Sunday, 22 December, 2024

મહર્ષિઓ સમાચાર પહોંચાડે છે

335 Views
Share :
મહર્ષિઓ સમાચાર પહોંચાડે છે

મહર્ષિઓ સમાચાર પહોંચાડે છે

335 Views

When Pandu died in the forest due to the curse of Sage Kindam, Sages in the surrounding area got together and decided on how to take the dead bodies of Pandu and Madri to Hastinapur for final rites. Sages accompanied young Pandavas along with Kunti to Hastinapur. Sages introduced Pandavas to the people of Hanstinapur, Bhishma and Dhritarastra. When people of Hastinapur came to know about these princes, they gave them a warm welcome. Hastinapur’s happiness knew no bounds. However, when they came to know about Pandu and Madri’s death in the forest, Hastinapur’s happiness turned into sorrow.

At Dhritarastra’s command, Bhishma counseled Vidur on the performance of the final rites of Pandu. With a heavy heart, Hastinapur bade farewell to their former King. With the arrival of Pandavas in Hastinapur, a new chapter began.

પાંડુનું મૃત્યુ થયા પછી મંત્રવેત્તા મહર્ષિઓએ એકઠા થઇને અંદર અંદર મંત્રણા કરીને, પાંડવોને લઇને વિના વિલંબ હસ્તિનાપુર પહોંચવાનો અને પાંડવોને ભીષ્મ તથા ધૃતરાષ્ટ્રને સોંપવાનો નિર્ણય કર્યો.

એ નિર્ણયને અનુસરીને મહાન તપસ્વીઓ તથા દિવ્ય મહર્ષિઓએ કુંતી, પાંડવો અને પાંડુ તેમજ માદ્રીના દેહાવશેષો સાથે હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું.

હસ્તિનાપુરમાં પહોંચીને એમણે દ્વારપાલ દ્વારા રાજાને પોતાના, કુંતીના ને પાંડવોના શુભાગમનના સમાચાર મોકલ્યા.

હજારો ચારણો અને મહર્ષિઓનું એવી રીતે એકાએક આગમન થયેલું જાણીને જનતાના વિવિધ વર્ગોને અસાધારણ આશ્ચર્ય થયું.

સૂર્યોદય થતાં સૌ તેમના દેવદુર્લભ દર્શન અને સત્કાર માટે બહાર નીકળ્યા.

ભીષ્મ, વિદુર, ધૃતરાષ્ટ્ર, દુર્યોધનાદિ કૌરવો, સત્યવતી, ગાંધારી અને નગરજનોએ અતિશય આનંદમગ્ન બનીને એ પરમપ્રતાપી પવિત્રતાની પ્રતિમા જેવા મહર્ષિઓના ચરણકમળમાં પરમ પૂજ્યભાવે નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા.

ભીષ્મે તે તપઃપૂત માંગલ્યમૂર્તિ મહર્ષિઓનું વિધિપૂર્વક પૂજન કરીને એમની આગળ રાજ્યસંબંધી નિવેદન કર્યું.

જટા અને મૃગચર્મને ધારણ કરનારા એક સૌથી વિશેષ વૃદ્ધ મહર્ષિએ સર્વે મહર્ષિઓ તરફથી પાંડુ તથા માદ્રીના શરીરત્યાગના સમાચાર કહ્યા અને પાંડવોનો  પરિચય પ્રદાન કર્યો.

“કૌરવોના વંશજ નરાધીશ પાંડુ કામોપભોગને છોડીને અહીંથી શતશૃંગ પર્વત પર ગયેલા. બ્રહ્મચર્યવ્રતપરાયણ તેમને દિવ્ય મંત્ર દ્વારા ધર્મરાજથી આ યુધિષ્ઠિર નામે પુત્ર થયો છે. વાયુદેવે ભીમ નામે મહાબળવાન પુત્ર આપ્યો છે. ઇન્દ્રથી કુંતીમાં અર્જુન જન્મ્યો છે, અને અશ્વિનીકુમારોના અનુગ્રહથી માદ્રીએ મહાધનુર્ધારી પુરુષસિંહ સરખા નકુલ-સહદેવને જન્મ આપ્યો છે. સદા ધર્મપરાયણ રહીને વનવાસને અનુભવતા પાંડુએ એવી રીતે પોતાના વિનાશ પામતા વંશને ઉગાર્યો કે ઉદ્ધાર્યો છે. સંતોની વૃત્તિમાં રહેતા પુત્રલાભ પામેલા પાંડુરાજાનો આજથી સત્તરમા દિવસે સ્વર્ગવાસ થયો છે. પતિવ્રતા માદ્રીએ પતિની પાછળ પાવક પ્રવેશ કર્યો છે. આ એમના સ્થૂળ શરીરના અવશેષો છે. એમની સુયોગ્ય અને શાસ્ત્રોક્ત રીતે ઉત્તરક્રિયા કરીને તમારા કર્તવ્યના અનુષ્ઠાનનો સંતોષ અનુભવો.”

પાંડુ તથા માદ્રીના મૃત્યુ સમાચારથી સૌ કોઇ દુઃખી બન્યા ને સ્વાભાવિક રીતે જ શોક કરવા લાગ્યા.

એ સમાચારથી સૌને માટે વજ્રપાત સમાન ભયંકર અથવા અસહ્ય થઇ પડ્યા.

મંત્રવેત્તા મહર્ષિઓ પોતાનું કાર્ય પૂર્ણ કરીને ત્યાંથી વિદાય થયા.

ધૃતરાષ્ટ્રની સૂચનાથી વિદૂરે ભીષ્મની સાથે રહીને પાંડુ તથા માદ્રીની ઉત્તરક્રિયા કરી.

એ પ્રસંગ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા દર્શાવે છે. એ જમાનામાં તપઃપૂત વિવિક્તવાસી મંત્રદર્શી મહર્ષિઓ પણ સમાજનો સંબંધ વિચ્છેદ કરીને જીવતા નહોતા. એમના હૈયામાં સમાજનું હિત વસતું. તે હિતને આચરવા એ અહર્નિશ તૈયાર રહેતા. એ સર્વહિત ભાવનાથી પ્રરાઇને જ એમણે હસ્તિનાપુરમાં પ્રવેશીને પાંડુ માદ્રીના મૃત્યુના અને પાંડવોના પ્રાદુર્ભાવના સમાચાર આપ્યા. સમાજમાં કે સમાજથી દૂર રહેનારા આપ્તકામ કૃતકૃત્ય મહાપુરુષો પણ સમાજને ઉપયોગી બનવાનું કર્તવ્ય બજાવે એ અત્યંત આવશ્યક છે. સૌ કોઇએ – માનવમાત્રે, સમાજસેવાના પરમ મંગલ મહાયજ્ઞમાં પોતાનો ફાળો આપવો જ જોઇએ. મંત્રદર્શી મહર્ષિઓની જીવનપ્રવૃત્તિ એવી સનાતન શ્રેયસ્કર પ્રાણવાન પ્રેરણા પૂરી પાડે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *