નૃસિંહ ભગવાનનું દર્શન
By-Gujju29-04-2023
નૃસિંહ ભગવાનનું દર્શન
By Gujju29-04-2023
પાઠશાળામાં ગુરૂની ગેરહાજરીમાં એક દિવસ પ્રહલાદે પોતાના સમવયસ્ક સહપાઠી બાળકોને જીવનોપયોગી ઉપદેશ આપતાં કહ્યું કે ‘મનુષ્યજન્મ મહાદુર્લભ છે. એની દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થઇ શકે છે. પરંતુ એના પર ક્યારે કેવી રીતે પડદો પડી જાય તે વિશે કશું ચોક્કસ નથી કહી શકાતું. એટલા માટે બુદ્ધિમાન મનુષ્યે યુવાની કે વૃદ્ધાવસ્થાના વિશ્વાસે રહેવાને બદલે શૈશવાવસ્થામાં જ પરમાત્માની પ્રાપ્તિ કરાવનારી સાધનાનો આશ્રય લેવો જોઇએ.’
कौमार आचरेत् प्राज्ञो धर्मान् भागवतानहि ।
दुर्लभं मानुषं जन्म तदृप्यध्रुवमर्थदृम् ॥
(સ્કંધ ૭, અધ્યાય ૬, શ્લોક ૧)
‘મનુષ્યજન્મની એકમાત્ર સફળતા ભગવાનનાં શ્રીચરણોનું શરણ લેવામાં ને શ્રદ્ધાભક્તિપૂર્વક ભગવાનની ભક્તિ કરવામાં છે.’
‘જીવન ચિંતા, વિષાદ, વ્યાધિ તથા ભીતિથી ભરેલું છે. જ્યાં સુધી એ સ્વસ્થ ને સલામત છે ત્યાં સુધી એનો સદુપયોગ કરીને ભગવત્પ્રાપ્તિને માટે પ્રામાણિક અને પ્રખર પ્રયત્ન કરવો જોઇએ.’
‘ભગવાન સૌના આત્મારૂપ અને સ્વતઃસિધ્ધ હોવાથી એમને પ્રસન્ન કરવામાં કોઇ વિશેષ પરિશ્રમ નથી પડતો. બ્રહ્માથી માંડીને તણખલા સુધીનાં નાનાં મોટાં બધાં જ પ્રાણીઓમાં, પંચભૂતોના પદાર્થોમાં, મહત્તત્વમાં, સૂક્ષ્મ તન્માત્રાઓમાં, ગુણોમાં ને ગુણોની સામ્યાવસ્થા પ્રકૃતિમાં એક જ અવિનાશી પરમાત્મા રહેલા છે. એ સૌન્દર્ય, માધુર્ય અને ઐશ્વર્યના ભંડારરૂપ છે. દૃષ્ટા અને દૃશ્ય જગત પણ એ જ છે.’
‘એટલા માટે તમે તમારા દૈત્યપણાનો અથવા આસુરી સંપત્તિનો સત્વર ત્યાગ કરીને જીવમાત્ર પર પ્રેમ તથા દયા કરો. એથી ભગવાનની પ્રસન્નતા થાય છે. ભગવાનની પ્રસન્નતા થવાથી કયી વસ્તુ નથી મળતી ?’
‘મિત્રો, તમારા હૃદયમાં વિરાજેલા હૃદયેશ્વર ભગવાનનું ભજન કરો. એમના ભજનમાં શો શ્રમ પડે છે ?’
દૈત્ય બાળકો નિર્દોષ હોવાથી પ્રહલાદના સદુપદેશનો પ્રભાવ એમની ઉપર પડ્યા વિના રહ્યો નહિ. એ બધા પ્રહલાદના પવિત્ર પ્રેમપથનું અનુકરણ કરવા તૈયાર થયા. એમના સંસ્કારો એટલા સારા કહેવાય. તો જ એ પ્રહલાદની વાતને સારવાત સમજીને જલદી ગ્રહણ કરી શક્યા.
હિરણ્યકશિપુને એ હકીકતની માહિતી મળી ત્યારે એને ખૂબ જ ક્રોધ થયો. એનું શરીર ધ્રુજવા લાગ્યું. એણે પ્રહલાદને મારી નાખવાનો નિર્ણય કર્યો, ને ના કહેવાનાં વચનો કહ્યાં. તો પણ પ્રહલાદે લેશ પણ અસ્વસ્થ, ઉત્તેજીત કે ચિંતાતુર બન્યા વિના ઊંડી શાંતિ રાખી ને કહ્યું કે બ્રહ્માથી માંડીને નાના તણખલા સુધીના બધા જ પદાર્થોના સ્વામી માત્ર ભગવાન છે, એ સૌથી વધારે શક્તિશાળી, પ્રકૃતિના પતિ અને બ્રહ્માંડના સર્જક, પાલક તથા સંહારક છે. એટલા માટે એમની અંદર શ્રદ્ધાભક્તિને ધારણ કરીને આસુરી ભાવને તિલાંજલિ આપીને સૌની પ્રત્યે સમભાવ ધારણ કરો. ભગવાનની સૌથી મોટી પૂજા એ જ છે. સંસારમાં સૌથી મોટો કોઇ શત્રુ હોય તો તે વિપથગામી, પોતાના વશમાં ના રહેનારૂં મન છે. પોતાના મન તથા પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત ના કરવા છતાં જે પોતાને વિશ્વવિજયી માને છે તે ખરેખર ભૂલ કરે છે.
હિરણ્યકશિપુને પ્રહલાદના એ શબ્દો જરા પણ ના ગમ્યા. એણે ક્રોધે ભરાઇને પૂછ્યું કે તારો એ સ્વામી, તું જેને જગદીશ્વર કહે છે તે ક્યાં છે ? એ સર્વવ્યાપક હોય તો શું આ થાંભલામાં પણ છે ? તને એનામાં એટલો બધો વિશ્વાસ છે તો જોઉં છું કે એ તારી રક્ષા કેવી રીતે કરે છે ! તારા મસ્તકને ધડથી હમણાં જ અલગ કરી દઉં છું.
એવું બોલીને એ સિંહાસન પરથી ઊભો થયો અને એણે થાંભલાને જોરથી મુક્કો માર્યો. એ જ વખતે થાંભલાની અંદરથી એક મહાભયંકર શબ્દ થયો. એ પ્રલયંકર શબ્દને સાંભળીને દૈત્યસેનાપતિઓ ભયભીત બની ગયા. ને હિરણ્યકશિપુ પોતે પણ આશ્ચર્યચકિત થઇને પાછો હઠી ગયો. એ શબ્દની સૃષ્ટિ કરનાર કોણ છે એની એને સમજ ના પડી. એ ચારે તરફ કુતૂહલપૂર્વક જોવા લાગ્યો પરંતુ કશુંયે ના દેખાયું.
એ જ વખતે પોતાના પરમપવિત્ર ભક્ત પ્રહલાદની રક્ષા કરવા અને એણે કહેલા શબ્દોને સત્ય કરવા ભક્તવત્સલ, કરુણાસાગર, સર્વવ્યાપક, સર્વશક્તિમાન ભગવાન એ થાંભલામાંથી સૌના આશ્ચર્ય વચ્ચે સૌના દેખતાં પ્રકટ થઇને બહાર નીકળ્યા. એમનું રૂપ અત્યંત વિચિત્ર હતું. એ પૂરું મનુષ્યનું પણ નહિ ને પૂરું સિંહનું પણ નહિ એવું નૃસિંહ-રૂપ હતું. એ રૂપ અતિશય ભયંકર લાગ્યું.