Friday, 18 October, 2024

મહર્ષિ વ્યાસની દિવ્ય શક્તિ

333 Views
Share :
મહર્ષિ વ્યાસની દિવ્ય શક્તિ

મહર્ષિ વ્યાસની દિવ્ય શક્તિ

333 Views

{slide=Sage Vyasa’s exceptional power}

Sage Vyas was blessed with exceptional powers. In Mahabharat, we come across some of them. Sage Vyas offered Dhritarastra divine vision so that he could watch the battle in spite of being blind. However, Dhritarastra negated Sage Vyas’s offer. He instead, opted for its live commentary so Sage Vyas gave divine vision to Sanjay, who narrated about the Mahabharat war to Dhritarastra.

Sage Vyas himself was blessed with such exceptional powers but moreover he could grant such powers to others! When Sage Vyas offered divine vision to Sanjay, he clarified that with his divine vision, Sanjay would be able to see everything, nothing would remain hide from him. Sanjay would know about every action no matter where and when it would  happen. Sage Vyas also foretold Dhritarastra that the impending war would be destructive and would cause complete annihilation of Kauravas. Sage Vyas could see streams of blood on the battlefield well before it even began ! He, along with Lord Krishna, were blessed with extraordinary powers yet they could do nothing to stop the war. That’s a fact.

તપશ્ચર્યાના એકધારા અનુષ્ઠાનથી અથવા આત્મવિકાસની સાધનાના સર્વોત્તમ સુમેરુ શિખર સર કરવાથી માનવની મહામૂલ્યવાન સુષુપ્ત શક્તિઓ ખીલી ઉઠે છે.

એ શક્તિઓના ઓછાવત્તા પરિચયમાં આવનારા એમના શ્રવણ, સ્મરણ અને અનુભવથી આશ્ચર્યચક્તિ અથવા મંત્રમુગ્ધ બને છે.

એવી અસાધારણ શક્તિઓ કોઇની પાસે હોઇ શકે કે કેમ તે સંબંધી સંભ્રમમાં પણ પડે છે.

એવી અસાધારણ શક્તિઓનું વર્ણન ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યું છે અને મહાપુરુષોના જીવનમાં પણ જોવા મળે છે.

દૂરનાં દૃશ્યોને દેખી શકાય, દૂરના શબ્દોને સાંભળી શકાય, અને પોતાના સંદેશને દૂર-સુદૂર સુધી પહોંચાડી કે સંભળાવી શકાય, એવી શક્યતાને સાર્થક કરતી અથવા વાસ્તવિક ઠરાવતી ટેલિવિઝનની, ટેલિફોનની તથા ટેલિગ્રામની શોધ કરીને વિજ્ઞાને શક્તિની સંપ્રાપ્તિની એ દિશામાં રહેલી શક્યતા પ્રત્યે અંગુલિનિર્દેશ કરી બતાવ્યો છે.

જે બાહ્ય સાધનોની સહાયતાથી સાધી શકાય તેની સિદ્ધિ અંતરંગ સાધનાત્મક અભ્યાસક્રમની મદદથી પણ થઇ શકે. એમાં ના માનવા જેવું કશું નથી.

મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે મહર્ષિ વ્યાસ એવી સવિશેષ શક્તિથી સંપન્ન હતા.

એથી આગળ વધીને કહીએ તો કહી શકાય કે એમની શક્તિ એથી પણ અધિક હતી.

એ બીજાને એવી વિશિષ્ટ શક્તિથી સંપન્ન કરી શકતા.

માનવે – કોઇ પણ મહામાનવે સ્વયં શક્તિથી સંપન્ન થવું એ એક વાત છે અને અન્યને અનુગ્રહથી અથવા આશીર્વાદથી એ શક્તિથી સંપન્ન બનાવવા એ બીજી જ વાત છે.

એ વસ્તુ સૌમાં જોવા નથી મળતી.

મહર્ષિ વ્યાસની એવી અલૌકિક આત્મશક્તિનો ઉલ્લેખ મહાભારતના ભીષ્મપર્વના પ્રારંભમાં સારી રીતે કરવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે

સર્વ વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ, સત્યવતીના સુપુત્ર, ભગવાન મહર્ષિ વ્યાસે પૂર્વ તથા પશ્ચિમ દિશામાં ઊભેલાં સૈન્યોને જોયાં.

ततः पूर्वापरे सैन्ये समीक्ष्य भगवाननृषिः ।
सर्ववेदविदां श्रेष्ठो व्यासः सत्यवतीसुतः  ॥ અધ્યાય 2, શ્લોક 1

ભૂત, વર્તમાન તથા ભવિષ્યને જાણનારા મહર્ષિ વ્યાસ ભાવિ મહાસંગ્રામમાં થનારા ઘોર વિનાશને વિલોકવા લાગ્યા.

એમણે પોતાના પુત્રોના-ખાસ કરીને દુર્યોઘનના અસાધારણ અનર્થકારક અન્યાયને વિચારી રહેલા, શોકમાં મગ્ન બનેલા, દુઃખી થયેલા ધૃતરાષ્ટ્રને એકાંતમાં જણાવ્યું કે તારા પુત્રો તથા બીજા રાજાઓ કાળથી ઘેરાઇ ગયા છે. એકબીજાની સામે યુદ્ધે ચઢીને તે સર્વસંહારની મહાભયંકર અતૃપ્ત અગ્નિજ્વાળાને જગાવી બેઠા છે. એમના વિનાશને વિચારીને કાળની ગતિ બદલાઇ છે અને વિપરીત છે એવું સમજીને તું શોક ના કરીશ.

તું જો સંગ્રામને જોવા ઇચ્છતો હોય તો હું તને દૈવી દૃષ્ટિદાન કરું છું. તેની મદદથી ત્યાં ચાલી રહેલા યુદ્ધને પ્રત્યક્ષ પેખી શકાશે.  

ધૃતરાષ્ટ્રે કહ્યું કે સગાવહાલાના વધને જોવાની મને રુચિ નથી એટલે મારે દિવ્ય દૃષ્ટિ નથી જોઇતી. તમારા તેજના પ્રભાવથી હું એ યુદ્ધના સમાચારને સાંભળવાની ઇચ્છા રાખું છું.

ધૃતરાષ્ટ્રે એ રીતે યુદ્ધને જોવાની અનિચ્છા બતાવી, અને તેને સાંભળવા માટે ઇચ્છા કરી ત્યારે વરદાન આપવામાં સમર્થ મહર્ષિ વ્યાસે સંજયને અમોઘ આશીર્વાદ આપ્યો અને અલૌકિક વરદાન પ્રદાન કર્યું.

એમણે સ્પષ્ટીકરણ કર્યું કે સંજય તને યુદ્ધના સર્વ સમાચારો સંભળાવશે. સમગ્ર સંગ્રામમાં એને એકે વાત પરોક્ષ રહેશે નહીં. હે રાજન્ ! સંજયને દિવ્યદૃષ્ટિ રહેશે. તે સર્વજ્ઞ થશે. અને તે તને યુદ્ધનો સર્વ વૃતાંત કહેશે. ખુલ્લામાં થયું હશે કે ખાનગીમાં થયું હશે, દિવસે થયું હશે કે રાતે થયું હશે; અરે માત્ર મનમાં જ ધાર્યું હશે; એ બધું જ સંજય જાણી લેશે. સંજયને કોઇ શસ્ત્રો છેદી ના શકશે. કોઇ શ્રમ પણ બાધા ના કરી શકશે. યુદ્ધમાંથી એ જીવતો છૂટી આવશે. હું સર્વ કૌરવ-પાંડવોના કિર્તિગાનને વિસ્તારીશ. તું શોક કરીશ નહીં. એ થવા કાળ છે એનો શોક કરવો યોગ્ય નથી. વળી તે ટાળ્યું ટળે એમ નથી. જ્યાં ધર્મ હશે ત્યાં જ વિજય રહેશે.

કુરુઓના પ્રપિતામહ મહાભાગ્યવંતા વ્યાસ ભગવાને ધૃતરાષ્ટ્રને એ પ્રમાણે કહ્યું અને જણાવ્યું કે આ યુદ્ધમાં મહાસંહાર થશે. કેમકે હું અહીં એવાં ભયંકર ચિન્હોને જોઇ રહ્યો છું. બાજો, ગીધો, કાગડાઓ, કંકો અને બગલાઓ ઝાડની ટોચો ઉપર ઊતરે છે, અને ટોળાબંધ જમાવ કરે છે. યુદ્ધથી આનંદમાં આવેલાં એ પક્ષીઓ રણભૂમિ તરફ ટાંપ્યા કરે છે. તેથી માંસાહારી પ્રાણીઓ, હાથીઓ અને ઘોડાઓના માંસો ખાશે જ ખાશે. ભયંકર અને ભયસૂચક કંક પક્ષીઓ ચીરી નાખતી ચિચિયારીઓ કરે છે તથા રણભૂમિની વચ્ચે થઇને દક્ષિણ દિશા તરફ ચાલ્યા જાય છે. પૂર્વપશ્ચિમના બન્ને સંધ્યાકાળે, સૂર્યના ઉદય અને અસ્તની વેળાએ, હું સૂર્યને માથા વિનાના ધડોથી ઘેરાયેલો જોંઉ છું. એ સંધ્યા સમયે શ્વેત, રક્ત અને કૃષ્ણ એમ ત્રણ વર્ણવાળાં વીજળીભર્યા કૂંડાળા સૂર્યને આવરી રહ્યા છે. તિથિક્ષયના યોગવાળી અમાસે મેં સૂર્ય-ચંદ્રના સંયોગવાળા નક્ષત્રને રાત-દિવસ પાપગ્રહથી ઘેરાયેલું જોયું છે; અને તે ભયકારક થશે. અનેક શૂરવીર રાજપુત્રો, રાજાઓ, અને પૃથ્વીનાથો કપાઇને ભૂમિને આવરીને પથારી કરશે.

પૃથ્વી હજારો પૃથ્વીપાલોનાં લોહીનું પાલન કરશે.

મારા કથનને સાંભળીને તમે એવો સમયોચિત વ્યવસાય કરો કે જેથી આ સમસ્ત લોક નાશ પામે નહીં.

આપણને વિચાર થાય કે એવી અલૌકિક આત્મશક્તિથી સંપન્ન મહર્ષિ વ્યાસ અને ભગવાન કૃષ્ણ પણ મહાભારતના મહા ભયંકર યુદ્ધને નિવારી શક્યા નહીં. પરંતુ એ જ સૂચવે છે કે કાળનું કારણ છે. માનવનાં કર્મો તેના સુખદુઃખના કારણ બને છે એ જો સુધરવા ના માગે તો એને કોઇ સુધારી ના શકે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *