Thursday, 21 November, 2024

નારદજીના પૂર્વજન્મનો વૃતાંત – 1

298 Views
Share :
નારદજીના પૂર્વજન્મનો વૃતાંત – 1

નારદજીના પૂર્વજન્મનો વૃતાંત – 1

298 Views

ભાગવતના પ્રથમ સ્કંધના પાંચમાં તથા છઠ્ઠા અધ્યાયમાં દેવર્ષિ નારદના પૂર્વજન્મનો વૃત્તાંત આપવામાં આવ્યો છે. એ વૃત્તાંત ખૂબ જ પ્રેરક અને રોચક છે. એની વિશિષ્ટતા એ છે કે એનું વિવરણ દેવર્ષિ નારદે પોતે પોતાના શ્રીમુખે જ કરેલું છે. એથી એ વાસ્તવિક બની શક્યું છે અને એમાં અતિશયોક્તિનો અંશ પણ નથી દેખાતો. દેવર્ષિ નારદ શરુઆતમાં એક સામાન્ય પુરુષ હોવાં છતાં સંતોના સદુપદેશ તથા ઇશ્વરના અસીમ અનુગ્રહથી ઉત્તરોત્તર વિકાસ કરતાં જીવનની પરમ સાર્થકતાની ને સંસિદ્ધિની ઉચ્ચોચ્ચ ઉત્સવમય અલૌકિક અવસ્થા પર કેવી રીતે પહોંચી શક્યા એનો સંક્ષિપ્ત ઇતિહાસ એમાં સમાઇ જાય છે. એ સમગ્ર ઇતિહાસ આધ્યાત્મિક વિકાસપથના પ્રવાસીઓને માટે આશીર્વાદરૂપ હોવાથી એનું વિહંગાવલોકન કરી લઇએ.

એ ઇતિહાસ સૌથી પહેલાં તો આપણને એવો પ્રેરક શાશ્વત સંદેશ આપે છે કે આપણું વર્તમાન જીવન તો જીવનની પરંપરાગત અનંત શૃખંલાનો એક અગત્યનો તબક્કો જ છે. આપણે ન જાણે કેટલા બધા વખતથી જીવનની યાત્રા કરી રહ્યા છીએ, એ યાત્રા દરમિયાન નવા નવા રૂપરંગોને ધારણ કરીએ છીએ, અનોખા અભિનયો કરીએ છીએ, અને ન જાણે હજુ કેટલા વખત સુધી જીવનની આ મહાયાત્રા કરતા રહીશું ! વર્તમાન જીવન જ માત્ર જીવન નથી. આ જીવન ખૂબ જ મૂલ્યવાન છે પરંતુ વિરાટ જીવનનો એક નાનો સરખો ભાગ છે. એનો અર્થ એ કે ભાગવત પૂર્વજન્મમાં ને પૂનર્જન્મમાં માને છે. દેવર્ષિ નારદના પૂર્વજન્મની કથા જેવી બીજી કેટલીક કથાઓની મદદથી ભાગવત એ માન્યતાને વ્યક્ત કરે છે ને પુષ્ટિ આપે છે.

એ અદ્દભુત ઇતિહાસ એક બીજો શાશ્વત સંદેશ એ આપે છે કે મહાનતાનો, આત્મિક અભ્યુત્થાનનો, મુક્તિનો ને પૂર્ણતાનો પાવન પંથ સૌ કોઇને માટે ઉઘાડો છે. એ પંથે કોઇ પણ પ્રવાસી થઇને પ્રસ્થાન કરી શકે છે ને પ્રવાસની પૂર્ણાહુતિ દ્વારા કૃતાર્થ બને છે. પરમાત્માની પરમ કૃપાપ્રસાદીને પામવામાં જન્મ, જાતિ, કુળ, વાતાવરણ, કશું જ વચ્ચે નથી આવતું. વચ્ચે કેવળ મન આવે છે, અને એ મનને સુધારવું કે બગાડવું, ઉદાત્ત અથવા અનુદાત્ત કરવું, મિત્ર કે શત્રુ બનાવવું સૌ કોઇના હાથમાં છે. માણસ જો ધારે ને તદ્દનુસાર કોશિશ કરે તો પોતાના જીવનને સુંદર, મધુમય, મંગલ ને જ્યોતિર્મય બનાવી શકે છે.

નારદજીના એ સુંદર જીવનવૃત્તાંતનો ત્રીજો સારગર્ભિત સંદેશ એ છે કે સંતપુરુષોનો સંસર્ગ સદાયે શ્રેયસ્કર હોય છે. એનો આશ્રય જો સમજપૂર્વક લેવામાં આવે તો જીવનના પરિવર્તન કે પરિશોધનમાં, પરમાત્માની પવિત્રતમ પ્રેમભક્તિના પ્રાક્ટયમાં ને પરમાત્માના સર્વમંગલ સુખદ સાક્ષાત્કારમાં ઉપયોગી ફાળો પ્રદાન કરે છે. સંતપુરુષોનો સંસર્ગ અને અનુગ્રહ શું નથી કરતો, નથી કરી શકતો, એજ સવાલ છે. એમાં સર્વે પ્રકારની શક્યતાઓ સમાયલી છે. એ માનવને નરમાંથી નારાયણ બનાવે છે.

એ અસાધારણ ઇતિહાસનો ચોથો મહામૂલ્યવાન સંદેશ પણ સમજવા જેવો છે. સ્વનામધન્ય, પ્રાતઃસ્મરણીય, પરમાત્મદર્શી મહાપુરુષો મુક્ત કે પૂર્ણ અવસ્થાની પ્રાપ્તિ પછી પણ લોકાનુકંપાની પવિત્ર ભાવનાથી પ્રેરાઇને સંસારમાં શ્વાસ લે છે અને સંસારના ઉત્કર્ષનાં કે કલ્યાણનાં કર્મો કરે છે. ભગવાન શંકરાચાર્યના સુંદર શબ્દોમાં કહીએ તો वसंतवल्लोकहितं चरन्तः અને अहेतुनान्यानपि तारयंतः એટલે કે વિશ્વમાં વસંતઋતુની પેઠે વિહરતા ને નવલ પ્રેરણા, શક્તિ, સ્ફુર્તિ ને જીવનનો સંચાર કરતા તથા બીજાનું કોઇ પણ પ્રકારની લૌકિક કે પારલૌકિક લાલસા કે સ્વાર્થવૃત્તિ વિના પરિત્રાણ કરતા એ જીવતા હોય છે. માનવના મનને મધુમય તથા મંગલ કરીને એના આત્માને ઉપર ઉઠાવવાનો એમનો પુરુષાર્થ એમને માટે સહેજ પણ બંધનકારક બનવાને બદલે બીજા કેટલાયને બંધનમુક્ત બનાવતો અનવરત રીતે સહેજપણે ચાલુ રહે છે. એ સંબંધમાં આપણે ત્યાં કેટલાક લોકોમાં એવા કૃત્કૃત્યાવસ્થાએ પહોંચેલા મહાપુરુષો બીજાના હિતના કાર્યો નથી કરતા અને એવા કાર્યોને માયા માનીને નફરતની નજરે નિહાળે છે એવી જે ભ્રાંતિ પ્રવર્તે છે તે નિરાધાર અથવા અજ્ઞાનમૂલક અને ત્યાજ્ય છે. ભાગવતમાં આલેખાયેલો દેવર્ષિ નારદના પૂનર્જન્મનો પ્રાણવાન ઇતિહાસ એમાં સુયોગ્ય રીતે જ સૂર નથી પૂરાવતો.

નારદજી તો આત્મિક દૃષ્ટિએ ધન્ય, મુક્ત કે પરિપૂર્ણ અવસ્થાની પ્રાપ્તિ કર્યા પછી મહીમંડળના મંગલને માટે શ્વાસ લે છે ને વિહરે છે. એમના આરાધ્ય, પરમ ઉપાસ્ય કે પ્રિયતમ ભગવાન કૃષ્ણની પેઠે એ પણ લોકસંગ્રહની ભાવનાને તિલાંજલિ નથી આપતા. માટે તો એ મહર્ષિ વ્યાસ પાસે પહોંચી ગયા અને એમના પથપ્રદર્શક બન્યા. એવાં પથપ્રદર્શન એમણે કેટલાં બધાં કર્યાં એનો કડીબદ્ધ ઇતિહાસ કોણ આલેખી શકે ? એને આલેખવાની એટલી આવશ્યકતાય નથી. મહત્વની નોંધપાત્ર હકીકત તો એ છે કે એ લોકકલ્યાણમાં માને છે ને લોકકલ્યાણ કરે છે. ભાગવતમાં એટલા માટે જ એમની પ્રશસ્તિનો જે સુંદર શ્લોક લખવામાં આવ્યો છે એ સાર્થક છે એ શ્લોક કહે છે કે દેવર્ષિ નારદ ખરેખર ધન્ય છે. એમનું જીવન એક અસાધારણ આશ્ચર્ય છે. વીણાના સુમધુર સ્વરોની સાથે ભગવાનના યશનું જયગાન કરતા એ સદા મસ્ત રહે છે અને સ્વયં પ્રશાંતિની પાવન સરિતામાં સ્નાન કરતા રહીને ત્રિતાપતપ્ત સંસારને શાંતિ અર્પે છે. આ રહ્યો એ સરસ શ્લોક :

अहो देवर्षिर्धन्योङयं सत्कीर्ति शार्ङ्गधन्वनः ।
गायन्माद्यान्निदं तन्त्र्या रमझत्यातुरं जगत् ॥
(પ્રથમ સ્કંધ, અધ્યાય, ૬ શ્લોક ૩૯)

હવે દેવર્ષિ નારદના પૂર્વજન્મના ઇતિહાસનું વિહંગાવલોકન કરી જઇએ. એ ઇતિહાસ દેવર્ષિ નારદે પોતે જ કહેલો હોવાથી વિશેષ પ્રભાવોત્પાદક અને પ્રમાણભૂત છે. એ ઇતિહાસનું વર્ણન એમણે મહર્ષિ વ્યાસના બદરીકાશ્રમ સ્થિત એકાંત આશ્રમમાં મહર્ષિ વ્યાસની સમક્ષ કરી બતાવ્યું છે.

એ વર્ણનાનુસાર નારદજી પોતાના પૂર્વજન્મમાં વેદવાદી બ્રાહ્મણોની દાસીના પુત્ર હતા. એકવાર મુનિઓ એમના પરંપરાગત નિયમ પ્રમાણે એમના સુંદર સ્થાનમાં ચાતુર્માસ કરી રહેલા. નારદજીને શૈશવાવસ્થામાંથી જ એમની સંગતિમાં રહેવાનું સૌભાગ્ય સાંપડેલું. શૈશવાસ્થામાંથી જ નારદજીનું મન ચંચળતાથી રહિત, સંસ્કારસંપન્ન તથા શાંત હતું. એમાં વળી એમને આત્મજ્ઞાની સત્પુરુષોનો સંસર્ગ સાંપડ્યો એટલે એમને માટે એ સંસર્ગે સોનામાં સુગંધનું કામ કર્યું.

શૈશવાવસ્થામાં પડેલા સંસ્કારો સુદૃઢ બની જાય છે. પેલા પ્રાતઃસ્મરણીય સંતપુરુષોની સેવા તથા સંનિધિના સુપરિણામરૂપે નારદજીનું હૃદય નિર્મળતા ધારણ કરતું ગયું. એમને ઇશ્વરના સ્મરણમનન અને આરાધનમાં અભિરુચિ પેદા થઇ.

એ અસાધારણ અવસ્થાએ આરૂઢ થયેલા સત્પુરુષો ભગવાનના ગુણાનુવાદ કરતા ને શાસ્ત્રોની સુમધુર કથાઓ સંભળાવતા. નારદજી એમનું અતિશય અનુરાગપૂર્વક એકાગ્રચિત્તે શ્રવણ કરતા ને પ્રેરણા મેળવતા. એવા અનવરત અભ્યાસથી પરમાત્માને માટેનો પ્રેમ વધતો કે પ્રબળ બનતો ગયો.

સત્સંગનો સાચો લાભ સત્ય પદાર્થમાં પ્રીતિ થાય અને અસત્યમાંથી મન ઉપરામ બને એજ છે. એ ઉભય વસ્તુઓની વચ્ચે પારસ્પરિક સંબંધ રહેલો છે. એ બંનેમાંથી એકે વસ્તુની સિદ્ધિ ના થાય તો સત્સંગ સફળ કે સાર્થક ના કહેવાય પરંતુ અધુરો મનાય. સત્સંગની અભિરુચિ અને આદતવાળા માણસોએ આ વાતને ખાસ યાદ રાખવી જોઇએ. એ વાતનું વિસ્મરણ થાય તો સત્સંગ શોખ બની જાય, રુઢિ કે પરંપરા થાય, દિલ બહેલાવવાના ને વખત વીતાવવાના સાધન તરીકે વપરાય, પરંતુ જીવનવિકાસની સુંદર સાધનાનું સ્વરૂપ ધારણ ના કરી શકે. એવો સત્સંગ જીવનને જ્યોતિર્મય ના કરે તથા જરૂરી પ્રેરણાથી ના ભરે.

પરંતુ નારદજીની વાત જુદી હતી. એમનું જીવન આરંભથી જ વિલક્ષણ હોવાથી સત્પુરુષોનો સમાગમ એમને માટે અમોઘ આશીર્વાદરૂપ થઇ પડ્યો. એમને સંસારની પરિવર્તનશીલતાનું જ્ઞાન થયું. એ જ્ઞાન ક્રમે ક્રમે વધતું ગયું, અને પરમાત્માની એમની રુચિ વધતી ગઇ.

વર્ષા તથા શરદ ઋતુઓનો સુભગ સમય એવી રીતે જ પસાર થઇ ગયો.

નારદજીના હૃદયની નિર્મળતા તથા શ્રદ્ધાભક્તિ અસાધારણ હતી. એમણે તન, મન અને ઇન્દ્રિયોનો સુખદ સંયમ પણ સાધેલો. એમની ભૂમિકા એવી રીતે વિચારતાં મોટે ભાગે તૈયાર હતી. એટલે સંતપુરુષોને એમના પ્રત્યે સવિશેષ પ્રેમ પ્રકટે અને એમને એમના અલૌકિક અનુગ્રહથી અલંકૃત કરવા એ સૌ તૈયાર થાય એ સ્વાભાવિક હતું. એ અનુગ્રહભાવથી પ્રેરાઇને એમના ચાતુર્માસની પરિસમાપ્તિ પછીના સ્થળાંતરનો સમય સમીપ આવ્યો ત્યારે એ સંતપુરુષોએ એમના પર પ્રસન્ન થઇને એમને પરમાત્માના પરમ કલ્યાણકારક ગૂઢાતિગૂઢ જ્ઞાનનો ઉપદેશ આપ્યો.

એ ઉપદેશ નારદજીને સારુ શ્રેયસ્કર થઇ પડ્યો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *