Friday, 22 November, 2024

નળનો સદભાવ

314 Views
Share :
નળનો સદભાવ

નળનો સદભાવ

314 Views

{slide=Nal’s bounteousness}

Nal’s fortune took a turn for the better. He reunited with Damayanti, now next on his agenda was to regain his lost wealth and his kingdom. King Rituparna made him an expert in dice, so Nal challenged his brother, Pushkar.  Pushkar was the one who won everything from Nal and forced him into an exile. Now it was Nal’s turn. Nal won everything from Pushkar in the game of dice. Nal could send his brother in exile the same way he was send by his brother. Yet, Nal was made of a different mettle. Nal returned everything that belonged to his brother and spared him from any punishment.
Nal’s gesture surprised his brother and became instrumental in change of his heart. He repented for his misdeeds. Nal forgave him and their brotherhood remained as it was before. That was Nal’s bounteousness. Hatred only promotes hatred and love promotes love. One has to make a conscious choice.

સામાન્ય માનવોનાં મન પ્રતિશોધભાવથી ભરપૂર હોય છે. કોઇની દ્વારા એમને કાંઇ જ સહન કરવું પડ્યું હોય કે કોઇક એમનું કાંઇક ખરાબ કરે તો એનો ડંખ એમની અંદર રહી જાય છે. એથી પ્રેરાઇને એ એનો બદલો લેવા માટે તૈયાર રહે છે, અને એવો બદલો લેવાનો સાધારણ અથવા અસાધારણ અવસર આવે તો પણ એનો પૂરેપૂરો લાભ લેવાનું નથી ચૂકતા. એ કાયમ માટે ઝેરની કોથળી લઇને ફર્યા કરે છે. પરંતુ અસામાન્ય માનવોનાં મન જુદાં અને અમૃતથી ભરેલાં હોય છે. એમની અંદર પવિત્ર પ્રેમના ફુવારા ફૂટ્યા તથા ઊડ્યા કરે છે. એ કોઇને માટે ડંખ, દ્વેષ કે પ્રતિશોધભાવ નથી રાખતા. સૌનું શુભ ચાહે છે તથા કરવા તૈયાર રહે છે. એ તો ખરું જ પરંતુ અશુભ તાકનારાનું પણ શુભ તાકે છે ને કરે છે. એમનાં અંતર એટલાં બધાં ઉદાત્ત, ઉદાર અને મંગલમય હોય છે. એ સંદર્ભમાં મહારાજા નળનો જીવનવ્યવહાર જોવા જેવો છે. કેવળ જોવા જેવો જ નહિ, ધડો લેવા જેવો. એ જીવનવ્યવહાર પરથી સાબિત થાય છે કે નળ એક સાત્વિક સાચો સત્પુરુષ હતો.

નળના નાના ભાઇ પુષ્કરે અક્ષવિદ્યાના પ્રભાવથી દ્યુતનો આધાર લઇને એનું રાજ્ય, ઐશ્વર્ય, ધન અને સર્વસ્વ જીતી લીધું એથી નળને દમયંતી સાથે નગરને છોડીને વનમાં વિચરવું પડ્યું. એ બંનેને અસંખ્ય સંકટોનો સામનો કરવો પડ્યો. પરંતુ દુઃખના દિવસો પણ સદા એકસરખા નથી રહેતા. રાજા ઋતુપર્ણ પાસેથી અક્ષવિદ્યા શીખી, દમયંતીને પુનઃ પ્રાપ્ત કરી ચૂકેલા નળનું પ્રારબ્ધ પલટાયું ને સાનુકૂળ બન્યું. અક્ષવિદ્યાના પ્રભાવથી એણે પુષ્કરને દ્યુત માટે ફરી વાર આમંત્રણ આપીને દ્યુત રમવા અથવા યુદ્ધ કરવા તૈયાર થવા જણાવ્યું.

પુષ્કર દ્યુતમાં સઘળું હારી ગયો. નળને હરાયેલું રાજ્ય, ઐશ્વર્ય, ધન પાછું મળ્યું. પુષ્કરે દ્યુતમાં પોતાના પ્રાણની બાજી પણ લગાવી દીધેલી. એ દાવમાં પણ એ હારી ગયો ત્યારે નળે જણાવ્યું કે તારે સપરિવાર દમયંતીના દાસ બનવું પડશે. હું ધારું તો તને અત્યારે જ પ્રાણદંડ આપી શકું તેમ છું પરંતુ એટલો બધો અધમ નહિ બનું. તને જીવનની ભિક્ષા આપું છું.  મારી જીતેલી તારી સંપત્તિ પણ તને સુપરત કરું છું. ભાઇનો સંબંધ તથા સ્નેહ સાચો, સુદૃઢ, સનાતન હોય છે. તારા પ્રત્યેનો મારો પ્રેમભાવ પહેલાંની પેઠે જ ચાલુ રહેશે. મારાથી તારું અકલ્યાણ નહિ કરી શકાય. મારા આશીર્વાદથી તું ચિરંજીવી બનીને પરમ સુખોપભોગ કર.

પુષ્કર પર એ ઉત્તમ વ્યવહારનો પ્રભાવ પ્રબળપણે પડ્યા વિના રહ્યો નહીં. એણે એવી કલ્પના પણ નહોતી કરી. એણે જણાવ્યું કે તમે કૃપા કરીને મને ધન, પ્રાણ, આશ્રયનું પ્રદાન કર્યું છે. મારાથી એ કદાપિ નહિ ભૂલી શકાય. હું પ્રાર્થું છું કે તમે દીર્ઘાયુ બનીને સ્વસ્થ શરીરથી અનંતકાળ સુધી સર્વોત્તમ સામ્રાજ્યસુખનો ઉપભોગ કરો.

મહિના સુધી નળની પાસે રહીને એ સ્વજનો સાથે પોતાના રાજ્યમાં ગયો. એ નળનો એકનિષ્ઠ સેવક બન્યો.

વિદ્વેષ વિદ્વેષને વાવે છે, વધારે છે, ને સ્નેહ તથા સદભાવ સ્નેહ અને સદભાવને. એક અશાંતિ આપે છે, અવનતિ તરફ આગળ વધારે છે, અને બીજાથી સુખશાંતિ સંપત્તિ, સમુન્નતિ, સુયશ સાંપડે છે. માનવે, માનવસમાજે એમાંથી એકની પસંદગી કરવાની છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *