Sunday, 22 December, 2024

મહર્ષિ ચ્યવનની કાયાપલટ

359 Views
Share :
મહર્ષિ ચ્યવનની કાયાપલટ

મહર્ષિ ચ્યવનની કાયાપલટ

359 Views

{slide=Maharshi Chyavan}

Sage Chyavan was son of Sage Bhrigu. Once, when he was performing penance on the banks of a beautiful lake, he saw Sukanya, daughter of King Sharyati. Sage Chyavan got attracted to her at first sight and desired her. However, Sage Chyavan was almost invisible as over a period of time, ants built their castle over his body. Only his eyes were visible. Sukanya, by sheer curiosity saw this mud laden statue and pushed a thorn in Sage’s eye. Sage Chyavan was in great pain. With his special powers, he cursed King’s army. When King Sharyati came to know about Sage Chyavan from Sukanya, he asked for forgiveness on Sukanya’s behalf. Sage Chyavan said he was ready to forgive only if king let his daughter marry him. King agreed to his terms and Sukanya got married to Sage Chyavan.
One day, when Sukanya returned from bathe, Ashwinikumars saw her. They were fascinated by her beauty, so they asked Sukanya to marry any one of them. Sukanya rejected their offer. Ashwinikumars offered to rejuvenate her husband, Sage Chyavan if she would yield to their proposal. Sage Chyavan consented her to accept the proposal. Sage Chyavan entered the lake along with Ashwinikumars. When they came out, they all looked same. Ashwinikumars then asked to identify her true husband. Sukanya identified Sage Chyavan. Ashwinikumars, thus tested her and rejuvenated her husband.
 

ભારતવર્ષના ભવ્ય ભૂતકાળમાં આધ્યાત્મિક અભ્યુત્થાનની સાથે સાથે આધિભૌતિક અભ્યુદય પણ પરાકાષ્ઠા પર પહોંચેલો એ હકીકત પ્રત્યેનો અંગુલિનિર્દેશ આપણે આગળ પર કરી લીધો છે. એની અનેક વિદ્યાઓમાંની એક વિદ્યા આયુર્વેદ વિકાસના કેટલા બધા અસાધારણ તબક્કા પર પહોંચી હતી અને એમાં પરમ નિષ્ણાત મનાતા કેવા આયુર્વેદાચાર્યો અસ્તિત્વ ધરાવતા એની ઝાંખી મહાભારતના કેટલાક પ્રસંગો દ્વારા કરી શકાય છે. મહર્ષિ ચ્યવનને પ્રાપ્ત થયેલા નવયૌવનનો પ્રસંગ એવો જ છે. એ પ્રસંગ દ્વારા અસાધારણ સામર્થ્યસંપન્ન આયુર્વેદાચાર્ય અશ્વિનીકુમારોનો પરિચય થાય છે.

મહર્ષિ ચ્યવન મહર્ષિ ભૃગુના સુપુત્ર હતા. એ એક દિવસ સરોવરના સુંદર શાંત તટ પર તપ કરવા લાગ્યા. તપની પ્રવૃત્તિમાં સુદીર્ઘ સમય પર્યંત સંલગ્ન રહેવાથી અને એક જ આસન પર એક સ્થળે બેસવાથી એમના શરીર પર માટીના થર જામી ગયા, લતાઓ ફેલાઇ ગઇ, અને કીડીઓએ દર બનાવ્યા. બાહ્ય જગતનું લેશ પણ ભાન ના હોવાથી એમને દેહાધ્યાસની નિવૃત્તિના પરિણામે એનું જ્ઞાન ના રહ્યું.

એ અદભુત અવસ્થામાં કેટલોક વખત વીતી ગયો ત્યારે સેના સહિત શિકાર માટે નીકળેલા રાજા શર્યાતિ એ સુંદર સરોવર પાસે આવી પહોંચ્યા. એમની સાથે એમની સ્ત્રીઓ અને રાજકન્યા સુકન્યા પણ હતી. સુકન્યા પોતાની સખીમંડળી સાથે અજ્ઞાતવસ્થામાં ક્રીડા કરતી મહર્ષિ ચ્યવનના તપસ્થળ પાસે પહોંચી ગઇ.

એણે માટીના થરની વચ્ચેથી મહર્ષિની તેજસ્વી આંખને જોઇ. એને સમજાયું નહિ કે એ શું છે. મહાભારતકારે જણાવ્યું કે એ પહેલાં વનમાં સુંદર ચિત્તાકર્ષક વસ્ત્રોને અને અદભુત આભૂષણોને પહેરીને વિહરતી સુકન્યાને નિરખીને દેહભાનમાં આવેલા મહર્ષિનું મન મોહિત થયું. એમણે એ સર્વાંગસુંદરી રાજકન્યાને બોલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એણે એમના ક્ષીણ સ્વરને ના સાંભળ્યો.

એ વર્ણન દ્વારા મહાભારતકારે સૂચવ્યું છે કે બહારથી દીર્ઘ તથા કઠોર તપ કરનારા મુનિના મનમાં પણ, જો એ સારી રીતે શુદ્ધ ના થયું હોય તો, મોહાદિ વિકારો જાગી શકે છે. મનની સંપૂર્ણ શુદ્ધિ તથા કાયાપલટ ના થાય ત્યાં સુધી કોઇને પરમપવિત્ર પ્રેમ નિર્લિપ્તતા અને શાંતિ નથી મળતી. એને માટે જીવનમાં પરમાત્માના પરમપવિત્ર પ્રેમ અથવા અલૌકિક અનુભવાત્મક આત્મજ્ઞાન દ્વારા સર્વાત્મભાવને જગાવવાની આવશ્યકતા છે. તો જ નિર્વિકાર બનાય, દૃષ્ટિ દૈવી બને, અને વ્યવહાર પણ વિશદ થાય.

સુકન્યાએ કુતૂહલવશ અને અજ્ઞાનથી પ્રેરાઇને મહર્ષિની તેજસ્વી આંખમાં કાંટાને ભોંકી દીધો. મહર્ષિની આંખ ફૂટી ગઇ. આંખ ફૂટી જવાથી એમની પીડાનો પાર રહ્યો નહીં. એમણે કુપિત બનીને રાજાની સેનાનાં મળમૂત્રને બંધ કરી દીધાં.

સૈનિકોને સંકટમાં સપડાયલા જોઇને રાજાએ શક્ય કારણની તપાસ કરી. સુકન્યાએ એમને ચિંતાતુર દેખીને વીતેલી વાત કહી બતાવી તેથી એ પેલા સરોવરસ્થળ પર પહોંચી ગયા. ત્યાં ચ્યવનઋષિનું દર્શન થયું.

રાજાએ એમની ક્ષમા માગી.

મહર્ષિએ કહ્યું કે તમારી કન્યાએ ઉન્માત્તાવસ્થામાં પડીને ઘોર અનાદરપૂર્વક મારી આંખનો નાશ કર્યો હોવાથી એ કન્યાને મેળવ્યા સિવાય મને શાંતિ નહિ થાય. મારા ક્રોધશમનનો બીજો કોઇ જ ઉપાય નથી.

રાજાએ વિશેષ વિચાર્યા વિના કે કોઇ પ્રકારની આનાકાની કર્યા વિના પોતાની સુપુત્રી સુકન્યાનું લગ્ન મહર્ષિ ચ્યવન સાથે કરી દીધું. સુકન્યાને પત્નીરૂપે પામીને મહર્ષિની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં. રાજાએ પોતાના સ્વસ્થ સૈનિકો સાથે નગર પ્રતિ પ્રયાણ કર્યું. સુકન્યા કોઇપણ પ્રકારના અસંતોષ વિના પતિની પ્રીતિ તથા નિષ્ઠાપૂર્વક સેવા કરવા લાગી.

માનવને ક્ષુબ્ધ, વિક્ષુબ્ધ, વિકારી અને અશાંત કોણ કરે છે ? એની આંખ ? ના. આંખથી જે અવલોકવાનું હતું તે પરમાત્માના પવિત્રતમ પ્રેમ પ્રતિબિંબને અવલોકવાને બદલે બીજું જ અવલોક્યું તો એ આંખ નષ્ટ થઇ તોપણ એની પાછળનું મન તો જીવતું જ રહ્યું. એને લીધે મુનિએ સુકન્યાની પૂર્વકામનાના અનુસંધાનમાં એની માગણી કરી. આંખ ફૂટી જાય એટલે વિકાર અને વાસના મટે છે એવું થોડું જ છે ? જેને માટે કામના થયેલી એ સુકન્યા દ્વારા જ આંખ ફૂટેલી. એ ઘટના આમ તો વૈરાગ્ય જગાવે એવી હતી. તોપણ ઋષિએ વૈરાગ્યવશ બનવાને બદલે એની જ કામના કરી. મનને મુક્તિ અને બંધનનું, શાંતિ અને અશાંતિનું, કારણ કહ્યું છે એ યથાર્થ જ છે. તપ આત્માના આલોક દ્વારા એ મનને મંગલ કરી શકે તો જ એની મહાનતા છે, એનું મૂલ્ય છે, નહિ તો એ અપૂર્ણ છે.

કથા આગળ ચાલે છે.

સુકન્યા એકવાર સરોવરમાં સ્નાન કરીને કિનારા પર ઊભેલી ત્યારે એને જોઇને દેવોના આયુર્વેદાચાર્ય અશ્વિનીકુમાર મોહિત બની ગયા. બંને અશ્વિનીકુમારે એને મહર્ષિ ચ્યવન જેવા વૃદ્ધ પુરુષને પરિત્યાગીને પોતાની સાથે આવવા જણાવ્યું પરંતુ સુકન્યાએ પતિભક્તિથી પ્રેરાઇને એમની માગણીનો અસ્વીકાર કર્યો. અશ્વિનીકુમારે મહર્ષિ ચ્યવનને સર્વાંગસુંદર અને નવયુવાન કરી દેવાની તૈયારી બતાવી. એમની શરત એવી હતી કે એ પછી સુકન્યાએ એમનામાંથી કોઇ એકની પતિ તરીકે પસંદગી કરવી.

સુકન્યાએ ચ્યવન ઋષિની અનુમતિથી એને માટે હા પાડી.

અશ્વિનીકુમારોની સૂચનાનુસાર મહર્ષિ ચ્યવને સરોવરમાં પ્રવેશ કર્યો. અશ્વિનીકુમારે એને વિલક્ષણ બનાવેલું. અશ્વિનીકુમાર પણ એમાં પ્રવેશ્યા. સ્વલ્પ સમય પછી એમાંથી દિવ્ય સ્વરૂપવાળા ત્રણ નવયૌવનવાળા એકસરખા પુરુષોએ બહાર આવીને પોતાની અંદરથી કોઇ એકને પતિ તરીકે પસંદ કરવા જણાવ્યું. મહર્ષિ ચ્યવનની સંપૂર્ણ કાયાપલટ થઇ ગયેલી. એમની અંધાવસ્થા અને વૃદ્ધાવસ્થા દૂર થયેલી છતાં પણ, સુકન્યાએ પોતાની પવિત્ર પતિભક્તિને લીધે એમને ઓળખી કાઢયા અને અપનાવ્યા.

એની નિષ્ઠા જોઇને અશ્વિનીકુમાર પ્રસન્ન થયા.

રાજા શર્યાતિને અશ્વિનીકુમારના અલૌકિક અનુગ્રહની અને સુપુત્રી સુકન્યાની શુદ્ધ સ્નેહસંયુત સેવાભાવનાની વાત સાંભળીને સ્વાભાવિક રીતે જ સંતોષ થયો.

અશ્વિનીકુમારની શરીરને સર્વાંગસુંદર બનાવવાની એ શક્તિ કેવી વિલક્ષણ હતી ? આધુનિક આયુર્વેદને અને વિજ્ઞાનને એવી અસામાન્ય શક્તિ પ્રાપ્તિની વાર છે. માનવને વૃદ્ધાવસ્થા તથા વ્યાધિમાંથી મુક્ત કરવા અને અજર અથવા અખંડ યૌવનવાન બનાવવાના એ મનોરથ સેવે છે, પ્રયોગો પણ કરે છે, તોપણ એની સિદ્ધિ હજુ દૂર દેખાય છે. અશ્વિનીકુમારમાં એવી શક્તિસિદ્ધિ હોવા છતાં સુકન્યા જેવી આત્મશુદ્ધિ નહોતી. માટે તો એમણે એનાથી મોહાઇને એની આગળ અનુચિત માગણી મૂકી. ભૌતિક અને આત્મિક ઉભયવિધ વિકાસનો સમન્વય સધાય તો તો કહેવું જ શું ? જીવન સાચા અર્થમાં સુખી, શાંત, સંપૂર્ણ, સાર્થક બની જાય.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *