Sunday, 22 December, 2024

મહર્ષિ વ્યાસનો જન્મ

336 Views
Share :
મહર્ષિ વ્યાસનો જન્મ

મહર્ષિ વ્યાસનો જન્મ

336 Views

Once Parasar, grandson of Vasistha, went  on a pilgrimage. En route, he had to cross a river. Parasar was fascinated by Matsyagandha, daughter of a fisherman, who rowed the boat. He desired her but Matsyagandha was in two minds as they were inside a boat and others can still see them from distance. Parasar, with his yogic abilities, at once created mist. Parasar also granted her a boon that ugly smell (common to fisherwomen) from her body will disappear and a divine smell will come from her body.

Later, a son was born to them, who became known as Ved Vyasa (as he sequenced and divided Vedas). Since he was born on dweep (island), he also became known as Dwaipayan.

વિશ્વમાં જેનો જોટો જડે તેમ નથી એવા એક લાખ જેટલા શ્લોકવાળા અનોખા મહાભારત ગ્રંથના કર્તા મહર્ષિ વ્યાસનો જન્મ કેવી રીતે થયેલો તે જાણો છો ? એ કથા પણ જાણવા જેવી છે.

શાસ્ત્રો અને સંતપુરુષોએ જેમની અસાધારણ શક્તિ તથા બુદ્ધિપ્રતિભાને જોઇને જેમને ઇશ્વરના લોકકલ્યાણ માટે પ્રકટનારા મુખ્ય એવા ચોવીસ અવતારોમાંના એક કહીને અંજલિ આપી એ મહાપુરુષનો આવિર્ભાવ કેવા અસાધારણ સંજોગોમાં અને કેટલી બધી રહસ્યમય રીતે થયો હતો તે પણ જાણવા જેવું છે.

વ્યાસના પિતા પરાશર. એટલે જ વ્યાસને ‘પારાશર્ય’ પણ કહેવામાં આવે છે.

એ પરાશર મુનિ એક વાર તીર્થયાત્રા કરવા નીકળ્યા હતા, ત્યારે એક ધન્ય ઘડીએ એમણે મત્સ્યગંધાને જોઇ. તે પોતાના પિતાની સેવા માટે નાવ ચલાવતી’તી.

એ અત્યંત રૂપવતી, સુમધુર સ્મિતવાળી, ને સિદ્ધોના મનને પણ મંત્રમુગ્ધ ને મોહિત કરે તેવી હતી. મુનિ એને જોઇ મોહિત થઇ ગયા. એમણે એની માગણી કરી.

મત્સ્યગંધાએ શાંતિપૂર્વક સુધામય સ્વરમાં કહેવા માંડ્યું : ‘ મુનિવર ! તમે નથી જોતા કે નદીને કાંઠે ઋષિઓ છે ? એમનાં દેખતાં આપનો સમાગમ કેવી રીતે થઇ શકે ? હું તમારી ઇચ્છા કેવી રીતે પૂરી કરી શકું ? ‘

પરાશર મુનિએ એના પ્રત્યુત્તરમાં, પોતાની અજબ યોગશક્તિની મદદથી, ચારે તરફ ધુમ્મસ પેદા કર્યું એથી આજુબાજુ બધે અંધારું ફરી વળ્યું.

એનું અવલોકન કરીને કન્યા આશ્ચર્યચકિત થઇ ગઇ તથા શરમાઇ ગઇ. એને ખબર ના પડી કે હવે શું કરવું ?

મુનિની શક્તિ અપ્રતિમ હતી; અને આવા મહામહિમાવાન, મેઘાવી મુનિની માગણીને પાછી ઠેલવી એ એને જરા અટપટું લાગ્યું.

પોતાની કામનાની તૃપ્તિ ના થવાથી મુનિ રોષે ભરાઇને શાપ આપી દે તો ? એ પ્રશ્ન પણ વિચારવાનો હતો. છતાં એણે શાંતિથી કહ્યું : ‘તમારી કામના પૂરી કરવાથી મારા કન્યાભાવને દોષ લાગે. એ અવસ્થામાં મારાથી કેવી રીતે જીવી શકાય અને ઘેર પણ કેવી રીતે જઇ શકાય ? આ વાતનો તમે તટસ્થ રીતે ને શાંતિપૂર્વક વિચાર કરો એવી મારી પ્રાર્થના છે.’

મુનિએ કહ્યું : ‘મારી કૃપાથી તારા કન્યાભાવને દોષ નહી લાગે તેની હું તને ખાતરી આપું છું. હું તારા પર પ્રસન્ન છું. તું મારી પાસે વરદાન માગી લે.’

મત્સ્યગંધાના શરીરમાંથી માછલાં જેવી દુર્ગંધ આવતી હતી. તે દૂર થાય ને પોતાનું શરીર સુવાસિત બની જાય એવું એણે વરદાન માગ્યું.

મુનિએ પોતાના લોકોત્તર તપોબળથી એની મનોકામના પૂરી કરી. મત્સ્યગંધા અદભૂત સૌરભથી સંપન્ન બની. તેથી એ ગંધવતીના નામથી પણ ઓળખાવા માંડી.

એવી રીતે યમુનાદ્વીપમાં મહર્ષિ વ્યાસનો જન્મ થયો.

મુનિ પરાશર પોતાના આશ્રમે ગયા. અને થોડાક મોટા થતાં વ્યાસ પણ તપશ્ચર્યા કરવા વિદાય થયા.

મહર્ષિ વ્યાસ દ્વીપમાં જન્મ્યા હોવાથી દ્વૈપાયન કહેવાયા. ધર્મનો હ્રાસ થતો જોઇને તથા યુગદશાનો વિચાર કરીને, તે મહાપુરુષે વેદોનો વ્યાસ અથવા તો શાખાવિભાગ કર્યો તેથી તે ‘વ્યાસ’ પણ કહેવાયા.

વ્યાસજીનો જન્મ આવી અદભુત રીતે મત્સ્યગંધા અથવા સત્યવતીના સંયોગથી થયો છે. છતાં એ પ્રસંગને લક્ષ્ય કરીને શાસ્ત્રોમાં ક્યાંય એમની કે એમના પિતા પરાશરની ટીકા કરવામાં નથી આવી કે એમને હલકી મનોવૃત્તિને વશ થઇને નિંદાપાત્ર ગણવામાં નથી આવ્યા. એ કાંઇ જેવી તેવી વાત છે કે ?

એ શું બતાવે છે ? એ જ કે એ જમાનામાં લોકો વિશેષ કરીને ગુણાનુરાગી હતા, અને નિરર્થક ચર્ચાવિચારણાને વ્યક્તિગત આક્ષેપોથી દૂર રહીને મહાપુરુષોની પ્રશસ્તિ કરવામાં માનતા હતા. સર્વશ્રેષ્ઠ મનાતા મહાપુરુષોની મહાનતાને અંજલિ આપવી એ જ સૌનું કર્તવ્ય હતું. લોકોમાં એટલી વિશાળતા હતી. મહર્ષિ વ્યાસ કે મુનિ પરાશરની મહાનતાની પ્રસ્થાપનામાં એ વાત કદી પણ વચ્ચે નથી આવી એ ખાસ યાદ રાખવા જેવું છે.

એક બીજી વાતનો નિર્દેશ પણ નાનકડી કથામાંથી આપોઆપ મળી રહે છે. એ નિર્દેશ છે મુનિ પરાશરની અસાધારણ શક્તિનો. એમની શક્તિ કેટલી બધી અસામાન્ય-અદભુત હતી ? એના વિના ચારે તરફ ધુમ્મસ પાથરીને મત્સ્યગંધાને એ દૈવી પરિમલનું પ્રદાન ભાગ્યે જ કરી શક્યા હોત. તુલસીદાસે રામાયણમાં ‘સમરથકો નહિ દોષ ગોસાંઇ’ કહ્યું છે તે તેમના જેવા શક્તિશાળી સંતપુરુષોના જ સંબંધમાં ને ?

એ ઉપરાંત, વિશેષ વિચારણીય એવી એક ત્રીજી વાત પણ છે.

મુનિ પરાશર આટલા બધા દૈવી શક્તિસંપન્ન, વિદ્વાન, તપસ્વી પુરુષ હોવાં છતાં મત્સ્યગંધાને જોઇને મોહિત થઇને તેની સાથે શરીરસંબંધની કામના કરી બેઠા, એ એમની નિર્બળતા કે અલ્પતા હતી એવું ના માની શકાય. એવા મહાવિવેકી, સાધનારત મુનિવર એવી રીતે હાલતાંચાલતાં કામવશ કે કામુક બની જાય એવું ના કહી શકાય. એવું માનીને કે કહીને, બે ડગલાં આગળ વધીને એવા નિર્ણય પર પણ ના પહોંચાય કે પરાશર મુનિ જેવા પણ સ્ત્રીને જોઇને કામુક બની ગયા તો આપણે બની જઇએ એમાં શી નવાઇ ? એમાં શું અજુગતું ? ના, ના. એવો ઉતાવળિયો અર્થ વગરનો દાખલો ના લેવાય. પરાશર મુનિ કે કોઇક બીજા મુનિ, ઋષિ કે તપસ્વી મોહિત થઇને ભાન ભૂલ્યા હોય તોપણ, એ ઉદાહરણોને આદર્શ માનીને બીજાએ એ માર્ગે જવાની અથવા તો એમની નકલ કરવાની જરૂર નથી. જીવનનો ઉચ્ચતમ આદર્શ તો શુદ્ધિ તથા સંયમનો હોઇ શકે, અને એ જ આદર્શ આશીર્વાદરૂપ કે શ્રેયકર થઇ શકે.

પરાશર મુનિ મત્સ્યગંધાને જોઇને ભાન ભૂલ્યા કે અંધ બન્યા એવું માનવાને કોઇ કારણ નથી. ઊલટું, એ તો સંપૂર્ણ સ્વસ્થ હતા, વિવેકી હતા, ને શાંત હતા, એવી છાપ એમના વ્યવહારથી સહેજે પડે છે. માટે તો એમણે મત્સ્યગંધા પર કોઇ પ્રકારનું આક્રમણ ના કર્યું, પરંતુ એને સમજાવી, એની ઇચ્છાનુસાર એને લાભ પહોંચાડી, એની સંમતિ મેળવીને જ જે કરવાનું હતું તે કર્યું. એ વિષયલોલુપ તો હતા જ નહિ. એટલે તો મત્સ્યાગંધાને એટલી સહેલાઇથી છોડીને તપ કરવા ચાલી નીકળ્યા. જો કોઇ વિષયાંધ વ્યક્તિ હોત તો એવું ના કરી શકત. એ તો મત્સ્યગંધાની સંમતિની પ્રતીક્ષા જ ના કરત, એની સંમતિને વજનદાર ના ગણત, એકપક્ષીય રીતે પોતાનું મનમાન્યું કરત, અને મનમાન્યું કર્યા પછી પણ મત્સ્યગંધાનો ત્યાગ કરત, અને મત્સ્યગંધાની વિદાયમાં પણ વ્યવધાન નાખત. સંસારમાં વિષયી જીવોના જીવનમાં આવું બધું જોવા મળે છે. પરંતુ પરાશરના સંબંધમાં એવું કશું નથી દેખાતું એ શું બતાવે છે ? એ જ કે પરાશર એવા પામર વિષયી જીવ ન હતા. એ યોગી હતા, જ્ઞાની હતા, તપસ્વી હતા, સંયમી તથા શુદ્ધ હતા, ને સિદ્ધ હતા.

તો પછી એમણે મત્સ્યગંધાની સાથે સંબંધ કેમ કર્યો ? એ પ્રશ્ન સ્વભાવિક રીતે જ ઊભો થાય છે. પારસ્પરિક સંમતિથી, પવિત્ર પ્રેમભાવથી પ્રેરાઇને થનારો, સ્ત્રીપુરુષનો એવો સંબંધ એ વખતે અમંગલ કે મલિન નહોતો મનાતો. અધ્યાત્મિક વિકાસમાં માનનારી વ્યક્તિઓ માટે પણ. એ એનો એક જવાબ. અને બીજો જવાબ એ કે પરાશર મુનિ પરમ તપસ્વી તથા ક્રાંતદર્શી હતા. પોતાની તપઃપૂત, સહજપ્રાપ્ત દૈવી દૃષ્ટિથી ભવિષ્યમાં ડોકિયું કરી એમણે જોઇ લીધું હોવું જોઇએ કે પોતાની સાથેના સત્યવતીના સ્નેહસંબંધને પરિણામે આખી અવની માટે આશીર્વાદરૂપ એક પરમપ્રતાપી, પ્રતિભાસંપન્ન મહાપુરુષનો જન્મ થવાનો છે. પોતે એમાં નિમિત્તરૂપ બનવાનું છે. ઇશ્વરના એ વિધાનને ઓળખીને એમણે એને શાંતિપૂર્વક વધાવી લીધું અને અલિપ્તભાવે પોતાનું કર્તવ્ય પુરું કર્યું.

એવી વિશાળ દૃષ્ટિથી વિચારીએ તો જ એ પ્રસંગને ન્યાય કરી શકીએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *