પાંડવો યુદ્ધમેદાનમાં
By-Gujju24-05-2023
પાંડવો યુદ્ધમેદાનમાં
By Gujju24-05-2023
{slide=Pandavas in battlefield}
Duryodhan spread his spies to every corner of the earth to know about Pandavas hideout. Duryodhan knew that if he could get hold of Pandavas, he could send them to exile again. Duryodhan’s spies returned without much headway in this regard and added to Duryodhan’s misery. During that time, Susharma, King of Trigarta, met Duryodhan and informed him of Kichaka’s death. He advised Duryodhan to attack King Virata and win over kingdom of Matsya. Karma liked his idea and so did Duryodhan.
They made a plan and accordingly Susharma would attack Kingdom of Matsya from one side and Duryodhan from another side. Following their plan, Susharma first attacked the kingdom of Matsya from his side and Duryodhan’s army abducted King Virata’s cows and challenged him for war from another side. When King Virata was informed about the attack, he wasted no time and prepared his army to retaliate. At the instruction of King Virata, all Pandavas except Arjun joined his army. When the two sides collided in the battlefield, army of Matsya and army of Trigarta attacked each other with all their might. A furious battle saw many warriors bite to dust.
દુર્યોધને પાંડવોની માહિતી મેળવવા મોકલેલા ગુપ્ત દૂતો જુદાં જુદાં ગામો, નગરો, સરિતાના શાંત તટપ્રદેશો, પર્વતમાળાઓ અને અરણ્યોમાં ફરી વળ્યા તોપણ પાંડવોની માહિતી ના મેળવી શક્યા અને નિરાશ થઇને પાછા ફર્યા.
એમણે દુર્યોધન સમક્ષ પોતાની નિરાશા પ્રગટ કરી તેથી દુર્યોધન ચિંતાતુર બન્યો.
એ દિવસો દરમિયાન એક પ્રસંગ બન્યો.
મત્સ્યદેશના તથા શાલ્વદેશોના રાજાઓએ ત્રિગર્તોને અનેકવાર દુઃખી કર્યા હતા. મત્સ્યરાજના સારથિ કીચકે પોતાના બળથી ત્રિગર્તરાજને અને તેના બંધુઓને વારંવાર પીડા આપી હતી. એથી ત્રિગર્તરાજ સુશર્માએ દુર્યોધનને કહ્યું કે તેજસ્વી મત્સ્યરાજે મારા રાજ્યને અનેક વાર રંજાડ્યું છે; ત્યારે બળવાન કીચક તેનો સેનાનાયક હતો. પણ હવે તો ક્રૂર, ક્રોધી, મહાદુરાત્મા, પૃથ્વી પર પ્રસિદ્ધ, પરાક્રમી, પાપકર્મી કીચકને ગાંધર્વોએ મારી નાખ્યો છે. કીચક મરી ગયો છે એટલે વિરાટરાજનો અહંકાર ઓગળી ગયો હશે; આધાર તૂટી ગયો હશે, અને ઉત્સાહ ઓસરી ગયો હશે. આથી તમને સૌને રુચે તો મારે તેના ઉપર ચઢાઇ કરવી જોઇએ. મને લાગે છે કે આ કાર્ય અવશ્ય કરવા જેવું છે. આપણે પુષ્કળ ધાન્યથી ભરેલા તેના રાજ્ય ઉપર ચઢાઇ કરીએ, એનાં રત્નોને તથા વિવિધ ધનોને હરી લાવીએ, અને ગામો, તથા દેશોને કબજે કરીને વહેંચી લઇએ. અથવા તેના નગરને ત્રાસ આપીએ. તેની અત્યંત સુંદર હજાર ગાયોનું હરણ કરીએ. આપણે સેનાના વિભાગ પાડીને તેના પુરુષાર્થને ગૂંગળાવી દઇએ. તેની સમગ્ર સેનાને હણી નાખીને તેને વશ કરીએ.
સુશર્માના શબ્દોને સાંભળીને કર્ણે દુર્યોધનને કહ્યું કે સુશર્માની વાત સમયોચિત, સુંદર અને આપણા હિતની છે. આપણે સેનાને સજ્જ કરીએ, સૈનિકના જુદા જુદા વિભાગો પાડીએ, અને ચઢાઇ કરવા નીકળીએ.
સૂર્યપુત્ર કર્ણનાં વચનને સાંભળીને દુર્યોધને પોતાની આજ્ઞામાં રહેનારા પોતાના ભાઇ દુઃશાસનને આજ્ઞા કરી કે તું વૃદ્ધો સાથે મંત્રણાઓ કરીને સેનાને સજ્જ કર. આપણે સૌ સાથે મળીને મત્સ્યદેશ ઉપર દક્ષિણ દિશાએથી ચઢાઇ લઇ જઇએ. મહારથી મહારાજ સુશર્મા ત્રિગર્ત યોદ્ધાઓ સાથે સમગ્ર સેનાદળને અને સંપૂર્ણ વાહનોને લઇને પોતાની નક્કી કરેલી દિશાએથી એ દેશ ઉપર આક્રમણ કરે. પ્રથમ સુશર્મા જ સેનાથી વીંટાઇને મત્સ્યદેશ ઉપર આક્રમણ કરશે અને પાછળથી બીજે દિવસે આપણે એકઠા મળીને મત્સ્યરાજના તે સુસમૃદ્ધ દેશ ઉપર ચઢાઇ કરીશું.
સુશર્માએ કૃષ્ણપક્ષની સાતમને દિવસે ગાયોનું હરણ કરવા વિરાટનગર પર ચઢાઇ કરી. બીજે દિવસે કૌરવોએ એકસાથે આવીને આક્રમણ કર્યું અને વિરાટરાજનાં હજારો ગોધણોને કબજે કર્યા.
તે વખતે કુંડળધારી ગોપોનો અધ્યક્ષ મહાવેગે નગરમાં આવ્યો.
મત્સ્યરાજને જોઇને તે રથમાંથી કૂદી પડ્યો.
વિરાટરાજની પાસે જઇને તેણે પ્રણામ કર્યા અને તેને સર્વ સમાચાર સંભળાવ્યા.
મત્સ્યનરેશે મત્સ્યયોદ્ધાઓની સેનાને તૈયાર કરી.
દેવ જેવા રૂપવાળા સેંકડો મહારથી યોદ્ધાઓ પોતપોતાનાં કવચોને પહેરીને યુદ્ધને માટે સજ્જ થઇ ગયાં.
રાજાની સૂચનાને અનુસરીને ચપળ મનવાળા શતાનીકે ધર્મરાજ, ભીમ, નકુલ અને સહદેવને પણ રથ આપ્યાં.
વિરાટરાજે ઉત્તમ કર્મવાળા પાંડવોને કોમળ અને કઠોર એવાં જાતજાતનાં કવચો આપ્યાં. શત્રુનાશન પાંડવો તે કવચોને પોતાનાં શરીર ઉપર ચઢાવીને સુસજ્જ થઇ ગયાં.
ચાર કુરુશ્રેષ્ઠ પાંડવો સોનાથી શણગારેલા રથોમાં બેસીને વિરાટરાજની પાછળ જવા લાગ્યા.
વિરાટરાજનું સૈન્ય ભારે શોભા આપી રહ્યું.
મત્સ્યદેશના શૂરા યોદ્ધાઓ નગરમાંથી બહાર નીકળ્યા અને સેનાને વ્યૂહબદ્ધ કરીને તેમણે સૂર્ય અસ્ત પામે તે પહેલાં જ ત્રિગર્તોને પકડી પાડયાં. ત્રિગર્તો અને મત્સ્યો ભારે ક્રોધમાં આવ્યા હતા. તેમને યુદ્ધ કરવા માટે ભારે મદ ચઢ્યો હતો. તે ગાયોને લઇ જવા આતુર હતા. તે એકબીજા સામે ગર્જના કરવા લાગ્યા.
પાળાઓ, રથીઓ, હાથી પર વિરાજેલા યોદ્ધાઓ તથા ઘોડેસવાર યોદ્ધાઓની સેનાના સમૂહવાળો એ સંગ્રામ દેવો અને અસુરો વચ્ચેના સંગ્રામ જેવો થઇ પડ્યો.
તેમાં એક સેના બીજી સેના ઉપર ધસતી હતી અને એકબીજાના સૈનિકોને કાપતી હતી. પૃથ્વી ઉપરથી એટલી બધી ધૂળ ઊડી કે ત્યાં કશું પણ દેખાતું નહોતું. પંખીઓ પણ સેનાઓની ધમાલથી ઊડેલી ધૂળથી ગૂંગળાઇને પૃથ્વી ઉપર પડવા લાગ્યાં. અંતરીક્ષમાં બાણો છવાઇ જવાથી સૂર્ય પણ ઢંકાઇ ગયો. આકાશ આગિયાઓથી ભરાઇ ગયું હોય તેમ શોભવા લાગ્યું.
રણસંગ્રામમાં આવેશમાં આવેલા યોદ્ધાઓ તલવારો, પટ્ટિશો, પ્રાસો, શક્તિઓ અને તોમરો વડે એકબીજાને હણવા લાગ્યા.