Sunday, 22 December, 2024

મથુરામાં

367 Views
Share :
મથુરામાં

મથુરામાં

367 Views

યમુનાતટ પર પહોંચ્યા પછી રથને ઊભો રાખીને અક્રૂરે કૃષ્ણ તથા બળદેવની અનુમતિથી યમુનાકુંડમાં સ્નાન કરીને ગાયત્રીના જપ કરવા માંડ્યા. એ વખતે એમણે યમુનાજળમાં કૃષ્ણ તથા બલરામને બેઠેલા જોયા. આશ્ચર્યચકિત બનીને એમણે બહાર જોયું તો કૃષ્ણ ને બલરામ રથમાં પણ બેઠેલા. એમણે પાણીમાં ફરીવાર ડૂબકી મારી તો એ વખતે એક બીજું દર્શન થયું. એમણે ભગવાન શેષને જોયા. સિદ્ધો, ચારણો અને ગંધર્વો એમની સ્તુતિ કરી રહેલા. એમણે નીલાંબર ધારણ કરેલું. એમની ગોદમાં રેશમી પીતાંબર પહેરીને ઘનશ્યામ વિરાજેલા. એમના હાથમાં શંખ, ચક્ર, ગદા ને પદ્મ હતાં. એ દર્શનથી એ અત્યંત આનંદવિભોર બની ગયા. એમણે ભગવાનના ચારુ ચરણે મસ્તક નમાવીને એમની સ્તુતિ કરી.

*

સાંજ પડતાં પહેલાં તો કૃષ્ણ તથા બલરામ સાથે અક્રૂર મથુરાપુરીમાં પહોંચી ગયા. નંદ તથા બીજા ગોપો તો ત્યાં પહેલેથી જ પહોંચી ગયેલા ને મથુરાપુરીની બહારના સુંદર આહલાદક ઉપવનમાં રોકાઇને એમની પ્રતીક્ષા કરી રહેલા. ભગવાન કૃષ્ણને અક્રૂરે સૌની સાથે પોતાને ઘેર આવવાનું આમંત્રણ આપ્યું પરંતુ ભગવાને એમને પાછળથી આવવાનું વચન આપીને સમજાવીને શાંત કર્યા એટલે અક્રૂર એકલા જ ચાલી નીકળ્યા. એમણે કંસને કૃષ્ણ તથા બલરામના શુભાગમનના સુખકારક સમાચાર પહોંચાડ્યા. કંસને પોતાની યોજનાની સફળતાની સંભાવનાના વિચારથી આનંદ થયો.

બીજા દિવસે ભગવાન કૃષ્ણ બલરામ સાથે મથુરાપુરીને જોવા ચાલી નીકળ્યા. એ પુરીમાં જ એમનો અલૌકિક આવિર્ભાવ થયેલો. એ પછી તો અનેક અગત્યની ઘટનાઓ બની ગયેલી અને હજુ પણ અનેકાનેક ઘટનાઓ બનવાની હતી.

ભગવાન કૃષ્ણ નગરના મુખ્ય માર્ગ પરથી આગળ વધ્યા ત્યારે નગરજનો એમના અનંત આકર્ષણનો અનુભવ કરતાં એમને જોવા માટે ખૂબ જ આતુર બન્યા.

*

માર્ગમાં ભગવાન કૃષ્ણને એક ધોબી મળ્યો. ભગવાને એની પાસે ધોયેલાં કપડાં માગ્યાં. ધોબી કંસનો સેવક હતો. એણે અહંકારથી ઉન્મત્ત બનીને કૃષ્ણને અનુચિત વચનો કહીને એમનું અપમાન કર્યું. કૃષ્ણે એને તમાચો માર્યો કે તરત જ એનું મસ્તક ધડથી અલગ થઇ ગયું. કૃષ્ણે, બલરામે ને બીજા ગોપોએ એનાં વસ્ત્રોમાંથી જરૂરી વસ્ત્રો લઇને બીજાં વધારાનાં વસ્ત્રોને ત્યાં જ છોડીને આગળ પ્રયાણ કર્યું.

થોડેક દૂર ગયા પછી એક દરજી મળ્યો. એણે કૃષ્ણ, બલરામ તથા બીજાનાં વસ્ત્રોને બંધબેસતાં કરી આપ્યાં. એથી પ્રસન્ન થઇને ભગવાને એને આશીર્વાદ આપ્યો.

એ પછી સુદામા નામના માળીને ઘેર જઇ પહોંચ્યા. માળીએ એમના દર્શનથી આનંદ પામીને એમનું સ્નેહપૂર્વક સ્વાગત કર્યું. કૃષ્ણે એને વરદાન માગવાનું કહ્યું તો એણે અવિચળ ભક્તિ, ભક્તોની કૃપા તથા સંગતિ અને જીવમાત્ર પ્રત્યે કરુણાની માગણી કરી. ભગવાને એને એ વરદાન તો આપ્યાં જ પરંતુ સાથે સાથે અનંત લક્ષ્મીનો, બળનો, આયુનો ને યશનો પણ આશીર્વાદ આપ્યો.

*

રાજમાર્ગ પરથી આગળ વધતાં ભગવાન કૃષ્ણે એક યુવતીને જોઇ. એનું મુખમંડળ ખૂબ જ સુંદર હતું પરંતુ શરીર વાંકુ વળી ગયેલું. એથી એનું નામ કુબ્જા પડેલું. એ હાથમાં ચંદનપાત્રને લઇને પસાર થઇ રહેલી ત્યારે ભગવાને એનો પરિચય પૂછીને એની પાસે ચંદનની અને અન્ય અંગરાગની માગણી કરી.

કુબ્જાએ કહ્યું કે મારું નામ ત્રિવક્રા છે ને હું મહારાજા કંસની પ્રિય દાસી છું. એ મારા પ્રત્યે પુષ્કળ પ્રેમ રાખે છે ને મારાં તૈયાર કરેલાં સૌન્દર્યસાધનો વાપરે છે. પરંતુ એ અંગરાગ તમને બંનેને અર્પણ કરીશ કારણ કે તમારાથી વધારે યોગ્ય વ્યક્તિ બીજી કોઇ જ નહિ મળે.

કુબ્જાએ કૃષ્ણને ચંદનાદિ અર્પણ કર્યા એટલે એમણે અને બલરામે એ સાધનોનો ઉપયોગ કર્યો. એમની શોભા અનેકગણી વધી ગઇ. કુબ્જા એ શોભાને મંત્રમુગ્ધ બનીને જોતી રહી.

ભગવાન કૃષ્ણે એના પર અદ્દભુત અનુગ્રહ કરવા માટે એના પગને પોતાના પગથી દબાવીને એની હડપચીને હાથથી ઊંચી કરી. એ જ વખતે એક અલૌકિક ચમત્કાર બન્યો. શરીરથી વાંકી વળી ગયેલી કુબ્જા એમના એ દિવ્ય શક્તિસંચારક સ્પર્શથી સીધી, સર્વાંગસુંદરી બની ગઇ. એણે આનંદાર્ણવમાં અવગાહન કરતાં ભગવાન કૃષ્ણને પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું. ભગવાને એના આમંત્રણને માન આપીને એને ત્યાં ભવિષ્યમાં જવાની બાંયધરી આપી.

કુબ્જાની એ મહત્વની કથાનો મર્મ જાણવા જેવો છે. જીવ પણ કુબ્જાની પેઠે જ કુરૂપ છે. એ મૂળભૂત રીતે સુંદર છે એ સાચું પરંતુ ત્રિગુણાત્મિકા પ્રકૃતિના પાશમાં પડીને પોતાના સ્વાભાવિક સૌંન્દર્યને ખોઇ બેઠો છે. એ ભગવાન કૃષ્ણની સેવા, પૂજા ને પ્રસન્નતાને માટે પોતાની સાધન-સામગ્રીનો સદુપયોગ કરવાને બદલે એને કંસ અથવા સંસારને માટે ખરચે છે. એ જીવ ભગવાનથી મોહાઇને, એમના અલ્પ મહિમાને પણ જાણીને, ભગવાનને પોતાની સાધનસામગ્રી સમર્પિત કરે છે ત્યારે એમના અસાધારણ અનુગ્રહથી ધન્ય બને છે, ને પોતાનું સ્વાભાવિક સૌંન્દર્ય પ્રાપ્ત કરે છે. એ કથામાંથી એવો ધ્વનિ ઊઠે છે.

એક બીજી વાત પણ વિચારવા જેવી છે. કુબ્જાએ ભગવાન કૃષ્ણથી મોહાઇને એમને આમંત્રણ આપ્યું તો પણ એમણે એનો સત્વર સ્વીકાર કરીને એના ઘર તરફ પ્રયાણ ના કર્યું એ શું સૂચવે છે ? એ જ કે એ સંપૂર્ણ શુદ્ધ ને સંયમી હોવાથી સુંદરી સ્ત્રીઓના આકર્ષણથી પણ આકર્ષાઇ શકે તેમ ન હતા. એમની જગ્યાએ કોઇક બીજો ભોગાસક્ત વિષયપરાયણ પુરુષ હોત તો વિપળનાય વિલંબ વિના એ આમંત્રણને સ્વીકારીને કુબ્જા સાથે ચાલી નીકળત. પરંતુ એમની વાત જુદી હતી. એમને કર્તવ્યની સ્મૃતિ હતી. એ કર્તવ્યના પાલન માટે એ જાગ્રત હતા. એમને નાનું મોટું કોઇ પણ પ્રલોભન પ્રભાવિત કરીને વિપથગામી કરી શકે તેમ નહોતું. એ એમની વિશેષતા હતી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *