Sunday, 22 December, 2024

પાંડવો ખાંડવપ્રસ્થમાં

329 Views
Share :
પાંડવો ખાંડવપ્રસ્થમાં

પાંડવો ખાંડવપ્રસ્થમાં

329 Views

Karna expressed his apprehension to Duryodhan. He suggested that since it was impossible to divide Pandavas by any mean, and now with King Drupada on their side, their might have increased manifold. Still, Pandavas can be defeated in the battlefield. The only way left was to attack them and finish them before they enter Hastinapur.

Dhritarastra liked Karna’s idea but Bhishma advised in caution. He reminded Dhritarastra that Pandavas are legitimate heir of the Kingdom of Hastinapur and therefore, deserve to be treated accordingly. Drona suggested that Pandavas be given heroic welcome and gifted with valuables on their arrival. Vidur also recommended the same. Drona even opined that if Pandavas are not treated that way, he foresee bitter rivalry between brothers and a complete annihilation of Hastinapur. In spite of having soft corner for Duryodhan’s ambitions, Dhritarastra decided against it.

Pandavas were greeted with valuables on their arrival. People of Hastinapur also rejoiced on their comeback. Later, Dhritarastra decided to give Pandavas half of his kingdom. Thus, Pandavas ended up in Khandavprastha – a futile forest. However, they turned it into a heaven with their hard work.

ધૃતરાષ્ટ્રએ પણ દુર્યોધનને સમજાવીને સન્માર્ગે વાળવાનું પોતાનું પિતા તરીકેનું કર્તવ્ય બજાવવાને બદલે પાંડવો પ્રત્યે અશુભબુદ્ધિ રાખી. કુટુંબમાં વડીલ જ પોતાના કર્તવ્યને ચૂકે તો તેનું પરિણામ કુટુંબકલેશ વિના બીજું શું આવે ? તે કલેશ ક્રમશઃ વધતાં છેવટે યાદવાસ્થળીમાં અને સર્વનાશમાં પરિણમે.

મહાભારત તેની સાક્ષી પૂરે છે. પ્રતીતિ કરાવે છે.

કર્ણના વિચારો પણ જાણવા જેવા છે. એણે કહ્યું કેઃ

“તારી સમજ બરાબર નથી. તે પહેલાં પણ સૂક્ષ્મ ઉપાયોથી તેમને વશ કરવા પ્રયત્ન કર્યા હતા, પણ તેમને અધીન કરી શક્યા નથી. તેઓ અહીં તારી સમીપમાં હતા, પક્ષ વિનાના હતા, છતાં તેમનો બાધ કરી શકાયો નહીં. હવે આજે તેમનો પક્ષ થયો છે, તેઓ વિદેશમાં છે, અને સર્વ રીતે વૃદ્ધિ પામ્યા છે, એટલે વશ થાય એમ નથી, એવી મારી માન્યતા છે. દૈવીશક્તિથી સમર્થ થયેલા અને બાપદાદાની ગાદી ઇચ્છતા તેમને આપણે આપત્તિઓમાં નાખી શકીશું નહીં. તેમનામાં પરસ્પર ફાટફૂટ પડાવવી એ પણ શક્ય નથી. કૃષ્ણાને પાંડવોથી વિરક્ત કરવી એ પણ બની શકે એમ નથી. પાંચાલનરેશ દ્રુપદરાજ આર્યવ્રતવાળો છે. ધનનો લોભિયો નથી. એને સઘળું રાજ્ય આપવાથી પણ તે કદી કુંતીપુત્રોનો ત્યાગ કરશે નહીં. તેનો પુત્ર ગુણવાન અને પાંડવોમાં પ્રીતિવાળો છે.”

“પાંડવો જ્યાં સુધી દૃઢમૂલ થયા નથી, ત્યાં સુધી તને ગમે તો તેમના ઉપર પ્રહાર કર્યા કરીએ. જ્યાં સુધી આપણો પક્ષ મોટો છે અને પાંચાલનો પક્ષ નાનો છે, ત્યાં સુધી યુદ્ધનો પ્રારંભ કરીને તેમને મારવાનો પ્રારંભ કરી દેવો. જ્યાં સુધી પાંચાલરાજ પોતાના મહાવીર્યવાન પુત્રો સાથે રણસંગ્રામ માટે તૈયારી ના કરે, ત્યાં સુધી તમે પરાક્રમ પ્રદર્શાવો, જ્યાં સુધી વૃષ્ણીવંશી શ્રીકૃષ્ણ પાંડવોના રાજ્યને સારુ પોતાની યાદવસેના લઇને પાંચાલદેશની રાજધાની તરફ ના આવે ત્યાં સુધી તમે પરાક્રમને પ્રદર્શાવો. શ્રીકૃષ્ણ પોતાની ધનસંપત્તિ, ભોગસામગ્રી કે રાજ્ય સુધ્ધાં પણ પાંડવોને માટે ઓવારી નાખે તેમ છે.”

“ક્ષત્રિયોને માટે પરાક્રમ જ પ્રશંસાપાત્ર છે. પરાક્રમ જ શૂરવીરોનો સ્વધર્મ છે. તારી મોટી ચતુરંગી સેનાથી દ્રુપદને મરડીને પાંડવોને અહીં શીઘ્ર લઇ આવીએ. પાંડવો સામ, દામ કે ભેદથી વશ થાય એમ નથી; તેથી પરાક્રમપૂર્વક તેમનો નાશ કરો. તેમને પરાક્રમથી જીતીને અખિલ પૃથ્વીનો ઉપભોગ કરો.”

કર્ણના શબ્દોને સાંભળીને ધૃતરાષ્ટ્રની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એણે એને શાબાશી આપી, કર્ણ ! સૂતનંદન ! તારા જેવા પરમ બુદ્ધિશાળી શસ્ત્રવિદ્યામાં નિપુણ વીરની પાસેથી આવાં જ વચનોની આશા રાખી શકાય.

ધૃતરાષ્ટ્રના એ ઉદગારો સૂચવે છે કે એના અંતરમાં પાંડવો પ્રત્યે સહાનુભૂતિ નહોતી. કટુતા, ઇર્ષા તથા દુર્ભાવના ભરેલી.

એના કહેવાથી ભીષ્મે અને દ્રોણે પણ પોતાના વિચારો દર્શાવ્યા. ભીષ્મે સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું કેઃ

“પાંડુપુત્રો સાથે વિગ્રહ કે ઘર્ષણ કરવાની વાત નકામી છે. મારાથી તેવી વાતને અનુમોદન નહિ આપી શકાય. ધૃતરાષ્ટ્ર ને પાંડુ મારા છે તેમ કૌરવો અને પાંડવો મારા છે. મારે એમને રક્ષવા જોઇએ. એ મારા, તારા, દુર્યોધનના ને સર્વે કુરુઓના હોવાથી તેમની સાથે સંઘર્ષ કરવાનું યોગ્ય નથી. તે વીરો સાથે સંધિ કરીને એમને અડધું રાજ્ય આપવું જોઇએ. કેમકે આ રાજ્ય એમના પણ કુરુશ્રેષ્ઠ પૂર્વજોનું છે. રાજ્યને દુર્યોધન પોતાના પિતાનું માને છે તેમ પાંડવો પણ માને છે. તે યશસ્વી પાંડવોને જો રાજ્ય ના મળે તો તે દુર્યોધનનું કે બીજા કોઇનું પણ કેવી રીતે થઇ શકે ? હે ભરતોત્તમ, તેં જે રાજ્યને અધર્મથી મેળવ્યું છે તેને પાંડવોએ ન્યાયદૃષ્ટિથી પ્રથમથી જ પ્રાપ્ત કર્યું છે. તું એમને અડધું રાજ્ય નહિ આપે તો અપકીર્તિ અને અહિત થશે. અપકીર્તિવાળુ જીવન વ્યર્થ હોવાથી કીર્તિનું રક્ષણ કર. કીર્તિ જ પરમબળ છે. કીર્તિ નાશ પામતી નથી ત્યાં સુધી માનવ જીવે છે. કીર્તિનો નાશ થતાં નાશ પામે છે. પાંડવો જીવતા છે તે તો તારા પરનું કલંક ટળ્યા બરાબર છે. રાજ્યના સમાન અધિકારી હોવા છતાં એમને અધર્મથી દૂર કરવામાં આવ્યા છે એ ઉચિત નથી.”

દ્રોણે જણાવ્યું : “ભીષ્મે જે મત દર્શાવ્યો છે તે મારો પણ છે. કુંતીપુત્રોને એમનો ભાગ મળવો જોઇએ. કોઇ પ્રિય બોલનારા મનુષ્યને પાંડવો માટે પુષ્કળ રત્નો લઇને દ્રુપદને ત્યાં જલદી મોકલો. તે મનુષ્ય દ્રુપદ પાસે જાય અને કહે કે તમારી સાથેના સંબંધથી અમારી ઉન્નતિ થઇ છે. ધૃતરાષ્ટ્ર તથા દુર્યોધન પ્રસન્ન થયા છે. તેણે કુંતીપુત્રોને તથા માદ્રીસૂતોને સાંત્વન આપવું. તારી આજ્ઞાથી દ્રૌપદીને સુવર્ણનાં અનેક ઉજ્જવલ આભૂષણો આપવામાં આવે. દ્રુપદપુત્રો માટે, પાંડવો માટે, તેમજ કુંતીને માટે યોગ્ય વસ્તુઓ મોકલાય. પાંડવો અને દ્રુપદને સાંત્વનાનાં વચનો કહીને દૂતે પાંડવોને અહીં આવવા વિશે કહેવું. પાંડવોને આવવાની રજા મળે એટલે દુઃશાસન અને વિકર્ણ તેમને અહીં લાવવા માટે સુંદર સેના સહિત સામે જાય. તમારા તરફથી સત્કાર પામીને તે પાંડવો પ્રજાની અનુમતિથી પિતૃઓની રાજગાદીએ વિરાજે. તારા પુત્રો માટે અને પાંડવો માટે આ જ વ્યવહાર કરવો યોગ્ય છે.”

કર્ણને ભીમ તથા દ્રોણની સલાહ ના ગમી. એણે ધૃતરાષ્ટ્રને અને દુર્યોધનને એમનાથી સાવધાન રહેવા માટે જણાવ્યું.

દ્રોણે કર્ણને પાંડવો પર અકારણ દ્વેષ ના રાખવા અને પોતાના તથા ભીષ્મના ઉપર મિથ્યા દોષારોપણ ના કરવાની સૂચના કરી. વધુમાં જણાવ્યું કે હું તો કુળનો ઉત્કર્ષ થાય એવું પરમહિતકારી વચન કહું છું. એથી જો વિપરીત કરવામાં આવશે તો કુરુઓ જોતજોતામાં વિનાશ પામશે એવો મારો નિશ્ચયાત્મક અભિપ્રાય છે.

વિદુરે ધૃતરાષ્ટ્રને કર્ણના વિરોધી વચનોને લક્ષમાં ના લેવાની, દ્રોણ અને ભીષ્મની વાતને માનવાની, તેમજ પાંડવોને અન્યાય કરીને એમની સાથે વેર ના બાંધવાની સલાહ આપી.

“દ્રોણે અને ભીષ્મે તમને સર્વોત્તમ અને શ્રેયસ્કર શબ્દો કહ્યા છે. એમના કરતાં તમારા સાચા વિશેષ મિત્ર બીજા કોણ છે ? એ બંને વયમાં, વિદ્યામાં, બુદ્ધિમાં વૃદ્ધ છે. એમનો તમારી ઉપર અને પાંડુપુત્રો પ્રત્યે સદભાવ અને સમભાવ છે. એમણે અગાઉ પણ તમને કશું અકલ્યાણકારક કહ્યું નથી ને તમારું અહિત કર્યું નથી. એ તમને સાચી સલાહ શા માટે ના આપે ? એ ધર્મજ્ઞો ધનને માટે કે બીજા કોઇ સ્વાર્થી હેતુની સિદ્ધિ માટે પણ ખોટું કહે તેવા નથી. દુર્યોધનાદિ જેમ તમારા પુત્રો છે તેમ પાંડવો પણ પુત્રો છે. માટે એમની સાથે સદભાવપૂર્ણ સ્નેહમય સારા સંબંધો રહે એ ઇચ્છવા જેવું છે. એમની શક્તિ અસાધારણ હોવાથી એમને જીતવાનું અશક્ય છે. એમના પિતાના રાજ્ય પર એમનો ધર્માનુસાર પ્રથમ અધિકાર છે. એટલા માટે એમની સાથે વેર બાંધ્યું છે એટલે એને આપણા પક્ષમાં લેવાથી આપણા બળની વૃદ્ધિ થશે. દશાર્હ દેશના યાદવો પણ અનેક અને શક્તિશાળી છે. તે સઘળા કૃષ્ણની સાથે જ રહેશે ને જ્યાં કૃષ્ણ હશે ત્યાં જ જય હશે. જે કાર્યને સામથી સાધી શકાય છે તે કાર્યને કયો વિવેકી ને સદબુદ્ધિસંપન્ન પુરુષ સંઘર્ષથી સાધવાની ઇચ્છા રાખે ? નગરની અને જનપદની પ્રજા પૃથાપુત્રો જીવે છે એ જાણીને એમનાં દર્શન માટે ઉત્સુક છે. એમનું પણ ભલું કરો. દુર્યોધન, કર્ણ તથા શકુનિ અધાર્મિક, દુર્બુદ્ધિવાળા અને નાદાન છે. તેમના શબ્દોને કાને ધરતા નહીં. તમને મેં પહેલાં પણ કહેલું કે દુર્યોધનના દુર્બુદ્ધિયુક્ત અપરાધથી સમસ્ત પ્રજા નાશ પામશે.”

ધૃતરાષ્ટ્રને ભીષ્મ, દ્રોણ તથા વિદુરની સલાહ પસંદ પડી. એણે વિદુરને જણાવ્યું કે મારા પુત્રોની પેઠે પાંડવો પણ આ રાજ્યના અધિકારી છે. તેમને, તેમની માતા કુંતી તથા કૃષ્ણા સાથે અહીં સન્માનપૂર્વક લઇ આવ. એ જીવે છે ને દ્રુપદકન્યાને પામ્યા છે એ અતિશય આનંદની વાત છે.

ધૃતરાષ્ટ્રની આજ્ઞાને અનુસરીને વિદુરે પાંડવો પાસે પહોંચવા માટે પ્રયાણ કર્યું. એમણે સાથે રત્નસંપત્તિ લીધી.

એમણે દ્રુપદને, કુંતીને, દ્રૌપદીને, પાંડવોને પ્રેમપૂર્વક મળીને વિવિધ રત્નો અને દ્રવ્યોને અર્પણ કર્યા.

એમણે ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય તથા ભીષ્મ વતી સૌને કુશળ સમાચાર પૂછયા અને રાજા દ્રુપદને પાંડવોને હસ્તિનાપુર આવવાની અનુજ્ઞા આપવા જણાવ્યું.

ત્યાં ઉપસ્થિત રહેલાં પાંડવોના પરમ હિતચિંતક કૃષ્ણની સલાહ લઇને દ્રુપદે પાંડવોને કુંતી સાથે હસ્તિનાપુર જવાની અનુમતિ આપી.

ધૃતરાષ્ટ્રે પાંડવવીરો આવે છે એ સાંભળીને તેમને સત્કારવા સારુ કૌરવોને તથા મહાચાપધારી વિકર્ણને, મહાધન્વી દ્રોણને અને ગૌતમકૃપને સામા મોકલ્યા. મહાબળવાન વીર પાંડવો તે કૌરવાદિથી વીંટાઇને ધીરે ધીરે હસ્તિનાપુરમાં પ્રવેશ્યા. પાંડવોને જોઇને લોકોનાં શોકદુઃખ નાશ પામ્યા. પાંડવોએ ધૃતરાષ્ટ્ર, ભીષ્મ તેમજ અન્ય પૂજનીય ગુરુજનોના ચરણોમાં અભિવંદન કર્યા. સર્વ નગરવાસીઓ સાથે કુશળ સમાચારની વાત કરી. તેઓ ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી રાજભવનમાં રહેવા ગયાં. તેમણે થોડોક સમય વિશ્રામ કર્યો પછી રાજા ધૃતરાષ્ટ્રે તથા શાન્તનુપુત્ર ભીષ્મે તેમને પોતાની પાસે તેડાવ્યા.

ધૃતરાષ્ટ્રે એમને કહ્યું કે ફરી આપણી વચ્ચે વિગ્રહ થાય નહીં તે માટે તમે ખાંડવપ્રસ્થમાં નિવાસ કરો. વજ્રધારી ઇન્દ્રથી રક્ષાતા દેવોની જેમ અર્જુનથી રક્ષણ પામતા ત્યાં વસશો ત્યારે તમને કોઇપણ બાધા કરી શકશે નહીં. તમારા ભાગનું અડધું રાજ્ય મેળવીને તમે બધા ખાંડવપ્રસ્થમાં રહો.

અડધા રાજ્યને મેળવીને પાંડવો ઘોર વનમાં જવા નીકળ્યા. અને ખાંડવપ્રસ્થમાં પહોંચ્યા. પછી શ્રીકૃષ્ણને સાથે રાખીને તે અચ્યુત પાંડવોએ ત્યાં સ્વર્ગ જેવું સુશોભિત નગર બનાવ્યું.

ઇન્દ્રના જેવા તે પાંચ મહાચાપધારીઓને લીધે તે શ્રેષ્ઠ નગર નાગોથી શોભતી ભોગવતી નગરીની જેમ શોભી રહ્યું. વીર કેશવ અને બલરામ તે નગરને વસાવીને પાંડવોની અનુમતિ લઇને દ્વારકા ગયા.

આનું નામ પ્રારબ્ધ. એ કયારે શું કરે છે તે વિશે કાંઇ જ ચોક્કસપણે કલ્પી કે કહી શકાતું નથી. ઘડીકમાં રંક કરે છે તો ઘડીમાં રાય. ઘડીમાં સુખ ધરે છે તો ઘડીમાં દુઃખ. પળમાં પીડા પહોંચાડે છે તો પળમાં પ્રસન્નતા. ક્ષણમાં હસાવે છે તો બીજી ક્ષણે રડાવે છે. પાંડવોનું પ્રારબ્ધ પલટાયું તો તે ફરી વાર હસ્તિનાપુરમાં આવીને રાજ્યને પામ્યા ને સ્થિર થયાં. માનવે કદી પણ આશાને ના છોડવી જોઇએ. આસક્તિ ના કરવી જોઇએ. પુરુષાર્થને ના તજવો જોઇએ. કારણે કે કાલે, ઘડી પછી શું થશે તેની તેની ખબર કોઇની નથી પડતી.

મહાભારતની આટલી વાત પરથી એક વસ્તુ સહેલાઇથી સ્પષ્ટ થાય છે કે ધૃતરાષ્ટ્રનું મન ચંચળ હતું. તે મોટે ભાગે દુર્યોધન તથા કૌરવો તરફ ઢળેલું. ભીષ્મ તથા દ્રોણાચાર્ય અને વિદુર તટસ્થ રહીને સાચી વસ્તુને સમજી શકેલા. એમણે ધૃતરાષ્ટ્રને જે સલાહ આપેલી તે રાગદ્વેષ વગરની, પૂર્વગ્રહથી મુક્ત તથા સાચી હતી. કુટુંબની સુખાકારી તથા શાંતિનો આધાર એના વડીલોની તટસ્થ, નિષ્પક્ષ, સાચી દોરવણી પર અને એને અનુસરવા પર રહેતો હોય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *