Thursday, 19 September, 2024

નંદિનીની શક્તિ

236 Views
Share :
નંદિનીની શક્તિ

નંદિનીની શક્તિ

236 Views

There is an extraordinary story in the 175th chapter of Adi Parva involving Vishwamitra and Vashishta. Vishwamitra was son of Gadhi, who ruled the kingdom of Kanyakubja. Once Vishwamitra went into the forest for hunting and became thirsty. He ended up in the ashram of Vashishta, who welcomed him and took great care of his fellow army too. Vishwamitra thought that the ashram was situated in the middle of nowhere yet Vashishta had all the amenities. On closer inspection, he found out that a miraculous cow named Nandini was its secret. Vishwamitra, therefor desired for Nandini but Vasistha refused to let her go. When Vishwamitra was left with no choice, he decided to abduct the cow with the help of his mighty army. Vashishta could not protect Nandini and could not see her helplessness, so he asked Nandini to use her magical powers. Nandini, with her extraordinary powers threw away the mighty army of Vishwamitra.

Vishwamitra was not a Brahmin, he was Kshtriya. When he was defeated against the might of a Brahmin, he decided to be one. He started penance and ultimately succeeded in achieving extraordinary powers. Thus, Vishwamitra became Brahmin by virtue of his penance. 

મહાભારતના આદિ પર્વના 175મા અધ્યાયમાં મહામુનિ વસિષ્ઠ અને વિશ્વામિત્રની કથા કહેવામાં આવી છે. એનો ઉલ્લેખ પણ કરી લઇએ.

મહાભારતમાં મુખ્ય કથાની સાથે, કોઇવાર સુમેળ સાધે એવી રીતે તો કોઇવાર સુમેળ ના સાધતી દેખાય એવી રીતે કેટલીક ઉપકથાઓ કહેવામાં આવી છે. એ ઉપકથાઓ પ્રેરણાત્મક તથા રસપ્રદ છે. એમને લીધે મહાભારતનો ગ્રંથવિસ્તાર સારા પ્રમાણમાં અને અનાવશ્યક રીતે વધ્યો છે.

પેટાકથાઓનું આલેખન અનિવાર્ય ના હોવા છતાં હૃદયગંમ અને બોધપ્રદ હોવાથી સઘળી કે કેટલીક પેટાકથાઓ ક્ષેપક છે કે કેમ એની ચર્ચાવિચારણાને ગૌણ ગણીને કે એક બાજુએ રાખીને એમનું અવલોકન કરીએ છીએ. એ અવલોકન ઉપયોગી થઇ પડશે એવી આશા સાથે.

મહામુનિ વસિષ્ઠ અને વિશ્વામિત્રની વાત ઓછાવત્તા પ્રમાણમાં જનસમાજમાં પ્રચલિત છે. મહાભારતમાં એનો શુભારંભ કરતાં કહેવામાં આવ્યું છે કે કુશિકના પ્રસિદ્ધ પુત્ર ગાધી કાન્યકુબ્જના મહારાજા હતા. તેમના વિશ્વામિત્ર નામે પ્રખ્યાત પુત્ર. તેમની પાસે સેના, સાધન તથા વાહનોનો પાર ન હતો.

એમને મૃગયાનો શોખ હોવાથી, એકવાર રમણીય મરુભૂમિમાં અને એકાંત ઘોર અરણ્યોમાં મૃગો તથા વન્ય વિકરાળ વરાહોને વીંધતા વીંધતા, એ પોતાના પ્રધાન સાથે મૃગયા કરતા સખત પરિશ્રમ તથા તૃષાથી પરવશ બનીને મહામુનિ વસિષ્ઠના આશ્રમમાં આવી પહોંચ્યા.

અતિથિને દેવ માનવાની ભાવનાને જીવનમાં વણી લેનારા મહામુનિ વસિષ્ઠે એમનો સ્નેહસહિત સમુચિત સત્કાર કર્યો.

વસિષ્ઠ પાસે એક સુંદર ચિત્તાકર્ષક કામધેનુ ગાય હતી. તે સર્વ પ્રકારની ઇચ્છાઓને કે મનોરથોને પૂરા કરવાની અસાધારણ દૈવીશક્તિથી સંપન્ન હતી. તે પોતાની સદભાવ સહિત સેવા કરનારને ઇચ્છાનુસાર અમૃતય દૂધ તો આપતી જ, પરંતુ એથી આગળ વધીને અન્ય અલૌકિક ભોગપદાર્થોને પણ પ્રદાન કરતી.

એના અમોઘ અનુગ્રહથી ગ્રામની અને અરણ્યની ઔષધિઓની, વિવિધ જીવનોપયોગી, જુદાંજુદાં રત્નોની, વસ્ત્રોની, તેમજ ખાદ્ય ને પેય પદાર્થોની પ્રાપ્તિ થતી.

વસિષ્ઠે વિશ્વામિત્રને તેમના પ્રધાન તથા સૈન્ય સાથે સત્કાર્યા તે જોઇને વિશ્વામિત્ર પરમ સંતોષ પામ્યા. અને સાથે સાથે આશ્ચર્યચકિત બનીને વિચારવા લાગ્યા કે અરણ્યના એકાંત આશ્રમમાં રહેતા અકિંચન જેવા દેખાતા મહામુનિ વસિષ્ઠ પાસે આટલું બધું અદભુત અમાપ ઐશ્વર્ય ક્યાંથી આવ્યું ?

એમની નજર પેલી કામધેનુ ગાય પર પડી. એમને એ અનંત ઐશ્વર્યનું સઘળું રહસ્ય સંક્ષેપમાં સમજાઇ ગયું. એમની સઘળી શંકાનું સુખદ સમાધાન થયું.

એમણે એ નંદિની ગાયને આત્મિક અભિનંદન આપીને વસિષ્ઠમુનિને કહ્યું કે તમને એક અબજ જેટલી ગાયો આપું અથવા માગો તો મારું રાજ્ય પણ આપું. તેના બદલામાં મને આ નંદિની ગાય આપો.

વસિષ્ઠમુનિએ જણાવ્યું કે નંદિની ગાય દેવ, અતિથિ અને આશ્રમને ઉપયોગી હોવાથી અઢળક ધનભંડારને કે રાજ્યના બદલામાં પણ આપી શકાય નહીં.

વસિષ્ઠ મુનિએ ગાયને સમજાવટથી આપવાની ના પાડી એટલે વિશ્વામિત્રે એને બળજબરીથી લઇ જવાની તૈયારી કરીને હંસ તથા ચંદ્રના જેવી ધવલ નંદિની ગાયને કોરડાથી કાયર કરીને જ્યાં ત્યાંથી બાંધીને બળાત્કારપૂર્વક હરી જવા માંડી.

કલ્યાણકારિણી નંદિની બૂમો પાડી અસહાય બનીને વસિષ્ઠ પાસે પહોંચીને ઊંચું મુખ કરીને ઊભી રહી. એને ખૂબ જ મારવામાં આવી તોપણ એ ત્યાંથી ખસી જ નહીં.

વિશ્વામિત્રના સૈનિકો એના વાછરડાને બાંધીને બળપૂર્વક લઇ જવા લાગ્યા ત્યારે એ બેબાકળી બની ગઇ. વસિષ્ઠે એને પોતાની રક્ષાને માટે બનતું બધું જ કરી છૂટવાનો આદેશ આપ્યો એટલે એણે એની અસાધારણ શક્તિસંપત્તિનો પ્રયોગ કર્યો.

કોઇ કોઇની ઉપર આક્રમણ ના કરે પરંતુ પોતાની ઉપર આક્રમણ થતું હોય તો સ્વરક્ષાર્થે આવશ્યક પ્રતિકાર તો કરે જ. એવો પ્રતિકાર ઇચ્છવાયોગ્ય અને આવકારદાયક મનાય છે. અન્યાયને અને અત્યાચારને મૂંગે મોઢે સહી લેવામાં, અને એવી રીતે પ્રકારન્ત પોષણ પૂરું પાડવામાં બહાદુરી તો નથી જ. વ્યાવહારિકતા કે નીતિમત્તા પણ નથી જ.

વસિષ્ઠના આદેશને અનુસરીને નંદિની ગાયે ભયંકર સ્વરૂપને ધારણ કરીને વિશ્વામિત્રની સેનાને ચારે તરફ નસાડવા માંડી.

એ અતિશય ક્રોધાતુર બનીને મધ્યાહનના સૂર્યની પેઠે તપવા લાગી. એના પુચ્છમાંથી અનવરત અંગારવર્ષા થવા માંડી.

એના અંગપ્રત્યંગમાંથી અસંખ્ય શસ્ત્રધારી સૈનિકો પ્રાદુર્ભાવ પામ્યા.

વિશ્વામિત્રનો પ્રત્યેક યોદ્ધો એણે પ્રગટાવેલા પાંચ-પાંચ કે સાત-સાત સૈનિકોથી ઘેરાઇ ગયો. વિશ્વામિત્રનું સૈન્ય ગભરાઇને ત્રાસ પામીને હારવા માંડ્યું. નંદિનીએ સમસ્ત સૈન્યને ત્રણ યોજન જેટલે દૂર ધકેલી દીધું.

બ્રહ્મતેજના એવા અસાધારણ પ્રભાવને પેખીને વિશ્વામિત્રનું મન ક્ષાત્રભાવ પરથી ઊઠી ગયું. તપને જ પરમબળ માનીને એમણે સમૃદ્ધ રાજ્યને ને રાજ્યલક્ષ્મીને ત્યાગીને તપમાં મનને પરોવીને સિદ્ધિની પ્રાપ્તિ કરી. છેવટે બ્રાહ્મણત્વ મેળવ્યું.

મહાભારતનો એ પ્રસંગ મહામુનિ વસિષ્ઠની સ્વભાવસહજ શાંતિ તથા નંદિની ગાયની લોકોત્તર શક્તિ તરફ અંગુલિનિર્દેશ કરે છે ને સૂચવે છે કે પ્રત્યેકે પોતાની રક્ષા પોતાની મેળે કરવાની શક્તિથી સંપન્ન બનવું જોઇએ. આપણી સાચી રક્ષા આખરે તો કોણ કરે છે ? આપણી નિર્દોષતા, સત્યનિષ્ઠા, ધર્મપરાયણતા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *