Sunday, 22 December, 2024

પાંડવોના વિજયનું રહસ્ય

331 Views
Share :
પાંડવોના વિજયનું રહસ્ય

પાંડવોના વિજયનું રહસ્ય

331 Views

{slide=Secret behind Pandavas win}

Pandavas army was insignificant in number compared to their counterpart Kauravas yet Pandavas were impressive in the battlefield. Dhritarastra wanted to know the reason behind Pandavas success so he turned to Sanjay. In his reply, Sanjay told Dhritarastra that Pandavas were not using any magical powers or dirty tricks but they were fighting with righteousness and integrity. On the other hand, Duryodhan and Kauravas were not morally upright and were protecting injustice. Kauravas planned many plots in past to get rid of Pandavas by unfair means and remained unsuccessful. Now it was their payback time. It was but natural that Pandavas were marching forward in the battlefield of Kurukshetra.

When Duryodhan asked the same question to Kauravas commander-in-chief, Bhishma, his reply was similar. Bhishma reiterated his stand to have good relationship with Pandavas and advised Duryodhan to stop the war. Bhishma said that he did not see anyone in Kauravas camp who could possibly stop the winning streak of Pandavas.

મહાભારતના મહાયુદ્ધમાં કૌરવોની સરખામણીમાં પાંડવોની સૈન્યની અને શસ્ત્રની સ્થૂળ સંપત્તિ પ્રમાણમાં ઘણી ઓછી હતી. પાંડવો દુર્યોધનની કપટકળા જેવી કપટકળાથી પણ મુક્ત હતા. તોપણ યુદ્ધમાં દિનપ્રતિદિન ઉપરાઉપરી  વિજય મેળવતા રહ્યા અને કૌરવસેનાના પરમપ્રતાપી મહાયોદ્ધાઓનો સંહાર કરી શક્યા એ શું સૂચવે છે ? એનું કારણ શું ?

એ પ્રશ્ન ધૃતરાષ્ટ્રના મનમાં પણ અન્ય અનેકની પેઠે પેદા થયો.

ધૃતરાષ્ટ્રે એ પ્રશ્નને એક પ્રામાણિક જિજ્ઞાસુની જેમ સંજય આગળ રજૂ કર્યો.

પોતાના મનોમંથનને વ્યક્ત કરતાં ધૃતરાષ્ટ્રે જણાવ્યું કે દેવોને પણ અતિશય દુષ્કર એવી પાંડુકુમારોની પ્રવૃત્તિ વિશે સાંભળીને મને ખૂબ જ ભય લાગ્યો છે ને વિસ્મય ઊપજ્યો છે.

भयं मे समुहज्जातं विस्मयश्चैव संजय ।
श्रुत्वा पांडुकुमाराणां कर्म देवैः सुदुष्करम् ॥

મારા પુત્રોના પ્રખર પરાજય વિશે સાંભળીને મારા હૃદયમાં ફાળ પડી છે કે હવે શું થશે ? વિદુરના વચનો મને ચોક્કસ રીતે બાળીને ભસ્મ કરી નાખશે. દૈવયોગે બધું તે પ્રમાણે જ થઇ રહેતું જણાય છે. જે સેનાદળોમાં ભીષ્મ જેવા શસ્ત્રાસ્ત્રોના જ્ઞાતા, સર્વથી શ્રેષ્ઠ યોદ્ધાઓ છે તે સેનાદળોનો પણ પાંડવો સંહાર કરે છે. પરમ પ્રતાપવાન પાંડુપુત્રો શા માટે નથી મરાતા ? તેમને કોણે વરદાન આપ્યાં છે અથવા તે કયી વિદ્યામાં પારંગત છે ? આકાશના તારકવૃંદોની પેઠે તે નાશ પામતા નથી અને વધારામાં મારાં સૈન્યોનો સંહાર કરે છે તેથી મારી પીડાનો પાર રહેતો નથી. મારાથી તે સહન થતું નથી. પાંડુપુત્રો મરતા નથી ને મારા પુત્રો નાશ પામે છે તેનું કારણ શું ? ભીમ મારા સઘળા પુત્રોનો સંહાર કરી નાંખશે. રણભૂમિમાં મારા પુત્રોનું રક્ષણ કરી શકે એવો કોઇ વીર નથી દેખાતો. કૌરવોના પરાજયના કારણ વિશે તથા પાંડવોના અત્યાર સુધીના સફળતાસૂચક પરાક્રમના રહસ્ય વિશે હું તને પૂછી રહ્યો છું, તો તું તેનું સ્પષ્ટીકરણ કર.

સંજયે તેનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું કે પાંડવો નથી મંત્રપ્રયોગ કરતા, નથી માયા પાથરતા, તેમ જ નથી ડર બતાવતા. તે તો શક્તિશાળી છે અને સંગ્રામમાં ન્યાયપૂર્વક યુદ્ધ કરે છે. મહાયશને પ્રાર્થી રહેલા એ પૃથાનંદનો પોતાનાં આજીવિકા આદિ સર્વ કાર્યોને સદા ધર્મપૂર્વક જ આદરે છે. ધર્મથી સંપન્ન અને પરમલક્ષ્મીથી યુક્ત એ મહાબળવાન પાંડવો કદી યુદ્ધમાંથી પાછી પાની કરતા નથી. હે મહારાજ ! જ્યાં ધર્મ છે, ત્યાં જય છે, તેથી જ પૃથાપુત્રો રણમાં અવધ્ય છે. તમારા પુત્રો તો દુરાત્મા છે, નિરંતર પાપમાં ખૂંપેલા છે, નિષ્ઠુર છે, અને હલકાં કર્મ કરનારા છે. તેથી જ તેઓ સંગ્રામમાં પરાજય પામે છે. હે રાજન્ ! નીચ માણસોની જેમ તમારા પુત્રોએ પાંડુપુત્રો માટે અનેકાનેક નિર્દય કામો કર્યા છે. પાંડવોએ તમારા પુત્રોના તે સઘળાં અપકૃત્યોને ઉઘાડા પાડયાં નથી છતાં તમારા પુત્રો પાંડુનંદનોને નીચ જ ગણ્યા કરે છે. એ સતત રીતે કરાતા પાપકર્મનું અત્યારે અતિ ભયંકર ફળ મળી રહ્યું છે. તો હવે પુત્રો અને મિત્રો સાથે તમે તેને ભોગવો. કેમ કે સ્નેહીજનોએ સમજાવ્યા છતાં પણ તમે કાંઇ કાને ધર્યું નથી. મરણપથારીએ પડેલો મનુષ્ય જેમ હિતકારી ઓસડને પાછુ ઠેલી દે છે તેમ તમે અમારાં હિતકારી વચનોને ગણકાર્યા નથી અને તમારા પુત્રોના અભિપ્રાયને માનીને પાંડવો પરાજય પામ્યા છે એવું માન્યા કરો છો.

હે ભરતશ્રેષ્ઠ ! તમે મને પાંડવોના વિજય વિશે પૂછો છો તો તેના યથાર્થ કારણને ફરીથી સાંભળો. દુર્યોધનના પૂછવાથી ભીષ્મ પિતામહે આ સંબધમાં જે કહ્યું હતું તે હું તમને મારા સાંભળ્યા પ્રમાણે કહી સંભળાવું છું. પોતાના સર્વ મહારથી ભાઇઓ રણસંગ્રામમાં હારી ગયા છે, એ જોઇને કુરુવંશી દુર્યોધનનું ચિત્ત શોકથી મૂઢ બની ગયું હતું. રાતના સમયે મહાબુદ્ધિમાન ભીષ્મ પિતામહ પાસે તેણે વિનયપૂર્વક જઇને તેમને કહ્યું હતું કે તમે, આચાર્ય દ્રોણ, શલ્યરાજ, કૃપાચાર્ય, અશ્વત્થામા, કૃતવર્મા, સુદક્ષિણ, ભૂરિશ્રવા, વિકર્ણ અને વીર્યમાન ભગદત્ત સૌ મહાપ્રસિદ્ધ મહારથીઓ છે, તેમજ યુદ્ધમાં પોતાના પ્રાણ ઓવારી નાખે એવા કુલપુત્રો છે. તમે સૌ ત્રણેય લોકને પહોંચી શકો એમ છો; છતાં પાંડવોના પરાક્રમ આગળ ટક્કર ઝીલી શક્યા નથી. પાંડવોમાં એવું તે શું છે કે જેથી ક્ષણે ક્ષણે આપણને હાર આપે છે ?

ભીષ્મે દુર્યોધનને જણાવ્યું કે મેં તને ઘણી વાર કહ્યું છે છતાં પણ તે લક્ષમાં લીધું નથી. તું પાંડવોની સાથે સુલેહ કર. તારે માટે અને પૃથ્વી માટે એ જ કલ્યાણકારક છે.  એ પ્રમાણે કરીને તું ભાઇઓ સાથે સુખી થા, શત્રુઓને તાપ આપ, સર્વ ભાઇઓને આનંદ પમાડ, અને આ પૃથ્વીનો ઉપભોગ કર.

શ્રીકૃષ્ણથી રક્ષાયેલા એ પાંડુપુત્રોને જીતી શકે એવો કોઇ પુરુષ આ લોકમાં થયો નથી, છે નહીં અને થશે પણ નહીં.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *