Sunday, 22 December, 2024

પાંડવોએ ગાયો પાછી વાળી

333 Views
Share :
પાંડવોએ ગાયો પાછી વાળી

પાંડવોએ ગાયો પાછી વાળી

333 Views

{slide=Pandavas recapture cows}

In the battle, Trigarta attacked King Virata and succeeded in capturing him. When Virata’s army came to know about it, they lost hope. Yudhisthir commanded Bhim to save King Virata from the clutches of Trigarta. Bhim attacked Trigarta army and chased Susharma. Matsya army also drew inspiration from Bhim’s attack and began to fight belligerently. King Virata also spot an opportunity and used all his might. Bhim was able to set King Virata free and captured Susharma.
 
Bhima tied down Susharma and took him to Yudhisthir. Bhim showed readiness to set him free provided Susharma identify himself as servant of King Virata. Yudhisthir was more compassionate, so he instructed Bhim to set Susharma free without any condition. This incident speaks volumes about Yudhisthir’s bounteousness!
 

સંગ્રામમાં વિરાટરાજે પાંચસો રથીઓને, આઠસો અશ્વોને અને પાંચ મહારથીઓને હણી નાંખીને, રથને વિવિધ ગતિએ ચલાવીને, રણમાં સુવર્ણરથમાં બેઠેલા ત્રિગર્તરાજ સુશર્મા ઉપર ઘસારો કર્યો. તે બંને મહાબળવાન યોદ્ધાઓ સામસામી ગર્જના કરી યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધમાં મહાબળવાન અને નરોમાં સિંહ જેવો ત્રિગર્તરાજ સુશર્મા દ્વિરથ યુદ્ધ માટે મત્સ્યરાજ પાસે આવી પહોંચ્યો. એ બંને ક્રોધાવિષ્ટ રથીઓ રથોને સામસામા રાખીને એકબીજા ઉપર તીવ્ર વેગથી બાણોને છોડવા લાગ્યાં.

ત્રિગર્તરાજ સુશર્માએ પોતાના નાના ભાઇઓને સાથે લઇને રથમંડળ સાથે વિરાટરાજ ઉપર બધી બાજુએથી ધસારો કર્યો.

મત્સ્યરાજની સર્વ સેનાને બલપૂર્વક છિન્નભિન્ન કરીને તથા તેને હરાવીને ઓજસ્વી મત્સ્યાધિપતિ વિરાટરાજ ઉપર એકદમ હલ્લો કર્યો. તેણે વિરાટના રથના બંને ઘોડાઓને તથા પાછળના અંગરક્ષકોને મારી નાખ્યા અને રથ વિનાના થયેલા મત્સ્યરાજને જીવતો પકડી લીધો. તેને પોતાના રથમાં નાખીને ત્યાંથી ઝડપી ગતિવાળા વાહનથી ચાલી નીકળ્યો. મહાબળવાન વિરાટરાજ રથરહિત થયો અને પકડાયો એટલે ત્રિગર્તોથી અતિશય ત્રાસ પામેલા મત્સ્યયોદ્ધાઓ ભયભીત થઇને નાસભાગ કરવા લાગ્યા.

એ વખતે યુધિષ્ઠિરે ભીમસેનને કહ્યું કે સુશર્માએ મત્સ્યરાજને પકડી લીધા છે. માટે તું તેમને મુક્ત કરાવ. આપણે સૌ તેમને ત્યાં સુખથી રહ્યા છીએ. તારે એ નિવાસનો બદલો વાળી આપવો જોઇએ.

ભીમે વિરાટરાજને મદદ કરવાનો નિર્ણય કર્યો.

ભીમસેને એક ઉત્તમ ધનુષ્ય લીધું અને ત્રિગર્તો ઉપર બાણવર્ષા કરવા માંડી. તે સુશર્માની પાછળ દોડ્યો.

સુશર્મા ધનુષ્યને લઇને પોતાના ભાઇઓની સાથે પાછો ફર્યો અને પળવારમાં તો તેના રથો ભીમસેનની સામે આવવા લાગ્યા.

ભીમસેને રથોના, હાથીઓના, ઘોડાઓના તથા શૂરવીર ધનુર્ધારીઓના સેંકડો સમૂહોને મારી નાખ્યા તથા ગદાને ધારણ કરીને ત્રિગર્તોના પાયદળોનો સંહાર કરી નાખ્યો.

સુશર્મા કાન સુધી ખેંચેલા ધનુષ્ય સાથે ફરી યુદ્ધમાં દેખાયો અને સુતીક્ષ્ણ બાણોને છોડવા લાગ્યો.

પાંડવોએ પોતાના અશ્વોને ત્રિગર્તો તરફ દોડાવ્યા અને ક્રોધમાં આવીને તે સર્વે તેમના ઉપર દિવ્ય અસ્ત્રોના પ્રયોગો કરવા લાગ્યા. પાંડવોએ ત્રિગર્તો તરફ પોતાના રથોને વાળેલા જોઇને વિરાટરાજની મહાસેના પણ પાછી રણમાં આવી અને વિરાટરાજના પુત્રે અત્યંત ક્રોધે ભરાઇને મહાઅદભુત યુદ્ધ કરવા માંડયું.

ગદાધારી વિરાટરાજ પોતે વૃદ્ધ હોવા છતાં યુવાનની જેમ ઘૂમવા લાગ્યો.

ત્રિગર્તરાજને પલાયન થતો જોઇને ભીમે તેને લડવા માટે લલકાર્યો.

સિંહ જેમ કોઇ ક્ષુદ્ર મૃગને પકડવા દોડે તેમ ભીમસેન પલાયન કરી જતા ત્રિગર્તરાજને પકડી લેવા માટે દોડયો.

તેને રોષપૂર્વક ઊંચો ઉછાળીને જમીન ઉપર પછાડીને રગદોળી નાખ્યો.

ત્રિગર્તરાજ મૂર્છિત થયો ત્યારે ત્રિગર્તરાજનું સૈન્ય ભયભીત થઇને નાસભાગ કરવા લાગ્યું. પછી પાંડુનંદનોએ સર્વ ગાયોને પાછી વાળી, સુશર્માને હરાવ્યો, અને તેનું સર્વ ધન હરી લીધું.

ભીમે પરાધીન થયેલા છતાં છૂટવાને માટે તરફડિયાં મારી રહેલા ત્રિગર્તરાજને પકડી કબજે કર્યો અને દોરડાથી બાંધી લીધો. પછી ધૂળથી રગદોળાયેલા, બેભાન બની ગયેલા સુશર્માને રથમાં નાખીને રણભૂમિની વચ્ચે ઊભેલા યુધિષ્ઠિર પાસે લઇ ગયો.

પાંડવોના જીવનમાં સંઘર્ષ, યુદ્ધ કે વિપત્તિના પ્રસંગો અવારનવાર આવતા. એમનો જન્મ જ પ્રતિકૂળ પરિસ્થિતિમાં થયેલો, ઉછેર પણ એવો જ કહી શકાય. અત્યાર સુધીના જીવનમાં એમને અનેકવિધ આપત્તિઓનો અનુભવ કરવો પડેલો. વિરાટનગરમાં અજ્ઞાતવાસનો વખત પૂરો થવાની તૈયારી હતી તે જ વખતે તેમના જીવનમાં એક એવો પ્રસંગ ઉપસ્થિત થયો જેને લીધે એમને એમની શક્તિનો નાછૂટકે, કોઇપણ અન્ય વિકલ્પ ના રહેવાથી, પ્રયોગ કરવો પડ્યો. એ પ્રસંગનો ઉલ્લેખ આપણે કરી લીધો.

હવે એ કથાનો પરિચય મહાભારતના આધાર પર વિશેષ પ્રમાણમાં કરી લઇએ.

ભીમસેને સુશર્માને જણાવ્યું કે તું મારી પાસેથી મુક્ત થઇને જીવતો રહેવા ઇચ્છતો હોય તો વિદ્વાનોની સભામાં તારે તારો દાસ તરીકે પરિચય પ્રદાન કરવો પડશે. મારી એ શરત માન્ય હોય તો જ હું તને જીવતદાન આપી શકું. યુદ્ધમાં જીતેલાનો એવો નિયમ છે.

યુધિષ્ઠિરે સુશર્માને છોડી દેવાનો અને કોઇ પણ પૂર્વશરત સિવાય છોડી દેવાનો આગ્રહયુક્ત આદેશ આપીને કહ્યું કે તું સુશર્માને જવા દે. એ વિરાટરાજનો દાસ થઇ જ ચૂક્યો છે.

એમણે સુશર્માને પણ જણાવ્યું કે હવે તમે મુક્ત છો. દાસ નથી. આવું કુકર્મ ફરી વાર કદી પણ કરશો નહિ.

સુશર્મા એ શબ્દોને સાંભળીને લજ્જાશીલ બની ગયો.

ભીમસેને એને છોડી દીધો એટલે એ વિરાટરાજને વંદીને વિદાય થયો.

એ પ્રસંગમાં યુધિષ્ઠિરની ઉદારતાનું, સહૃદયતાનું અને અસાધારણ ક્ષમાશીલતાનું પ્રતિબિંબ પડે છે.

એ પ્રતિબિંબ પ્રેરક ઠરે છે.

બંધાયલાને મુક્ત કરવામાં, અપમાનિતને માન ધરવામાં, મૃતઃપાયને જીવનદાન દેવામાં જે આનંદ છે, આત્મસંતોષ અથવા શાંતિ છે, તે તો એનો અનુભવ કરનાર જ જાણે છે. જે બદ્ધ, અપમાનિત, મૃતઃપાય હોય તે જ તેને અલ્પ પ્રમાણમાં સમજી શકે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *