Wednesday, 15 January, 2025

કૃષ્ણનું વરદાન

347 Views
Share :
કૃષ્ણનું વરદાન

કૃષ્ણનું વરદાન

347 Views

{slide=Krishna’s promise}

Shri Krishna once visited Pandavas during their exile. Draupadi met Lord Krishna and praised him. She told Krishna that you are all-powerful and a manifestation of the Divine, yet, at the same time, when she was pulled by Dushashan in the assembly hall after the game of dice, why Krishna did not save her?  In spite of having Bhim, Arjun and other Pandavas on her side, why such shameful events took place? And where were Krishna at that time? Why Krishna did not help her? Draupadi thus lamented her helplessness to Krishna. 
Lord Krishna consoled Draupadi and promised her that a day would come when those who made mockery of her in the assembly hall would suffer in the battlefield. Their wives would cry over their dead bodies when Arjuna would pierce them with his mighty arrows. Krishna further added that he would figure out whatever would be in the best interest of Pandavas and he would see that she would once regain her past glory as a queen. That’s was Krishna’s  promise to Draupadi. 

વનવાસના વિકટ વખત દરમિયાન એકવાર શ્રીકૃષ્ણ પાંડવો પાસે પધાર્યા.

ધૃષ્ટદ્યુમ્ન આદિ વીર ભાઇઓથી ઘેરાયેલી અને શરણ ઇચ્છતી પાંચાલી યુધિષ્ઠિરાદિ ભાઇઓ સાથે બેઠેલા કમલનયન શરણાગત વત્સલ શ્રીકૃષ્ણ પાસે ગઇ અને ક્રોધપૂર્વક કહેવા લાગી કે અસિતદેવલે કહ્યું છે કે પૂર્વે પ્રજાના સર્જનકાલે એક તમે જ હતા; તમે જ પ્રજાપતિ અને સર્જનહાર છો. જમદગ્નિના પુત્ર પરશુરામે કહ્યું છે, તેમ તમે વિષ્ણુ છો. હે મધુસુદન ! તમે યજ્ઞ છો, યજ્ઞકર્તા છો. યજનયોગ્ય છો. ઋષિઓ તમને ક્ષમારૂપ અને સત્વરૂપ કહે છે. કશ્યપે તમારા સંબંધમાં કહ્યું છે તેમ તમે યજ્ઞરૂપ છો. નારદે કહ્યું છે તેમ હે ભૂતવાન ! હે ભૂતેશ ! તમે ઇશ્વરેશ્વર છો. તમે બ્રહ્મા, શંકર અને ઇન્દ્ર આદિ દેવવૃન્દો સાથે, બાળક રમકડાં સાથે રમત કરે તેમ ક્રીડા કરો છો. હે પ્રભુ ! સ્વર્ગલોક તમારા શિરથી વ્યાપ્ત છે. પૃથ્વીલોક તમારા ચરણથી વ્યાપેલો છે. તમે સનાતન પુરુષ છો. તપસ્યાથી શુદ્ધચિત્ત થયેલા અને આત્મદર્શનથી તૃપ્ત બનેલા ઋષિઓમાં તમે પરમ પુરુષ છો. પુણ્યકારી યુદ્ધમાં પૂંઠ ન બતાવનારા અને સર્વધર્મોથી સંયુક્ત રાજર્ષિઓની તમે જ ગતિ છો. તમે પ્રભુ છો, વિભુ છો, લોકો, લોકપાલો, નક્ષત્રો, દશે દિશાઓ, આકાશ, ચંદ્ર અને સૂર્ય એ સઘળાં તારામાં જ રહ્યાં છે. પ્રાણીઓની મરણશીલતા અને દેવોની અમરતા તમારે જ આધીન છે. સર્વકાર્યો તમારામાં જ પ્રતિષ્ઠિત છે. તમે ઇશ્વર છો. તો હે મધુસૂદન ! હું સ્નેહથી તમને મારું દુઃખ કહું છું તે તમે સાંભળો.

હે કૃષ્ણ ! હે વિભુ ! તમારી સખી અને ધૃષ્ટદ્યુમ્નની બહેન એવી મારા જેવી સ્ત્રીને સભામાં કેમ ઘસડવામાં આવી ? મને જોઇને દુરાત્મા ધૃતરાષ્ટ્ર-પુત્રો હસવા લાગ્યા હતા. મને બળજબરીથી દાસી બનાવવામાં આવી હતી. ભીમસેનના બલને ધિક્કાર હો અને ધિક્કાર હો અર્જુનના ગાંડીવને ! કેમ કે પેલા અધર્મોએ મને ઘસડી ત્યારે એ બંને તે સાંખી રહ્યા હતા. અલ્પબલ પુરુષો પણ પોતાની પત્નીઓનું રક્ષણ કરે છે. પત્નીનું રક્ષણ કરવામાં આવે છે તો પ્રજાનું રક્ષણ થાય છે. અને પ્રજાનું રક્ષણ કરવામાં આવે છે તો આત્માનું રક્ષણ થાય છે. પાંડવો શરણે આવેલાનો કદી પણ ત્યાગ કરતા નથી, પણ મને તો તેમણે શરણ આપ્યું નહિ. ધૃતરાષ્ટ્ર-પુત્રોએ અધર્મથી અમારું રાજ્ય હરી લીધું છે. હું પાંડુની પુત્રવધૂ છું, શ્રેષ્ઠ સતી છું. છતાં હે મધુસૂદન ! પાંચ પાંડુપુત્રોના દેખતાં જ મારા કેશપાશને પકડવામાં આવેલા. એમ કહીને કૃષ્ણાએ રોવા માંડયું. આંખ લૂછતી અને નિશ્વાસ નાખતી તે અશ્રુભર્યા કંઠે ક્રોધપૂર્વક બોલી કે પતિઓ મારા નથી, પુત્રો મારા નથી, બાંધવો નથી. ભાઇઓ નથી, અને પિતા મારા નથી. અરે ! મધુસૂદન ! તમેય મારા નથી. હે કૃષ્ણ ! હે કેશવ ! તમારે મારી રક્ષા કરવી જોઇએ.

દ્રૌપદીએ એ પ્રમાણે કહ્યું એટલે શ્રીકૃષ્ણ બોલ્યા કે :

તું જેમના પર ક્રોધે ભરાઇ છે, તેમની સ્ત્રીઓ પણ પોતાના પ્રિયતમોને અર્જુનનાં બાણોથી ઢંકાઇ ગયેલા, તથા મૃત્યુને પામેલા જોઇને આ જ પ્રમાણે રડયા કરશે. પાંડવોને માટે જે યોગ્ય હશે તે હું કરીશ જ. હું તને પ્રતિજ્ઞાપૂર્વક સત્ય કહું છું કે તું રાજરાણી થશે. આકાશ પડી જાય, હિમાલય ફાટી જાય, પૃથ્વીના ચૂરેચૂરા થઇ જાય, અને સાગર સુકાઇ જાય તોપણ, મારું વચન કદી પણ મિથ્યા નહિ થાય.

વનવાસ દરમિયાન કૃષ્ણે દ્રૌપદીને એવી રીતે આશ્વાસન અને વરદાન આપ્યું એનું મુખ્ય કારણ દ્રૌપદીની કૃષ્ણને માટેની પ્રખર પ્રીતિ તથા શ્રદ્ધાભક્તિ હતું. દ્રૌપદીને તથા પાંડવોને કૃષ્ણ માટે પરમ પ્રેમ હતો. એ એમના એકમાત્ર આધાર હતા. દ્રૌપદીને એમના અલૌકિક અનુગ્રહનો અનુભવ હતો. એથી જ એણે એમની આગળ આત્મનિવેદન કર્યું. જે જીવ શિવની આગળ આત્મનિવેદન કરે છે તેની શિવ સદા રક્ષા કરે છે. દ્રૌપદીનો પ્રસંગ એની સાક્ષી પૂરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *