Tuesday, 3 December, 2024

માયામાંથી મુક્તિ

309 Views
Share :
માયામાંથી મુક્તિ

માયામાંથી મુક્તિ

309 Views

એ પછી મહારાજા નિમિએ માયામાંથી મુક્તિ મેળવવાનો માર્ગ પૂછતાં કહ્યું કે ‘જે લોકો પોતાના મનને વશમાં નથી કરતા તે માયાને નથી તરી શક્તા. તો પછી મોટા ભાગના મનુષ્યો તો જડ તથા દેહબુદ્ધિવાળા ને દુન્યવી દૃષ્ટિવાળા છે. તે તેને કેવી રીતે તરી શકે તે કહો તો સારું.’
(અધ્યાય 3, શ્લોક ૧૭ નો ભાવાર્થ)

એ જિજ્ઞાસાનો જવાબ યોગીશ્વર પ્રબુદ્ધે આપ્યો.

તટસ્થ રીતે વિચારીએ તો જણાય છે કે એ પ્રશ્ન સર્જનજૂનો અથવા પરંપરાગત છે. માનવ જ્યારથી સુશિક્ષિત અને સુવિચારશીલ થયો છે ત્યારથી માયાને તરવાનો કે માયામાંથી મુક્તિ મેળવવાનો એ પ્રશ્ન એણે પોતાની જાતને ને બીજાને પૂછવા માંડ્યો છે. એ પ્રશ્ન સર્વવ્યાપક જેવો થઇ પડ્યો છે ને સર્વ સ્થળે જિજ્ઞાસુઓ તરફથી પૂછવામાં આવે છે. આજે પણ એ પુરાતન નથી થયો. જુદા જુદા પ્રદેશોના લોકો પૂછે છે પણ ખરા કે ચારે તરફ ઘેરીને બેઠેલી માયાને કેવી રીતે પાર કરી શકાય ? હજુ તો ગઇ કાલે જ અમૃતસરથી આવેલી એક જિજ્ઞાસુ બેને મને એ પ્રશ્ન પૂછેલો ને કહેલું કે સંસાર અગ્નિની જ્વાળા જેવો છે. તે ઓછા કે વત્તા પ્રમાણમાં દઝાડે જ છે. તેમાં રહીને ના દઝાવાય તે માટે શું કરવું ?

સાચું છે. એ બેનની પેઠે બીજા ઘણાને સંસાર અગ્નિની જ્વાળા જેવો લાગે છે. એનાથી પોતાની રક્ષા કરવાનું કામ કપરું લાગે છે. પરંતુ એને માટે શાસ્ત્રોએ અને સંતોએ સરળ માર્ગ બતાવ્યો છે. એ માર્ગ ભગવાનની ને ભગવાનના ભક્તોની શરણાગતિનો છે. બાળક અગ્નિની પાસે જાય છે ત્યારે માતા એની રક્ષા કરવાના વિચારથી એને તરત પકડી લે છે. બાળક માતાનું હોવાથી માતા એની સુરક્ષાની સઘળી જવાબદારી સ્મિતપૂર્વક અદા કરે છે અને એને ડગલે ને પગલે સંભાળે છે તથા ભયસ્થાનોમાંથી ઉગારે છે. એવી રીતે જે ભગવાનનું સાચા દિલથી શરણ લઇને ભગવાનને પોતાના જીવનના કુલમુખત્યાર કે સર્વસૂત્રધાર બનાવી દે છે તેની સંભાળ ભગવાન રાખે છે. એમને રક્ષવાનો અને સહીસલામત રીતે ગંતવ્યસ્થાનમાં પહોંચાડવાનો સમસ્ત કાર્યભાર પોતે જ ઉપાડી દે છે. પછી એમને સંસારનો ભય નથી રહેતો.

*

એટલે ભગવાનનો શરણાગત ભક્ત સદાને સારુ સુરક્ષિત છે. ચારે તરફથી આંધી આવતી હોય, તોફાની પ્રલંયકર પ્રતિકૂળ પવનો ફુંકાતા હોય, વાદળના ગગડાટ ને ચપલાના ચમકાર થતા હોય તથા વિપત્તિની ભયંકર અનવરત વૃષ્ટિ થતી હોય તો પણ ભગવાન ભક્તને ખૂબ જ સંભાળપૂર્વક આગળ લઇ જાય છે. ભક્તે પોતાના જીવનરથના સારથિ તરીકે ભગવાનને પસંદ કર્યા હોવાથી જીવનના જટિલ માર્ગ પરથી ભગવાન એને આનંદપૂર્વક આગળ લઇ જાય છે. એને માટે કોઇ પ્રકારની ભીતિ કે ચિંતા નથી રહેતી. ભગવાનની કૃપાથી એનું સઘળું કાર્ય સરળ તથા નિષ્કંટક થઇ જાય છે.

જે વાત ભગવાનની અસાધારણ કૃપાના સંબંધમાં લાગુ પડે છે તે જ ભગવાનના પરમ કૃપાપાત્ર સંતપુરુષોના સંબંધમાં પણ સાચી ઠરે છે. એવા સંતપુરુષોની પરમ કલ્યાણમયી કૃપાથી પણ સંસારનાં પ્રલોભનો તથા ભયસ્થાનોમાંથી મુક્તિ મળે છે. એવાં સંતપુરુષોનો સમાગમ સર્વપ્રકારે સુખદ, શુભાશીર્વાદરૂપ ને પ્રેરક થાય છે. એટલા માટે એનો અહર્નિશ આધાર લેવો જોઇએ.

*

માયાની શક્તિ મોટી છે એ સાચું છે પરંતુ માયાપતિની શક્તિ એથી અનેકગણી મોટી છે એ યાદ રાખીને માયાના પતિ પરમાત્માની વધારે ને વધારે પાસે પહોંચવાની આવશ્યકતા છે. એથી માયાનું જોર આપોઆપ ઓછું થશે અને સંસારમાં કમળના દલની પેઠે અલિપ્ત રીતે રહી શકાશે.

યોગીશ્વર પ્રબુદ્ધે રાજા નિમિને માયામાંથી મુક્તિ મેળવવાના સરળ તથા સચોટ સાધન પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં જણાવ્યું :

तस्माद् गुरुं प्रपद्यते जिज्ञासु श्रेय उत्तमम् ।
शाब्दे परे च निष्णातं ब्रह्मण्युपशमाश्रयम् ॥
तत्र भागवतान् धर्मान् शिक्षेद् गुर्वात्मदैवत ।
अमाययानुवृत्या यैस्तुष्येदात्माङङत्मदो हरिः ॥ (સ્કંધ ૧૧, અધ્યાય 3, શ્લોક ૨૧, ૨૨)

‘પોતાના આત્મકલ્યાણની ઇચ્છાવાળા જિજ્ઞાસુએ ગુરુદેવનું શરણ લેવું. એ ગુરુદેવ વેદાદિ શાસ્ત્રોના વિદ્વાન અથવા ચિંતનમનનની પ્રક્રિયામાં પારંગત હોવાની સાથે સાથે પરમાત્મનિષ્ઠ, સ્વાનુભવસંપન્ન ને શાંત હોવા જોઇએ. એમની ઉપર પરમાત્માની પરિપૂર્ણ કૃપા જોઇએ.’

‘એવા સદ્દગુરુની પાસે પહોંચીને એમની નિષ્કપટભાવે પરમ શ્રદ્ધાભક્તિ સહિત સેવા કરવી અને ભાગવત ધર્મોનો સદુપદેશ પ્રાપ્ત કરવો. એ ભાગવત ધર્મ અથવા ભક્તિસાધનાથી પરિપૂર્ણ કૃપા કરનારા અને પોતાનું દર્શન આપનારા ભગવાન પ્રસન્ન થાય છે.’

માયામાંથી મુક્તિ મેળવીને પરમાત્માની પરમકૃપા મેળવવા માગનારા માનવે દેહગેહાદિની મમતાને ઘટાડવાનો ને સદ્દગુણોનો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. એ ઉપરાંત ભગવાનના નામસ્મરણ, કથાશ્રવણ, સંકીર્તન અને ભગવાનની પ્રાર્થનાનો આધાર લેવો જોઇએ. એથી ભગવાનની શ્રદ્ધાભક્તિ વધે છે, એમની સાથે સૂક્ષ્મ આત્મિક સંબંધ બંધાય છે, અને એમના અલૌકિક અનુગ્રહનો અથવા સુખદ સાક્ષાત્કારનો માર્ગ મોકળો બને છે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *