગ્રહનો ત્યાગ કરવાથી તું તારું પોતાનું, તારા ભાઇઓનું, સેવકોનું તથા મિત્રોનું કલ્યાણ કરીશ.
તું મહાબુદ્ધિમાન, શૂરા, અસાધારણ ઉત્સાહવાળા, વિદ્વાન અને સંયમી પાંડવોની સાથે સંધિ કર.
તું કુલીન છે, લજ્જાશીલ છે, શાસ્ત્રસંપન્ન છે, અને દયાળુ છે. માટે પિતાની અને માતાની આજ્ઞામાં રહે. પિતા જે ઉપદેશ કરે છે તેને જ્ઞાનીપુરુષો કલ્યાણકારક માને છે. કોઇપણ મનુષ્ય જ્યારે મોટી આપત્તિમાં પડી જાય છે ત્યારે પિતાના શબ્દોને સંભારે છે. તારા પિતાને પાંડવોની સાથે સલાહ કરવી રુચે છે તેમજ મંત્રીઓને પણ રુચે છે.
જે પુરુષ બુદ્ધિના મોહને લીધે કલ્યાણકારક વચનોને સ્વીકારતો નથી તે દીર્ઘસૂત્રી મનુષ્યને કાર્યનો નાશ પામતાં પશ્ચાતાપ કરવો પડે છે. પરન્તુ જે મનુષ્ય કલ્યાણકારક વાતને સાંભળીને પોતાનો મત છોડીને પ્રથમથી જ તેને સ્વીકારે છે તે આ લોકમાં સુખ ભોગવે છે.
તેં જન્મથી આરંભીને પાંડવોને નિત્ય દુઃખ દીધું છે, છતાં એ કુન્તીનંદનો તારા ઉપર કદી કોપ કરતા નથી કારણ કે તેઓ ધર્માત્મા છે. તેં જન્મથી જ પાંડવોને કપટથી છેતર્યા છે, છતાં પણ યશસ્વી પાંડવો તારી સાથે સારી રીતે જ વર્ત્યા છે. તારે પણ તેમની સાથે તે જ પ્રમાણે વર્તવું જોઇએ.
તું સર્વ રાજાઓમાં પ્રખ્યાત તથા મહાઉજ્જવલ એવા સામ્રાજ્યને નીચ ઉપાયથી હાથ કરવા ઇચ્છે છે. પોતાની સાથે સારી રીતે વર્તનારાની સાથે પણ જો મનુષ્ય કપટભર્યું વર્તન રાખે તો જેમ કુહાડી વનનો નાશ કરે છે તેમ તે મનુષ્ય પણ પોતાનો જ નાશ કરે છે.
તું પાંડવોએ મેળવેલી ભૂમિને ભોગવી રહ્યો છે; છતાં પણ પાંડવોને જ પાછળ રાખીને બીજાઓથી રક્ષણ ઇચ્છે છે.
રાજાઓના સમગ્ર સૈન્યમાંથી કોઇ એવા પુરુષને બતાવ કે જે અર્જુનની સામે યુદ્ધમાં જઇને ક્ષેમકુશળ પાછો આવે.
સંગ્રામમાં મનુષ્યોનો નાશ કરવાથી તને શું ફળ મળશે ?
તું પાંડવોની સાથે સલાહ કરીશ એટલે તે મહારથીઓ તને જ યુવરાજપદે અને તારા પિતા ધૃતરાષ્ટ્રને મહારાજાના પદે સ્થાપશે. તું આપમેળે આવતી લક્ષ્મીનો અનાદર કર નહીં. પાંડવોને અર્ધુ રાજ્ય આપીને મહાન રાજ્યલક્ષ્મીને પામ. પાંડવો સાથે સલાહ કર. સ્નેહીઓના વચનને માન આપ, અને મિત્રોની પ્રીતિ સંપાદન કર. એટલે ચિરકાળ સુધી તારું કલ્યાણ થશે.
દુર્યોધને શ્રીકૃષ્ણને કહ્યું કે તમારે બરાબર વિચારીને બોલવું જોઇએ. તમે કઠોર શબ્દોને બોલીને મારી નિંદા કરો છો.
હું વિચાર કરું છું તો પણ મારો કોઇપણ જાતનો મહાઅપરાધ અથવા અતિસૂક્ષ્મ અપરાધ પણ મારા જોવામાં આવતો નથી. પાંડવો રાજીખુશીથી દ્યુત રમ્યા હતા અને તેમાં શકુનિથી પોતાનું રાજ્ય હારી ગયા તેમાં મારો શો અપરાધ ?
પાંડવો અસમર્થ છે તોપણ શક્તિવાળા હોય તેમ ઉત્સાહથી શત્રુની પેઠે અમારી સાથે કેમ વિરોધ કરે છે ? અમે તેમનું શું બગાડયું છે ?
અમે તેઓના ઉત્કટ પરાક્રમથી અથવા વચનથી ભયભીત થઇ, રાજ્ય છોડીને માથું નમાવીએ તેવા નથી. અરે, સાક્ષાત્ ઇન્દ્રને પણ અમે ભયથી ના નમીએ, તો પછી પાંડવોની તો વાત જ શી ?
અમે સ્વધર્મનું પાલન કરતાં સંગ્રામમાં કદાચ શસ્ત્રથી મરણ પામીશું તો તે પણ અમને સ્વર્ગ આપનારું જ સાબિત થશે.
મારા પિતાએ પાંડવોને જે રાજ્યભાગ આપવા પૂર્વે કબૂલ્યું હતું તે હું જીવું છું ત્યાં સુધી ફરી કદી પણ પાંડવોને મળે તેમ નથી.
હું બાળક હતો તે વખતે અજ્ઞાનને અથવા ભયને લીધે પાંડવોને રાજ્ય અપાયું હતું, પણ તે પાંડવોને પાછું મળે તેમ નથી. તીક્ષ્ણ સોયની અણીથી વીંધાય તેટલી જમીન પણ અમારે પાંડવોને પાછી આપવી નથી.