Saturday, 21 December, 2024

મહાભારત વિશે મહાપુરુષોના વિચારો

1408 Views
Share :
મહાભારત વિશે મહાપુરુષોના વિચારો

મહાભારત વિશે મહાપુરુષોના વિચારો

1408 Views

Find here thoughts of eminent personalities about Mahabharata.

Bal Gangadhar Tilak, popularly known as Lokmanya Tilak had a great reverence for Mahabharat.  Expressing his views about the importance of this epic, he wrote that ‘Mahabharat was poineer in providing inspiration to millions of Hindus including great Sanskrit poet Kalidas. Incident of Mahabharat was extensively used by war heros of Rajput kingdom. Even Bhagavad Gita, an imitable source of knowledge and inspiration, is part of Mahabharat. It is a high time to revive this ancient epic and use its lessons for the unity of India. It has the capacity to bring about revolution in people’s mind and thoughts. Through the medium of schools, the stories of Mahabharat should be taught to kids. Independence movement will get a big thrust by its dissemination.’

Mahatma Gandhi wrote: “I read entire Mahabharat in four months during my stay at Yarawada jail. I felt that if one want to compare Mahabharat, one has to compare it not with a jewel but a mine of jewel.”

Bhikshu Akhandanand wrote, “Mahabharat will stand as a leading book among the great scriptures of Hinduism.”

Pandit Ramlal Sharma wrote, “Any community, who has inherited a scripture like Mahabharat can hardly fell down, and if it appears so, the very reason will be its ignorance.”

Pandit Ishwariprasad Sharma wrote, “Mahabharat has all kind of elements – drama, romance, suspence, witt and wisdom. It is rightly said that whatever is inside Mahabharat, it is nowhere else.”

એ મહાગ્રંથ વિશે શ્રી લોકમાન્ય તિલક શું કહે છે તે જોઇએ. એ પંડિતપ્રવર મહાપુરુષ એની ગુણવત્તાની અક્ષરદેહમાં અભિવ્યક્તિ કરતાં લખે છેઃ

“ઇતિહાસ અથવા તત્વજ્ઞાન તરીકે અથવા પ્રાચીન શાસ્ત્રીય પરિભાષા મુજબ ઘર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરુષાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરાવનાર તરીકે પણ આ ગ્રંથના જેટલાં વખાણ કરીએ એટલાં ઓછા છે. ભારતભૂમિમાં ચારે તરફ જે હિંદુ સમાજ અથવા આર્યસમાજ ફેલાયેલો છે તેના જીવાત્મા તરીકે આ ગ્રંથને ગણીએ તો તેમાં લેશ પણ અતિશયોક્તિ નથી થતી. અમારામાંથી અનેક જાતના માણસો અનેક કારણોથી એનું અધ્યાપન  હજુ સુધી કરતા આવ્યા છે. કાલિદાસ જેવા કવિઓએ પોતાની અલૌકિક કવિતાશક્તિને માટે જે કથાનકોને પ્રમાણભૂત ગણીને લીધાં છે તેમાંનાં પણ કેટલાંક કથાનકો આ રત્નનિધિમાંનાં જ છે. ઉત્તર ભારતના ભાટોએ રજપૂતાનાના રજપૂત વીરોની વીરતાને પાનો ચઢાવવા માટે આ જ ત્ર્યૈલોક્યચિંતામણિ મહાભારતનો ઉપયોગ કર્યો છે. અને અર્વાચીન ધર્મશાસ્ત્રકારોએ તથા રાજનીતિજ્ઞોએ પણ ધર્મ, નીતિ અને વ્યવહારનાં લોકોપયોગી પ્રમાણો તથા વચનો આ સર્વપયોગી ભંડારમાંથી જ ઉદધૃત કરેલાં છે.તત્વજ્ઞાન તરફ જોઇએ તો એને માટે પણ બરાબર એ જ ન્યાય લાગુ પડે છે.એટલે કે આ ગ્રંથને પાંચમો વેદ કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. વ્યાસે પોતે જ આ ગ્રંથ  વિશે  કહ્યું છે કે જે આની અંદર છે તે જ બધા સાહિત્યમાં છે અને જે આની અંદર નથી તે ક્યાંય નથી, તે યોગ્ય જ છે. એમનું એ કથન કાંઇ અતિશયોક્તિભર્યું નથી. ભારતવર્ષમાં નાનાં બાળકોનાં કોમળ ચિત્તથી માંડીને અનુભવોથી ઘડાયેલા કે પાકટ બનેલા વૃદ્ધો સુધી સૌ કોઇ પર જે ગ્રંથે આજ સુધી સચોટ અસર ઊભી કરી છે, તેના કર્તાનાં બુદ્ધિવૈભવ, પ્રતિભા તથા સામર્થ્ય કેટલાં અલૌકિક હોવાં જોઇએ તે વિશેષ કહી બતાવવાની જરૂર નથી.તદન અર્વાચીન કાળમાં, અર્થાત્ શ્રી શિવાજી મહારાજના સમયમાં જે દેશોન્નતિ, રાષ્ટ્રોન્નતિ થયેલી, એમાં પણ એ જ ગ્રંથ કારણભૂત થયેલો છે. પેશ્વાઇમાં પણ ધર્મ, વ્યવહાર ને રાજનીતિ શીખવવામાં અમારા મહારાષ્ટ્ર પ્રાંત તરફ એ જ ગ્રંથનો ઉપયોગ કરવામાં આવેલો. ધર્મવિષયમાં સર્વસામાન્ય થઇ ચૂકેલી શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ મૂળ તો મહાભારતમાંની જ છે ને ? બારમી સદીના અરસામાં જે ધર્મજાગૃતિ થયેલી તેમાં પણ તેનું જ ભાષાંતર કારણભૂત થયું હતું. આથી રહી શકાય છે કે ભારતવર્ષમાં ઉન્નત પુરુષાર્થનાં બીજ હમેશાં કાયમ રાખી, પ્રસંગાનુસાર તે બીજોમાંથી યોગ્ય અંકુર ઉત્પન્ન કરવાની બાબતમાં આ મહાભારત નામક રાષ્ટ્રીય ગ્રંથ જ સંસ્કૃત અથવા પ્રાકૃત ભાષાંતર દ્વારા કારણભૂત થયો છે.”

“ભારત વર્ષમાં અત્યારે જ્યારે એક તરફ રાષ્ટ્રીય એકતા પ્રાપ્ત કરવા માટે જેટલાં પણ સાધન મળી આવે એટલાં ખોળી કાઢવાને તત્પર છીએ, ત્યારે બીજી તરફ અત્યંત અફસોસની વાત છે કે જે રાષ્ટ્રીય ગ્રંથનો આજે સેંકડો હજારો વર્ષથી હિંદુઓ સમાજને સંગઠિત કરવા પાછળ અત્યુત્તમ ઉપયોગ થતો આવેલો, એની આજના આપણા નવયુવાનો જ અવગણના કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ તરફ કેટલાક સમયથી આ ગ્રંથના અનુવાદો તેમજ સંક્ષિપ્ત ગદ્યપદ્ય ગ્રંથો એ જ હેતુથી પ્રસિદ્ધ થવા લાગ્યા છે કે જેથી ઉપર્યુક્ત શોચનીય દશા કાંઇક અંશે દૂર થાય. પોતાના પૂર્વજોનાં વૈભવ, વીરતા, ઉદાત્ત વિચાર તેમજ મહત્તા નવી પ્રજાના મનમાં યોગ્ય સમયે ઉતારાય : મહાભારત જેવા રાષ્ટ્રીય ગ્રંથ પ્રત્યે એમના મનમાં આદરભાવ પેદા થાય : અને એ દ્વારા એ પ્રજા પોતાનાં આચરણ સુધારીને દેશકલ્યાણ કરવાને તૈયાર થાય.”

“તાત્પર્ય એ છે કે ઘણા વિદ્વાન તથા દેશહિતૈષીઓનું ધ્યાન હવે આ તરફ દોરાયું છે કે સ્વરાજ્યના સમયે નાનાં બાળકોને જેવી રીતે આ ગ્રંથની અને એમાંના પાત્રોની ઓળખાણ સહજમાં કરાવાતી, તેવી રીતે આ સમયમાં પણ – અર્થાત્ જ્યારે સાર્વજનિક શિક્ષણ માટે પાઠશાળાઓ સ્થપાઇ ચૂકી છે તેવા સમયમાં પણ, નાનાં બાળક સુધ્ધાંને આ ગ્રંથનો સારી પેઠે પરિચય કરાવવો જોઇએ.”

મહાત્મા ગાંધીજીનો અનુભવાત્મક અભિપ્રાય પણ આ મહાગ્રંથ વિશે જાણવા જેવો છે. તે લખે છે:

“મેં આ પહેલાં મહાભારતનો સંપૂર્ણ ગ્રંથ વાંચ્યો ન હતો. કોઇ કોઇ વાર થોડું થોડું જોયું હોય તે જુદી વાત. મેં તો ઊલટો એની વિરુદ્ધમાં જ મત બાંધી દીધો હતો કે એમાં મારપીટ, લડાઇ અને ઝગડાઓની કહાણીઓ હશે…..પરંતુ પછી જ્યારે મેં એને વાંચવું શરૂ કર્યું ત્યારે તો પછી અમુક ભાગ સિવાય એ એટલું બધું મનમોહક થઇ પડ્યું, એમાં એટલી બધી લેહ લાગી ગઇ, કે એકવાર શરૂ કર્યા પછી એ ગ્રંથ પૂરો કરવાને હું અધીરો જ બની ગયો, અને એ સંપૂર્ણ વાંચી રહ્યા પછી એ વિશેના મારા પહેલાંના ખ્યાલો ખોટા ઠર્યા.”

“એ ગ્રંથ મેં યરોડા જેલમાં ચાર મહિનામાં પૂરો કર્યો ત્યારે મને લાગ્યું કે આ મહાભારતને કાંઇ ઉપમા આપવી હોય તો તે ગણ્યાંગાઠ્યાં સુંદર જવાહીરોની એકાદ તિજોરીની ના આપી શકાય પણ અમૂલ્ય રત્નોની એકાદ અખૂટ ખાણ સાથે જ સરખાવી શકાય, કે જે ખાણ જેમ જેમ વધુ ને વધુ ઊંડી ખોદીએ તેમ તેમ તેમાંથી કીમતી જવાહીર વધુ ને વધુ નીકળતાં જ જાય.”

મહાત્મા ગાંધીજીના સેવાનિષ્ઠ કર્મયોગી સમકાલીન સંત ભિક્ષુ અખંડાનંદે લખ્યું છે :

“ભારતવર્ષમાં મહાભારતના નામથી કોઇક જ હિંદુ-આર્ય અજાણ્યો હશે. આ ગ્રંથ રચાયો ત્યારથી માંડીને અદ્યાપિ સુધીનાં હજારો વર્ષ દરમિયાન હિંદુ જાતિમાં જે જે પ્રાચીન ગ્રંથો અતિઆકર્ષક, માર્ગદર્શક અને ઉપકારક ગણાતા આવ્યા છે; તેમાં મહાભારત ગ્રંથ સદા પ્રથમ શ્રેણીમાં જ રહ્યો છે અને રહેશે.”

પંડિત રામજીલાલ શર્માએ લખ્યું છેઃ

“જે જાતિ પાસે આ મહાભારત જેવો જગતભરમાં જોટા વગરનો અનુપમ ગ્રંથ હયાત હોય, તે કદી પણ પડતી દશામાં રહી શકે નહીં. જે જાતિ પાસે પોતાના પૂર્વજોનાં એવાં તેજસ્વી, સ્ફુર્તિદાયક અને અનુકરણીય વીરચરિત્રો હોય, તેનું નામ સભ્ય જાતિઓની શ્રેણીમાંથી બાતલ રહી શકે નહીં. પરંતુ ત્યારે એ ઉપરથી તો અહીં એ જ પ્રશ્ન ઊભો થાય છે કે મહાભારત જેવો ગ્રંથ હયાત હોવા છતાં પણ આજે હિંદુ જાતિ કર્તવ્યભ્રષ્ટ કેમ થતી જાય છે ? ભગવાન શ્રીકૃષ્ણ, બાલબ્રહ્મચારી ભીષ્મપિતામહ, મહાયોદ્ધો અર્જુન, મહાબલી ભીમ, ધર્માત્મા યુધિષ્ઠિર, મહાપંડિત સહદેવ, મહાનીતિજ્ઞ વિદુર, મહાપરાક્રમી કર્ણ અને યુદ્ધવિશારદ દ્રોણાચાર્ય આદિ મહાત્માઓની અનેકાનેક વીરકથાઓ ધરાવનારો મહાભારત ગ્રંથ મોજુદ છતાં પણ આજે હિંદુ જાતિ શા માટે ડૂબી રહી છે ? ગીતા જેવું અમૃતમય શિક્ષણ હયાત હોવાં છતાં હજી પણ હિંદુ જાતિ પોતાના પૂર્વજોનાં નામ ઉપર શા માટે કલંક લગાડી રહી છે ?

કારણ એનું માત્ર એ જ છે કે, હિંદુ જાતિએ મહાભારત ગ્રંથ વાંચવો-સાંભળવો છોડી દીધો છે. અને પોતાના પૂર્વજોની ગુણગાથાઓનું ગાન બંધ કરી દીધું છે.”

મહાભારત વિશે પંડિત ઇશ્વરીપ્રસાદ શર્માના વિચારો :

“મહાભારતમાં સર્વ રસોનો યથાસ્થાને સમાવેશ કરવામાં આવ્યો છે. શૃંગારથી તે વૈરાગ્ય સુધીના બધા રસોનું એમાં એવું સુંદર મિલન થયું છે કે ભારતના પ્રાચીન વીરોની આ પવિત્ર કથા બહુ જ મનમોહક, હૃદયગ્રાહી અને પ્રભાવશાળી બની રહી છે; અને તેથી કરીને અત્યંત પ્રાચીનકાળથી અદ્યાપિપર્યંતના બધા પંડિતોનો એ જ મત છે કે, જે કંઇ મહાભારતમાં છે તે જ બીજે સ્થળે જોવામાં આવે છે; અને જે તેમાં નથી તે ક્યાંય પણ નથી.”

મહાભારત મહાગ્રંથ વિશેના વિવિધ વિદ્વાનોના એવા એવા અભિપ્રાયોને અથવા વિચારોને રજૂ કરીએ તો અતિવિસ્તાર થઇ જાય. એટલે આ પ્રકરણને આટલેથી જ પરિસમાપ્ત કરીએ. વિદ્વાનોના એવા અનેકવિધ અભિપ્રાયો અથવા પ્રગલ્ભ વિચારો પ્રદર્શાવે છે કે એ મહામૂલ્યવાન મહાગ્રંથ પંડિતો, વિદ્વાનો અને મહાપુરુષોમાં અતિશય આદરપાત્ર મનાય છે અને એની પ્રશસ્તિ કરતાં એ થાકતા કે ધરાતા નથી.

એ મહાગ્રંથનો અભ્યાસ સૌને માટે આવશ્યક છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *