મહર્ષિ કપિલનું વરદાન
By-Gujju19-05-2023
મહર્ષિ કપિલનું વરદાન
By Gujju19-05-2023
{slide=Maharshi Kapil’s boon}
King Sagar had two queens, Vaidarbhi and Shaikhya, but had no offspring to continue his lineage. Sagar performed penance at Mount Kailas and pleased Lord Shiva. Shiva told him that one of his queen would be blessed with sixty thousand sons but they would have untimely death; while his other queen would bear a son, who would continue his lineage. In due course of time, Vaidarbhi gave birth to sixty thousand sons and Shaikhya, another queen gave birth to Asamanjas. Vaidarbhi’s son were trouble makers and unruly. When King Sagar performed Ashwamegha yagna, they followed the yagna horse, and reached Sage Kapil’s place. They behaved improperly, faced wrath of Sage Kapil and got annihilated.
Asamanjas was also a trouble maker so he was banished from Sagar’s kingdom. But his son Anshuman was bit different. When he heard about annihilation of his sixty thousand brothers, he met and pleased Sage Kapil and brought back yagna horse as well as blessings for the life of his sixty thousand brothers. Sage Kapil told him that his grandson would bring down holy Ganges, which would make his brothers alive. After the death of Sagar, Anshuman and after Anshuman’s death, his son Dilip ruled his kingdom. Later, Dilip relegated his stately duties to his son, Bhagirath.
સગર રાજા.
ઇક્ષ્વાકુ વંશ.
સગર રાજાની વૈદર્ભી તથા શૈખ્યા નામની બે સૌન્દર્યવતી સ્ત્રીઓ.
એમને કોઇ સંતાન ના હોવાથી એમની ચિંતાનો પાર ન હતો.
રાજા સગરે પોતાની પ્રિય પત્નીઓ સાથે પુત્રપ્રાપ્તિની ઇચ્છાથી પ્રેરાઇને કૈલાસ પર્વતના પવિત્ર પ્રાણવાન પ્રશાંત પ્રદેશમાં પહોંચીને તપ કરવા માંડયું. કઠોર તપ.
એના પરિણામે આશુતોષ ભગવાન શંકરે દર્શન આપ્યું.
ભગવાન શંકરને પોતાની પત્નીઓ સાથે પ્રણામ કરીને રાજાએ મનોવાંછિત વરદાન આપવાની પ્રાર્થના કરી ત્યારે ભગવાન શંકરે કહ્યું કે તને તારી એક રાણીથી પરમ પરાક્રમી અને અતિશય અભિમાની સાઠ હજાર પુત્રો થશે. તેમનો એકસામટો નાશ થશે. બીજી રાણીથી એક જ પરંતુ સુપાત્ર, શૂરવીર, સત્કર્મપરાયણ સુપુત્ર થશે. તે વંશના વિસ્તાર માટે નિમિત્ત બનશે.
ભગવાન શંકરના અંતર્ધાન થયા પછી રાજા સગર, પોતાની પત્નીઓ સાથે પ્રસન્ન ચિત્તે પર્વત પરથી પાછો ફર્યો.
વખતના વીતવાની સાથે શૈખ્યાને અતિશય આકર્ષક સુંદર પુત્ર થયો.
વૈદર્ભીએ તૂમડાને જન્મ આપ્યો.
રાજા સગરે તૂમડાનો ત્યાગ કરવાનો વિચાર કર્યો ત્યારે આકાશવાણી સંભળાઇ કે તું તેવું સાહસ ના કરતો. તૂમડામાંથી બીજ કાઢીને એમને ઘીથી ભરેલા હૂંફાળા ઘડાઓમાં સાચવી રાખ. તેથી તને સાઠ હજાર પુત્રો થશે. મહાદેવનું વરદાન સંપૂર્ણ સાચું ઠરશે.
આકાશવાણીએ સૂચવ્યા પ્રમાણે સગર રાજાને સમય પર સાઠ હજાર પુત્રોની પ્રાપ્તિ થઇ.
એ સઘળા પુત્રો ભયંકર, કુકર્મપરાયણ અને વ્યોમમાં વિહરનારા હતા. એ સૌની અવજ્ઞા કરતા.
એ જ્યારે યુવાવસ્થામાં પ્રવેશ્યા ત્યારે સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞની દીક્ષા લીધી.
સગરપુત્રોથી સંતપ્ત પ્રજાજનો દેવો સાથે બ્રહ્માને શરણે જઇને એમની સહાયતા માટે પ્રાર્થવા લાગ્યા.
બ્રહ્માએ એમને આશ્વાસન આપતાં જણાવ્યું કે તમે તમારા સ્વસ્થાને પાછા ફરો. પોતાનાં કુકર્મોનાં પરિણામે સગરપુત્રોનો થોડા વખતમાં જ નાશ થશે.
એમની એ અમોઘ ભવિષ્યવાણીની પૂર્વભૂમિકારૂપે જ જાણે કે સગર રાજાના અસાધારણ અશ્વમેઘ યજ્ઞનો આરંભ થયો.
અશ્વમેઘ યજ્ઞનો સાઠ હજાર પુત્રોથી રક્ષાયેલો અશ્વ પૃથ્વી પર વિચરણ કરતો સુવિશાળ સમુદ્રતટે પહોંચીને એકાએક અદૃશ્ય થયો.
સગરે એને આકસ્મિક રીતે હરાયેલો અથવા અદૃશ્ય થયેલો જાણીને પોતાના પુત્રોને એની શોધખોળ માટે આદેશ આપ્યો એટલે એ સમસ્ત ભૂમંડળમાં, દિશાપ્રદિશામાં એની શોધ કરવા લાગ્યા.
એમની શોધ નિષ્ફળ ગઇ અને એ સઘળા પાછા ફર્યા તોપણ સગરે એમને પાછા મોકલ્યા.
ફરી વાર શોધ કરતાં એમણે ધરતીમાં એક ઠેકાણે ચિરાડ જોઇ.
એ ચિરાડને દેખીને એમણે સમુદ્રના ઇશાન ખૂણામાં આશાપૂર્વક ખોદવા માંડયું. તો છેવટે ત્યાં ધરાતલ પર એમણે અશ્વમેઘ યજ્ઞના એ અશ્વને ફરતો જોયો.
એ અશ્વની સમીપે પરમ તેજસ્વી તપોમૂર્તિ સ્વનામધન્ય મહર્ષિ કપિલને નિહાળ્યાં.
અશ્વને અવલોકીને એ આનંદમગ્ન બની ગયા. રોમાંચિત થયા.
પ્રારબ્ધથી પ્રેરાઇને, મહર્ષિ કપિલનો અનાદર કરીને, ખૂબ જ ક્રોધે ભરાઇને એ અશ્વને પકડવા માટે આગળ વધ્યા.
એમણે મહર્ષિ કપિલને ચોર સમજીને એમની સાથે દુર્વ્યવહાર કરીને એમનું અપમાન કર્યું.
પરમાત્માના પરમ કૃપાપાત્ર પ્રાતઃસ્મરણીય સંતપુરુષો પ્રત્યેનો દુર્વ્યવહાર કદી પણ કલ્યાણકારક નથી થતો. એવા પરમપ્રતાપી મહાપુરુષોનું અપમાન અનર્થકારક થઇ પડે છે. એમની અવહેલના અથવા અવજ્ઞા અમંગલ બને છે. એમનો આદર કરવામાં ના આવે તોપણ અનાદર તો ભૂલેચૂકે પણ ના કરાય એનું સદા ધ્યાન રાખવું જોઇએ. મહાભારતની આ કથા એવી ગર્ભિત શિક્ષા પૂરી પાડે છે.
સગરના સાઠ હજાર પુત્રોના દુર્વ્યવહારને દેખીને કપિલે સંપૂર્ણ સ્વસ્થતાપૂર્વક પોતાનાં નેત્રોને ઉઘાડ્યા. એમના નેત્રોમાંથી પ્રકાશના જે કિરણો પ્રગટયાં તે કુરણોના પ્રભાવથી સગરના સાઠ હજાર પુત્રો ક્ષણવારમાં જ બળીને ભસ્મીભૂત બની ગયા.
દેવર્ષિ નારદે એ સમસ્ત ઘટનાપ્રસંગના સમાચાર રાજા સગરને પહોંચાડ્યા ત્યારે સગરનું દિલ સ્વાભાવિક રીતે જ અતિશય દુઃખી બની ગયું.
એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી કેવી રીતે માર્ગ કાઢવો તેની સમજ એને ના પડી.
મહાભારતના વનપર્વની એ કથા એટલેથી અટક્યા વગર આગળ વધે છે.
રાજા સગરની શૈખ્યા નામની રાણી. એને અસમંજસ નામે પુત્ર. એનું જીવન અતિશય ઉપદ્રવકારક હોવાથી નગરજનોએ કંટાળીને તથા ત્રાસીને રાજાને ફરિયાદ કરી.
રાજાએ અમાત્યોની સાથે પરામર્શ કરીને એને નગર બહાર કાઢી મૂક્યો.
પોતાનો પુત્ર પણ જો વિપથગામી અને અન્યને માટે અનર્થકારક હોય તો એને દંડપાત્ર સમજવો જોઇએ એવી અદભૂત આદર્શ શાસનપરંપરા એ વખતે પ્રવર્તમાન હતી.
એ અનર્થકારક અસમંજસનો પુત્ર અંશુમાન ગુણ તથા કર્મે અસમંજસ કરતાં સારો હતો.
એણે સગર પાસેથી યજ્ઞની, યજ્ઞના અશ્વની, મહર્ષિ કપિલની, અને એમની દ્વારા ભસ્મીભૂત થયેલા સગરના સાઠ હજાર પુત્રોના નાશની કથા સાંભળીને વ્યથાને અનુભવીને મહર્ષિ કપિલના દેવદુર્લભ દર્શન માટે પ્રયાણ કર્યું.
એનો પ્રાણ પોતાના પિતૃઓના પરિત્રાણની પ્રેરણાથી પ્રેરાયેલો.
મહર્ષિ કપિલ પાસે પહોંચીને એણે એમનું અને અશ્વનું અવલોકન કર્યું.
મહર્ષિ કપિલને પરમ પૂજ્યભાવે પ્રણામ કર્યા એટલે એના વિનયપૂર્ણ વ્યવહારથી પ્રસન્ન બનીને મહર્ષિએ એને આશીર્વાદ આપીને વરદાન માગવા માટે જણાવ્યું ત્યારે એણે પોતાના પૂર્વજોના પરિત્રાણ માટે પ્રાર્થના કરી.
એણે પ્રથમ વરદાનમાં યજ્ઞકાર્યને પરિપૂર્ણ કરવાના પ્રયોજનથી પ્રેરાઇને યજ્ઞના અશ્વની માગણી કરી; અને બીજા વરદાનમાં પિતૃઓના પરિત્રાણને માગી લીધું.
મહર્ષિ કપિલે બંને વરદાન માટે અનુમતિ આપીને જણાવ્યું કે તારી માગણીને હું માન્ય રાખું છું. તારી અંદર ધર્મ, ક્ષમા તથા સત્ય છે. તારે લીધે રાજા સગર કૃતાર્થ છે. તારા પ્રભાવથી સગરપુત્રો સ્વર્ગમાં પ્રવેશશે અને એમનો સમુદ્ધાર થશે. તારો પૌત્ર મહાદેવને પ્રસન્ન કરીને સગરપુત્રોના સમુદ્ધાર માટે સ્વર્ગમાંથી ગંગાને પૃથ્વી પર વહેતી કરશે. તું યજ્ઞના અશ્વને લઇ જા અને રાજા સગરે આરંભેલા પવિત્ર યજ્ઞને પૂર્ણ કર.
એ શબ્દોના શ્રવણથી અંશુમાનને શાંતિ થઇ.
એટલા માટે જ કદાચ કહેવામાં આવ્યું છે કે મહાપુરુષોનો કોપ કલ્યાણકારક હોય છે. એમનો અભિશાપ પણ આશીર્વાદરૂપ ઠરે છે. એમની પ્રવૃત્તિ સમજાય કે ના સમજાય તોપણ સદાને સારુ શ્રેયસ્કર બને છે. મહર્ષિ કપિલના સંબંધમાં એવું જ થયું એથી એમને માટે અંશુમાનનો આદરભાવ વધી ગયો. એને અતિશય આનંદ થયો.
યજ્ઞના અશ્વને લઇને અંશુમાન સગર રાજાના યજ્ઞસ્થાને પહોંચ્યો. અંશુમાનની પુરુષાર્થકથાને સાંભળીને સગરનું દુઃખ કાંઇક અંશે હળવું બન્યું. અંશુમાનને સમુચિત રીતે સન્માનીને એણે યજ્ઞકર્મની પરિસમાપ્તિ કરી.
યજ્ઞકર્મની સુખદ પરિસમાપ્તિ થતાં દેવોએ સગરનું સવિશેષ સ્વાગત કર્યું.
સગર રાજાએ સુદીર્ઘ સમય સુધી સૂખપૂર્વક શાસન કર્યું.
એના પછી અંશુમાન રાજા બન્યો.
અંશુમાનના અવસાન પછી એના પુત્ર દિલીપને રાજ્ય મળ્યું.
દિલીપે પોતાના પિતૃઓની સદગતિને લક્ષમાં રાખીને, મહર્ષિ કપિલના વરદાનની વાતને યાદ રાખીને, ગંગાને પૃથ્વી પર ઉતારવાનો પ્રખર પ્રયત્ન કર્યો, પરંતુ એ પ્રયત્ન સફળ થયો નહી.
એનો પુત્ર ભગીરથ સત્યનિષ્ઠ, ધર્મપરાયણ, સદાચારી તથા સાત્વિક હતો. એનો રાજ્યભિષેક કરીને દિલીપે પરંપરાગત પ્રથા પ્રમાણે વનના એકાંત શાંત પવિત્ર પ્રદેશમાં પ્રવેશ કર્યો.
પોતાના સર્વોત્મ જ્યોતિર્મય જીવનવ્યવહારથી રાજા ભગીરથે પ્રજાજનોનાં હૃદયને જીતી લીધાં. પોતાના પૂર્વજોની દુર્ગતિ વિશે સાંભળીને એની પીડાનો પાર રહ્યો નહીં. દિવસોના મનોમંથન પછી પોતાના પૂર્વજોના પરિત્રાણ માટે, મંત્રીઓને રાજ્યના શાસનની જવાબદારી સોંપીને, એણે હિમાલય પવિત્ર પ્રદેશમાં તપ કરવા માટે પ્રયાણ કર્યું.